ચડભડ
નીતાબેન રમીલાબેનનાં જુનવાણી વિચારો સામે આત્મસમર્પણ કરીને બેઠા છે. રમીલાબેન આવ્યા ત્યારથી તેમની જીભ આરામ કરવાનું નામ જ નથી લેતી.
"આજની છોકરીઓ પર લાલ આંખ ના રાખીએ ને તો તે ઘરની ઈજ્જત લીલામ કરતા વાર ના લગાડે. એટલે તને ચેતવું છું કે મારી નજરમાં એક સારો છોકરો છે. સારુ ઘર અને સારી નોકરી પણ કરે છે. પાછી સાઈડમાં વિદેશ જવાની તૈયારી પણ કરે છે. જો તેનું કામ થઈ ગયું ને તો..." રમીલાબેન પોતાની વાતો પુરી કરે ત્યાં માનવી આવી પહોંચે છે. તે રમીલાફોઇની વાતો સાંભળી જાય છે.
"મારે હાલ કોઈ લગ્ન નથી કરવા. મારે હજુ ભણવાનું પણ બાકી છે." માનવી રમીલાફોઇની વાતો સાથે અસહમતી દર્શાવે છે.
"આ સંસ્કાર આપ્યા છે તમારી છોકરીને. ફોઈની સામે બોલવાના." ફોઈ મોઢું ચડાવીને નીતાબેનને ફરિયાદ કરે છે.
"મનુ... જા તારા રૂમમાં જતી રહે." મનુ પગ પછાડી પોતાના રૂમમાં જતી રહે છે.
"આહાહા... પાવર તો જો... જાણે સરકારી અમલદાર ના હોય તેટલો તો તારી છોકરીને પાવર છે." રમીલાબેન છીંકણી નાકમાં જોરથી ખેંચતા બોલે છે.
"અરે રમીલાબેન એ હજુ છોકરમતમાં છે. એની વાત મન પર લઈને તમે ગુસ્સો ના કરશો. હું એની સાથે વાત કરી જોઈશ." નીતાબેનની વાત પોતાના રૂમમાં સાંભળી રહેલી માનવી ત્યાંથી વળતો પ્રહાર કરે છે.
"મારે કોઈની વાત નથી સમજવી. એક વાતની સો વાત મારે હજુ ભણવાનું છે. પછી બીજી બધી વાત." માનવીનો સણસણતો જવાબ સાંભળી રમીલાબેન થોડીવાર માટે મૌન થઈ જાય છે.
"જોયું તારી છોકરી જ તારી વાત સાંભળવાની ના પાડે છે. પછી મારી શું વાત સાંભળવાની. હં... હું તો તારી છોકરીનાં સારા માટે આવી હતી. કે તેને સારો છોકરો બતાવી. તારા માથા પરનો બોજ હળવો કરું પણ અહીંયા તો મા પણ તેની દીકરીને કંઈ કહેતી નથી. હું તો આ ચાલી..." રમીલાબેન સોફા પરથી ઉભા થઈ ઘરે જવા નીકળે છે. ત્યારે નીતાબેન તેમને રોકવાનો પ્રયાસ કરે છે.
"શું રમીલાબેન તમે પણ મનુની વાતનું ખોટું લગાડો છો. આજની પેઢીનાં વિચારો આપણી પેઢી કરતા અલગ હોય છે. એમાં કંઈ ખોટું લગાડવાનું ના હોય." નીતાબેન રમીલાબેનનો ગુસ્સો શાંત કરવાની કોશિશ કરે છે.
"આજની પેઢીએ તો સાત સાત પેઢીથી ચાલી આવતા. રીતરિવાજોની પથારી ફેરવી નાખી છે. તું તે પેઢીનો પક્ષ લઈ રહી છે." રમીલાબેન પોતાના ઘરે જવાની તૈયારી કરે છે.
"હું કોઈનો પક્ષ નથી લઈ રહી. બસ..." રમીલાબેન નીતાબેનને વચ્ચેથી અટકાવે છે.
"મારે કંઈ વાત સાંભળવી નથી. હું તો આ ચાલી... પણ જતા જતા તારી છોકરીને કહેતી જાઉં છું કે કોઈ એવું પગલું ના ભરતી જેનાથી તારી મા ને અને ખાસ કરીને મને સમાજમાં મોઢું નીચું કરીને જીવવું પડે સમજી.. " રમીલાબેન ચેતવણી આપીને ઘરની બહાર નીકળી જાય છે.
નીતાબેન રમીલાબેનનાં ગયાં પછી કોઈક વિચારોમાં ખોવાઈ જાય છે. ત્યાં માનવી રૂમમાંથી બહાર નીકળે છે.
"મમ્મી શું વિચાર કરે છે. ફોઈની વાતો મન પર નહિ લેવાની. એમની તો તને ખબર છે ને આખા ગામની પંચાત કરવા જોઈએ છે."
" બેટા તારી વાત સાચી. એ તો એમને હું ઓળખું છું. કંઈ નથી ઓળખતી, પણ તેમની વાતો અમુક અંશે સાચી હતી કે તારું કે આજની કોઈ છોકરીએ ભરેલું ખોટું પગલું આ સમાજમાં નિંદાને પાત્ર બને છે. " નીતાબેનનાં ચહેરા પર ચિંતા ઉપસી આવે છે.
"મમ્મી નિંદા... એ વળી શું.. હં... મને જવાબ આપ. કે કોઈકનાં વિશે કંઈ પણ જાણ્યા વગર સારી કે ખોટી વાતો કરવી તે. તો મમ્મી તે તો લોકો બોલે જાય તેમનું સાંભળીને આપણે તેમનું કહેલું ના કરવાનું હોય. આપણી જિંદગીનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોવું જોઈએ. આપણી જિંદગી કેમ જીવવી, કોની સાથે જીવવી, કેવી રીતે જીવવી તે શું બીજા લોકો નક્કી કરશે? ના. જિંદગી આપણી છે તો આપણી રીતે મોજથી,હસીખુશીથી, આનંદમય જીવવાની હોય. એક તો જિંદગી મળી છે." માનવીએ છોકરમતમાં કરેલી વાત નીતાબેનના હૈયામાં વસી જાય છે.
"વાતો તો સાચી છે એક તો જિંદગી મળી છે. આપણી જિંદગી પર આપણો અધિકાર હોવો જોઈએ કે નહિ બીજાનો." નીતાબેન મનોમન બોલીને મંદમંદ હશે છે.
"મારી મનુ સમજદાર થઈ ગઈ છે. એટલે હવે તો નક્કી કોઈ છોકરો શોધવો પડશે!" નીતાબેન મનુ સાથે થોડીક મસ્તી કરી હસવા લાગે છે.
"શું મમ્મી તું પણ.." માનવી પણ હસવા લાગે છે.
માનવીની નજર ત્યાં ટિપોઈ પર પડેલા ન્યુઝપેપર જાય છે. જે જોઈ તેનાં મગજમાં એક ચમકારો થાય છે.
ક્રમશ :