Bhagvat Rahasaya - 167 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 167

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 167

ભાગવત રહસ્ય-૧૬૭

 

પ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મનમાં ના આવે. કોઈ પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય,

કોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”

 

સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે.જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી –એ જ સંસારમાં સુખી છે.

“ચાહ ગઈ –ચિંતા ગઈ-મનુવા બેપરવાહ, જીસકો કછુ ન ચાહિએ-વહ-જગમેં શહેનશાહ “

સુખ ભોગવવાનો સંકલ્પ થાય,એટલે મનુષ્ય માં રહેલી બુદ્ધિ-શક્તિ ક્ષીણ થાય છે.

પ્રહલાદે વિશિષ્ઠ વરદાન માગ્યું છે. “વાસના જાગે એટલે તેજ નો નાશ થાય છે, કૃપા કરો કે મનમાં વાસના ન જાગે.” ગીતામાં કહ્યું છે-“સર્વ કામ્ય-કર્મો અને સર્વ ઇચ્છાઓનો ત્યાગ-તેને જ મહાત્માઓ સંન્યાસ કહે છે”

 

નૃસિંહ સ્વામી –પ્રહલાદને કહે છે-“જીવ નિષ્કામ બને છે-ત્યારે જીવ જીવભાવ નષ્ટ થાય છે.અને મારા સાથે એક થાય છે. જીવ ઈશ્વરરૂપ બને છે. (આત્મા-પરમાત્માનું મિલન)

મુક્તિમાં પુણ્ય પણ બાધક થાય છે-વિવેકથી પાપ-પુણ્યનો નાશ કર.મારા સ્વ-રૂપનું સતત ધ્યાન કર.

પાપ એ લોઢાની બેડી છે-પુણ્ય એ સોનાની બેડી છે.આ બંનેનો વિનાશ કરી તું મારા ધામમાં આવીશ.”

 

પ્રહલાદ છેવટે કહે છે-નાથ,મારા પિતા તમારી નિંદા કરતા હતા-પણ મારા પિતાની દુર્ગતિ ન થાય તેવી કૃપા કરો.પિતા મારા ગુરુ છે.તેમણે મને મારી નાખવાના પ્રયત્નો કર્યા-ત્યારે જ મને ખાતરી થઇ કે –ભગવાન સિવાય જીવનું બીજું કોઈ નથી.પિતા એ ત્રાસ ન આપ્યો હોત તો હું તમારું ભજન ક્યાં કરવાનો હતો ?”

 

નૃસિંહ સ્વામી કહે છે-તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ મળશે.પિતાની સંપત્તિનો વારસો પુત્રને મળે છે-અને પુત્ર ના સત્કર્મનો વારસો (શ્રેય) માતા-પિતાને મળે છે. તારા જેવા સુપુત્રથી એકવીશ પેઢીનો ઉદ્ધાર થાય છે.(સાત માતૃપક્ષની,સાત પિતૃપક્ષની અને સાત શ્વસુર પક્ષની )

પ્રહલાદ,આજ સુધી કોઈ દૈત્યને મેં ગોદમાં લીધો નથી. પણ તારા જેવા ભક્તને મેં ગોદ માં લીધો છે.ગમે તેવો પણ-પણ તારો પિતા –એ મારા ભક્તનો પિતા છે.તારા જેવો ભક્ત પિતાને તારે એમાં શું આશ્ચર્ય ?”

 

સદપુત્ર જેમ સદગતિ આપે છે-તેમ પુત્રના અનેક પાપને લીધે-માતપિતાની દુર્ગતિ થાય છે.

એક ઉદાહરણ છે.એક હંસ અને હંસી –એક વખત સાંજના સમયે એક ઝાડ પાસે આવ્યા છે.ત્યાં કાગડાનો માળો હતો.હંસે કાગડાને રાત રહેવા દેવા માગણી કરી.હંસી સુંદર હતી. કાગડાની દાનત બગડી. કાગડાની આંખ બહુ ખરાબ હોય છે.શાસ્ત્ર માં તો એવું લખ્યું છે-કે-જેની આંખ ખરાબ હોય તે બીજા જન્મમાં કાગડો થાય છે.

 

કાગડાએ હંસ-હંસીને પોતાના માળા માં રહેવા દીધા.બીજા દિવસે તે હંસીને છોડતો નથી.

કહે છે-હંસી મારી છે.હું હંસીને નહિ છોડું. અને હંસ કહે છે-કે હંસી મારી છે-તારી ક્યાંથી થઇ ?

બંને એ નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ન્યાય કરાવીએ.

કાગડો બહુ હોશિયાર,તે એકલો ન્યાયાધીશને ઘેર-પહેલાં મળવા ગયો.અને ન્યાયાધીશને કહે કે-

તમારાં મરણ પામેલાં માતાપિતા ક્યાં છે તે હું જાણું છું. તમે મારું એક કામ કરો-હું તમારું એક કામ કરીશ.

આવતી કાલે એવો ન્યાય આપજો કે હંસી મારી છે-તો તમારાં માતપિતા કઈ યોનિમાં છે-તે હું બતાવીશ.

 

કાગડો એ પિતૃદૂત કહેવાય છે.તેને મરેલા પિતૃઓ દેખાયછે-એવું કહેવાય છે.

ન્યાયાધીશ લાલચમાં ફસાયા.બીજે દિવસે અસત્ય નિર્ણય આપ્યો.

હવે એ કાગડાને કહે છે-કે મારા માતાપિતા ક્યાં છે તે બતાવ.

કાગડો તેને એક ઉકરડા પાસે કઈ ગયો-અને કહ્યું-આ કીડી તારી મા છે-અને આ મંકોડો તારો બાપ છે.

જેનો પુત્ર ન્યાયાસન પર બેસી ખોટો ન્યાય આપે તેનાં માતપિતાની આવી જ દુર્ગતિ થાય છે.

થોડા દિવસ પછી –તું પણ અહીં કીડો બનીને આવવાનો છે.

 

નૃસિંહ સ્વામી કહે છે-પ્રહલાદ,તું ગભરાઈશ નહિ-તારા પિતાનો ઉદ્ધાર થયો છે.

તારે લીધે એકવીશ પેઢી પવિત્ર થઇ છે.

શુકદેવજી વર્ણન કરે છે-રાજન, હવે તને સમજાયું ને –કે-ભગવાન જે દૈત્યોને મારે છે-તેને તારે પણ છે.

ભગવાન ના મારમાં પણ અત્યંત કરુણા છે. દયા છે.

પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો છે. બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો છે.

નૃસિંહભગવાન ને આનંદ થયો છે-પ્રહલાદ નૃસિંહ સ્વામીને વંદન કરે છે.