Bhagvat rahasaya - 145 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 145

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 145

ભાગવત રહસ્ય-૧૪૫

 

હરે કૃષ્ણ હરે કૃષ્ણ

નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી.

નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.

મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.

 

નામદેવે ખાતરી કરી જોઈ-છાણામાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાણો,તેમણે જનાબાઈ ને કહ્યું- નામદેવ હું નહિ પણ તું છે.જનાબાઈ છાણા થાપતી વખતે- વિઠ્ઠલ-વિઠ્ઠલ –જપમાં એટલાં લીન થઇ જતાં કે-જડ છાણામાંથી જપનો ધ્વનિ નીકળતો.

 

પ્રાચીન સમયમાં સંતો-ભક્તો ક્યાંય ભણવા ગયા હોય તેવું તેમના ચરિત્રમાં ક્યાંય લખ્યું નથી.

પણ ભગવદભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં –અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું હતું.

પંડિતો શાસ્ત્ર પાછળ દોડે છે-અને મીરાંબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે.

વેદાંતના સિદ્ધાતો સમજવા મુશ્કેલ છે-પણ નામસ્મરણ સહેલું છે-ભક્તિ સહેલી છે.

 

કથા જીવનમાં માર્ગ બતાવે છે.મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે.

પણ તેનો ઉદ્ધાર તો નામસ્મરણથી જ થાય છે. નામ સાથે પ્રીતિ કરો તો ભક્તિનો પ્રારંભ થશે.

દૃષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. “નામ” ના મહિમાના સંબંધમાં અજામિલની કથા કહી છે.

અજામિલ અધમ હતો,માયામાં મળી ગયો હતો--પણ ભગવાનના નામનો આશ્રય કરી કૃતાર્થ થયો.

આપણે બધા અજામિલ જેવા જ છીએ. આ જીવ માયામાં ફસાયો છે.

--ભોજનમાં માયા છે. કેટલાક જીવ ભોજનની માયામાં ફસાયેલા હોય છે.તેમને અથાણાં –પાપડ વગર ચાલતું નથી.--કામસુખમાં માયા છે. કેટલાકનું મન કામસુખમાં ફસાયેલું હોય છે.તેમને કામસુખ પ્રત્યે ધૃણા આવતી નથી.--પૈસામાં માયા છે. લાખ મળે કે કરોડ મળે –પણ મનુષ્યને એવી ઈચ્છા થતી નથી કે હવે એક પૈસો પણ ન મળે.--સ્થાનમાં માયા છે.કોઈ મકાનમાં બે ચાર વર્ષ રહે તો પછી તે મકાન છોડવું ગમતું નથી.

આવી તો અનેક માયા ઓ આસપાસ છે, સ્ત્રીની,પુત્રની,પુત્રના પુત્ર ની વગેરે.....

 

જીવ માયા સાથે મળી જાય છે –તેથી તે દુઃખી થાય છે. જીવ ઈશ્વર સાથે મળી જાય તો સુખી થાય.

માયા જ્યાં જઈએ ત્યાં સાથે આવે છે. કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે.

સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે.આ સંસાર માયામય છે. સંસારમાં માયા વિના કોઈ કામ થતું નથી.માયા નો ઉપયોગ કરો-પણ સ્વ-રૂપને ન ભૂલો. માયાને આધીન ન બનો.જે માયા ને આધીન છે-તેને માયા ત્રાસ આપે છે.પણ જે માયાનો વિવેકથી ઉપયોગ કરે-તેને માયા મદદ કરે છે.

 

માયા એ અગ્નિ જેવી છે.અગ્નિને કોઈ હાથમાં લેતું નથી.પણ ચીપિયાથી અગ્નિને ઉપાડે છે.

તેવી જ રીતે માયાને વિવિકરૂપી ચીપિયાથી જ પકડવાની છે. વિવેકથી તેનો ઉપયોગ કરવાનો છે.

વિવેક એટલે-“હું પરમાત્માનો દાસ છું” એમ માની ને માયાના દાસ નથી થવાનું તે-

માયા ખરાબ નથી –પણ જીવ જયારે માયાનો દાસ બને છે-ત્યારે માયા તેને રડાવે છે-મારે છે.

 

માયા આપણી પાછળ ન પડે -તેનાથી બચવાનું છે- ને ઈશ્વરની પાછળ પડવાનું છે.

માયાને સ્પર્શ કરતા સાવધાન રહેવાનું છે-સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે ખુબ જ અઘરો છે-અશક્ય છે.સંસારમાંથી જેનું મન હટી જાય-તેનું મન માયામાંથી હટી જાય.

જીવ કૃતાર્થ નામસ્મરણથી થાય છે. જેવી રીતે અજામિલ કૃતાર્થ થયો હતો તેમ.

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -