And surrendered to the British court in Gujarati Biography by Siddharth Maniyar books and stories PDF | અને અંગ્રેજોના દરબારમાં સોંપો પડી ગયો

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

અને અંગ્રેજોના દરબારમાં સોંપો પડી ગયો

1911માં જયારે ભારતમાં બ્રિટિશ રાજ હતું. ત્યારે ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તથા તેમનાં પત્ની ભારતની મુલાકાતે આવી રહ્યા હતા. જેમના સ્વાગત માટે દિલ્હી ખાતે ખાસ દરબાર ભરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં ફરજ બજાવતા બ્રિટિશ સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ દેશભરના રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ બ્રિટિશ સરકાર પ્રત્યે પોતાની નિષ્ઠા પુરવાર કરવા બધા જ હાજર રહ્યાં હતા.

ઉજવણીમાં ભારતના જ નહીં વિદેશથી પણ અનેક મહેમાનો હાજરી આપનાર હતા. જેમાં અંગ્રેજ અધિકારીઓ, રાજવીઓ, તેમના સહાયકો તથા નોકરો સહિત અઢી લાખ લોકો નિવાસ કરી શકે તેવા વૈભવી શામિયાણા ઊભા કરાયા હતા. ઉજવણી શરૂ થઇ, દિલ્હી દરબારમાં એક લાખ કરતા વધારે મહાનુભાવો હાજર હતા. દરમિયાન વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આચરણના કારણે પોતાના દરબારમાં જ અંગ્રેજો ભોંઠા પડી ગયા હતા. બન્યું એવું હતું કે, જાજરમાન કાર્યક્રમમાં સયાજીરાવ ગાયકવાડે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કર્યો હતો. સયાજીરાવના આચરણ બાબતે વિવેચકોએ અનેક તર્ક આપ્યા હતા.

બ્રિટિશ સરકાર દ્વારા જાજરમાન કાર્યક્રમમાં હાજર રહેવા માટે હજારોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. જેમાં આયર્લૅન્ડનાં કવીન લીલા વિંગફિલ્ડનો (Lilah Wingfield) પણ એક હતા. તેમણે પોતાની ડાયરીમાં તે સમયની ભારત યાત્રાની વિગતો લખી હતી. જોકે, તેમના નિધન સુધી તો ડાયરી બાબતે કોઈને ખ્યાલ ન હતો. પરંતુ તેમના નિધન બાદ ડાયરી કોઈક રીતે એક સેકન્ડ હેન્ડ બુક સ્ટોલ સુધી પહોંચી ગઈ હતી. જ્યાંથી તે ડાયરી લીલાના પૌત્રી જેસિકા ડગ્લસ-હોમને હાથે લાગી હતી. તે સમયે જેસિકા પાસે દાદીના દિલ્હી દરબારની હાજરીની તસવીરો હતી પરંતુ વિગત ન હતી. પરંતુ ડાયરી મળતા તે વિગતો પણ મળી ગઈ હતી. દાદીની ડાયરીના આધારે જેસિકાએ પુસ્તક લખ્યું જેનું નામ અ ગ્લીમ્પ્સ ઑફ અમ્પાયર આપ્યું. જેમાં જેસિકાએ દિલ્હી દરબારમાં ઘટેલી ઘટનાનો પ્રત્યક્ષદર્શી અહેવાલ રજૂ કર્યો હતો. ડાયરીમાં લખ્યા અનુસાર કવીન લીલા કહે છે કે, બ્રિટિશરાજમાં અનેક મહત્વની ઘટનાઓ બની હતી. જેમાં પહેલા ક્રમે હૈદરાબાદના નિઝામ પછી બરોડા સ્ટેટના મહારાજ સયાજીરાવ બીજા ક્રમે હતા.

બ્રિટિશ સરકાર આયોજિત જાજરમાન કાર્યક્રમમાં હાજર દરેક ભારતીય રાજા કે રાજકુંવરને સૂચના આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે,  ઇંગ્લૅન્ડના સમ્રાટ સમક્ષ હાજર થવું, ત્રણ વખત ઝુકવુ અને પીઠ દેખાડ્યા વગર પાછા ફરવું. જે સૂચના એક પ્રથા જ હોવાનું કહેવામાં આવ્યું હતું. જાહેર મંચ પર યોજાયેલા કાર્યક્રમમાં બરોડાના મહારાજ સયાજીરાવ ગાયકવાડને પણ આ સૂચના આપવામાં આવી હતી. તે સમયે સયાજીરાવ ગાયકવાડ પોતાના રાજાશાહી પરંપરાગત આભૂષણ અને પોષાકથી સજ્જ બની કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરંતુ જ્યોર્જ પંચમ સમક્ષ જવાનું હતું તે પહેલાં તેમણે પોતાના તમામ અલંકાર ઉતારી દીધા. અલંકાર ઉતારી સયાજીરાવ ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તરફ ગયા જરાક નમ્યા અને અમુક ડગલા પીઠ ન દેખાય તેમ પાછળ આવ્યા. પરંતુ તે બાદ તેઓ ફરી ગયા અને જ્યોર્જ પંચમ અને તેમની પત્ની તરફ પીઠ કરી બેફિકરાઈથી સોનાની મૂઠવાળી લાકડી લહેરાવતા ચાલવા લાગ્યા. આ ઘટનાને કારણે અંગ્રેજ અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. એટલું જ નહીં આ ઘટના બાદ ચાલતા વખતે સયાજીરાવે એક હાસ્ય પણ આપ્યું હતું. જેના કારણે તો અંગ્રેજોને પોતાના દેશના રાજવી પરિવાર સામે ભોંઠા પડવાની નોબત આવી હતી.

સયાજીરાવના આ વર્તન બાબતે તે સમયના માત્ર ભારતીય મીડિયા જ નહીં પરંતુ વિદેશી મીડિયાએ પણ ગંભીર નોંધ લીધી હતી. જેમાં પશ્ચિમી મીડિયા પણ સામેલ હતું. જોકે, પશ્ચિમી મીડિયા દ્વારા સયાજીરાવના આચરણને બ્રિટિશ રાજા તથા તેમની સરકાર પ્રત્યે તિરસ્કાર તરીકે રજૂ કરાયું હતું. જોકે, તેનાથી સયાજીરાવ ગાયકવાડને કોઈ ફરક સુધ્ધાં પડ્યો ન હતો.

લંડનના વિક્ટૉરિયા તથા આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે એશિયન વિભાગના વડા એના જૅક્સને એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતમાં બ્રિટિશ શાસનના દબદબાને રજૂ કરવા માટે જ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતના રાજવી પરિવારોએ ઇંગ્લૅન્ડના રાજા સમક્ષ હાજર થઈને તેમના પ્રત્યે સન્માન દેખાડવાનું હતું. જેમાં બ્રિટિશ રાજના ભારતના દિગજ્જ મહાનુભાવો હાજર હોય તેવા કાર્યક્રમમાં સયાજીરાવ દ્વારા પ્રતીકાત્મક વિરોધ કરતું આચરણ બહાદુરીપૂર્વકનું અને મહત્ત્વપૂર્ણ હતું.

જોકે, તે દિવસે ઘટના શું બની હતી તેની તો ખાસ કોઈ ચર્ચા થઇ ન હતી. પરંતુ જૂજ લોકો જ આ ઘટના વિષે માહિતગાર છે તે નક્કી છે. તે સમયની બ્રિટિશ સરકાર પણ શાણપણમાં જ માનતી હતી. જેથી તેમને પણ આ ઘટનાને વધુ મહત્વન ન આપવા માટે અવગણના કરવાનો નિર્ણય લીધો હોવાનું ઇતિહાસકારોનું કહેવું છે.

સયાજીરાવના આચરણની ઘટના બની ત્યારે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો. તેવા સમયે જ બનેલી ઘટનાથી સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી હતી. પ્રસિદ્ધ ભારતીય ઇતિહાસકાર અમર ફારુકીએ જણાવ્યું હતું કે, બરોડાના શાસક સયાજીરાવ ગાયકવાડે નોધપાત્ર બહાદુરી દેખાડી હતી. આ એ સમય હતો જયારે દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં ચાલી રહી હતી. દેશમાં સ્વતંત્રતાનો અવાજ અવાજ બુલંદ થઈ રહ્યો હતો. તેવા સમયે કોઈપણ રાજવી દ્વારા વ્યક્ત કરવામાં આવેલો આ સૌથી પ્રબળ વિરોધ હતો.

ફારુકીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તથા તેમનાં પત્ની ભારતની મુલાકાત સમયે આયોજિત કાર્યક્રમમાં બનેલી ઘટના ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. તેમ છતાં ઘટના પછી અને તે બાદના વર્ષોમાં તેની જેટલી ચર્ચા થવી જોઈએ તે થઇ ન હતી. જેનું પાછળનું મુખ્ય કારણ એ હતું કે, સ્વતંત્રતાની ચળવળ સાથે જોડાયેલા લડવૈયાઓ આઝાદી બાદ પોતાને રાજવીઓ સાથે જોડાયેલાં દેખાડવા માગતા ન હતા. બ્રિટિશરાજ દરમિયાન તત્કાલીન રાજવીઓને બ્રિટિશરાજ દ્વારા આચરવામાં આવેલા અત્યાચારોના ભાગીદાર માનવામાં આવતા હતા. એટલે આવાં પ્રકરણોને ઇતિહાસમાંથી મીટાવી દેવામાં આવ્યા. જેના કારણે બ્રિટિશરાજ દરમિયાનના ભારતના રાજવીઓ તેમજ તેમના યોગદાન વિષે તે સમયે જ નહીં આજે પણ પાઠ્યપુસ્તકોમાં કંઈ ભણાવાતું નથી.

સયાજીરાવના પરિવારના સભ્યના મતે, એ સમયે આ ઘટનાને કારણે આઝાદીની ચળવળ સાથે જોડાયાયેલા લોકોનું મનોબળ ખુબ જ વધ્યું હતું. તે સમયે સ્વત્રંતાની લડત સાથે જોડાયેલા લોકો દેશવાસીઓમાં આત્મગૌરવ અને આત્મસન્માનની ભાવના જાગૃત કરવા માગતા હતા. જેમાં આ પ્રકારની ઘટના એક અનેરું બળ આપતી હતી. જોકે, દિલ્હી દરબારમાં બનેલી આ ઘટના બાદ જ બ્રિટિશરાજની રાજધાની કલકત્તાથી ખસેડી દિલ્હી લાવવાની જાહેરાત કરાઈ હતી. તેમજ બંગાળના વિભાજનની જાહેરાત પણ તે જ સમયે કરવામાં આવી હતી.

સ્ટેનલી રાઇસે બરોડાના તત્કાલીન રાજવી સયાજીરાવ ગાયકવાડ તૃતીય વિશે પુસ્તક લખ્યું હતું. જેના બે ભાગ હતા. બીજા ભાગમાં તેમણે દિલ્હી દરબારની ઘટના વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ લખ્યું હતું કે, દિલ્હી દરબારમાં બનેલી ઘટનાની આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે ચર્ચા થઈ હતી. જે બ્રિટિશરો બરોડા વિશે કશું જાણતા ન હતા તે પણ હવે, જાણવા લાગ્યા હતા.

દિલ્હી દરબારમાં આયોજન પૂર્વે એક રિહર્સલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિવાર્ય સંજોગોના કારણે સયાજીરાવ હાજર રહી શક્યા ન હતા. એ પછી રૅસિડન્ટ, દિવાન કે તેમના ભાઈ દ્વારા પણ આ વિષે સયાજીરાવને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. કાર્યક્રમમાં હૈદરાબાદના નિઝામ પછી બરોડાના મહારાજાએ હાજર થવાનું હતું. જ્યાં ભારતના રાજવીઓ બેઠાં હતાં, ત્યાંથી સ્ટેજ દૂર હતો. હજારો લોકોની સામે એમણે એટલે સુધી ચાલી જવાનું હતું. જે મહારાજા માટે અસામાન્ય હતું. પાછા ફરતી વખતે શામિયાણાના થાંભલા સાથે પણ સયાજીરાવ ભટકાયા હતા. એટલે શું છે, તે જોવા માટે તેઓ પાછા ફર્યા હતા, એવો તર્ક પણ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.

એક મિત્ર સાથે વાત કરતા સયાજીરાવે કહ્યું હતું, મને માત્ર એક વખત જ નમવા માટે કહેવાયું હતું. હું પાછળ ખસ્યો છતાં બહાર તરફ જવાનો દરવાજો દેખાયો નહીં એટલે મેં ફરજ પરના અધિકારીને તેના વિશે પૂછ્યું. તેણે મને જમણી બાજુએ વળી જવા માટે કહ્યું એટલે મેં એ મુજબ કર્યું. રાજવીઓનું અપમાન કરવાનો મારો ઇરાદો ન હતો અને એમ કરવું પણ મને ખોટું જણાયું હોત.

મહારાજાએ તેમના મિત્ર ઇલિયટને લખેલા પત્રમાં એ ઘટના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, મારાથી માત્ર એ ભૂલ થઈ કે મારે વધુ થોડાં ડગલાં પાછળ ખસીને પછી પલટવું જોઇતું હતું. કેટલાક લોકોએ મેં એવું ઇરાદાપૂર્વક કર્યું હોવાનું વિશ્લેષણ કર્યું. વાસ્તવમાં ન કેવળ રાજા પરંતુ અન્ય કોઈ સાથે આવું કશું કરવાનું હું સપનેય કલ્પી ન શકું.

જોકે, ઘટના બાદ તેના વિષે બરોડાના પ્રિન્ટિંગ પ્રેસમાં ગેરમાર્ગે દોરનારા શિર્ષકો હેઠળ બ્રિટિશરાજ વિરૂદ્ધ લેખ પ્રકાશિત થયા હતા. જેના પગલે બૉમ્બે તથા અન્ય રાજની પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી. એટલે આ ઘટનાનું રાજ પ્રત્યે તિરસ્કારનું વિશ્લેષણ થવું તે સમયે સ્વાભાવિક હતું. છતાં સયાજીરાવ તૃતીયની પ્રજાવત્સલતા પર કદાચ જ કોઈ કશું કહી શકે. વર્ષ 1906માં સયાજીરાવે કન્યાઓ સહિત રાજ્યોના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિઃશુલ્ક બનાવ્યું હતું. એ સમયની વાત કરીએ તો અન્ય રાજ્યોમાં એક હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ પાંચ ડોલરનો ખર્ચ હતો હતો જયારે બરોડામાં 55 વિદ્યાર્થી પાછળ પાંચ ડોલરનો ખર્ચ થતો હતો. સયાજીરાવના આ નિર્ણયથી બરોડા સ્ટેટમાં શિક્ષણનો વ્યાપ ખુબ જ વધ્યો હતો. જેના કારણે આજે પણ વડોદરાની શિક્ષણ નગરી તરીકેની ઓળખ કાયમ છે.

સયાજીરાવ ગાયકવાડે તેમના સાશનકાળમાં મહિલાઓને વ્યાપક અધિકારો આપ્યા તથા જ્ઞાતિ આધારિત ભેદભાવને ગુનાહિત કૃત્ય ઠેરવ્યું હતું. રાજ્યમાં બૅન્કિંગ, ટેક્સ્ટાઇલ અને ઉદ્યોગો વધે તે માટે પણ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ખુબ જ પ્રયાસો કર્યા હતા.

દિલ્હી દરબારની ઘટના પછી મહારાજા સયાજીરાવ તૃતીયે માફી માગતા પત્રો બ્રિટીશરાજને લખ્યા હતા. તેમ છતાં સયાજીરાવ બ્રિટિશરાજના શંકાની પરિઘમાં હતા કે વર્ષ 1914માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અંગ્રેજોની પ્રાથમિક્તા બદલાઈ ગઈ હતી. આ સંજોગોમાં કરાર પ્રમાણે, બરોડાની સરકારે યુદ્ધ સમયે શક્ય એટલી મદદ કરી અને સંબંધો થોડાં સામાન્ય થયા હતા. પરંતુ અંગ્રેજ અધિકારીઓ કદાચ ક્યારેય તેમને એ ઘટના માટે માફ નહોતા કરી શક્યા.