NAVIN NU NAVIN - 8 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | નવીનનું નવીન - 8

Featured Books
Categories
Share

નવીનનું નવીન - 8

નવીનનું નવીન (8)

    રમણની રૂમમાં પતરાંની સિલિંગના ભારને ખમતા લોખંડના પાઈપ સાથે ટીંગાતો એક પંખો અને બારણાંની દીવાલે એક ટ્યુબલાઈટ હતી. બારણાં પાસે સ્વીચબોર્ડ હતું  જેમાં પંખા અને લાઈટની સ્વીચ ઉપરાંત એક પ્લગ અને પ્લગની સ્વીચ હતી. એક ખૂણામાં ત્રણેક ફૂટ ઊંચી અને નવ ઇંચ પહોળી દીવાલ હતી.દીવાલ પાછળ ઊંચો ઓટલો ચણીને બનાવેલી એકદમ સાંકડી ચોકડી, એ ચોકડીમાં એક નળ, એ નળ નીચે પ્લાસ્ટીકની ડોલ હજી હમણાં જ નવીનના પેન્ટ અને શર્ટને ઢાંકીને ઊંધી પડી હતી. એક તૂટેલું ટબ રીંસાઈ ગયું હોય એમ છેક ખૂણામાં ગટરના ઢાંકણા પાસે જઈને આડું પડી ગયું હતું. એ ચોકડીવાળી દિવાલમાં ત્રણ બાય બેનો એક કબાટ હતો એ વર્ષોથી પોતાને બારણાં ચડાવાશે એવી ઠગારી આશા સેવી રહ્યો હતો. કબાટમાં વચ્ચે બે પાટિયા ખોસીને ત્રણ ખાના પાડેલા હતા. નીચેના ખાનામાં રમણની રોજની વપરાશની ચીજો તરીકે એક પિંખાઈ ગયેલું ટૂથબ્રશ, કટાઈ ગયેલું ઉળિયું, પાછળથી કાપીને પહોળી કરી નાખેલી ટૂથપેસ્ટ, એક કપડાં ધોવાનો સાબુ અને એક નાહવાના સાબુનું છેલ્લા શ્વાસ લેતું સપતરું પડ્યું હતું. જે રમણ નહાતો ત્યારે એના હાથમાંથી છટકીને એ ચોકડીમાં સંતાઈ જતું. ઘણીવાર તો રમણથી છુટકારો પામવા એ ગટરમાં પણ જઈ પડેલું, પણ રમણ એને ગમેતેમ કરીને પાછું લઈ આવતો. 

  

  કબાટનું વચ્ચેનું ખાનું સાવ ખાલી હતું, પણ આજે રૂમમાં એક નવો રહેવાસી આવેલો હોઈ ખુશ હતું. ઘણા સમયથી ખાલી રહી રહીને અને ઉપર નીચેના ખાનાના મહેણાટોણા ખમીખમીને એ ખાનું સાવ કંટાળી ગયું હતું. પણ આજે નવીનનો થેલો એ ખાનામાં આવ્યો હતો એટલે હવે એ ખાનાને પણ જીવન જીવવા જેવું લાગતું હતું!

  ઉપરના ખાનામાં રમણનો નાહવાનો ટુવાલ, પાછળના ભાગે હવાઉજાસ અને ઢીલા પડી ગયેલા ઇલાસ્ટિક વાળી ચડ્ડી, ત્રણેક મહિના પહેલા ધોવાયેલી રાતે પહેરવાની લૂંગી અને અઠવાડીએ રહેતી એક રજાએ ધોવાતા ચાલુમાં પહેરવાના એક જોડ કપડાં રમણની બાદશાહીની વાતો કરતા પડયા રહેતા. 

   એ જ દીવાલે એક અભેરાઈમાં રમણના રજાના દિવસે ફરવા અને પિક્ચર જોવા જતી વખતે પહેરવાના બે જોડી કપડા, એક ખાલી થવા આવેલી અત્તરની નાની શીશી, ચાર વર્ષ પહેલાં ખરીદેલા અને આગળના ભાગે અંગુઠાને મોકળાશ આપતા બે જોડી મોજા વગેરે સામાનને સાચવતી એક નાની સૂટકેશ પડી હતી. એક ખૂણામાં પ્લાસ્ટિકની કોથળીમાં કાયમ આરામ ફરમાવતા બુટ પણ રમણના કિંમતી સમાનમાં સામેલ હતા. દિવાલના કોર્નર પર પ્લાસ્ટિકની ડીશ વડે ઢાંકેલું પાણીનું માટલું અને જૂનો સ્ટીલનો ગ્લાસ પાણીયારાની ફરજ બજાવતા હતા.

  બારણાંની બરાબર સામે, લોખંડના પાતળા સળીયાવાળી જાળીવાળા સિમેન્ટના ચોગઠામાં જડેલી બારી હતી જેના બંને બારણાં દરવાજાના બારણાંની જેમ જ જાડા પતરાંમાંથી બનાવેલા હતા. બારીની બાજુમાં કપડાં ટાંગવા માટે એક સ્ટેન્ડ લગાવ્યું હતું જેના એક નકુચામાં અનેક કાણા પડી ગયા હોવા છતાં ફરજમુક્ત થવા ન પામેલી રમણની ગંજી ગળે ફાંસો ખાધો હોય એમ લટકતી હતી.

   એક ગાદલું, એક ગોદડું અને એક શાલ રમણની પથારી તરીકેની ફરજ બજાવતા હતા જેમાં બેઠેલો નવીન રમણની રાહ જોઈ રહ્યો હતો.

   લીંબા કાબાના કડક નિયમો નીચે રહેતા ભાડૂતોને સવાર સવારમાં સફાઈના કામે વળગાડીને રમણ એની ઓરડીમાં આવ્યો ત્યારે નવીન એની રાહ જોઈને જ બેઠો હતો. પાકીટ પેન્ટમાં નહોતું એટલે રમણ પર શંકા કરતા પહેલા નવીનના મનને નવીને ટપાર્યું હતુ. 

'રમણ તો મારા ભાઈ જેવો છે. એના હાથમાં આવ્યું હશે તો તો જરૂર એણે ઠેકાણે મૂક્યું હશે. એ લઈ લે એવો તો નથી જ. બિચારો મને લેવા બસે આવ્યો ને મેં આવતાવેંત પોદળો ચેપીને એને ધંધે લગાડી દીધો. મારા બુટ પણ એણે ધોઈ નાંખ્યા. બાપાએ એને ફોન કરીને મને સોંપ્યો છે એટલે એનામાં કશું કેવાપણું હોય જ નહિ.મારે કંઈ કહેવું નથી, એ જ સામેથી મને આપી જ દેશે' નવીન આવા વિચાર કરતો બેઠો હતો.

      રમણ બારણું ખોલીને અંદર આવ્યો. નવીનની બાજુમાં બેસીને  રમણે નવીનનું ઉતરેલું મોં જોઈ સ્મિત વેર્યું.

"મકાનમાલિક સાલો મોટી આઈટમ છે. પણ હું એનો બાપ છું હમજ્યો? તેં જે માલ હોલસેલના ભાવે રીટેલમાં વેચ્યો એને કારણે બજારમાં તેજી આવી ગઈ. સૌને સરખો ભાગ કરી દીધો.. હે હે હે.." 

  "રમણભાઈ મેં જાણી જોઈને પોદળામાં પગ નોતો મેલ્યો.."

"અરે..ગાંડા.. આપડે પોદળામાં થોડા પગ મેલવી? તું મુંજાતો નહિ, તારું ક્યાંય નામ નય આવે. આ ચોકડીમાં તું બ્રશ કરી લે, અને બાથરૂમમાં નો જાવું હોય તો આંયા નાય લે. પછી ચા પાણી કરીએ.. તું આવવાનો હતો એટલે મેં આજ રજા રાખી છે; તને આજ થોડોક ફેરવું. શેઠને મેં વાત કરી છે, તને શીખવા બેહાડવાનો છે ને!"

"આપડે પેલા ઘરે ફોન કરવો પડશે ને. બાપા ચિંતા કરતા હશે." નવીને કહ્યું.

"હા હા કારખાનેથી કરી દેશું.ચાલ તૈયાર તો થઈ જા." 

 નવીન ચોકડીમાં બ્રશ કરવા બેઠો. રમણની સાવજે ફાડી ખાધેલા ઢોર જેવી ટૂથપેસ્ટમાં આંગળી નાંખીને થોડી પેસ્ટ નવીનના બ્રશ પર લગાવી આપતા કહ્યું, ''રોજ ભુલાઈ જાય છે.એટલે આ બિચારીને છુટકારો મળતો નથી. પણ હવે તું આવ્યો છો એટલે કાલે જ નવી લાવી નાખીએ"  કહી રમણ હસ્યો.

   નવીને ચોકડીમાં પડેલી ડોલ સવળી કરીને એક તરફ મૂકી. બ્રશ કરતા કરતા એણે રમણને કહ્યું,

"આ ચોકડી તો બહુ સાંકડી છે. આમાં નહાતા મને નહિ ફાવે.."

"કંઈ વાંધો નહિ નવીન, તું બાથરૂમમાં જા, મને તો આંય ફાવશે." રમણે એના બ્રશ પર ટૂથપેસ્ટ લેતા કહ્યું.

   "તે હું શું કવ છું રમણભાઈ, રૂમમાં જ સંડાસ બાથરૂમ નો હોય? આ તો બધા વચ્ચે સહિયારૂ લાગે છે. એમાં તો બધા જતા હોય. સાફ કોણ કરે?"

"એના માટે કમાવું પડે ભઈલા. બધી સગવડ પ્રાઇવેટ જોતી હોય તો આખો ગાળો ભાડે રાખવો પડે. હજી આપણી એટલી તેવડ નથી. એટલે હલવી લેવું પડે. આપણે તો આંય ચાર વચ્ચે સિયારું છે ઈ સારૂ જ કેવાય.અઠવાડિયા અઠવાડિયાના વારા પ્રમાણે બધાને સાફ કરવાનું હોય સમજ્યો?"

"પણ મેં કોઈ દિવસ સંડાસ બાથરૂમ સાફ નથી કર્યા. મને એવું નો આવડે અને આવડતું હોય તોય મને એવું કામ તો નો ગમે હો.." નવીને મોઢું બગાડીને કહ્યું.

''તે અમે કંઈ શીખીને નહોતા આવ્યા. માથે આવે એટલે હંધુય આવડી જશે. આ કંઈ આપડું ઘર નથી, આંય તો બધું કરવું પડે. રળવામાં ધ્યાન દેવાનું હોય, બે પૈસા  ભેગા થાય પછી ઘરનું મકાન લઈ લેવાય. ત્યાં સુધી તો બધું કરવું પડે. જા હવે નહાઈ લે. તું નવોનવો છો એટલે થોડું અઘામું લાગે..રે'તા રે'તા તનેય હંધુય ફાવી જશે." કહી રમણે નાહવાના સાબુનું સપતરું અને કપડાં ધોવાનો સાબુ નવીનને આપીને ઉમેર્યું,

"સાબુ પણ આજે નવો લાવી નાંખશું. નહાઈને તારી ચડ્ડી ધોઈ નાંખજે પાછો..આ લે."

"મેં કોઈ દી મારી ચડ્ડી નથી ધોઈ. મને નહિ આવડે.." નવીન નિરાશ થઈ ગયો.

"કંઈ વાંધો નહિ, આજે હું ધોઈ આપીશ, હું ધોઉ ત્યારે તું જોઈ લેજે પછી ફાવી જશે." રમણે કહ્યું.

  રમણને ખબર હતી કે નવીન એના પપ્પાનો એકનો એક દીકરો હતો અને ક્યારેય ઘરની બહાર નીકળ્યો નહોતો. એટલે એને કંઈ ન આવડતું હોય એ સ્વાભાવિક હતું. એના પપ્પાએ એની બધી જવાબદારી સોંપી હતી એટલે નવીનને રમણે જ ઘડવાનો હતો.

  નવીન સાબુ લઈને રમણામાં બનાવેલા કોમન બાથરૂમમાં નાહવા ગયો. નહાતી વખતે એને પાકીટના વિચાર આવતા હતા. હંસાએ કહ્યું હતું એવી રૂમ શોધવાની હતી. જેમાં 'આપડો' સુવાનો રૂમ અલગ હોવો જોઈએ એમ હંસાએ કહ્યું હતું. સુવાનો રૂમ અલગ નહિ હોય તો એની કીધે પરેમ નહિ થાય એમ એ કહેતી હતી. વળી, રૂમ ચોથામાળે ન હોવો જોઈએ અને પતરાવાળી રૂમ તો નો જ હોવી જોઈએ. રૂમની અંદર જ સંડાસ બાથરૂમ હોવા જોઈએ..

રમણ કહેતો હતો કે એના માટે આખો ગાળો ભાડે રાખવો પડે! તો ભલે ને આખો ગાળો ભાડે રાખશું. બાપાને કેશુ એટલે પૈસા આપશે. અમથાય ઈ કમાય છે ઈ કોની હાટુ કમાય છે..હું એમનો એકનો એક દીકરો છું તો મારી માટે જ એમણે બધુ ભેગું કર્યું છે ને! આવા સહિયારા સંડાસ બાથરૂમ મારી હંસા થોડી ધોવે? આમાં તો ગામ આખું નાતું ધોતું અને જાતું હોય..ઈ બધાની ગંદકી મારી હંસા..? ના ના હું એને એવુ કામ તો નહિ જ કરવા દવ. પછી ઈની કીધે પરેમ નો થાય તો મજા નો આવે. ઈ તો રમણભાઈ એકલો છે એટલે આંય પડ્યો રે છે. હું કાંઈ આંય સંડાસ ધોવા થોડો આયો છું?"

  નવીન આવા વિચારો કરતો કરતો નહાતો હતો. રમણ પોતે જે રૂમમાં રહેતો હતો એ રૂમમાં જ નવીન માટે ભાડે લેવા લીંબાને મળવા જવાનું વિચારતો હતો. કાકાએ કહ્યું હતું કે હમણાં સિંગલ રૂમ રાખીશું. પછી નવીન કામ શીખી જાય ત્યારે આગળ વિચારીશું.''

  તો હવે નવીનનો સંસાર આ લીંબા કાબાના મકાનમાં શરૂ થશે?  તમને કેમ લાગે છે??

(ક્રમશ:)