NAVIN NU NAVIN - 3 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | નવીનનું નવીન - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નવીનનું નવીન - 3


"મૂકી આવ્યા? હરખું હમજાવ્યું તો છે ને ઈને? કોઈ હંગાથ હતો બસમાં? સાવ એકલો જાય છે પણ આમ કાંઈ વાંધો તો નો આવે ને? બસમાં બેહી જાય પછી તો ઠેઠ સુરત જઈને જ ઉતરવાનું છે એટલે કાંઈ વાંધો તો નો આવે, પણ રાતે જયો સે એટલે થોડીક ચિંતા થાય, પણ બસમાં તો સુઈ જાશે એટલે કાંય વાંધો નઈ. એની બાજુમાં કોઈ બેઠું'તું? તમે ઈને જરીક ભલામણ કરી છે ને? આમ તો આજુબાજુમાં'ય સારા માણસો જ હોય એટલે કાંઈ વાંધો નો આવે. બધા નવીનની જેમ સુરત હીરા ઘંહવા જ જાતા હોય ને બિચાડા. ઈય ઈમના માબાપને મૂકીને હાલી નીકળ્યા હોય એટલે નવીનને સંગાથ મળી જ રિયો હશે. પણ તમે પાસું પોગીને તરત ફોન કરવાનું કીધું તો છે ને? જો કે તમે ભૂલ્યા નો જ હોવ ઈ મને ખબર્ય જ છે એટલે કાંઈ વાંધો નો આવે !"

  નવીનની બા પોતે જ શંકા અને સમાધાન બંને કરી રહ્યાં હતા.દરેક મૂંઝવણને ''કાંઈ વાંધો નો આવે" ની હકારાત્મક થિયરી એમણે અપનાવી હતી.આખરે એ પણ એક મા હતી ને!

"ઈ તો બેહી ગ્યો'તો. બારી પાંહે જ ઈની સીટ હતી. મેં હંધુય હમજાવી દીધું છે એટલે તું ચિંતા નો કરતી. ઈ સવારમાં તો પોગી હોતાં જાશે. હું કાલ્ય દુકાને વહેલો વ્યો જાશ. ઈ ઉતરીને તરત ફોન કરશે તો પાસું દુકાને કોઈ ફોન નઈ ઉપાડે તો નકામું ઈને ઉપાધિ થાશે !" કહી બાપા હાથપગ ધોવા ચોકડીમાં ગયા.

  હંસાએ થાળી પીરસી. આજે હંસાને નવો પ્રદેશ જીતવા સેનાપતિને મોકલ્યો હોય અને એ જીતીને જ આવવાનો હોય ત્યારે કોઈ મહારાણીને જે આનંદ થાય એ આનંદની સુરખી એના ચહેરાને હસુ હસુ કરાવી રહી હતી. એની ચાલમાં આજ ઉમળકો હતો. ઘરનું બધું જ કામ આજે એણે કરી નાખ્યું હતું. સાસુમાને ખાટલે પરથી નીચે પણ ઉતરવા દીધા નહોતા !

જમવા બેસેલા બાપાએ વહુનો ઉત્સાહ પારખ્યો હતો. આઝાદી મળવાની હોવાના સમાચાર પ્રસારિત થયા પછી ગુલામદેશમાં વ્યાપી જતી ખુશીઓની લહેરો હંસાના હૈયામાંથી ઉભરાઈને આખા ઘરમાં ફરી વળેલી એ

વૃદ્ધત્વને આંગણે આવી ઉભેલા બાપુજીને ઉડીને આંખે વળગતી હતી.

"વહુબેટા, તમે હવે સુરત જાશો. આમ તો સારું જ થયુ તમે નક્કી કર્યું એ. નહિતર હું જ તમને બેયને મોકલવાનો વિચાર કરતો હતો. કારણ કે ગામમાં રહીને નવીન કાંઈ નવીન કરવાનો નહોતો. મેં દુકાનમાં આખી જિંદગી ખેંચી નાખી,અમારા સમય પરમાંણે અમે જીવ્યા છીઈ. તમારા સમય પરમાંણે તમારેય જીવવું હોય. પણ દીકરી મારા બે વેણ કોઈ દી ભૂલશો નહિ. નવીનને ધંધો કરવા દેશો તો ઈ બે પૈસા વધુ કમાશે. મહિને બે મહિને એકવાર બાર્ય ફરવા જાવ કે કાંક ફિલમ બીલમ જોવો ઈની ના નથી પણ જીમ બને ઈમ બાર્યનું બવ નો ખાવું. રૂમમાંથી બાર્ય નિહરો અટલે ભૂલ્યા વગર પંખો બંધ કરી દેવો. પાડોશી વેંત નમે એવા હોય તો આપણે હાથ નમવું. શે'રમાં પાડોશી જ પહેલો સગો ગણાય.

પાડોશી હાર્યે સબંધ કાયમ સારો જ રાખવો. નાની નાની વાતું મન પર નો લેવી. કેતી'તી ને કેતો'તોથી દૂર રહેવું. કોઈની નિંદા આપણે ક્યારેય કરવી નહીં. ખાવા પીવામાં અને પે'રવા ઓઢવામાં તાણ નો રાખશો પણ બીનજરૂરી ખરચ નો થાય ઈનું ખાસ ધ્યાન રાખવું."

  સળગતી મીણબત્તીને કોઈ ફૂંક મારે તો એ તરત ઓલવાઈ જાય એમ હંસાનો હરખ ઓસરી ગયો.

હંસાએ તો મનોમન એમ વિચારી રાખેલું કે રોજ સાંજે ચોપાટી જશું, ને ભેળપુરી ખાશું.રોજ રોજ તો નહીં પણ દર રજાએ એક ફિલમ જોવા તો જરૂર જાશું. નવી સાડી પહેરીને હું ને નવીન ફરવા જાશું ને હેય ને જલસા કરશું! પણ સસરાજીએ તો ખુશીઓની ગંજીમાં 'આમ ન કરવું ને તેમ ન કરવું' નો પલિતો ચાંપ્યો હતો.

  હંસાએ હળવેકથી હિબકું વહેતું મૂક્યું. આંસુઓને ગાલ પરથી દડીને નીચે રેલો ચાલે એમ દોડી જવાના તાબડતોબ હુકમો અપાયા. ગળામાંથી હીબકાં સાથે તાલ મેળવી શકે એવા ઝીંણા રાગને નીકળવાનું ફરમાન થયું!

   બાપા બાજરાના રોટલાને કાપતા કાપતા સલાહ આપતા હતા. દુધનું છાલિયું હજી અડધું જ થયું હતું. ગોળનો ગાંગડો થુંકવાળો થઈને ઓગળી જવા તત્પર થયો હતો. શાક પણ હજી બીજા અડધા રોટલાનો સાથ આપવા તૈયાર હતું ત્યાં એમના કાનમાંથી મગજને સંદેશો પ્રાપ્ત થયો કે હંસાવહુ ઝીંણો રાગ કાઢીને હીબકાં ભરી રહ્યા છે માટે સલાહ અને શિખામણનો નળ તાત્કાલિક અસરથી બંધ કરવો! કારણ કે હંસા નામની બાલદીના તળિયે કાણું હોવાથી બધી જ સમજણ ઢોળાઈ રહી છે!

"હજારવાર કીધું છે કે મૂંગા મૂંગા ખાઈ લેવું, પણ શિખામણ આપ્યા વગર એમને ગળે બટકું ઉતરતું નથી. અતારના છોકરાવને હંધિય ખબર્ય પડે છે. કોઈને કાંય કેવાની જરૂર નથી. પણ મારું તો કોઈ હાંભળતું જ નથી આ ઘરમાં !" જે સંભળાવવાનું હતું એ સંભળાવી દેવા છતાં કોઈ ન સાંભળતું હોવાનું સાબિત કરીને બાએ વહુની હીબકાં પ્રવૃત્તિ પર રોક લગાવવાનો પ્રયત્ન કર્યો.

બાપાના મોંમાં ચવાયેલું બટકું ગળા નીચે ઉતરવામાં આનાકાની કરતું થંભી ગયું. વહુંને હીબકાં ભરવા પડે એવા શબ્દોનો જથ્થો તો અકબંધ હતો તેમ છતાં કેમ હીબકાં વહેતા થયા એ બાપાને સમજાયું નહિ. દુધનો ઘૂંટડો બટકાંને ધક્કો મારવામાં મહાઉપયોગી હોવાનું બાપા જાણતા હોવાથી આ તકે સૌથી પહેલું કામ દૂધનો ઘૂંટડો ભરવાનું કરવું જોઈએ એમ સમજી એમણે દૂધનું છાલિયું મોઢે માંડ્યું.

  સાસુમાંની વાત સાંભળીને હંસાએ હારી રહેલા લશ્કરને નવી મદદ આવી રહેલી અનુભવી. હીબકાંએ તરત ડુસકાંનું સ્વરૂપ ધારણ કર્યું અને હંસાના મગજે બંને ચરણોને કૂતરું કરડવા ધસી રહ્યું હોય ત્યારે જે સ્પીડ પ્રાપ્ત કરવાની હોય એ સ્પીડ ધારણ તાત્કાલિક ધારણ કરવા હુકમ છોડ્યો.

  ''પણ બટા હું તો જરાક સમજણની વાત કરું છું. કંઈ તમને વઢતો નથી તે આમ રોવા બેઠાં..!" વહુને પોતાની વાતનું ઓછું આવેલું જોઈ બાપાએ અકળાઈને કહ્યું.

"પણ મૂંગા મૂંગા ખાઈ લેતા તમને શું ઘા વાગે છે ! હજારવાર કીધું છે કે ઈમને કાંય નો કે'વુ. પણ મારું તો..." બાએ ફરી શબ્દોનો કોથળો ઊંચો કરીને પછાડ્યો.

"પણ હું ચ્યાં કાંઈ બોલ્યો છું? મેં ચ્યાં કાંઈ કીધું છે? હું તો બસ જરીક...'' બાપાએ જમવાનું બંધ કરીને પોતાના જીવનરથના જામ થઈ ગયેલા સાથીચક્રને તાકી રહેતા કહ્યું.

''પણ બોલ્યા વગર ખાઈ લેતા હો તો. તમારી આ એક ટેવ મને જરાય ગમતી નથી. પણ મારું આ ઘરમાં કોઈ દી હાલ્યું હોત તો આજ આ દિવસ જોવાનો વારો નો આવ્યો હોત !" બાએ હંમેશા પોતાનું ધાર્યું જ કર્યું હોવા છતાં એમનું ન ચાલતું હોવાનો દાવો સજ્જડ કરી નાંખ્યો.

  બાપાને હવે કાંઈ બોલવા જેવું રહ્યું ન હોવાનું એમની સમજણે જણાવી દીધું. થાળીને હળવા હાથે ખસેડીને એમણે ભોજનને અપૂર્ણ રાખવા માટે બે હાથ જોડીને માફી માંગી. દુધનો વાટકો ઝેરનો ઘૂંટડો પી જતા હોય એમ એક ઘૂંટડે ખાલી કરીને એમણે ચળું કરી લીધું.

''હવે ખાઈ તો લ્યો ? વિચાર કર્યા વગર જીમ ફાવે ઈમ ભખ ભખ બોલી નાખતાં વિચાર કરતા નથી.

પાછા કાંઈક કે'વી અટલે રીંહાઈને ભૂખ્યા ઉભા થઈ જાશે. કાયમ તમે આમ જ કરો છો. અમારે તો કંઈ બોલાતું જ નથી.જરીક કાંક કેવી તો એક હીબકાં ભરીને ભેંકશે ને બીજુ રીંહ ચડાવીને ભૂખ્યું રેશે..! હે ભગવાન ઓલ્યા ભવમાં મેં એવા તે કેવા પાપ કર્યા'તા તે, તેં મને આંય નાખી. આખી જિંદગી મારી ઢહડા કરવામાં જઈ. હવે સુખના દાડા જરીક આવ્યા, તાં વવને શે'રમાં જઈને જલસા કરવા છે. બાપને નકરી શિખામણ દેવી છે કોઈને મારી તો કાંઈ પડી જ નથી.ભલે ને લવ્ય લવ્ય કરે પડી પડી.."  નવીનની બાએ તો બફાટ ચાલુ જ રાખ્યો.

  ઓરડે જઈને નવીનના વિરહમાં જઈ રહેલા જીવને પરાણે પકડી રાખતી હોય એમ હંસાએ સાસુમાંનું 'એક ને શે'રમાં જઈને જલસા કરવા છે..' એ વાક્ય સાંભળતા જ હીબકાંને આવવાની ના પાડી. ચરણોને બહાર તરફ હંકારી જવાનો આદેશ કરીને હંસાએ સાસુજી પર ટંકાર કર્યો.

"હું કાંય શે'રમાં જલસા કરવા નથી જાતી. તમારા દીકરાને આંય નથી ગમતું તે ઈ મને મૂકીને વઈ જ્યાં. હું કાંય વેતા વગરની નથી તે બાપા મને શિખામણ દે છે. મારા તો માગા કરોડપતિના આવતા'તા.

પણ મારા બાપા કોણ જાણે તમારા મીઠા વગરના નવીનમાં શું ભાળી જિયા તે, મને તમારા બે પૈસાય રળવાની તેવડ વગરના દીકરાના ગળે બાંધી. ત્રણ વારા કામ કરીને તો તૂટી મરું છું તોય ઉપર જતાં આમ નો કરવું ને તેમ નો કરવું.." કહી હંસાએ કાગડી બનીને કાળો કકળાટ કરી મુક્યો.

હંસાએ કરેલું સરસંધાન જોઈ બાના મોંમાંથી, લાઈનમાંથી નળ નીકળી જતા પાણીનો ધોધ પડે એમ પડી રહેલા શબ્દો વહેવાનું ભૂલીને થીજી ગયા. બાનું મોં તો ખુલ્લું જ હતું પણ ગળામાંથી એક શબ્દ પણ બહાર નીકળવાની જાણે કે ના પાડવા લાગ્યો. હંસાના સિંહ જેવા શબ્દો આગળ બાના શબ્દો શિયાળીયું સાબિત થઈ રહ્યાં.

"વહુંને ઓછું આવે એવું શીદને બોલ્યા કરો છો. મને મૂંગા રહેવાનું કે છે પણ પોતાને મોઢે બ્રેક નથી.

કંકાસ શીદને કરો છો. ખાવા પીવામાં તાણ નથી પણ લોહી પીવાનું બંધ કરવું નથી કોઈને. હું તો હવે ગળે આવી જ્યો છું. કોઈને કાંય સમજવું જ નથી. બે શબ્દો શિખામણના શું કીધા તે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. વહુ બેટા તમેં તો સમજો. છાના રહી જાવ અને સુઈ જાવ બટા. તારી બાના બોલ્યા સામું નો જોશો. ઈ બચારીએ તમારી સાટું કાંઈ ઓછું નથી કર્યું. જાવ હવે સુઈ જાવ !"

"તો તમેય ભાણેથી ભૂખ્યા શું કામ ઉભા થઈ ગિયા. તમે જો મને તમારી દીકરી હમજતાં હોવ તો પેલા ધરાઈને જમી લ્યો.તમે કીધું એટલે હું રોતી નો'તી. ઈતો ઈતો મને ઈ હાંભરી જ્યા'તા અટલે જરીક...બિચારા બસમાં જાતા હશે..કાલ ઉતરીને કોણ જાણે ક્યારે ખાવા ભેગા થાશે... ઈમ મને વિચાર આવતો'તો. હું કાંય તમને નથી કે'તી.." કહી હંસાએ પોતાની  વિજય પતાકા લહેરાવતી હોય એમ સાડીનો છેડો હવામાં લહેરાવ્યો !

  બા તો બિચારા આ બધું જોઈને કોણ કઈ બાજુ છે એ જ નક્કી ન કરી શક્યા.બાપા વહુનું માનીને તરત થાળી પર બેસીને બટકું તોડી રહ્યાં હતાં.હંસા રસોડામાં જઈ દુધનો બીજો વાટકો ભરી લાવતી હતી.

"જો આને કહેવાય સંસ્કાર! કેવી ડાહી છે મારી દીકરી. મારી કેટલી ઉપાધિ છે ઈને. અને એક આ છે...આખી જિંદગી લપ લપ કરીને સખ્યે ખાવા નો દીધું.." બાપાએ બા તરફ હાથ લાંબો કરીને રોટલાનું બટકું શાકમાં બોળ્યું.

  "ભઈ ભાળી હવે સંસ્કારવાળી." બાએ બધું ઠેકાણે આવતું જોઈ વધુ લપ લપ કરવાનું માંડી વાળ્યું.

  બાપા પણ રાજી થયા અને હંસાએ પણ હાસ્ય વેર્યું.એ વખતે નવીનને લઈને લકઝરી હાઈવે પર ચડી હતી.નવીનનો પડોશી નવીનનું કરી નાખવાની ગોઠવણમાં પડ્યો હતો.

(ક્રમશ:)