Nitu - 54 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 54

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 54

નિતુ : ૫૪ (ધ ગેમ ઇજ ઓન) 


નિતુની વાત આગળ વધે એ પહેલાં જ અધૂરી રહી ગઈ. વિદ્યાએ કરુણા અને નિતુની વચ્ચે ગાડી ઊભી રાખી દીધી. તેને જોઈ કરુણા એક બાજુ ફરી ગઈ અને વિદ્યાએ નિતુને કહ્યું , "ચાલ નિતુ, હું તને ડ્રોપ કરી દઉં છું."

"જી! મેડમ." કહી તે જૂઠી મુસ્કાન આપીને તેની ગાડીમાં બેઠી.

ચાલતી ગાડીમાં નિતુએ એક બે વખત ત્રાંસી નજરે વિદ્યાની સામે જોયું; તેનું સમગ્ર ધ્યાન નિતુ તરફ જ હતું; જેવી જ તે તેની સામે જોતી કે તે તેની સામે જોઈને સ્માઈલ આપતી અને તે ગાડીની બહાર રોડ પર ધીમેથી પોતાની નજર સરકાવી લેતી.

તેનાં ઘર સામે તેણે ગાડી ઉભી રાખી પણ નિતુ બેધ્યાન હતી, તેને ખબર ના રહી કે તેનું ઘર આવી ગયું છે.

"નિતુ..."

"હા મેમ..." તે સભાન થતાં બોલી.

"તારું... ઘર આવી ગયું."

તેણે ઘર તરફ જોઈ કહ્યું, "હા..."

"તું ઠીક તો છેને નિતુ?"

"હા મેમ... આઈ એમ ઓલરાઈટ!" તે ગાડીમાંથી બહાર આવી. વિદ્યાએ ગેયર લગાવ્યો કે તુરંત તે જતી રહેશે એવી આશાએ તેણે પોતાનો ફોન તપાસ્યો. એ જ ક્ષણે વિદ્યાએ મિરર ડાઉન કર્યો. નિતુનું મોં ખુલ્લું રહી ગયું અને ફોનને ડમરાંની જેમ હલાવતી તેની સામે જોઈ બંધ હોઠે નિઃસાસો નાખતી હોય એમ જોયું.

વિદ્યાએ તેની સામે જોઈ ફરી સ્માઈલ આપી અને તેની સામે તો ક્યારેક તેના ફોન સામે તાકી રહેલી. બીજી ગતિવિધિ કરવી તેને યોગ્ય ના લાગી અને "બાય..." કહી તેની સામે હાથ હલાવતી તે ઘરમાં જતી રહી.

ઘરમાં આવી તેણે સૌથી પહેલું કામ કરુણાને ફોન કરવાનું કર્યું.

"નીતિકા! તું ઠીક તો છેને?" ફોન રિસીવ કરતાંની સાથે તે ચિંતા વ્યક્ત કરતાં બોલી ઉઠી.

"હા. આઈ એમ ઓકે."

"સોરી યાર, તું મેડમ સાથે ગઈ એટલે તને મેસેજ કરવાનું કે ફોન કરવાનું મેં ટાળી દીધું."

"તે સારું કર્યું. મને લાગે છે કે આપણો પ્લાન એટલો કારગર નહિ થાય."

સામેથી રીપ્લાય આવ્યો, "મેડમની નજર મારા પર છે. તેને હજુ મારા પર શક છે."

"સાવધાન રહેજે કરુણા."

"મારી ચિંતા ના કર નીતિકા. હવે આગળ શું કરવાનું છે એ વિચાર."

"કરુણા, આપણે મેડમ પર નજર રાખવાનું અને તેના કામને જાણવાનું ચાલુ રાખવું પડશે. સૌથી ઈમ્પોર્ટન્ટ નિકુંજ છે. જ્યાં સુધી એ નહિ મળે ત્યાં સુધી આપણાથી કશું નહિ થાય."

"સાચી વાત છે તારી. બસ હવે તું પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ રાખ. સમય જતાં કોઈ રસ્તો જરૂર નીકળશે."

"હમ. ટેક કેર કરુણા." તેણે ફોન કટ કર્યો અને અંદર આવી હિંચકા પર બેસી તેણે ફોન અને પર્સ બાજુમાં મુક્યા. બન્ને હાથ કપાળે રાખી આગળ શું થઈ શકે? તે અંગે વિચારવા લાગી. એટલામાં શારદા ત્યાં આવી તેને કહેવા લાગી, "આજ તો વેલી આવી ગઈને કાંય! હુ ખાઈશ તું? મેં હજુ રાંધવાનું આદરું નથ."

"કંઈ ભી બનાવી નાંખને." પરાણે તે બોલી જાણે કે વધારે સંવાદની લપ ઇચ્છતી નહોતી.

શારદાએ ફરી કહ્યું, "તું તો ક્હે, તારે ખાવું હોય ઈ."

ક્ષુબ્ધ થતાં સહેજ અશાંત અવાજે તે બોલી, "શું મમ્મી તું પણ અત્યારે લાગી ગઈ! એક તો આખો દિવસ કામ કરીને કંટાળી ગઈ છું અને અત્યારે તારું ચાલુ થઈ ગયું. જે બનાવવું હોય તે બનાવી નાંખને, હું જમી લઈશ." ઉભા થઈ તેણે પોતાનું પર્સ અને ફોન લીધો અને રૂમ તરફ ચાલી. તેને ઉતાવળા પગલે દાદર ચડતા જોઈ શારદા અવાક થઈ ગઈ. તે કશું બોલ્યા વિના રસોઈ ઘર તરફ ચાલી.

રૂમમાં પહોંચી બેડ પર પર્સ અને ફોનનો ઘા કરી ખિન્ન થતાં બેસી ગઈ. મોં ખોલી એક ઊંડો શ્વાસ લઈ પોતાની જાતને શાંત કરી. શાંત થતાંની સાથે તેને એ સમજમાં આવ્યું કે તેણે ભૂલ કરી છે. તે મનમાં કહેવા લાગી, "મારે એટલીસ્ટ મમ્મી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી. મેડમનો અને ઓફિસનો ગુસ્સો મેં અમસ્થા જ મમ્મી પર ઉતારી દીધો. કેવું લાગ્યું હશે એને?"

તે ચેન્જ કરી નીચે આવી તો ડાઇનિંગ ટેબલ પર શારદા બંને માટે જમવાની તૈય્યારી કરી રહી હતી. તે કશું કહ્યા વિના ટેબલ પર બેસી ગઈ. તેની સામે ડીસ મૂકી અને શારદાએ બાઉલમાંથી કડચી ભરતાં કહ્યું, "જો તને ભાવતી પંચ-દાળ બનાવી છે."

આશ્વર્ય સાથે તેને પૂછ્યું, "મમ્મી! તું પંચ-દાળ ક્યારે શીખી?"

"કૃતિના ઘરે ગઈ 'તિને, એણે શીખવાડી. મને થયું કે તું આખો દિ' કામ કરી કરીને કઁટાળી જા છો. તો હાંજે આઈવ ને ઈ ટાણે તને ગમતું મળે તો કેવું હારું થઈ જાય, હેં?"

"મમ્મી, સોરી. મેં તારી સાથે આ રીતે વાત કરી."

તેની બાજુની ખુરશી પર બેસી શારદા કહેવા લાગી, "મનેય ખબર છે. તું આટ- આટલું કામ કરે છો તો થાકીન બોલી જવાય. પણ ક્યારેક મન હળવું થાય ઈ હારું. આ વધારાની જંજાળ લઈ શીદને ફરવું?"

શારદાનું આ રીતે વર્તન થતું એટલે તેના મનનો બધો ભાર હળવો થઈ જતો. નિતુએ વ્હાલભરી નજરે મા સામે જોઈ તેની વાતને સ્વીકારી લીધી. અભણ શારદા બીજું કશું વધારે નહોતી સમજી શકતી. પરંતુ પોતાના સંતાનોના મનને સારી રીતે સમજતી. તેણે એક જ વાક્યમાં નિતુના વિચાર બદલી નાંખ્યા.

તે સુવા ગઈ કે કરુણાનો મેસેજ આવ્યો, "નિકુંજના એક ફ્રેન્ડની માહિતી મળી છે. તે સૌથી વધુ એની સાથે જ રહેતો. તેનો  કોન્ટાક્ટ નંબર મને મળ્યો છે. કાલે સાંજે હું તેને મળી શકીશ."

"ઓકે." રીપ્લાય આપી તે મનમાં એટલી આશ્વત થઈ કે કંઈક ભાળ મળી, હવે નિકુંજ સુધી પહોંચી શકાશે.

પોતાનો જૂનો પ્લાન ફેરવી કંઈક નવું કરવાની ફિરાકમાં બંને સહેલીઓ હતી. તેઓ એક એવા સાક્ષને શોધી રહી હતી જેનાથી વિદ્યાનું પાનું ખોલી શકાય. જો કે વિદ્યાનાં કરુણા પર રહેલાં શકને કારણે જોખમ વધી રહ્યું હતું. એટલે તેઓએ ધીમી ગતિએ નિકુંજની શોધ શરુ રાખવી અને એક બીજાથી બને એટલી ઓછી વાત કરવાનું નક્કી કર્યું હતું.

સાંજે ચાર વાગ્યાની કાસ્ટિંગ મિટિંગ માટે કરુણા નીકળી. તેનો પ્લાન શક્ય તેટલી વહેલા મિટિંગ પતાવી નિકુંજના દોસ્ત પાસે જવાનો હતો. પોતાની કેબિનમાં રહેલા કાચની આરપાર નિતુ તેને જતાં જોતી હતી, તો કરુણાએ પણ તેની સામે નજર કરી. અંગુઠો બતાવી તેણે ઓલ ધ બેસ્ટ કહ્યું અને ચાલતા ચાલતા થોડું માથું ઝુકાવતી તે બહાર નીકળી ગઈ.

એ વાતથી બંને અજાણ હતી કે નવીન તેના પર નજર રાખી રહ્યો છે અને વિદ્યાએ તેને મોહરો બનાવ્યો છે. જો કે બાજુમાં જ કામ કરી રહેલા નવીનને એ ખબર પણ ના પડી કે શું થઈ ગયું? તે પોતના કામમાં જ મસ્ત હતો. વિદ્યાએ તેને નજર રાખી બંનેની ખબર આપવા કહ્યું એ હકીકત હતી, પરંતુ તેની પાછળનું કારણ શું છે? એ વાતથી તે અજાણ હતો.

તેના મનમાં સૌથી અગત્યનું જે હતું એ ઊંચી પોસ્ટ પર જવાનું હતું. બે વખત પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ ઓપરેટર બન્યા છતાં તેને સંતોષ નહોતો. એટલે તે તેનાં કામથી નિતુને અને મેડમને ઈમ્પ્રેસ કરવાની તૈય્યારી કરી રહ્યો હતો. છતાં તે હતો તો નવો જ. તેની સામે નિતુ એટલી હોનહાર હતી અને તેને આસિસ્ટ કરવાનો તેને મોકો મળ્યો હતો. માટે નિતુને નીરખી અને તેની પાસેથી શીખાય એટલું શીખી લેવા તે માંગતો હતો, જેથી કરીને આગળ તે પોતાની રીતે બેસ્ટ વર્ક આપી શકે. 

નિતુ બહાર નીકળી ગઈ અને તે પોતાના કામમાં વ્યસ્ત હતો. એવે સમયે વિદ્યાએ નિતુની કેબિનમાં પ્રવેશ કર્યો. તેને જોઈ નવીન ઉભો થઈ ગયો.

"મિસ્ટર નવીન."

"યસ મેમ."

"શું હું જાણી શકું કે નીતિકા ક્યાં ગઈ છે?"

"એ તો હમણાં જ બહાર નીકળ્યા. ક્યાં ગયા છે એ ખબર નથી."

હકારાત્મક માથું હલાવી તે આગળ બોલી, "હમ... અને... કરુણા ક્યાં ગઈ છે?"

"એ તો મને ખબર નથી."

"સરસ."

"હું તો મારું કામ કરતો હતો મેડમ. શું થયું?"

તે નિતુની બાજુમાં બેઠો હોવા છતાં તેને નિતુ કે કરુણા, બેમાંથી કોઈની ખબર નહોતી વિદ્યા એ સમજી ગઈ. સાથોસાથ બંનેની ગેર હાજરી તેના મનમાં સવાલ ઉભા કરી રહી હતી.