ભાગવત રહસ્ય-૧૪૭
મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ-જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫)
અતિ ઉતાવળમાં કોઈ ભોજન કરે તો –તેને ભોજનમાં સ્વાદ આવતો નથી, પણ તે ભોજન ભુખને તો મારે છે.
તેમ વ્યગ્ર ચિત્તથી કરેલું ભજન પાપને તો બાળે જ છે. એકાગ્ર ચિત્તથી કરેલ જપથી આનંદ મળે છે.સાવધાન થઇ એકાગ્ર ચિત્તથી જપ કરવાનું ઉત્તમ છે-પણ-શાંત મન ન હોય ,તે છતાં જપ કરો તો લાભ તો થાય જ છે.
ઘણાં ઠોકર વાગે તો હાય-હાય કરે છે.કંઈક નુકસાન થાય તો હાય-હાય કરે છે. પણ હાય-હાય ને બદલે હરિ-હરિ કરો ને !! ઘરમાં કાંઇક નુકશાન થાય તો-માનો-કે ઘરમાં કંઈક અધર્મનું આવ્યું હશે-તેનો નિકાલ થયો, સડો બહાર નીકળ્યો.ઘરમાં દૂધ ઉભરાય તો માતાજીઓ હાય-હાય કરે છે. ઉપરની મલાઈ જતી રહી.(ભલે મલાઈ ગઈ તું તો નથી ગઈ ને ?) હાય-હાય કરે શું વળવાનું હતું ? તેને બદલે હરિ હરિ કહો. હરિ-હરિ બોલતાં અગ્નિમાં આહુતિ અપાઈ જશે. અને યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. બાકી કોઈ અગ્નિમાં આહુતિ આપવાના નથી.
હાય-માં –થોડો ફેરફાર કરી –હરિ- કહો. અનાયાસે નામ-સ્મરણ થશે.હરિના જાપ થશે.વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે-મૃતાત્મા પાછળ લોકો બહુ હાય હાય કરે છે.તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે.
જો હરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે.
વિષ્ણુદૂતો –યમદૂતો ને કહે છે-કે-અજામિલનું બાર વર્ષ નું આયુષ્ય બાકી છે.તે તેને ભોગવવા દો. તે હવે સુધરશે.આમ વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો.તેનો ઉદ્ધાર થયો.
આયુષ્ય બાકી હોય અને મૃત્યુ આવે-તે અપમૃત્યુ. આયુષ્ય પૂરું થાય તે પછી મૃત્યુ આવે તે મહામૃત્યુ.
મહામૃત્યુ ટળતું નથી. પાપકર્મોને લીધે આવેલું,અપમૃત્યુ ટળી શકે છે.અજામિલનું મૃત્યુ તેથી ટળ્યું.
અજામિલે આ બધું પથારીમાં પડ્યો પડ્યો સાંભળતો હતો. વિચારે છે-“યમદૂતો મને મારવાના હતા –પણ નારાયણના નામ સ્મરણે મને બચાવ્યો.હવે હું આ મંદવાડમાંથી ઉઠીશ તો મારું બાકીનું જીવન પરમાત્માને અર્પણ કરીશ” અતિ પાપીને પણ પશ્ચાતાપ થાય તો તેના જીવનમાં પલટાવો આવે છે.તે સુધરી જાય છે.
હૃદયથી પાપ નો પસ્તાવો થાય તો પાપ બળે છે-પણ પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે.
અજામિલ સર્વ છોડી -ગંગાકિનારે આવી, ભગવત સ્મરણમાં લીન બન્યો છે.આખો દિવસ જપ કરે છે.
જગતમાં જે ભગવાન માટે જીવે છે તેને માન મળે છે-તેને માટે- વિમાન -આવે છે. (વિશિષ્ટ માન=વિમાન)
અતિ પાપીનો પણ ભગવાન ના નામથી ઉદ્ધાર થાય છે. અજામિલ ભગવાનના ધામમાં ગયો છે.
ભક્તિમાં જીભ મુખ્ય છે.જીભમાં પરમાત્મા નું નામ સ્થિર થાય તો જીભ સુધરે છે. જીભને સમજાવો તો જીભ સુધરે છે.આપણી લૂલી (જીભ) શીખંડ માગે તો તેને કડવા લીંબડાનો રસ આપો. જીભને કહો-કે-તું વ્યર્થ ભાષણ કરે છે-નકામી ટકટક કરે છે-ભગવાન નું નામ લેતી નથી તેની આ સજા છે.તો જીભ રામનામ પર ચડી જશે.ઓછું બોલવાથી અને સાત્વિક આહારથી જીભ ધીરે ધીરે સુધરે છે. જીવન સુધરે છે.
ભગવદભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં માન મળે છે.ભગવદભક્તિ –ભગવાનના નામનો આશ્રય કરનાર અજામિલ ભગવાનના ધામમાં ગયો છે-અજામિલ તરી ગયો છે.
પહેલાં અજામિલ ના “અજા” શબ્દ નો અર્થ માયા કરેલો. પણ અજામિલે હવે પ્રભુના નામનો આશ્રય કર્યો-
એટલે હવે –અજ- શબ્દનો અર્થ કર્યો છે-બ્રહ્મ-
અજામિલ આજે અજ (બ્રહ્મ) સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ અને શિવ એક થયા છે.