Bhitarman - 21 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 21

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 21

મા પહેલીવાર હોન્ડામાં બેઠી હતી આથી થોડો ડર અને ખુશીના બેવડા ભાવ એમના ચહેરા પર નજર આવતા હતા. બાપુએ હોન્ડા જોઈને ખુશી તો વ્યક્ત ન કરી પણ હા, મારી તરક્કી એની આંખમાં કણું બની ખટકતી હોય એ હું ચોખ્ખું જોઈ શકતો હતો. 

હું વાળું પતાવીને તેજા પાસે ગયો હતો. હું અને તેજો હોન્ડાથી ચક્કર મારવા નદી કાંઠે સુધી બેસવા ગયા હતા. રસ્તામાં વેજાને જોયો હતો. એને જોઈને ફરી ગુસ્સો મારા માથા પર સવાર થઈ ગયો હતો. તેજો મારુ મન શાંત રાખવા કહી રહ્યો હતો. નદીકાંઠે પહોંચીને અમે બંને બેઠા હતા. વાતાવરણ એટલું શાંત હતું કે, નદીના ખળખળ અવાજને પણ સાંભળી શકાતો હતો. હું મારા વિચારોમાં મગ્ન હતો, અચાનક મારુ ધ્યાન તેજા પર પડ્યું હતું. તેજાના ચહેરા પર હળવું હાસ્ય નજર આવ્યું હતું. એની નજર નદીના પાણીમાં દેખાય રહેલ ચંદ્ર પર કેન્દ્રિત હતી. ખુબ ઊંડા વિચારોમાં એ મગ્ન હતો. હું એની તરફ નજર કરીને એને જોઈ રહ્યો છું એમાં એનું ધ્યાન જ નહોતું. આજે એની આંખનું તેજ કંઈક અલગ જ હતું. "ઓય! કોના વિચારોમાં છો?" મેં પૂછ્યું ત્યારે એની ચોરી પકડાઈ હોય એવા એના ભાવ જોઈ હું પણ હસી પડ્યો.

"બસ, એમ જ બાવલીના વિચારમાં હતો. અમારા લગ્ન બાપુએ આ વૈશાખ મહિનામાં નક્કી કરી નાખ્યા. બાવલી કાયમ માટે મારી પાસે આવશે એ વિચારી ખુબ ખુશી થાય છે. આ બે વર્ષ સગપણના નીકળી ગયા પણ આ લગ્ન સુધીનો સમય હવે જીરવાતો નથી. બાવલીના આવવાના ઉમળકામાં મન ક્યાંય લાગતું નથી." મનની વાત તેજાએ હળવેકથી જણાવી દીધી હતી.

"અરે વાહ! આ તો તે ખુબ સરસ સમાચાર આપ્યા છે. આટલા સરસ ખુશી સમાચાર તે કેમ ન કીધા?" 

મસ્તીમાં એક જોરથી ધબ્બો પીઠ  પર મારતાં મેં એને કહ્યું હતું.

"અરે! તારાથી છુપાવવું હતું એવું નહોતું. તું કેટલો દુઃખી હતો આથી મારાથી આ વાત ઉચ્ચારી જ ન શકાય! અને મારી ખુશીમાં તો ઘણાય છે પણ તારા દુઃખમાં હું એક જ હતો!" સહેજ દુઃખી સ્વરે તેજો બોલ્યો હતો.

તેજાની લાગણી જોઈને હું ગળગળો થઈ ગયો હતો. મેં તેજાને કહ્યું, "સાચીવાત તારા સિવાય મારી નજીક કોઈ નહોતું! તે મને જે સમયે સાથ આપ્યો એ જીવનભર મને યાદ રહેશે. યાર! દિવસ તો કામમાં નીકળી જાય છે પણ રાત કાઢવી ખુબ વસમી પડે છે. આ એક મહિનામાં હું એકધારું ત્રણ કલાક પણ સૂતો નથી. અને આ ત્રણ કલાકની ઊંઘમાં પણ એ સ્વપ્નમાં આવે છે. બસ, એ સ્વપ્નમાં આવશે એ જ આશાથી ધરાર ઊંઘું છું."

"તું હિંમત ન હાર! હું કાયમ તારી સાથે રહીશ. આપણી ભાઈબંધીમાં બાવલી ક્યારેય વચ્ચે નહીં આવે."

તેજાની વાતની મજાક કરતા હું હસતા બોલ્યો, "તું મને બાવલીના હાથે માર ન ખવડાવજે."

તેજો પણ હસવા લાગ્યો અને બોલ્યો, "મારી બાવલી બહુ જ ડાહી છે."

સમય રેતી સમાન સરવા લાગ્યો અને તેજા તથા બાવલીના લગ્ન પણ થઈ ગયા હતા. મેં એમના લગ્નમાં ઝુમરીને ખુબ જ યાદ કરી હતી. મારી તેજાના લગ્નમાં ફક્ત હાજરી જ હતી, ઝુમરી સાથે મારા પણ આમ લગ્ન થયા હોત તો..મન એ વિચારમાં જ ભમ્યા કરતુ હતું.

ગામમાં કોઈને ત્યાં પ્રસંગ હોય એટલે આખું ગામ ત્રણ દિવસ જેના  ઘરે પ્રસંગ હોય તેને ત્યાં જ જમતું હોય એવો અમારા ગામનો એકબીજા માટે ભાવ હતો. પ્રસંગ વખતે આખા ગામની રોનક જ બદલી જતી હતી. લોકો ખુબ હરખથી જેને ત્યાં પ્રસંગ હોય એમને મદદ પણ કરાવતા અને ઘરધણીની ઘણી જવાબદારી પણ સંભાળી લેતા હતા. એ સમયે સુવીધાઓ ઓછી હતી પણ લાગણીમાં બનાવટ નહોતી. દિલથી સંબંધ જોડાયેલા હતા.

તેજાના લગ્ન થયાના બીજે જ દિવસે બાપુએ માને કીધું, "આ રવિવારે તુલસીના ઘરે આપણે વિવેક અને તુલસીની સગાઇ ગોઠવવાની છે. તુલસીના બાપુને મેં જાણ કરી દીધી છે. વિવેકનો જન્મદિવસ હોય એનાથી સારું મુરત બીજું ક્યુ હોય? તારા દીકરાને કહેજે જવાની તૈયારી કરી લે! અને તું પણ સગાઈની તૈયારી કરી લેજે. બહાર ગામના અંગત લોકોને સીધા ત્યાં જ બોલાવશું." બાપુ એકીશ્વાસે કહીને જતા રહ્યા હતા.

બાપુ તો કહીને જતા રહ્યા હતા પણ મા ખુબ દુઃખી થઈ ગઈ હતી. મા જાણતી હતી કે, ઝુમરીના દુઃખ માંથી હું બહાર આવ્યો જ નહોતો, અને બાપુ ઘરમાં કોઈ ચર્ચા કર્યા વગર જ તુલસીના બાપુને સગાઈની તારીખ આપીને આવ્યા હતા. ફરી બાપુનું વેણ મારા જીવનને તકલીફ આપશે એનો અહેસાસ માને થઈ જ ગયો હતો. માને હરખ કરતા દુઃખ એ વાતનું હતું કે તેઓ મને કઈ રીતે આ વાતની જાણ કરે!

હું રાત્રે ઘરે આવ્યો ત્યારે માએ મને પ્રેમથી વાળું કરાવ્યુ હતું. એ પછી મને બહાર જતા જોઈ એ બોલ્યા, "દીકરા બે મિનિટ બેસ તો ખરા! મારે તને કંઈક કહેવું છે, જણાવું છે. બેસ મારી પાસે."

"હા. બોલ ને મા!" એમની પાસે બેસતાં હું બોલ્યો હતો.

મા ખુબ જ વ્યાકુળ હતી. શબ્દો ગોઠવતા એ માંડ બોલી, દીકરા હું એમ કહેતી હતી કે, તારા માટે એક જોડી કપડાં લઇ લેજે. તારા બાપુએ તારી સગાઇ આ રવિવારે તુલસીના ઘરે તુલસી સાથે કરવાનું નક્કી કર્યુ છે. મા આ વાત કહી શકતી નહોતી છતાં એમને કહેવું પડ્યું એ એમનો ચહેરો જણાવી રહ્યો હતો. મા મને ખુશ કરવાના હેતુથી બોલી, "બેટા! તું લાવ્યો એ બાંધણી હું તારી સગાઈમાં જ પહેરીશ."

મેં માને ફક્ત કટાક્ષ ભર્યા હાસ્યથી જ જવાબ આપ્યો હતો. હું બોલ્યો, મારે જામનગર કામ છે હું જાઉં છું. હું શનિવારે મોડી રાત્રે આવી જઈશ. મેં માને ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું, તારે જે લેવું હોય એ લઇ લેજે.બાપુ પાસે હાથ ફેલાવતી નહીં. 

હું હજુ મારા દુઃખની સાથે જીવતા શીખું એ પહેલા બાપુએ ફરી મારા પર બીજો ઘા કર્યો હતો. મારા નામની બોલબાલા જે ગામમાં પ્રસરવા લાગી હતી એ કદાચ તુલસીના બાપુ સુધી પહોંચે એ પહેલા જ બાપુ સગાઇ કરીને સગપણ પાક્કુ કરી લેવાના વેતમાં હતા. પરિવારના સભ્યો સાથે બાપુ આટલું કપટ કરતા હોય છે તો બહારના લોકોને બાપુ કેટલું પરેશાન કરતા હશે! આ વિચાર મને બાપુના વ્યક્તિત્વ પર ખુબ ગ્લાનિ જગાવી ગયો હતો. હું મારી દીનક્રિયા પતાવી ઘરેથી ઝડપભેર નીકળી ગયો હતો. હું ગુસ્સામાં ક્યાંક બાપુની સચ્ચાઈ માની સામે લાવી દઉં તો, બસ એજ ડર મને હતો. હું માને ખુશ જોવા જ ઈચ્છતો હતો આથી પ્રસંગ સુધી મેં ઘરની બહાર જ રહેવાનું નક્કી કર્યું હતું. અને ઘરની શાંતિ જળવાઈ રહે એ માટે એ રસ્તો જ મને યોગ્ય લાગતો હતો.

હું ઘરેથી નીકળી ગયા બાદ ખરેખર શનિવારે મોડી રાત્રે ઘરે આવ્યો હતો. અતિશય નશામાં ચકચૂર હાલતમાં લથડિયાં ખાતો હું સરખું ચાલી શકું એવી સ્થિતિમાં પણ નહોતો. મને તેજો આજે મારા ઓરડા સુધી મૂકી ગયો હતો. અને હું એમ જ ઊંઘી ગયો હતો.

"વિવેક.. દીકરા વિવેક.. ઊઠ તો!! સૂરજ ચઢી ગયો છે. મોડું થઈ જશે. ઘરના બધા સભ્યો તૈયાર થઈ ગયા છે. તારા બાપુ વહેલી પરોઢના તૈયાર થઈને ઘરમાં આંટા મારે છે. કેટલીય વાર મને તારા વિષે પૂછી લીધું. અત્યાર સુધી તો મેં વાતને સંભાળી લીધી છે પણ હવે એમનો ગુસ્સો ફાટે એ પહેલા ઉઠને દીકરા. તારી મા માટે થઈને આટલું પણ નહીં કરે!!" 

હું માના છેલ્લા શબ્દોથી વિવશ થઈ ઉઠ્યો અને માની ખુશી માટે એની ઈચ્છા મુજબ તુલસીના ઘરે 

રાખેલ અમારી સગાઇ માટે જવા તૈયાર થવા ઉભો થયો હતો....


************************************


હું હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં તુલસીના વિચારોમાં મગ્ન હતો. એજ સમયે અપૂર્વનો બાલ્કનીમાંથી કરેલ મીઠો સાદ મને વાસ્તવિકતામાં લઇ આવ્યો હતો.

"દાદુ ચાલો ને! આપણે આજે ફરી હરીફાઈ કરીએ કોણ પહેલા રેડી થાય એ જોઈએ? અપૂર્વની લાગણી મને એ કહે એમ કરવા મને ખેંચતી રહેતી હતી.

વિવેક પોતાની ઈચ્છા વિરુદ્ધ તુલસીને સ્વીકારી શકશે?

વિવેક પ્રત્યે કેવો હશે તુલસીનો વ્યવહાર?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏