Tari Pidano Hu Anubhavi - 22 in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 22

Featured Books
Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 22

એ દિવસે મને જેટલો આઘાત લાગ્યો હતો, એટલો આઘાત મારી અત્યાર સુધીની જિંદગીના બધા આઘાતોને ભેગા કરે તોય ઓછો પડે.
પહેલા તો મારી વાસ્તવિકતાથી બધા વાકેફ હતા અને આ તો લોકોને છેતરીને મેળવેલું સુખ હતું. એટલે આમાં ડબલ માર પડ્યો. એક તો હકીકત બધાની સામે આવી ગઈ અને બીજું હું કોઈનો સામનો કરવાને લાયક ના રહી.
વિગના સહારે મેં જે કલ્પનાઓ કરેલી, પોતાનામાં જે ફેરફાર જોયેલા અને અનુભવેલા, એને જ મેં મારી નવી દુનિયા માની લીધી હતી. હું વિગને જ મારા જીવનનો સહારો માની બેઠી હતી. એના આધારે મળતા સુખ, માન, કીર્તિ જાણે ક્યારેય મારી પાસેથી ખસવાના જ નથી, એવી મને દૃઢ ખાતરી થઈ ગઈ હતી. વિગના આધારે મળેલા ‘બ્યૂટીફૂલ’, ‘બ્રિલિયન્ટ’ જેવા ટાઈટલને મેં કાયમી માની લીધા હતા. કેટલી મોટી મૂર્ખાઈ હતી એ મારી!
મારું મન ભાંગી પડ્યું હતું. જ્યારે માન જ નહોતું મળતું, ત્યારે અપમાનની ટેવ પડી ગઈ હતી. પણ માનના ડુંગર પર ચઢ્યા પછી હું એવી પટકાઈ કે ફરી પાછી ઊભી જ ના થઈ શકી.
કોલેજમાં બનેલો એ પ્રસંગ મારા માનસપટ પર કોઈ હોર૨ મૂવીની જેમ છવાઈ ગયો. મને કેટલાય દિવસો સુધી વિશ્વાસ જ ના આવ્યો કે આ મારી સાથે શું થઈ ગયું? માંડ માંડ વર્ષો પછી જોશભેર ભણવાનું શરૂ થયું હતું, ત્યાં જ આવો ઝાટકો આવ્યો. હું ફરીથી સાવ એકલી પડી ગઈ.
ઘરમાં મમ્મી સિવાય બીજા બધા સાથે મારી વાતચીત બંધ થઈ ગઈ. વિગથી મને નફરત થવા લાગી. ત્યાર પછી મેં ફરીથી ક્યારેય વિગને હાથ પણ લગાડ્યો નહોતો. હવે બાકી જ શું રહ્યું હતું! કોને દેખાડું મારો બનાવટી ચહેરો!
દાદી ક્યારેક રૂમમાં આવીને મારી સાથે બેસતા, થોડી વાતચીત કરવાનો પ્રયત્ન કરતા પણ મારા તરફથી કોઈ રિસ્પોન્સ ના મળતા તેઓ થાકીને ચાલ્યા જતા.
પપ્પા રોજ સવારે ઓફિસ જતા પહેલા અને ઓફિસથી ઘરે આવ્યા પછી મને એકવાર રૂમમાં આવીને જોઈ જતા. ક્યારેક ‘કેમ છે બેટા?’ એટલું કહેવાની હિંમત કરી લેતા અને રોનક બિચારો મારી પાસે બેસીને એનું હોમવર્ક કરતો. બધાને લાગતું કે હું કંઈક વાત કરીશ, પણ એમને કાયમ નિરાશ જ થવું પડતું. રોનક ક્યારેક મારા માટે સારી સારી ચોકલેટ્સ લઈ આવતો અને મારી બાજુમાં મૂકી જતો. હું મારા રૂમમાં દિવસો સુધી એમ ને એમ જ પડી રહેતી.
બાકી રહી મારી મમ્મી. મમ્મી તો બિચારી કેટલીયેવાર રૂમમાં આંટા મારી જતી. ક્યારેક મારી આંખના ખૂણા પોતાની સાડીના છેડાથી લૂછી જતી અને મને હૈયે વળગાડીને બેસી રહેતી. મહામુશ્કેલીએ એના આંસુને મારી સામે રોકી રાખતી, તો ક્યારેક મારી સામે રડી પણ પડતી. આમ કરતા કરતા એક અઠવાડિયું વીતી ગયું. 
‘સંયુક્તા, બેટા કોલેજ ક્યારથી જવું છે તારે?’ મમ્મીએ એકવાર પૂછવાની હિંમત કરી.
મેં માથું હલાવીને જ ‘ના’માં જવાબ આપી દીધો.
એક-બેવાર ઝંખના અને મીતવાના મોબાઈલ પર ફોન આવ્યા હતા, પણ મે ઉપાડ્યા નહીં. એ બંન્નેએ મેસેજ પણ કર્યા, પણ મેં કોઈ રિપ્લાય ના કર્યો. હું એ દિવસ ભૂલી જ નહોતી શકતી. હું ઈચ્છતી હતી કે મારી યાદશક્તિ જ જતી રહે તો કેટલું સારું.
મને અસહ્ય ગૂંગળામણ થતી, ત્યારે હું બાથરૂમમાં જઈને પાણીનો નળ ચાલુ કરીને જોર જોરથી રડતી. આઈનામાં પોતાનો ચહેરો અને લાલ આંખો જોઈને પોતાની જ દયા ખાતી. ક્યારેક લાગતું કે હું ગાંડી થઈ રહી છું.
લગભગ આઠ-દસ દિવસ પછી એક દિવસ...
‘સંયુક્તા ક્યાં છે?’ બહારથી કોઈએ પૂછ્યું.
‘અંદર જ છે એના રૂમમાં.’ મમ્મીએ કહ્યું.
‘અમે એને મળી શકીએ?’
મારા રૂમ તરફ કોઈના પગલા આગળ વધી રહ્યા હતા. જરાક ખચકાટ સાથે કોઈએ અધખુલ્લા દરવાજાને ખસેડ્યો. સામે મમ્મી હતી. કદાચ મમ્મીએ કોઈને બહાર બેસાડી રાખ્યા હતા.
‘કોણ છે?’ મને ડર લાગ્યો કે કોણ આવ્યું હશે? મને આમ જોઈ જશે તો? 
મારા પરિવાર સિવાય બહારની કોઈ પણ વ્યક્તિને મને મળવા ના દેવાની પપ્પાની સ્ટ્રિક્ટ ઈન્સ્ટ્રક્શન હતી. એમને ભય હતો કે કોઈ મને ના ગમતી કે મને વધારે ડાઉન ફીલ કરાવે એવી વાત કરશે તો મારી હાલત વધારે કફોડી થઈ જશે.
‘બેટા, તારી ફ્રેન્ડ્સ આવી છે.’
‘કોણ ફ્રેન્ડ્સ?’
‘જે પેલા દિવસે તને ઘરે મૂકવા આવ્યા હતા એ બે.’
‘ના.’ મેં મારા માથા પર હાથ મૂક્યો. મારે કોઈને મળવું નથી, એ ભાવ સાથે મેં કપાળે હાથ મૂક્યો. એ સાથે જ મને અહેસાસ થયો કે મેં વિગ નથી પહેરી. મને આવી હાલતમાં એ લોકોએ પહેલા ક્યારેય જોઈ નહોતી. મને ખૂબ શરમ આવતી હતી. પોતાની જાત માટે ઘૃણા ફરીથી ચાલુ થઈ. બીજી જ સેકન્ડે મને વિગ પહેરવાનો વિચાર આવ્યો. મમ્મીએ કબાટમાંથી વિગ કાઢીને મને આપી.
‘નથી જોઈતી મારે.’ મેં મમ્મીના હાથને હડસેલી દીધો.
‘બેટા, એ લોકો કેટલા દિવસથી તને મળવાનું કહેતા હતા. પહેલા આવ્યા ત્યારે મેં એમને ના પાડી હતી કે થોડા દિવસ પછી આવજો.’
‘હું કેવી રીતે મળું એમને?’ મારી આંખોમાં પાછા આંસુ આવી ગયા.
‘સારું હું એમને ના પાડી દઉ છું. તું રડીશ નહીં.’
હું તક્રિયામાં માથું મૂકી રડવા લાગી. એટલામાં કોઈએ રૂમનો અધખુલ્લો દરવાજો ખોલ્યો હોય એવો અવાજ આવ્યો. મેં મમ્મીનો દુપટ્ટો મારા માથા પર વીંટી લીધો.
‘હાય સંયુક્તા.’
મેં ઊંચું જોયું. સામે ઝંખના હતી અને એની પાછળ મીતવા. કદાચ આજે પણ મને મળવા નહીં મળે એમ વિચારીને તે લોકો સામેથી જ રૂમમાં આવી ગયા હતા. એ લોકોનો સામનો કરવાની મારામાં જરાય હિંમત નહોતી. ઝંખના મારા પલંગમાં આવીને મારી નજીક બેઠી. મીતવા થોડું ખચકાતી હતી. તે સામે દીવાલે અડીને ઊભી રહી. મમ્મી ટેન્શનમાં હતી.
‘કેમ છે તું?’ ઝંખનાએ વાત કરી.
મેં કોઈ જવાબ ના આપ્યો. એની સામે જોઈને મેં પાછું નીચું જોઈ લીધું. મમ્મી, ઝંખના અને મીતવા ત્રણેય એકબીજાની સામે જોઈ રહ્યા હતા.
‘આન્ટી, સંયુક્તા ક્યારે કોલેજ આવશે?’ મીતવાને શું બોલવું એની સૂઝ નહોતી પડતી.
‘એ તો ખબર નથી હમણાં.’ મમ્મીએ કહ્યું.
‘સંયુક્તા, તારા જેવી હોશિયાર સ્ટૂડન્ટ આમ ઘરે બેસી રહે એ યોગ્ય ના કહેવાય. જે થયું એ ભૂલી જા.’
‘એટલું સહેલું નથી.’ મારાથી બોલાઈ ગયું.
‘હું સમજી શકું છું પણ એમાં તારો કોઈ ગુનો નથી.’
‘પોતાની જાતને આમ આટલી દુ:ખી ના કર.’ મીતવા માંડ માંડ બોલી. 
મેં એની સામે જોયું, પછી મેં ઝંખનાની સામે જોયું. ઝંખનાએ મારા હાથ પર તેનો હાથ મૂક્યો.
‘મારી એકવાર પણ વાત નહીં માને સંયુક્તા?’
‘બેટા, એ લોકો તને ખાસ મળવા આવ્યા છે. એમને તારા માટે લાગણી છે.’ ત્યાં તો મમ્મી બોલી ઊઠી.
મારી આંખોમાં ફરીથી પાણી ભરાઈ આવ્યા. ઝંખનાએ એ દિવસે આપેલા સપોર્ટ હું ક્યારેય ભૂલી નહીં શકું. આજે પણ એની આંખોમાં મારા માટે દયા અને સહાનુભૂતિ દેખાતા હતા. પણ આજ દયા મને મારા હીનપણાનો વધારે અહેસાસ કરાવતી હતી.
‘બોલ સંયુક્તા, મારી એક વાત માનીશ?’
મેં પ્રશ્નાર્થ સાથે તેની સામે જોયું.
‘કોલેજ આવવાનું પાછું ચાલુ કરી દે. અમે બધા છીએ ને તારી સાથે.’ 
‘હા, ઝંખના સાચું કહે છે. કોઈની હિંમત નહીં થાય કે તારી સામે ખોટી રીતે જુએ.’ મીતવા થોડી આગળ આવીને બોલી.
‘તું તારા મગજમાંથી બધો ભાર કાઢી નાખ.’ ઝંખનાએ મારા ખભા પર હાથ મૂક્યો અને હું તેની સાથે નજર મિલાવું એની રાહ જોવા લાગી.
‘સોરી, આઈ કાન્ટ.’ મેં નીચે જોઈને જ કહ્યું.
‘કંઈ વાંધો નહીં. અમે તને ફોર્સ નહીં કરીએ પણ એક પ્રોમિસ આપ.’
‘તને મન થાય ત્યારે મને સામેથી ફોન કરજે. તું કહેશે ત્યારે હું તને ફરીથી જરૂર મળવા આવીશ.’
‘ઓ.કે.’ મેં શોર્ટમાં પતાવ્યું. મને એ લોકોને અપસેટ કરવા નહોતા, પણ મારી હાલત અત્યારે બીજાનો વિચાર કરી શકું એવી પણ નહોતી.
‘અમે નીકળીએ હવે.’ ઝંખનાએ મીતવા સામે જોઈને કહ્યું.
‘સારું બેટા, થેન્ક યૂ. તમે લોકો આમ ક્યારેક આવતા રહેજો મળવા.’ મમ્મી ગદ્દગદ થઈ ગઈ.
‘બાય, ધ્યાન રાખજે.’ મીતવાએ કહ્યું. 
‘બાય.’
‘ટેક કેર સંયુક્તા.’ આટલું કહી ઝંખના મમ્મીની સામે એક નજર કરીને રૂમમાંથી બહાર ગઈ.
‘ક્યારેય કંઈ પણ કામ હોય તો વિના સંકોચ જરૂરથી કહેજો, આન્ટી.’
બધાના ગયા પછી, હૃદયનો ભાર હળવો થયો ત્યાં સુધી હું રડી. પછી શાંત થઈ. રડી રડીને હું થાકી ગઈ હતી. ફરી મેં રૂમમાં ચારે બાજુ નજર ફેરવી. મારી નજર સ્ટડી ટેબલ પર સ્થિર થઈ. છેલ્લા દસ દિવસથી મારી એક પણ બુક બહાર નહોતી નીકળી. કેટલી ધગશ અને હોંશ સાથે આ જ જગ્યાએ મેં મારા ભાંગેલા અંહકારને ફરીથી જીવાડ્યો હતો.
સતત નેગેટિવિટી ફરી એકવાર મારા પર ચઢી બેઠી હતી. ક્યારેક હું શૂન્યમનસ્ક થઈ જતી, તો ક્યારેક વિચારોના ફોર્સમાં માનસિક રીતે ખૂબ જ થાકી જતી. પાગલ તો ના કહેવાય પણ ભાન ખોઈ બેઠેલા માણસની જેમ હું રહેવા લાગી. મને કોઈ પણ વસ્તુમાં રસ જ નહોતો આવતો.
રાતના નવ વાગ્યા હતા. પપ્પા મારી રૂમમાં આવ્યા. કંઈક કહેવા માંગતા હતા.
‘સંયુક્તા, કેમ છે દીકરા?’
‘ચાલ, બહાર બેસ અમારી સાથે.’ મમ્મીએ કહ્યું.
‘ના, મને અહીંયા જ સારું લાગે છે.’
‘આખો દિવસ રૂમમાં જ બેસી રહીશ, તો કેમ ચાલશે? થોડી બહાર નીકળ. તને ગમતા હોય એવા લોકોને મળ.’ પપ્પાએ કહ્યું.
‘હું કોઈને નથી ગમતી.’ મેં અકળાઈને કહ્યું.
‘એવું નથી. અમને બધાને તું એટલી જ ગમે છે જેટલો રોનક.’ મમ્મી તરત બોલી ઊઠી.
‘તમારી વાત નથી કરતી. હું બહારના લોકોની વાત કરું છું.’ 
‘બેટો, તું દુનિયાને જે નજરે જોઈશ એવી જ તને દેખાશે. જિંદગીમાં શું નથી એના કરતા શું છે એના પર પણ વિચાર કર.’
‘મને આ બધી વાતોમાં કોઈ રસ નથી પડતો. મને કંઈ જ ગમતું નથી.’
‘સારું. ચાલ એ વાત બંધ રાખીએ, બસ.’ પપ્પા મારો મૂડ વધારે બગડે એ પહેલા જ અટક્યા.
‘તને હમણાં કોલેજ જવાનું મન ન થાય તો કંઈ નહીં, પણ કંઈક એવું કર  જેનાથી તું ફ્રેશ થાય. તારો ટાઈમ નીકળે.’ મમ્મીએ મારી પાસે આવીને કહ્યું.
‘મને કોઈ વસ્તુમાં રસ જ નથી આવતો, હું શું કરું?’ હું ઉદ્ધત થતી જતી હતી.
‘સારું, કંઈ વાંધો નહીં. તું એને ફોર્સ ના કરીશ.’ પપ્પાએ મમ્મી સામે જોતા કહ્યું.
‘કાલે મારી સાથે સવારે વોક કરવા આવીશ?’
‘જોઈશ.’ હું કોઈ રીતે બંધાવા નહોતી માંગતી.
થોડીવાર બધા ચૂપ બેસી રહ્યા. મારી પાસે કોઈ વાત નહોતી અને એ લોકો પણ મને મનાવવાનો પ્રયત્ન કરીને થાકી ગયા હતા.
‘મને થાક લાગ્યો છે. મારે સૂઈ જવું છે.’ આમ કહીને મેં એ લોકોને આડકતરી રીતે રૂમની બહાર જવા કહ્યું.
‘સારું, સૂઈ જા શાંતિથી. મમ્મી તારી પાસે જ સૂઈ જશે.’ પપ્પા મારા માથે હાથ મૂકીને ગયા.
મમ્મી મારી સાથે જ રહી આખી રાત. મને સરખી ઊંઘ પણ નહોતી આવતી. હું એક બાજુ પડખું ફેરવીને પડી રહી હતી. મમ્મી મારી પીઠ પર પંપાળતા પંપાળતા આખા દિવસના શારીરિક અને માનસિક થાકના કારણે થોડીવાર પછી સૂઈ ગઈ. નફરત, નિરાશા અને નિસાસાના ભાર હેઠળ મારી પણ આંખ મીંચાઈ ગઈ.
સવારે મમ્મી રોજ મુજબ પોતાના કામમાં પરોવાઈ ગઈ હતી. બા મારી રૂમમાં જ ખુરશી પર બેઠા હતા. મને સાચવવામાં કોઈએ કમી નહોતી રાખી.
‘ઊઠી ગઈ બેટા.’
હું સૂનમૂન બેસી રહી હતી.
‘શું થાય છે સંયુક્તા?’
‘બા, હું પાગલ તો નહીં થઈ જઉ ને?’
અચાનક આવો સવાલ સાંભળીને બા ખુરશીમાંથી ઊઠીને મારી પાસે આવીને બેઠા. પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો અને મને દીવાલ તરફ ઈશારો કરીને એના પર લગાવેલા ભગવાનના ફોટા સામે આંગળી ચીંધી.
‘જો બેટા, એ છે ને. એ આખું જગત ચલાવે છે. એને સોંપી દે તારા દુઃખો.’ 
બાની વાત સાંભળીને ભગવાન સામે જોઈને બે મિનિટ શાંતિ તો જરૂર મળી પણ દુઃખો કઈ રીતે સોંપવા મારે એમને? એ ના સમજાયું.
‘ભગવાન બધું સારું કરશે.’ બા બોલ્યા. 
‘એ તો બેઠા બેઠા વાંસળી વગાડે છે. એ ક્યાંથી મારા દુઃખ લેશે?’ મારાથી ના રહેવાયું.
‘બેટા, આમ ભગવાનનો અનાદર ના કરાય.’
‘મને તમારી વાતો સમજાતી નથી . એ ફોટામાં છે અને હું અહીંયા છું.’ 
‘ભગવાન દુ:ખ આપે છે તો એને સહન કરવાની શક્તિ પણ આપે છે.’ 
‘તમે તો બે બાજુ બોલો છો. એક બાજુ કહો છો કે એને દુઃખો સોંપી દો અને બીજી બાજુ કહો છો કે એ દુ:ખો સહન કરવાની શક્તિ આપશે.’
બા મારી સામે એ રીતે જોઈ રહ્યા, જાણે કોઈ નાસમજ પર તરસ ખાઈને જોતા ના હોય!
આમ તો મારું ફેમિલી મારા કારણે થોડું મૂરઝાયેલું જ હતું. પણ આ વખતે જે થયું એ પહેલા કરતા ઘણું અલગ હતું. થોડા વખત માટે આવેલા ખુશીના દિવસોને એકાએક ગ્રહણ લાગી ગયું હતું.
આમ ને આમ દિવસો વીતતા ગયા. બધાના મને ખુશ કરવાના પ્રયત્નો ફેઈલ થતા ગયા. ધીમે ધીમે મારું ખાવા-પીવાનું પણ ઓછું થઈ જતા મારી તબિયત લથડવા લાગી. મને જીવવામાં કોઈ રસ જ નહોતો રહ્યો.
‘હું તો છોકરી છું, યંગ છું, એટલે મને તો આ સ્વરૂપમાં કોઈ સ્વીકારી જ ના શકે.’ ગમે તે રસ્તે પણ હું પોતાની જાતને નીચી પાડવાનું જ શીખી ગઈ હતી. એમ કહોને કે મને દુ:ખી થવાની અને દુ:ખી રહેવાની આદત જ પડી ગઈ હતી.
વિગના કારણે મારામાં જે આત્મવિશ્વાસ આવ્યો હતો, તેનો અચાનક ભૂક્કો બોલાઈ ગયો. આમાં કોની ભૂલ હતી? મારી જ ને. કારણ કે, મેં એ સ્થિતિને કાયમની ગણી લીધી હતી. બધા મને ખુશ જોવા માગતા હતા. અને હું પણ ખુશ રહેવા માટે દુનિયાભરના ફાંફાં મારીને, કંટોળીને, એકમાત્ર વિગના સહારે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પાછળ અસલ સત્યને ભૂલી ગઈ. એવો આટલો મોટો દંડ?? હવે મારાથી સહન નહોતું થતું.
ઝંખના અને મીતવાએ થોડા દિવસો પછી મને ફોન કરવાના પ્રયત્નો કર્યા. મેસેજ પણ કર્યા, પણ મારા તરફથી કોઈ રિસ્પોન્સ ના મળતા, ધીમે ધીમે તેઓ પણ મારી જિંદગીમાંથી દૂર થઈ ગયા. એ બંને માટે મારા દિલમાં ઉપકારી ભાવ હતો પણ એમની સાથે છેતરપિંડી કરી છે, એવો બોજો મને એમનો સામનો કરવા નહોતો દેતો. હવે હું એવી કોઈ વ્યક્તિને મળવા માંગતી નહોતી જે મને મારા ભૂતકાળની યાદ અપાવે. આમ મેં સારા મિત્રો ગુમાવ્યા.