Prem thay ke karay? Part - 4 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 4

નોકરી

સુરત :

ઘરનાં ડોરબેલનો અવાજ રસોડામાં કામ કરતા શોભનાબેનનાં કાન સુધી પહોંચતા તેઓ જઈને દરવાજો ખોલે છે.

"મમ્મી... હૂ.... હૂ..." દરવાજામાં ઉભેલો કેવિન તેની મમ્મીને ભેટીને બુમ પાડવા લાગે છે.

"અરે... શું થયું? પણ..." કેવિન તેની મમ્મીનો હાથ પકડી તેને ઝડપથી સોફા પર બેસાડીને પોતાની બેગમાંથી પેડાંનાં બોક્સમાંથી પેડો લઈ તેની મમ્મીનાં મોઢામાં મૂકે છે.

"શે.. નાં...છે. આ પેડાં" શોભનાબેન પેડો ખાતા ખાતા બોલે છે.

"અરે મમ્મી અમદાવાદની એક આઈટી કંપનીમાં મારું સિલેકશન થઈ ગયું છે. મારો સ્ટાર્ટિંગ પગાર 25 હજાર છે." કેવિને સુરતની ખાનગી કોલેજમાં I. T નો અભ્યાસ પૂર્ણ કરી. કોલેજ કેમ્પસમાં આવેલી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેમાં તેનું સારા પગાર સાથે સિલેકશન થઈ ગયું છે જેની ખુશી તેનાં ચહેરા પર ઉછળકૂદ કરી રહી છે.

"શું વાત કરે છે. Congratulation બેટા. જીવનમાં ખુબ આગળ વધો. ખુબ પ્રગતિ કરો. હંમેશા ખુશ રહો. તેવા મારાં આશીર્વાદ." શોભનાબેન કેવિનના  માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપે છે.

"મમ્મી, પપ્પા ક્યા છે?"

"એ બહાર આગાસીમાં છાપું વાંચી રહ્યા છે."

કેવિન પેડાનું બોક્સ લઈ તેનાં પપ્પાની પાસે જઈ તેને મળેલી ખુશીનું કારણ જણાવે છે. જે જાણીને તેઓ આનંદિત થઈ જાય છે.

કેવિનના પપ્પા અજીતભાઈને સુરતમાં એક નાની એવી કાપડની દુકાનનો ધંધો છે. શોભનાબેન હાઉસવાઈફ છે. કેવિન તેમનો એકનો એક દીકરો છે.

"અમદાવાદની કંપનીમાં નોકરી મળી છે એટલે તારે તો સેટ પણ ત્યાં જ થવું પડશે ને?" અજીતભાઈ બપોરે ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા કેવિનને પૂછે છે.

"એટલે કેવિન કાયમને માટે અમદાવાદ સેટ થઈ જશે! ના હો મને કેવિન વગર તો બિલકુલ ના ફાવે." શોભનાબેન કેવિનની થાળીમાં કેવિનની ફેવરિટ ભીંડીની સબ્જી પીરસતા બોલે છે.

"અરે મમ્મી કંપની અમદાવાદની છે જેની બીજી બ્રાન્ચ સુરતમાં પણ છે. મારે અમદાવાદમાં ફક્ત 6 મહિનાની ટ્રેનિંગ માટે જવાનુ છે. 6 મહિના પછી રીટર્ન." કેવિન ભીંડીની સબ્જી અને રોટલીનો કોળિયો પોતાના મોઢામાં મુકતા બોલે છે.

"તો તો વાંધો નહિ."

"હા એ તો ઠીક પણ 6 મહિના રહેવાનું અને જમવાનું એની વ્યવસ્થા?" અજીતભાઈના શબ્દોમાં કેવિનની ચિંતા દેખાઈ આવે છે.

"રહેવાનું તો હું મારાં એક ફ્રેઈન્ડ સાથે P. G માં રહીશ અને જમવાનું પણ ત્યાં આસપાસમાં ટિફિન સર્વિસ બંધાઈ દઈશ."

"લે આ ભીંડીની સબ્જી... અમદાવાદમાં ટિફિન સર્વિસવાળા આવી તને સબ્જી બનાવીને નહિ આપે. લે..." શોભનાબેન કેવિનની થાળીમાં સબ્જી પીરસતા બોલે છે.

"અરે મમ્મી તું ખાલી ફોગટ ચિંતા ના કરે.6 મહિનાની તો વાત છે. એ તો આમ જતા રહેશે."

"તો અમદાવાદ જોઈનીંગ ક્યારે કરવાનું છે?" અજીતભાઈ કેવિનને પૂછે છે.

"આવતા અઠવાડિયે એટલે લે કે સોમવારથી."

"ઠીક છે. અમદાવાદ 6 મહિના ટ્રેનિંગમાં જાવ છોને તો ટ્રેનિંગમાં ધ્યાન આપજો બીજા આડઅવળા કારનામા ના કરતા. એક તો આટલી કૉપિટિશનમાં સારી નોકરી મળી છે તો કરી જાણજો." અજીતભાઈના અવાજમાં એક બાપની અમૂલ્ય ફાયદાકારક ચેતવણી દેખાઈ આવે છે.

"શું તમે પણ... કેવિન નાનો થોડો છે કે ત્યાં જઈને કારનામા કરશે. એને પણ એના પોતાના ભવિષ્યના ચિંતા હોય કે નહિ." કેવિન તરફથી શોભનાબેન પોતાનો પક્ષ રજૂ કરે છે. કેવિન પપ્પાની ચેતવણી મૂંગા મોએ સાંભળી લે છે. કેમ ના સાંભળે બાપ બાપ હોતા હૈ.

"આજની પેઢીને ભવિષ્યને ચિંતા હોતને તો આમ ફાલતુ ખર્ચા ના કરતી હોત. બજારમાં નીકળે તો ખબર પડે કે કેટલા આના જેવા જુવાનિયાઓ કેવા કેવા કાંડ કરતા હોય છે."

"હા બસ હવે. શાંતિથી જમવા દો."

"અરે મમ્મી પપ્પા તમે ખોટી ચિંતા ના કરો. હું કોઈ કાંડ કે કારનામા નહિ કરું. ટ્રેનિંગ પતાવી સીધો જ તમારી નજર સામે હાજર થઈ જઈશ." કેવિન પોતાનો ખુલાસો કરતા બોલે છે. શોભનાબેન તેની વાત સાંભળીને સંતોષ થાય છે.

"તું 6 મહિના ટ્રેનિંગ પુરી કરીને પાછો આવે ને ત્યાં સુધી તારા માટે સારા ઘરની કોઈ છોકરી શોધીને રાખશું.સુશીલ, સંસ્કારી, ભણેલી -ગણેલી, હોશિયાર..." શોભનાબેન ખુલ્લી આંખે સપના જોવા લાગે છે. અજીતભાઈના એક ઓડકારથી શોભનાબેનનું સપનું તૂટી જાય છે.

" મારાં કેવિન માટે તો આ ઘરમાં રાજકુમારી આવશે.રાજકુમારી"


       *                         *                       *


અમદાવાદ :

"મમ્મી લગ્ન કરવા જરૂરી છે?" માનવી મોબાઈમાંથી નજર હટાવી તેની મમ્મીને સવાલ પૂછે છે.

"કેમ?"

"કેમ કે હું પરણીને સાસરે જતી રહે પછી તારું ધ્યાન કોણ રાખશે? " માનવીના શબ્દોમાં સમજણ ઉછળી રહી છે. માનવીની નાં સવાલનો કોઈ જવાબ હાલમાં નીતાબેન પાસે નથી. તે તેમની મૂંગી જીભ કહી આપે છે.

                                                                 ક્રમશ :