લોબીમાં આવેલો લીંબો લાલપીળો થઈને તાડુંક્યો,
"કોણ આ નીસના પેટનો પોદળો ચેપીને મારા મકાનમાં ઘૂસ્યો સે અતારના પોરમાં..કોના ઘરે ઈ ગુડાણો સે…એ….ઝટ બાર્ય કાઢો ઈને..અને હમણે કવ ઈ આ તમારી મા…"
ધડાધડ બધા ભાડૂતોએ ઘરના દરવાજા ખોલ્યા.. અડોશપડોશમાં પણ લીંબાના પડકારાના પડઘા પડ્યા. જેટલા ઉઠી ગયા હતા એ બધા તરત બહાર નીકળ્યા. લીંબાના ઘર આગળ થોડીવારમાં તો ટોળું થઈ ગયું. ઉપરના માળે લોબીની બંને બાજુ બે બે રૂમો હતી. લોબીના છેડે ઉપર જવાનો દાદર હતો. એ આખી લોબીમાં નવીનના પેન્ટ અને બુટના તળિયે ચોંટી રહેવામાં નિશ્ફળ રહેલો પોદ ક્ષતવિક્ષત થઈને જ્યાં જગ્યા મળી ત્યાં ચોંટેલો હતો.
ભાડૂતોને મકાનમાં વેરાયેલા માલ વિશે કોઈ માહિતી નહોતી. લીંબાની રાડ સાંભળીને રઘવાયા થઈને એ બધા ચપ્પલ પહેરવા પણ થોભ્યા વગર ફટાફટ દાદર ઉતર્યા. બે જ મિનિટમાં દરેકની ઘાણેન્દ્રિયોએ પોદનો પમરાટ પારખીને મગજને સંદેશા પહોંચાડ્યા. પગના તળિયે ચેતાતંતુઓ હરકતમાં આવીને કોઈ ચીકાશયુકત પદાર્થ ચોટવા પામ્યો હોવાની માહિતી મોકલવા લાગ્યા.
તાજા જ જાગેલા મગજે આંખોને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા.
જેટલા પણ બહાર નીકળ્યા હતા એ તમામ પોદળો પીલી ચુક્યા હતા. ખુદ લીંબાના પગે પણ ઘણો માલ મકાનમાલિકની શરમ ભર્યા વગર ચોંટ્યો હતો.
"કોના ઘરે આયો સ આ પોદળો?"
લીંબાએ આતંકવાદી ઘુસી આવ્યો હોય ત્યારે લશ્કરના વડા જવાનોને પૂછે એવા કડક આવજે ભેગા થઈ ગયેલા ભાડુતોને પૂછ્યું. દરેક જણ નાક દબાવીને ચુપચાપ ઊભો હતો.
આજુબાજુવાળા પણ 'શું થયું, શું થયું' એમ પૂછીને કુતુહલ પ્રગટ કરતા મકાનમાં ઘુસી રહયા હતા. ઓટલા આગળથી જેટલા પસાર થયા એ દરેકના પગના તળિયે પોદે સમાનભાવ દાખવ્યો હતો.
દસ મિનિટના કોલાહલને અંતે તમામ હાજર રહેવાસીઓને જે ઘટના બની હતી એનો સાચો ખ્યાલ આવ્યો હતો. મજકુર મકાનમાં ઘુસી આવેલો પોદ પ્રચારક ક્યાં સંતાયો છે એ શોધવાનું કામ મુખ્ય હતું એ ખ્યાલ આવતા જ ભાડુતોમાં હડકંપ મચ્યો હતો.
વિમુ લોબીના બારણે ઊભી ઊભી એના ટૂંકા હાથ, લાંબાટુંકા કરી કરીને મકાનમાં ઉતરી આવેલી પોદાફ્તનું પ્રસારણ કરી રહી હતી.
"હું તો હજી રસોડામાં ભાખરી કરું.. હંકન…તાં આ ટીનકીએ રાડ્ય પાડી.. અમારે ઈને હવારની નિહાળ સે તે રોજ વે'લી જ ઉઠે હો..તે સે ને…કોક બે જણા આયા.. રાતે કોણ જાણે ચ્યારે ગાવડું પોદળો કરી જયું હશે..ગાયું..ઉ….તો..સે ને અમારા ઘર મોર્ય આવીને જ ઊભી રેય, સુ ક..રોટલા મળી રેય ને..તમારભય તો ચ્યારેક કંટાળીન ના પાડે પણ ગાય તો માતા કેવાય ક ને? તે સે ને હું કાયમ રોટલા નીરૂ હો.. હંકન..ખોટું નય બોલું…તે ચ્યારેક ગાવડીયું પોદળો કરી જાય..તે નો કરે? આપડે બે રોટલી ખાધી હોય તો હવારહવારમાં નથ ધોડવું પડતું? તે ઈનેય જાવુ તો પડે ને! જીવ માતર હરખા જ હોય..ખાય ઈ જાય..ઈમાં કાંય ખોટું નય..પણ કોક આંધળીનો હવાર હવારમાં આયો ને પોદળો ચેપીને મકાનમાં ઘરી જ્યો સે. તમારભય ચયારના રાડયું પાડેસ પણ બાર્ય નિહરતો નથી. તે ચ્યાંથી નેહરે.. તમારભય બવ ખાટા સે. મારતા તો મારશે પણ આખું મકાન ઢહડી ઢહડીને ધોવરાવશે..હંકન..!"
ગોકુલનગર સોસાયટીમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે છેલ્લી શેરીમાં લીંબા કાબાના મકાનમાં પોદળો ચેપાણો છે.જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ લોકો લીંબા કાબા શું એક્શન લે છે એ જોવા આવવા લાગ્યા. બધા કામ પડતા મૂકીને વિમુ ઓટલે આવીને નવા આવનારને પોદળો કેવી રીતે ચેપાયો એનો અહેવાલ આપવા લાગી.
આ બધું નીચે જામ્યું હતું. લીંબો દર ત્રીજી મિનિટે હાકલ કરતો હતો પણ આગળ વધતો નહોતો.કારણ કે આગળના માર્ગે જ્યાં જ્યાં નજર લીંબાની ઠરે ત્યાં ત્યાં પોદળાએ એની યાદી ભરી દીધી હતી. ત્રીજા માળ સુધીના ભાડૂતો સાવચેતીથી પગલાં મૂકી મૂકીને લીંબા પાસે આવી ગયા હતા. એ કોઈના ઘેર મહેમાન આવ્યો નહોતો. એટલે ત્રીજા માળ સુધી તપાસ કરવાની રહેતી નહોતી. સૌને ચોથામાળે રહેતા વાંઢાઓ પર શંકા હતી.
નવીન નીચેના માળે જાજરૂમાં ઘૂસ્યો ત્યારે રમણ દાદર પાસે આવીને ઊભો હતો. પોદચેપકની તપાસનો રેલો ચોથા માળે ન આવે તે માટે રમણે ત્રીજામાળેથી જ બુટ હાથમાં લેવડાવ્યા હતા. છતાં રમણ કોઈ કામ કાચું રહેવા દેવા માંગતો નહોતો.
લીંબાની પહેલી રાડ સાંભળીને એ અંદર ભાગ્યો. નવીનના જોડા લઈને ફટાફટ એ ત્રીજા માળના રમણામા આવેલા બાથરૂમમાં પહોંચ્યો હતો. નળ ખોલીને જલ્દી રમણે નવીનના બુટ સાફ કરી નાંખ્યા. એ વખતે જ નવીન હળવો થઈને સંડાસમાંથી બહાર નીકળ્યો. રમણે એને બાવડું પકડીને ખેંચ્યો,
"તું ઝટ હાલ, તેં તો આવતાવેંત ધબધબાટી બોલાવી દીધી ભૂંડા."
રમણે નવીનને રૂમમાં પુરીને એના બુટ ગાભા વડે લૂછીને બારણાં પાસે મુક્યા. પછી બારણું બહારથી બંધ કરતા પહેલાં એણે નવીનને કહ્યું,
"હું આવું ઈ પેલા બાર્ય નીકળતો નય..તારા પેન્ટબુશર્ટ ગોટો વાળીને મેં ડોલમાં નાંખ્યા છે. ઈ ડોલ રૂમની ચોકડીમાં ઊંઘી વાળી છે; હું મામલો રદેફદે કરીને આવું તાં લગી તું ગોદડું ઓઢીને હુઈ રેજે."
નવીનને પણ નીચે થયેલી બૂમાબૂમ સાંભળીને જલ્દી ઉતરી ગયું હતું. કોઈ ઘોઘરા અવાજે ગાળો ભાંડી રહ્યું હતું. એ બહાર નીકળ્યો ત્યારે રમણને બુટ સાફ કરતો જોઈ નવાઈ પામ્યો હતો. પ્રસંગની ગંભીરતા હવે એને સમજાઈ હતી. પોતાના ભૂસકાનું ભારે માયલું પરિણામ આવેલું જોઈ નવીન ચુપચાપ રમણની પથારીમાં ગોદડું ઓઢીને સુઈ ગયો.
રમણ નીચે આવીને ભાડૂતો ભેગો ઊભો રહી ગયો. ટીના સ્કૂલડ્રેસ પહેરીને સ્કૂલે જવા નીકળી ત્યારે એ લોબીમાં ડોકાઈ. રમણ આગળ ઊભેલા ભાડૂત પાછળ સંતાયો. ટીના ગઈ પછી એણે પેલા ભાડૂત પાછળથી ડોકું બહાર કાઢ્યું.લીંબાના લાલ ડોળા એની પર મંડાયા એટલે રમણ આગળ વધીને હળવેથી બોલ્યો,
"હું હમણે મારા મેમાનને લઈને આયો. ઈ વખતે તો કાંય નોતું..પોદળાવાળા પગલાં તીજા માળ સુધી આવેલા છે. ઈનો અરથ ઈ થિયો કે પોદળાચેપુ ત્રીજા માળે કોકના ઘરે આયો હશે. લીંબાભાય તમે આમ રાડયું નાંખ્યા વગર તીજા માળે તપાસ કરો.." રમણે આફતને એક માળ નીચે ઉતારીને ત્રીજા માળે રહેતા હરિ અને હીરા સામે જોયું. એ બંને સગા પિતરાઈ હતા.
"અમારા ઘરે કોય નથી આયુ. કદાચ સામેવાળા મૂળજી કે મનસુખ બેમાંથી એકાદના ઘરે આયુ હોય તો ખબર નથી. પણ અમારી લોબીમાં કોઈ મેમાનના જોડા તો દેખાણા નથી." હીરાએ ગભરાઈને તરત ખુલાસો કર્યો.
"ચ્યાં મરી જ્યા ઈ બેય..આંય આયા નથી એટલે નક્કી ઈના ઘરે જ ગુડાયો હશે..જાવ ઝટ ઢહડીને હેઠે લાવો ઈને.." લીંબાએ ગર્જના કરી.
"અલ્યા ભાઈ હું તો આંય સૌથી પેલો આવીને ખોડાણો છું..અને મૂળિયો તો ગામડે જ્યો સે.." બેઠી દડીના મનસુખે ટોળા વાંહેથી તરત પોતાની હાજરી પુરાવી.
"તો તો ઈ મૂળિયાનો જ મેમાન હશે. મૂળિયો ઘરે નહિ હોય એટલે બીજે વ્યો ગ્યો હોય ઈમ બનવા પામ્યું હોય ખરું..મૂળિયાના ઘરનાને પુસી જોવું પડે.." રમણે બુમરાણ બારબારું વળાવવાની તક ઝડપી લેતા કહ્યું.
"બોલાવો.. ઈ મૂળિયાની ઘરવાળીને..ઈને કય દો કે ઠેઠ હેઠે હુંધી સાબુ દઈને લોબી ધોઈ નાંખે. નકર આજ ને આજ મકાન ખાલી કરી નાંખે.." લીંબાએ તરત ચુકાદો આપી દીધો.
મૂળિયાની પત્ની મીઠીએ અણધારી આફતને આવતી દીઠી. એ પણ બધી ભાડુઆત સ્ત્રીઓ સાથે ત્યાં જ ઊભી હતી.
"લે..એ..આ તો જો..અમારા ઘરે તો કોય નથી આવ્યું. લે હું શીની ઢહડું.. એ લીંબાભય, તમારા ભાઈ ગામડે ગિયા સે ઈ હાચુ પણ અમારા ઘરે કૂતરો ભયય આયો નથી હમજયા? કોક બીજાના ઘરે તપાસ કરો ભયસાબ.."
"હું કાંય તપાસ કરવા નવરીનો નથી. તમે બધા તપાસ કરો. મળે તો મારી પાંહે લાવજો. નકર બીજા ને તીજા માળવાળા ભેગા થયને બધું ધોઈ નાંખજો..હાલો જાવ બધા આંયથી. ગંધવી માર્યું બધું હવારહવારમાં.." લીંબો નાક દબાવીને ચાલતો થયો.
લીંબો હુકમ કરીને એના ઘરમાં જતો રહ્યો પછી પહેલા, બીજા અને ત્રીજા માળના ભાડૂતો અંદરો અંદર ઝઘડવા માંડ્યા. પહેલા અને બીજા માળના ભાડૂતોએ પોદપગલા ત્રીજા માળે અટક્યા હોવાથી સાફ કરવાની જવાબદારી ત્રીજા માળના ભાડૂતો માથે નાંખી. ત્રીજા માળવાળા હરિ અને હીરો થોડા માથાકૂટીયા હતા. એ લોકો ચોખ્ખી ના પાડીને ચાલતા થયા. આખરે રમણે કહ્યું કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે બધા સાફ નહિ કરો તો પણ તકલીફ આપણને જ પડવાની છે. લોબીમાં અને દાદરમાં આપણે જ ચાલવાનું છે. અમે તો વાંઢા છીએ પણ તમારે બાલબચ્ચાં છે. બચ્ચાઓ કંઈ સમજે થોડા? કોઈ આ પોદને ચોકલેટ સમજીમે મોઢામાં નાંખશે. કોઈ પીલીને તમારા ઘરમાં પલંગ પર ચડી જશે તો આ પોદળો તમારી પથારી સુધી પણ પહોંચી જશે. એટલે ખોટી માથાકૂટ ના કરો. અમારે ચોથા માળવાળાને તો કંઈ લેવા દેવા નથી તોય હાલો હું પાણીની ડોલું નાંખવા તિયાર છવ. કારણ કે હું સ્વચ્છતામાં માનું છું. નિશાળમાં અમને અમારા સાહેબે શીખવાડ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. લ્યો હાલો હવે આંયથી નકામો ઓલ્યો ગાળ્યું કાઢશે.." રમણે લીંબાના ઘર તરફ હાથ લાંબો કરીને કહ્યું.
"રમણની વાત સાચી છે ભાયો. આપણે બધા માંયમાંય બાધીશું તોય પોદળો તો પડ્યો છે ઈ પડ્યો છે. એટલે હાથહાથ સંધાય મંડી પડીએ તો ઘડીકમાં થઈ જશે." હરિએ વાતનો તોડ કાઢતા કહ્યું. પછી રમણને કહે, "રમણ તારી વાત સાચી છે ભાઈ.તારે કંઈ લેવા દેવા નથી તોય તેં મદદ કરવાની તિયારી બતાવી. પણ અમારે સમજવું જોવે. તું જા તારે..અમે બધા હમણે સાફ કરી નાંખશું."
"કે'તા હોય તો કરાવું તમતમારે. આપડે કંઈ એવુ નથી. આ તો એક નાનું પોદળુ છે; ગામડે ઉકરડેથી છાણના ગાડા ભરીને ખેતરમાં ઠલવ્યા છે. ખેડુના દીકરા છવી કાંય વાણીયા બામણ થોડાક છવી?"
"બવ હાચુ કીધું..અમને હંધાયને સદબુધી હુજાડી. તું જા ભાઈ અમે કરી નાખવી છઈ." પહેલામાળવાળા નરેશે કહ્યું.
ભાડૂતો કામે લાગ્યા.રમણ સાચવીને પગ મુકતો મુકતો મનોમન પોતાને શાબાશી આપતો ઉપર જતો રહ્યો.
રમણ રૂમ બહારથી રૂમ બંધ કરીને ગયો પછી નવીનને યાદ યાદ આવ્યું હતું કે પેન્ટના ખિસ્સામાં રૂપિયા ભરેલું પાકીટ હતું. ઝડપથી ઉઠીને નવીને ચોકડીમાં ઊંધી વાળેલી ડોલમાંથી પેન્ટ કાઢીને એના ખિસ્સા તપસ્યા હતા. પાકીટ ન મળવાને કારણે નવીન વિચારમાં પડ્યો હતો.
'રમણિયાએ જ લઈ લીધું હશે. ના ના ઈ આવું કરે એવો નથી. પેન્ટ ધોવું પડે એમ છે એટલે પાકીટ એણે સાચવીને મૂક્યું હશે. હમણે આવે એટલે આપી દેશે..'
નવીન રમણની રાહ જોઈને બેઠો હતો.
(ક્રમશઃ)