Bhagvat rahasaya - 132 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 132

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 132

ભાગવત રહસ્ય-૧૩૨

 

જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરમાં યે બધાને રાજી કરવા મુશ્કેલ છે. સર્વ ને સદાકાળ રાજી કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે-તમે ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે.બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ –હું ચાલીશ. દીકરો હવે ઘોડા પર બેઠો.

 

થોડા આગળ ગયા એટલે –બીજા લોકો સામે વાતો કરતા સાંભળવા મળ્યા-કે-દીકરો કેટલો નિર્લજ્જ છે.કેવો કળિયુગ છે!! છોકરાંઓને બાપની લાગણી જ ક્યાં છે ? જુવાન જોધ થઇ ઘોડા પર બેઠો છે-અને બાપને ચલાવે છે.પિતા-પુત્ર બંને એ આ સાંભળ્યું. એટલે પિતા પણ હવે ઘોડા પર દીકરાની જોડે બેસી ગયો.

થોડા આગળ ગયા –એટલે બીજા લોકોને વાતો કરતા સાંભળ્યા-જુઓ-આ બે માણસોની નિર્દયતા તો જુઓ. બંને પાડા જેવા થઈને-આ બિચારા નાના ઘોડા ઉપર બેઠા છે.આ બિચારું પશુ છે-તેની દયા પણ નથી. ભાર થી બિચારું પશુ મરી જશે.બાપ અને દીકરો બની હવે ઘોડા પરથી નીચે ઉતરી ગયા. (વિચાર્યું-હવે તો લોકોને કાંઇ કહેવા પણું રહેશે નહિ) પણ થોડા આગળ ગયા એટલે આગળ બીજા માણસોને બોલતાં સાંભળ્યા-કે-આ બંને લોકો મૂર્ખ છે.સાથે ઘોડો છે ને ચાલતા જાય છે.

 

જગત માં કેવું વર્તન રાખવું તેની કોઈ સમજણ પડતી નથી. જગત આપણા માટે શું બોલે છે –તે સાંભળવાની જરૂર નથી.સાંભળીએ તો મન અશાંત થાય છે. જગતને રાજી રાખવું કઠણ છે.ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એટલા કઠણ નથી.ભગવાન જગતનું મૂળ –ઉપાદાન કારણ છે. ઝાડને લીલું રાખવા –તેને પાંદડે પાંદડે પાણી છાંટવાની જરૂર નથી.મૂળ ને પાણી રેડવાની જરૂર છે. સંસાર વૃક્ષ છે-અને સંસારવૃક્ષ નું મૂળ ઉપાદાન કારણ પરમાત્મા છે.જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી.તો મનુષ્ય તો શું રાજી કરી શકવાનો હતો ?

 

પ્રચેતાઓને –ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી છે. પ્રચેતાઓ ઘેર જાય છે. દરેકના લગ્ન થયાં.

એક એક પુત્ર થયા પછી-ફરીથી –પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે પાછા આવે છે. ત્યાં નારદજીનો મેળાપ થાય છે.તેઓએ નારદજીને કહ્યું-ગૃહસ્થાશ્રમના વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ. અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે-વિષમતા આવે એટલે જ્ઞાન ભુલાય છે. અમને શિવજી અને નારાયણે ઉપદેશ આપેલો તે-અમે ભૂલી ગયા છીએ. આપ અમને ફરીથી ઉપદેશ આપો.પ્રભુ ને પ્રસન્ન કરવાના ત્રણ માર્ગો-નારદજીએ ચોથા સ્કંધમાં બતાવ્યા છે.

 

સર્વ જીવો પર દયા રાખવી, જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો, અને સર્વ ઇન્દ્રિયો પર સંયમ કરવો.

આથી ભગવાન તરત –પ્રસન્ન થાય છે, કૃપા કરે છે. (ભાગવત-૪-૩૧-૧૯)

 

ઝેર ખાવાથી મનુષ્ય મરે છે. પણ ઝેરનું ચિંતન કરવાથી મનુષ્ય મરતો નથી.પણ વિષયો-તો વિષ (ઝેર) થી પણ બુરાં છે, વિષયો ભોગવ્યા ના હોય પણ તેના ચિંતન માત્રથી મનુષ્ય મરે છે.

માટે તે વિષયોનો મનથી પણ ત્યાગ કરી –સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો છે.

 

મૈત્રેયજી કહે છે-વિદુરજી,તમારે હવે શું સાંભળવું છે ? વિદુરજી કહે છે-બસ,હવે મારે હવે મેં જે આ સાંભળ્યું છે-તેનું ચિંતન કરવું છે. હું જ પુરંજન છું, હું જ ઈશ્વરથી છુટો પડ્યો છું.

 

સ્કંધ-૪-સમાપ્ત.

 - - - - - - - -- - - - - - - - - - - - - - - - - -