Dear - I and A in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | પ્રિય - હું અને એ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રિય - હું અને એ

"પ્રિય- હું અને એ"


હજુ ન્યૂઝ પેપરમાં થોડું વાંચ્યું જ હતું ત્યાં અવાજ સંભળાયો..

પ્રિય..

હું ચમકી ગયો.

ન્યૂઝ પેપરમાંથી નજર રૂમમાં કરી. એ રૂમમાં નહોતી.
અત્યારે તો એ કીચનમાં રસોઈ બનાવતી હોય.
તો કોણ બોલ્યું હશે પ્રિય!

હું મુંઝાયો..
હશે મને ભ્રમણા થઈ હશે.

આમ બધા ભ્રમણામાં જ જીવે છે કે તેઓ પ્રિય હોય છે.
ભગવાન જાણે આ શબ્દ કોણે શોધ્યો હશે!

પ્રિય પાત્ર તો શ્રી કૃષ્ણ જ હોય..એ સિવાય પ્રિય કોણ?

ફરીથી પાછું ન્યૂઝ પેપરમાં ડોકિયું કર્યું.

પાંચ વર્ષથી નાનાં ૩૬% બાળકો અવિકસિત..

ઓહ.. મને થયું કે બાળકો પ્રિય હોય છતાં પણ અવિકસિત! શું જમાનો આવ્યો છે? કદાચ મોંઘવારીના કારણે હશે?
ના..ના..બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે.અરે એક મજૂર પણ દસ હજારનો મોબાઈલ રાખે છે.
કદાચ બાળકો ને પડિકા માલ ખવડાવે છે લોકો એટલે અવિકસિત હશે! 
આ પડિકાઓ બધા વર્ગોને આવરી લીધા છે.

એટલામાં ફરીથી અવાજ આવ્યો..
પ્રિય..

હવે થયું કે આ ભ્રમણા નથી.એ ચોક્કસ રસોઈ ઘરમાંથી આવીને મારી પાસે સોફા પર બેસી હશે..

પણ આપણે સમાચાર વાંચવામાં મશગૂલ..
નજર કરી નહીં..

સોનાનાં ભાવમાં ઘટાડો..
ઘડતર પર ૧૦૦% જેટલી છૂટની જાહેરાત વાંચી..
ઓહ...આ પાનું સંતાડી દેવું પડશે..
ક્યાંક એના હાથમાં આવશે તો..તો...
આપણે ઘડાઈ જવાના..
દર વર્ષની જેમ..
પણ એ બાજુમાં બેસી છે.પેજ સંતાડી શકાશે નહીં..
ફરીથી અવાજ આવ્યો..
પ્રિય...

હવે મારી નજર સોફા પર પડી. કોઈ નહોતું. રૂમમાં નજર કરી કોઈ નહોતું..
ઓહ..આ ટેલીપથી હશે કે પછી કીચનમાંથી બોલતી હશે ને મને સંભળાયું હશે.
કીચનમાં જવું પડશે.
આજે શું બનાવ્યું હશે?
મારી કોઈ મનપસંદ પ્રિય વાનગી?
મોહનથાળ કે શીરો?

સુગંધ આવે પણ સુગંધ આવતી નથી.
તો પછી શું બનાવતી હશે?

મને જાણવાની ચટપટી થઈ.

કીચન પાસે ગયો..
ને બબડવાનો અવાજ આવ્યો..
હું અને મારા એ..
પછી શું બોલી એ ખબર પડી નહીં..
એટલે કીચનમાં પહોંચી ગયો.

મને અચાનક આવેલો જોયો એટલે એ ચમકી..
આમ અચાનક!

લો મારા ઘરમાં હું ફરી શકું નહીં..
બોલવાનું મન થયું..પણ પછી મનમાં બોલી કાઢ્યું.

એ.. તમે કંઈક કહ્યું મને?

ના...

મને એવું લાગ્યું કે તમે મને કંઈક કહ્યું.

મને પણ પહેલા એવું લાગ્યું હતું એટલે કીચનમાં આવ્યો.

ઓહ.. એટલે? તમને શું લાગ્યું હતું?

એણે યુટ્યુબ બંધ કરી દીધું.

પ્રિય પ્રિય પાંચ વખત સંભળાયું.

હવે રહેવા દો.ગપ્પા મારો છો. હું ત્રણ વખત જ બોલી હતી.પણ ધીરેથી.. તમારા કાન સારા કહેવાય..આ ઉંમરે..

આ ઉંમર એટલે! હું વૃદ્ધ દેખાઉં છું?

ના..રે..ના.. તમારા કરતા ચાર વર્ષ નાની છું. મને ઘણાએ કહ્યું કે તમારી ઉંમર દેખાતી નથી ને તમારા એ બહુ મોટી ઉંમરના દેખાય છે.

પછી તારે જવાબ આપવો હતો ને!

તે આપવો જ પડે. તમારી ઉંમર વિશે થોડું કહેવાય કે આ વર્ષે જ રિટાયર્ડ થવાના છે.

એ બધાને ખબર પડવાની છે જ. પણ હું હજુ એટલો મોટી ઉંમરનો દેખાતો નથી.

એટલે તમે પોતાને દેવાનંદ માનો છો?

ના..રે..ના..પણ તું યુટ્યુબ પર શું જોતી હતી? ને મને યાદ કરીને પ્રિયે પ્રિયે કેમ બોલતી હતી?

હું પ્રિયે નથી બોલી. હું ફક્ત પ્રિય બોલી હતી. આ ઉંમરે મારાથી પ્રિયે ના બોલાય. કોઈ સાંભળી જાય તો તમારા વિશે શું વિચારે?

એ જે વિચારવાનું હોય એ. પણ હજુ રસોઈ બનાવવાની શરૂઆત કરી નથી? આ અડધો કલાક થઈ ગયો.

તે થાય જ ને. શું બનાવવું એ વિચારતી યુટ્યુબ જોતી હતી.

આમ ને આમ જીયો વાળા ભાવ વધારો કરતા થયા છે. એક કલાક વાતો ને બે કલાક યુટ્યુબ.

લો અડધો કલાક જોયું એમાં આટલું બધું બોલવાનું. મારા લીધે ભાવ વધારો નથી થયો. આ દરેક એપ માં એડ નાંખી ને ડેટા વપરાશ વધી ગયો. ને હું વાર્તા વાંચું ત્યારે પણ એડ ને પાછો વિડિયો.. પછી થાય કે એ યુટ્યુબ પર જોઈ લઉં.


સારું સારું.. આજનું મેનુ?

જે તમને પ્રિય હોય એ.

એટલે શીરો, બટાકાનું શાક અને પુરી!

ના..રે ના.. તમારું પ્રિય..શીરો એટલે તમને ખાંસી આવે.આ ગળ્યું ખાઈને ડાયાબિટીસ થવાની. બટાકાનું શાક ખાઈને ગેસ અને પુરી એટલે તળેલી વસ્તુઓ ખાવાની ડોક્ટરે ના પાડી છે.

બસ આજનો દિવસ.. બહુ દિવસથી શીરો ખાધો નથી.

હવે રહેવા દો. સત્યનારાયણની કથા વખતે પેટ ભરીને શીરો ખાધો હતો પછી કફ અને ખાંસી. મારે કેટલું સાચવવાનું. તમે પોતાની જાતને કંટ્રોલ કરી શકતા નથી.

હા તો બોલ શું બનાવવાની છે?

એ આવરે વરસાદ..

એટલે ઉની ઉની રોટલી ને કારેલાનું શાક..

હા.. તમને પ્રિય છે. પણ મને પણ ઉની ઉની રોટલી ખાવાનું મન થાય છે.પણ તમને આવડતી નથી. 

ને બીજું..

બીજું શું હોય..એ કારેલાની છાલના મુઠીયા નાસ્તા માટે. તમને પ્રિય છે.

હા..પણ સાંજે..

એ જ યુટ્યુબ પર જોઇ રહી હતી.

પછી શું નક્કી કર્યું? જો આજે ખીચડી કે પુલાવ નહીં.

પણ ડોક્ટરે તમને બીજું ખાવાની ના પાડી છે. આ તમારા લીધે મારે પણ એજ ખાવું પડે છે.

પણ ખીચડી તો નહીં જ. સાત દિવસમાં ચાર વખત ખીચડી.

ચાર વખત નહીં બે વખત.

એ કહેવત છે..બે ચાર..બે મનમાં બોલ્યો ને તને ચાર બોલી ગયો. તો સાંજે શું?

એ દરેકની ગૃહિણી માટે ચિંતાનો વિષય છે. આ બનાવું તો ભાવે નહીં. બીજું બનાવું તો કહે ખાવું નથી. મારે બનાવવું શું!

તો એમ કર બટાકા પૌંઆ બનાવ.

બટાકા નંખાશે નહીં. ગેસ થાય છે ને બટાકા પચાસ રૂપિયાના કિલો છે. સારા આવતા નથી. ખાલી પૌંઆ ફર્સ્ટ ક્લાસ બનાવીશ. પણ સેવ નથી.

તો હું લેતો આવીશ. બીજું કંઈ.

હા.. પૌંઆ પણ નથી.તો પૌંઆ તેમજ તમારા માટે મોળી ઝીણી સેવ ને મારા માટે તીખી સેવ.

સારું સારું..પણ યાદ કરાવજે.પણ અત્યારે?

કહ્યું તો ખરું..ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.
મને ભાવે ને તમને પણ ભાવે.
- કૌશિક દવે