happiness in Gujarati Women Focused by Tejas Vishavkrma books and stories PDF | ખુશી

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ખુશી

“વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિંદગી પડી છે. તે એકલી પોતાનું આખું આયખું કેમ કરી કાઢશે? એનો તો જરાંક વિચાર કરો.” સવજીભાઈ વિહાભાઈને વણમાંગી સલાહ આપે છે.
“હા હોં વિહાભાઈ સવજીભાઈની વાત તો સાવ સાચી છે. બનવાનું હતું તે બની ગયું પણ હવે તેનાં ભવિષ્યનો વિચાર કરી. તેનું ભવિષ્ય કેમ કરી સુધરે તે દિશામાં યોગ્ય નિર્ણય લેવો તે જ સાચી માણસાઈ કહેવાય. આમ પણ તેનાં પિયરમાં તેને કોઈનો આધાર નથી.” સવજીભાઈની વાતમાં હા માં હા મિલાવી કમશીભાઈ પણ પોતાનો વિચાર રજૂ કરે છે.
ખુશી એ વિહાભાઈનાં એકનાં એક દીકરા એવા હિંમતસિંહની પુત્રવધુ હતી. 6 મહિના પહેલા જ તેનાં લગ્ન હિંમતસિંહ સાથે થયાં હતાં. 22 વર્ષની વયે હિંમતસિંહ સાથે લગ્ન કરનારી ખુશી તન,મન અને ધનથી ખુબ ખુશ હતી. હિંમતસિંહ એ લશ્કરમાં ફરજ બજાવતો ભારતીય આર્મીનો બહાદુર સૈનિક હતો. લગ્નનાં 6 મહિના પછી હિંમતસિંહનું પોસ્ટિંગ પુલવામામાં થયેલું. એક દિવસ પુલાવામામાં થયેલા આંતકી હુમલામાં દેશનાં 40 સૈનિકો શહીદ થયાં હતાં. તેમાંનો એક જાંબાજ સૈનિક હતો ખુશીનો હિંમતસિંહ.
હિંમતસિંહ આંતકી હુમલામાં દેશ માટે શહીદ થયો છે. તે સમાચાર સાંભળતા જ વિહાભાઈનાં પરિવાર પર દુઃખથી ભરેલું આભ તૂટી પડ્યું હતું. ખુશીની ખુશીઓ જેમાં સમાયેલી હતી તે જ વ્હાલનું વાદળ આજે વિખેરાઈ ગયું હતું. તેને જોયેલા સપના હવે સપના બનીને રહી ગયાં હતાં.
“સવજીભાઈ તમારી વાત તો સાચી છે કે આટલી નાની ઉંમરે વિધવા થયેલી ખુશી માટે આખું જીવન એકલા જ પસાર કરવું એ કંઈ અગ્નિ પરીક્ષાથી કમ નથી, પણ તમને તો આપણા સમાજનાં બંધારણ અને રીતરિવાજોની ખબર છે ને કે સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય પણ તે વિધવા થાય છે. તો તેને સમગ્ર જીવન એકલા જ પસાર કરવું પડે છે.” વિહાભાઈ પોતાની મર્યાદા સવજીભાઈ અને કમશીભાઈ આગળ રજૂ કરે છે.
“વિહાભાઈ તમારી વાત પણ કંઈ ખોટી નથી. તમેં તમારી જગ્યાએ સાચા છો, પણ હવે જમાનો બદલાયો છે. સમય બદલાયો છે. તેની સાથે આપણે પણ બદલવું જરૂરી છે. રીતરિવાજ, બંધારણ આવી કેટલી એ જૂની પરંપરાઓ પણ હવે તો બદલાવા લાગી છે. તો તમે ખાલી સમાજનું વિચારીને બેસી રહેશો. તો સમાજવાળા ખાલી વાતો કરશે. તમને કંઈ આપવા કે લેવા નહીં આવે. એટલે તમે સમાજનાં ખોટા બંધારણને રીતરિવાજને એ બધું છોડી ખુશીની પાછળની જિંદગી સુધરે તે માટે કોઈ સારો છોકરો શોધી તમે જ ખુશીનાં બાપ બની તેનું કન્યાદાન કરાવી તેની જિંદગી સુધારી લો.” સવજીભાઈ એ અંધશ્રદ્ધા, કુરિવાજો વિરુદ્ધ ચાલતી સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિ હતાં. જે વિહાભાઈને એક સાચું માર્ગદર્શન આપી રહ્યાં હતાં.
“હા વિહાભાઈ. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ‘પરિવર્તન એ સંસારનો નિયમ છે.’ તો આપણે તો કોઈકની દીકરીનાં ભલા માટે એનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે નિર્ણંય લઈ રહ્યાં છીએ. નહીં કે તેનાં ખરાબ ભવિષ્ય માટે. જો ખુશીને કોઈ સારુ ઘર મળી જાય તો તે તેનું જીવન સારી રીતે વિતાવી શકે. બાકી.. ખુશીનો નિર્ણંય છેલ્લે તો તમારા હાથમાં છે.” કમશીભાઈ પણ આધુનિક વિચારધારા ધરાવતા કુરિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા વ્યક્તિ હતાં.
કમશીભાઈ અને સવજીભાઈની વાત માની સમાજનાં રીતરિવાજોની વિરુદ્ધ જઈને વિહાભાઈ ખુશીની મંજૂરી લઈ સાબરકાંઠાનાં ડુંગરવાડા ગામમાં રહેતા દેવકરણભાઈનાં દીકરા આનંદ સાથે લગ્ન કરાવી આપી. ખુશીની જિંદગી નવી ખુશીઓથી ભરી દે છે.
12 મહિના પછી....
ખુશી આનંદ સાથે લગ્નજીવનનો સાચો આનંદ માણી રહી છે. આનંદ એક ખાનગી કંપનીમાં રાતદિન એક કરી તેનું અને ખુશીનું ભવિષ્ય ઉજ્જવળ કરવા મહેનત કરી રહ્યો છે. લગ્નનાં સાતમા મહિને ખુશીનાં પેટમાં આનંદનું બાળક વિકાસ પામી રહ્યું છે. ખુશીની જિંદગી હવે ખુશીઓની ટનલ વચ્ચેથી પસાર થઈ રહી છે.
“આજે મારું જમવાનું ના બનાવતી. આજે અમે બધાં મિત્રો બાઈક લઈને પોળો ફોરેસ્ટ ફરવા જવાના છીએ. જેથી આવતાં મોડું થઈ જશે. એટલે તું જમી લેજે.” આનંદ ખુશીનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવે છે.
 “પણ આવા વરસાદમાં જશો. બે દિવસ પછી જાવ તો શું વાંધો છે?” ખુશીનું મન વરસી રહેલા ધોધમાર વરસાદને જોઈને ડરી રહ્યું છે.
“અરે ગાંડી પોળો ફોરેસ્ટમાં ફરવા જવાની મજા આવા વરસાદમાં જ આવે. એકદમ લીલીછમ પથરાયેલી ચાદર જોવાની. તેમનાં વચ્ચેથી વહેતી હરણાવ નદીમાં નાહવાની. વાહ... ” પ્રકૃતિપ્રેમી આનંદ વરસાદનું રૂપ જોઈને પ્રકૃતિને નિહાળવા તત્પર બન્યો છે.
“વહુ બેટા કોઈ ઘરની બહાર જતું હોયને ત્યારે તેને આમ ટોકાય નહીં. અપશુકન કહેવાય.” ખાટલામાં બેસી દાતણનાં કુચા સાથે છીંકણી ખેંચી રહેલા ખુશીનાં સાસુ ખુશી અને આનંદની વાત સાંભળીને ખુશીને ટકોર કરે છે.
ખુશી સાસુને કંઈ જવાબ આપ્યા વગર મલાજો કાઢીને ઉભી રહે છે.
આનંદનાં મોબાઈલ પર તેનાં મિત્ર રોનકનો ફોન આવે છે.
“હેલ્લો.. હા તું ઘરની બહાર આવી ઉભો રહે. હું હાલ જ આવ્યો.. “ આનંદ રેઇનકોટ પહેરી બાઈક ચાલુ કરી પોળો ફોરેસ્ટ જવા નીકળે છે.
“બા હું જાવ છું.”
“હા સાચવીને જજે. જય માતાજી.”
“અને તું પાછી જમી લે જે. ભૂખી ના રહેતી. શું કહ્યું? “ આનંદ બાઈક ડેલામાંથી બહાર કાઢતા એક નજર ખુશી તરફ કરી પોતાની ચિંતા વ્યક્ત કરે છે.
ખુશી આનંદનું બાઈક ડેલામાંથી બહાર જતું જોઈ રહે છે.
“બા...સાત વાગવા આવ્યા છતાં આ હજુ એ નથી આવ્યા. તેમનો ફોન પણ નથી લાગતો.” ખુશી ઘડિયાળ તરફ નજર કરી ચિંતા વ્યક્ત કરે છે.
“મુર્ખી ફોન ક્યાંથી લાગે. તે પોળોનાં જંગલોમાં ગયો છે. ત્યાં કોઈ ફોનનાં ટાવર નથી આવતાં તેવું બધાં કહેતા હોય છે. એટલે તું નકામી ચિંતા ના કર. તે આવી જશે.” સાસુમાંનો જવાબ ખુશીને સંતોષ નથી આપતો.
જાણે વરસી રહેલો ધોધમાર વરસાદ ન બનવાનાં એંધાણ આપી રહ્યો છે. આભમાં કડાકા મારતી વીજળી જાણે તેની સાક્ષી પુરી રહી છે. આ બધાંની વચ્ચે આકુળવ્યાકુળ થતી ખુશી ટીવી ચાલુ કરીને સમાચાર જોવા બેસી જાય છે. તેનાં મનને ચેન ન પડતા તે એક પછી એક ચેનલ બદલી રહી છે.
“ઈડર હાઈવે પર બાઈક સામે બાઈક ટકરતા આનંદ નામનાં યુવાનનું કમકમાટી ભર્યું મોત.” ટીવી પરની ન્યુઝ ચેનલ પર આનંદનાં મોતનાં સમાચાર સાંભળીને ખુશીનાં મોંઢામાંથી એક ચીસ નીકળતાની સાથે તે બેભાન થઈ જાય છે.
પોતાનાં એકનાં એક દીકરા આનંદનું રોડ એક્સીડેન્ટમાં મોત થતાં તેનાં મોતનો આઘાત સહન ના થતાં તેનાં પિતા દેવકરણભાઈનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થાય છે.
“મૂઈ આ કાળમુખી મારા છોકરાનો જીવ લઈ ગઈ. કેમ એને બહાર જતાં ટોક્યો... એને ના ટોક્યો હોત તો...” આનંદની મા હૈયાફાટ રુદન કરી રહી છે. સાથે આનંદનાં અને દેવકરણભાઈનાં મોત માટે ખુશીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
“આવી અભાગી બાયડી જેનાં ઘરમાં પગ મૂકેને તેનાં ઘરમાં ભૂંડું જ થાય.” બેસણામાં બેસેલી ગામની બાઈઓ અંદરોઅંદર આનંદનાં અને દેવકરણભાઈનાં મોત માટે ખુશીને કારણભૂત જણાવી રહી છે.
“હાવ હાચી વાત હોં, આ ખુશી પહેલા કોઈ લશ્કરવાળા હાથે પરણી હતી તો તે બિચારો પણ શહીદ થઈ ગયો.અને હવે બિચારો આનંદ પણ...” ખુશીનાં કાને અથડાઈ રહેલા ગામની બાઈઓનાં શબ્દો તેને એક સ્ત્રી હોવા પર કલંકિત કરી રહ્યા હતાં.
15 દિવસ પછી...
“એ છોકરી મારો આનંદ તો કાયમને માટે ગયો સાથે તેનો બાપ પણ ગયો. તું પણ આ ઘર છોડીને જતી રહે. તારા ખરાબ પગલાં જ્યાં જ્યાં પડ્યા છે ને ત્યાં ત્યાં તે સત્યનાશ વાળ્યો છે. હવે તું આ ઘર છોડીને જતી રહે.” આનંદની મા ખુશીને ઘરની બહાર નીકળવા ફરમાન કરે છે.
“પણ બા હું ક્યાં જાવું. હું બે જીવાતી છું. મારા પેટમાં આનંદનું બાળક છે. તમે મને આમ કાઢી મુકશો તો પછી હું ક્યાં અને કોને ત્યાં રોકાઈશ.” ખુશી તેની સાસુ સામે કરગરી પડે છે, પણ તેની સાસુ એકની બે થતી નથી.
“તારું બાળક તારા જેવું જ અભાગી જ હોવાનું. તું અહીંથી નીકળી જાય તેમાં જ તારી ભલાઈ છે. જો તે મારા દીકરાને બહાર જતા ના ટોક્યો હોત તો કદાચ આજે...” કુરિવાજો અને અંધશ્રદ્ધામાં ડૂબી ગયેલા સમાજનાં માણસોની કાન ભંભેરણીથી ખુશીની સાસુ ખુશી પર કોઈ દયાભાવ બતાવતા નથી.
આજે ખુશી પર આવી ચડેલું દુઃખનું મોજું ખુશી માટે અતિશય કષ્ટદાયક પીડા આપી રહ્યું છે. વાદળો પણ જાણે આજે તેનાં દુઃખ પર મન મૂકીને રડી રહ્યા છે. વીજળી પણ ખુશી પર આવેલું દુઃખ જોઈને ચીચીયારીઓ પાડીને આખું આકાશ ગજવી રહી છે, પણ ખુશીની વાત સાંભળનારુ ત્યાં કોઈ નથી.
તેને ઘડીક વિચાર આવે છે કે પાછી હિંમતસિંહનાં પિતા વિહાભાઈ પાસે જતી રહું. પણ, ત્યાં જ ગામની બાઈઓ એ અને તેની સાસુએ કહેલા શબ્દો તેનાં કાનમાં ગુંજવા લાગે છે.
“’તું ખરાબ પગલાંની છો.’ ‘તારો પગ જ્યાં પડે છે. ત્યાં ખરાબ જ થાય છે.’ ‘તું અભાગી છો.’” આ શબ્દો તેને સવજીભાઈ, કમશીભાઈ અને વિહાભાઈ પાસે મદદ માંગવા જતાં રોકે છે.
“શું હું ખરેખર ખરાબ પગલાંની છું? હું ખરેખર અભાગી છું?” મનોમન વિચાર કરતી ખુશી આંખમાં આંસુ સાથે ડેલાનાં બહાર પગ મૂકી અજાણી દુનિયા તરફ પગ ઉપાડે છે.
“સર, આજે બાળક ગુમ થયાનો પાંચમો કેસ આવ્યો છે.” PI આરતી ત્રિવેદી તેનાં ઉપરી અધિકારી S.P અતુલ જાડેજાને રિપોર્ટ કરે છે.
“આ પાંચ બાળકો ક્યાં, કેવી રીતે, કયાં સમયે, કંઈ જગ્યાએથી ગુમ થયાં તેની કોઈ માહિતી?” ટેબલ પર પડેલી ફાઈલ હાથમાં લઈ તેનાં પાનાં ફેરવતા જાડેજા PI આરતી પર સવાલોનો વરસાદ વરસાવી મૂકે છે.
“ના સર, હાલમાં તેનાં કોઈ પુરાવા નથી મળ્યા. ના કોઈ સીસીટીવી કેમેરા ફૂટેજ છે કે ના કોઈએ બાળકોને કોઈની સાથે જતાં જોયા છે, પણ એક વાત છે કે જેટલાં પણ બાળકો કિડનેપ થયાં છે તે રાત્રે એટલે કે સાંજે 6-7 વાગ્યાં પછી જ થયાં છે.”
“આરતી એક અઠવાડિયામાં હિંમતનગરની અંદર 5 બાળકો ગુમ થયાં છે ને આપણે હજુ હાથ ઉપર હાથ ધરીને બેઠા છીએ. ના ચાલે, બાતમીદારોને કામે લગાડો. જરૂર પડે તો બાળકોને ઉઠાવતી ગેંગ પર લાખ રૂપિયા ઈનામની જાહેરાત કરી દો. પણ, ગમે તે ભોગે આ ગેંગને પકડો. લોકોમાં રોષનો ચરું ઉકળે તે પહેલા જ આ ગેંગને પકડી જેલનાં સળિયા પાછળ ધકેલી દો.” જાડેજા ઉંચા અવાજમાં આરતીને હુકમ કરી આ કેસ જલ્દીથી જલ્દી સોલ્વ કરવા જણાવે છે.
“યસ સર.” આરતી તેની પોલીસ ટીમ સાથે 5 બાળકોનાં પરિવાર સાથે પુછપરછ કરવા નીકળી જાય છે.
હિંમતનગરમાં છેલ્લા કેટલાક દિવસથી એક ગેંગ સક્રિય થઈ છે. જે નાના બાળકોને કિડનેપ કરી તેમને બીજા રાજ્યની ગેંગને વેચી રહી છે, પણ હજુ સુધી કોઈ પુરાવો કે કોઈ કડી પોલીસને મળી નથી.
ખુશી 6 મહિનાનો ગર્ભ લઈને એક ગામથી બીજે ગામ પોતાનું પેટ ભરવા ભટકી રહી છે. ખુશી બહુ ભણેલી પણ નથી. જેથી તેને કોઈ સારુ કામ મળી શકે અને ઉપરથી બેજીવાતી એટલે કોઈ તેની પાસે સખત કામ પણ ના કરાવી શકે. એટલે આજુબાજુનાં મંદિરોમાં કે કોઈ ધર્મશાળામાં કે કોઈ વ્યક્તિ દયાભાવ બતાવી વધ્યું ઘટ્યું જમવાનું આપે તેનાથી પોતાનું પેટ ભરી રહી છે. 1 મહિના પછી તેની અસર તેનાં શરીર પર દેખાવા લાગી છે. બગીચામાં ખીલીને મોટું થયેલું ગુલાબનું ફૂલ હવે રણમાં ઉગેલા સૂકા બાવળ જેવું લાગવા લાગ્યું છે. શરીર હવે હાડપિંજર બનવા લાગ્યું છે. ખુશીની હાલત દિવસ જાય તો રાત ના જાય અને રાત જાય તો દિવસ ના જાય તેવી થઈ ગઈ છે.
એક ગામથી બીજે ગામ ફરતી ફરતી તે હિંમતનગર શહેરની સીમમાં પ્રવેશી ચુકી છે. તેને બે ટંકનો રોટલો મળવામાં પણ હવે તો ભગવાન પણ આડો હાથ કરી રહ્યો છે. ખુશી છેલ્લા 1 મહિનાથી તેની સાથે ગુજરેલી કપરી પરિસ્થિતિથી કંટાળી ગઈ છે. તે હવે તન,મન અને ધનથી હારી ગઈ છે. તેની પાસે હવે ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કંઈ રહ્યું નથી.
“બેટા મને માફ કરજે. હું અભાગી, ખરાબ પગલાંની છું. કદાચ તારી મા બનવાને લાયક નથી.” ખુશી તેનાં પેટ પર પોતાનો હાથ ફેરવી રડી રહી છે. તે હવે આ દુનિયામાંથી મુક્ત થવા માંગે છે. તે ફરતી ફરતી હાથમતી નદી પર પોતાનું જીવન ટૂંકું કરવા આવી પહોંચી છે. તે નદીનાં પ્રવાહમાં પોતાનું જીવન ડુબાડવા જાય ત્યાં જ તેની નજર એક સ્ત્રી પર પડે છે. જેને જોઈને ખુશીનાં મનમાં એક જ વિચાર આવે છે કે....
“એક મહિનો થવા આવ્યો છતાં તમે અને તમારી ટીમ શું મચ્છર મારી રહ્યાં છો. એક ગેંગને નથી પકડી શકતા.” જાડેજા આરતી અને તેની ટીમ પર ગુસ્સે થઈ જાય છે.
“સોરી સર, તપાસ ચાલુ છે.”
“શું તંબુરો તપાસ ચાલુ છે. એક મહિનો થવા આવ્યો અને તમે બાળકોને ચોરતી ગેંગ વિરુદ્ધ એક પણ પુરાવો રજૂ નથી કર્યા શક્યા.” જાડેજાનાં સવાલનો કોઈની પાસે જવાબ નથી.
આરતી અને તેની ટીમ SP જાડેજાનાં કેબિનમાં લાચાર બનીને ઉભી છે. બાળકો ચોરતી ગેંગ તેમનાં માટે એક મોટો પડકાર બનીને ઉભી છે.
હવાલદાર પટેલ જાડેજા સાહેબની કેબિનમાં ઝડપથી પ્રવેશે છે. “સર, બહાર એક સ્ત્રી આવી છે. તે કહે છે કે તેને આ ગેંગને...”
“આગળ શું? જલ્દી બોલ. આ ગેંગને...” જાડેજા હવાલદાર પાસેથી ગેંગ વિશેની માહિતી જાણવા રઘવાયા બને છે.
“સર તે સ્ત્રી આટલું બોલતા જ આપણા પોલીસ સ્ટેશનનાં પગથિયાં પર બેભાન થઈ ગઈ છે.” હવાલદારની વાત સાંભળીને જાડેજા, PI આરતી ત્રિવેદી અને આખી ટીમ દોડીને બહાર તે સ્ત્રી પાસે આવે છે.
આરતી તે સ્ત્રીનો ચહેરો જોઈને કહે છે. “સર આને જલ્દીથી હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે. આની હાલત બહુ ગંભીર લાગે છે.” પોલીસની એક ટીમ તે સ્ત્રી સાથે હોસ્પિટલમાં તેની સુરક્ષા માટે જાય છે. બીજી ટીમ આ સ્ત્રી કોણ છે? ક્યાંની છે? તેની તપાસ આદરે છે.
“હેલ્લો સર, તે સ્ત્રીને હોંશ આવી ગયો છે.” આરતી જાડેજા સાહેબને કોલ કરી ઈન્ફોર્મ કરે છે.
“બેન ચિંતા ના કરશો. તમે હોસ્પિટલમાં છો ને હું PI આરતી ત્રિવેદી. હિંમતનગર પોલીસ સ્ટેશનથી છું. ગભરાશો નહીં. આરામ કરો.” સ્ત્રીને હોંશ આવતાં તે અજાણયા ચહેરાને નિહાળી રહી છે.
ત્યાં જ જાડેજા આવી પહોંચે છે.
“બેન આ અમારા જાડેજા સાહેબ છે. તે તમને કંઈક પૂછવા માંગે છે.”
“તમારું નામ?”
“ખુશી”
“ગામ?”
“હવે ગામ જ નથી રહ્યું સાહેબ.” ખુશીની આંખમાંથી આંસુ ટપકાવા લાગે છે.
“તમારી આ હાલત કેવી રીતે થઈ?” ખુશીનું હાડપિંજર જેવું થઈ ગયેલું શરીર, ગાલ પર પડી ગયેલા ખાડા, ઉંડી ઉતરી ગયેલી આંખો અને ફાટી ગયેલા મેલા કપડાં જોઈને જાડેજા પૂછે છે.
“એ બધું છોડો સાહેબ એ તો મારા ભાગ્યમાં લખાયેલું હતું તેટલું મેં ભોગવી નાખ્યું. પણ, પેલા બાળકોને બચાવી લો.”
“તે બાળકોને તમે ક્યાં જોયા?”
“હાથમતી નદીની ભેખડોમાં 4-5 સ્ત્રીઓએ બાળકોને દોરડાથી બાંધીને એક ઝુંપડામાં રાખેલા છે. કાલે વહેલી સવારે કોઈ ખાન કરીને આવવાનો છે જે બધાં બાળકોને અહીંથી લઈ જશે.” ખુશીની વાત સાંભળતા જ જાડેજા હાથમતીની ભેખડોમાંથી તે તમામ બાળકોને સહીસલામત લાવવા તેની પોલીસ ફોર્સ ટીમને ઓપરેશન પાર પાડવા મોકલી દે છે.
“સર ઓપરેશન સક્સેસફૂલ. બાળકો ચોરતી મહિલા ગેંગ પકડાઈ ગઈ છે અને તમામ બાળકો સહીસલામત મળી ગયાં છે.” આરતી જાડેજા સાહેબને રિપોટીંગ કરે છે.
“ગુડ, પણ આ ઓપરેશન આપણે એકલા નહીં તે જાંબાજ ખુશીની મદદથી પાર પાડ્યું છે. એટલે એકવાર તેને ઈનામી રાશિ અને અભિનંદન આપવા તે આપણી ફરજ છે.” જાડેજા અને આરતી હોસ્પિટલમાં ખુશી પાસે જવા નીકળે છે.
“ખુશી અમને એ કહે કે તું આવી અવસ્થામાં ત્યાં હાથમતી નદી પર શું કરતી હતી?” આરતી ખુશીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી જાણવા માંગે છે.
ખુશી જાડેજા સાહેબ અને આરતી મેડમને પોતાની સાથે બનેલી પહેલેથી તમામ ઘટના જણાવે છે. જે સાંભળીને જાડેજા સાહેબ અને આરતી મેડમની આંખમાં આંસુ આવી જાય છે.
“પણ તને ખબર કેવી રીતે પડી કે તે બાળકો કિડનેપ થયેલા જ બાળકો છે?” જાડેજા સવાલ પૂછે છે.
“હું આત્મહત્યા કરવા નદીમાં કૂદવાની હતી. ત્યાં જ મને એક છોકરાનાં રડવાનો અવાજ સંભળાયો. એટલે મને લાગ્યું કે આવી સુમસામ જગ્યા પર કોઈ બાળક શું કરતું હશે? એટલે સહજભાવે મેં એ દિશામાં મારા પગ ઉપાડ્યા. તો મેં જોયું કે એક સ્ત્રી તે બાળકને બાંધી તેને ઈન્જેકશન આપવા જઈ રહી હતી. હું થોડીકવાર ગભરાઈ ગઈ એટલે એક ઝાડી પાછળ સંતાઈને જોવા લાગી. તો બીજા બાળકો હતાં. તેમાંનાં એક બાળકને મેં એક ગામમાં દિવાલ પર લગાડેલા પોસ્ટરમાં જોયો હતો. જેને જોઈ મને લાગ્યું કે નકકી આ ગુમ થયેલો છોકરો જ છે. પછી મને એ લોકો વચ્ચે થયેલી વાતચીતથી સાંભળવા મળ્યું કે તેઓ આજ વહેલી સવારે બાળકોને વેચી મારવાનાં છે કોઈ ખાનને અને મને અભાગીને ત્યાં વિચાર આવ્યો કે હું મરતા પહેલા કોઈનાં બાળકોનો જીવ બચાવી મારા પર લાગેલું ખરાબ પગલાંની, અભાગીનું કલંક મિટાવી શકું. તો એનાથી મોટું બીજું કોઈ મોટું કામ મારા જીવનમાં નહીં હોય. ભલે પછી મારું મૃત્યુ પણ થઈ જાય.” ખુશીની આંખમાં આંસુ હાથમતી નદીની જેમ તેનાં ગાલ પર વહી રહ્યાં હતાં.
“ જો તું ખરેખર ખરાબ પગલાંની અને અભાગી હોતને તો તારા પગલાં જયારે હાથમતીની ભેખડોમાં પડ્યાને તે વખતે જ તે બાળકો સાથે કંઈક ખરાબ થયું હોત. પણ, જો તારા પગલાંથી તો તે 5 બાળકોનાં જીવ બચ્યાં.” આરતી ખુશીને સમજણ અને સત્યનું એક દર્પણ બતાવે છે.
“એટલે હવે તારે મરવાનું નથી. જીવવાનું છે એ પણ તારા પોતાના બાળક માટે.” જાડેજા ખુશીને હૈયાધારણા આપે છે.
“આ છે DSWRO ( જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વાસન કચેરી ) નાં ટ્રસ્ટી માણેકલાલ શાહ. તારા જેવી વીર સૈનિકોની વીર નારીઓ પોતાના બાળકોનાં શિક્ષણનો ખર્ચ અને કુટુંબની જવાબદારીઓને પહોંચી વળવામાં કેટલીક વખત અસમર્થ બનતી હોય છે. આવા મુશ્કેલ સમયમાં તારા જેવી વીર નારીઓને માણેકલાલ શાહ અને તેમની સંસ્થા અત્યાર સુધી ઘણાં આર્મી જવાનોની વિધવા પત્નીઓને નાનીમોટી ખાનગી કંપનીઓમાં નોકરી અપાવી તેમને પોતાના પગભર ઉભી કરી ચુકી છે. મેં તેમને તારા વિશે બધી માહિતી આપી દીધી છે. એટલે તારા રહેવા,ખાવાની, દવાદારૂની અને તને પગભર ઉભી થવામાં આ સંસ્થા મદદ કરશે.” જાડેજા સાહેબની વાત સાંભળીને અત્યાર સુધી હંમેશા દુઃખ ભરેલા આંસુ રડેલી ખુશીનાં આંખમાં આજે જીવનમાં પહેલીવાર ખુશીનાં આંસુ છલકાઈ રહ્યાં હતાં.

સમાપ્ત :

લેખક :- તેજસ વિશ્વકર્મા