ભાગવત રહસ્ય-૧૬૬
નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.”
વિષયોને ભોગવતાં આ સંસારને બનાવનાર ઈશ્વરને ભૂલવાના નથી.સંસારને ભોગદૃષ્ટિથી નહિ પણ ભગવદદૃષ્ટિથી જોઈએ તો સુખી થવાય છે. મનુષ્ય સંસારમાં પાપ છે-એની કલ્પના કરે છે.પણ પોતાના મનમાં કેટલું પાપ છે? તેના વિષે વિચારતો નથી. જગતમાં દેખાતું પાપ મનુષ્ય દૂર કરી શકવાનો નથી,પોતાના મનમાં થી પાપ કાઢે તો પણ ઘણું..!!
એક ઉદાહરણ છે.એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો.રાજા અકબરને આ વાતની ખબર પડી. તેમણે બીરબલને બોલાવ્યો-અને કહ્યું-મારા રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો,જેથી મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે.બીરબલ માથું ખંજવાળે છે.આટલું બધું ચામડું લાવવું ક્યાંથી? એના કરતાં શાહજાદી ના પગ તળે ચામડું રાખીએ તો? તેને મોજડી પહેરાવી દઈએ તો કાંટો વાગે જ નહિ. અને ....શાહજાદી ને મોજડી પહેરાવી દીધી.
જગતમાં પણ કાંટા છે.અને કાંટા તો રહેવાના જ. જેના પગમાં મોજડી છે-તેને કાંટા વાગે નહિ.ઈશ્વરે સંસાર સર્વને સુખી કરવા બનાવ્યો છે. પરંતુ મનુષ્ય તેનો વિવેકપૂર્વક લાભ લેતો નથી.એટલે દુઃખી થાય છે.
એક ગામમાં પાણીની તકલીફ હતી.તેથી તે ગામના એક શેઠે લાખ રૂપિયા ખર્ચ કરી મોટો કુવો બંધાવ્યો.
લોકો જલપાન કરીને આશીર્વાદ આપે છે.એક દિવસ એવું બન્યું કે-રમતાં રમતાં કોઈનો છોકરો કુવામાં પડી ગયો અને ડૂબી ને મરી ગયો. છોકરાનો પિતા તે શેઠની પાસે આવી ફરિયાદ કરવા લાગ્યો અને ગાળો દેવા લાગ્યો.“તમે કુવો બંધાવ્યો-તેથી જ મારો છોકરો મરણ પામ્યો”
શેઠની તો કોઈ એવી ઈચ્છા નહોતી કે કોઈ દુઃખી થાય.
સંસાર એ કુવો છે.તે જીવને સુખી કરવા બનાવ્યો છે. કોઈને ડૂબી મરવા નહિ.
પ્રહલાદ કહે છે-પ્રભુ, આપને ગુનેગાર તો કોણ કહી શકે ? પણ હવે એટલું કહો કે –
સંસારના વિષયોમાં મન ફસાય નહિ-તેનો ઉપાય શું છે ? કોઈ ઉપાય બતાવો.
નૃસિંહ ભગવાન કહે છે-કે-જગતને સુખી કરવા અને વિષયો પજવે નહિ-તેના માટે મેં બે અમૃત બનાવ્યા છે.આ અમૃતનું પાન કરનાર ને વિષયો પજવી શકશે નહિ. તે બે અમૃત છે-નામામૃત અને કથામૃત.
આ બે અમૃત પ્રભુએ બિલકુલ મફત આપ્યા છે. તેના માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી.કૃષ્ણનું નામ તો સ્વર્ગ ના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગના અમૃતનું દેવો પાન કરે છે-પણ તેમને શાંતિ નથી.
ભોગી મનુષ્ય કોઈ પણ દિવસ યોગી થઇ શકતો નથી.કળિયુગ નો માનવ ભોગી છે-તે યોગી થવા જાય તો તેને જલ્દી સફળતા મળતી નથી.તેથી કળિયુગમાં નામામૃત અને કથામૃત એ જ સરળ ઉપાય છે.
સ્તુતિના છેલ્લા શ્લોકમાં પ્રહલાદે છ સાધનો બતાવ્યા છે.જેનાથી પરમાત્માની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે.
પ્રાર્થના,સેવાપૂજા,સ્તુતિ,વંદન,સ્મરણ અને કથા શ્રવણ .
આ છ સાધન વિધિપૂર્વક જે કરે-તેનું જીવન સુધરે છે. તેને અનન્ય ભક્તિ મળે છે.
નૃસિંહ સ્વામી પ્રહલાદને વરદાન માગવા કહે છે-પ્રહલાદ નિષ્કામ ભક્ત છે.તે કાંઇ પણ માંગવાની ઈચ્છા રાખતા નથી. તેમને કોઈ ભોગની ઈચ્છા નથી.કામના નથી.
નૃસિંહ સ્વામી કહે છે-પ્રહલાદ ભલે તારી કંઈ ઈચ્છા નથી, પરંતુ મને રાજી કરવા કાંઇક માગ - - - -