Bhagvat Rahasaya - 168 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 168

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 168

ભાગવત રહસ્ય-૧૬૮

 

નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું.ધર્મરાજા જવાબ આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા હતા !! ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે.હું પંચાવન વર્ષનો થયો,મને હજુ એકવાર પણ પ્રભુના દર્શન થયાં નથી.

 

મારું જીવન પશુ માફક ગયું. કૂતરો જેમ રોટલા માટે રખડે છે.તેમ પૈસા માટે હું રખડ્યો.પશુની જેમ ખાધું, પશુની જેમ ઊંધ લીધી.વાસના જાગી ત્યારે કામાંધ થયો.મનુષ્ય થઇ જીવનમાં પ્રભુ માટે કોઈ સત્કાર્ય કર્યું નહિ. ધિક્કાર છે મને. મારામાં અને પશુમાં શું ફેર છે? હું હજુ પ્રભુના પ્રેમમાં પાગલ થયો નથી.

પ્રહલાદનો પ્રભુ નામમાં પ્રેમ કેવો હશે ? એની ભક્તિ કેવી હશે ?

જગતમાં મને માન અને પ્રતિષ્ઠા મળ્યા,પણ પ્રભુ મળ્યા નહિ-એ વિચારે હું ઉદાસ છું.

ધર્મરાજા વિચારે છે-કે-મેં ઘણું કર્યું પણ જે કરવાનું હતું તે કર્યું નહિ. ભગવાન માટે મેં કંઈ કર્યું નહિ.

 

શ્રી રામકૃષ્ણ પરમહંસ એક દૃષ્ટાંત વારંવાર આપતા.

એક વખત એક નાવડીમાં સુશિક્ષિત આધુનિક પંડિતો મુસાફરી કરી રહ્યા હતા.

તે હોડીવાળાને પૂછે છે-કે-તમે કેટલું ભણ્યા છો ?

માછી કહે-ભણતર-બણતર કેવું ?અમે તો હોડી ચલાવી જાણીએ.

પંડિતો : તું ઇતિહાસ જાણે છે ? ઇંગ્લેન્ડ માં એડવર્ડો કેટલા થયા –તે તને ખબર છે ?

 

માછી : હું ઇતિહાસ –બિતિહાસ કંઈ જાણતો નથી.

પંડિતો : ત્યારે તો તારી ૨૫% જિંદગી નકામી ગઈ. તને ભૂગોળનું જ્ઞાન છે?લંડન શહેરની વસ્તી કેટલી ?

માછી : મને આવું કોઈ ભૂગોળનું જ્ઞાન નથી.

પંડિતો : તો તારી ૫૦% જિંદગી નકામી ગઈ. તને સાહિત્યનું જ્ઞાન છે ?શેક્સપિયરના નાટકો વાંચ્યાં છે ?

માછી : ના –મેં એવું કશું વાંચ્યું નથી.  પંડિતો : તો તારી ૭૫% જિંદગી એળે ગઈ.

 

એટલામાં સમુદ્રમાં તોફાન ચાલુ થયું.

માછીએ હવે પંડિતોને પૂછ્યું : હવે આ નાવ ડૂબી જાય તેમ લાગે છે. તમને તરતાં આવડે છે ?

પંડિતો : ના અમને તરતાં આવડતું નથી.

માછી : મારી તો ૭૫% જિંદગી એળે ગઈ-પણ તમારાં સર્વની આખી (૧૦૦%) જિંદગી હમણાં જ પાણીમાં જશે.એળે જશે.પછી તો નાવ તોફાનમાં ઉંધી વળી ગઈ-માછી તરીને બહાર આવ્યો.અને પંડિતો ડૂબી ગયા.

 

શ્રી રામકૃષ્ણ કહે છે-કે-સંસાર પણ એ સમુદ્ર છે. કોઈ પણ રીતે આ ભવસાગર તરતાં આવડવું જોઈએ.

એ બતાવે તે જ સાચી વિદ્યા. એને ન શીખતાં –કેવળ સંસારિક વિદ્યાનો પંડિત બની જે અભિમાન કરે છે-તે ડૂબે જ છે.જે વિદ્યા અંતકાળમાં ભગવાનના દર્શન ન-કરાવે તે વિદ્યા ---વિદ્યા જ નથી.

દ્વારકાનાથ પોતે ધર્મરાજાની સભામાં હતા પણ ધર્મરાજા તેમના સ્વરૂપને હજુ જાણતા નથી.

ઠાકોરજીને પોતાના સ્વરૂપને છુપાવવાની ઈચ્છા હોય છે.

 

પરમાત્માને ગુપ્ત રહેવાની ઈચ્છા હોય છે-જયારે જીવને જાહેર થવાની ઈચ્છા રહે છે.

ઈશ્વરે ફૂલો,ફળો..એવી બધી અસંખ્ય ચીજો બનાવી છે-પણ તેના પર ક્યાંય પોતાનું નામ લખ્યું નથી.

મનુષ્ય ધર્મશાળા બંધાવે,નિશાળ બંધાવે-કે મંદિર બંધાવે-પોતાનું નામ તેના પર કોતરી પાડે છે.ઘણા લોકો તોમકાન ઉપર,વીંટી ઉપર શરીર ઉપર પણ નામ લખાવે છે. શરીર પર નામ લખવાની શી જરૂર હશે ?કોણ કાકો એને લઇ જવાનો હતો ?

 

પરમાત્માનું નામ સત્ય છે-લૌકિક નામ મિથ્યા છે.છતાં મનુષ્ય નામ અને રૂપમાં ફસાયેલો છે.મનુષ્ય કોઈ સત્કર્મ,સેવા,દાન કરે છે-પણ તે નામ ના માટે-કીર્તિ માટે કરે છે. અને તેથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે.

શ્રીકૃષ્ણ પોતે ભગવાન છે-પણ તે કદી જાહેર કરતા નથી-કે પોતે ભગવાન છે. શ્રી કૃષ્ણને ગુપ્ત રહેવાની ઈચ્છા છે.પાંડવો સાથે રહ્યા છે-પણ કોઈ તેમને ઓળખી ન શક્યા.કૃષ્ણ કેમ ઓળખાય ?