Bhagvat rahasaya - 123 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 123

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 123

ભાગવત રહસ્ય-૧૨૩

 

સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-

બેટા,તારી ઓરમાન માએ તને શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું છું-કે-ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કઈ રીતે ભીખ આપી શકવાનો ? શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા) ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.

 

મનુષ્ય પાસે માંગશો ઘણું તો આપશે થોડું. અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. અને આપ્યા પછી જાહેર કર્યા વગર તેને ચેન નહિ પડે. પરમાત્મા ખુબ આપશે પણ કહેશે નહિ કે મેં આપ્યું છે.

 

સુનીતિ કહે છે-બેટા,તું વનમાં જા,ત્યાં જઈ પરમાત્માનું આરાધન કર, તારા પર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે,તને ગોદ માં લેશે.તારા સાચા પિતા પરમાત્મા છે.મેં તને નારાયણને સોંપ્યો છે. તેમનો જ તું આશ્રય કર.બેટા, જે ઘરમાં માન ના હોય ત્યાં રહેવું નહિ, તારા પિતા તારી સામે જોવા તૈયાર નથી, ઘરમાં રહીશ તો ઓરમાન મા રોજ મહેણું મારશે. તારું અપમાન કરશે-એટલે તું રડીશ અને મને પણ દુઃખ થશે. પરમાત્માનું શરણ એ જ તારું કલ્યાણ છે.

 

ધ્રુવજી કહે છે-મા તારું પણ આ ઘરમાં ક્યાં માન છે ? પિતાજીએ અને ઓરમાન માએ તારો પણ તિરસ્કાર કર્યો છે. તને પણ ક્યાં આ ઘરમાં સુખ છે ? આપણે બંને વન માં જઈ ભજન કરીશું.

સુનીતિ કહે છે-ના બેટા,મારાથી તારી સાથે નહિ અવાય-મારો ધર્મ મને ના પડે છે. મારા પિતાએ મારું દાન મારા પતિને કર્યું છે.મારે તેમની આજ્ઞામાં રહેવાનું છે. ભલે તે મારો ત્યાગ કરે-પણ-મારાથી તેમનો ત્યાગ થઇ શકે નહિ. તું સ્વતંત્ર છે, હું પરતંત્ર છું.બેટા, તારે એકલાએ જ વનમાં જવું પડશે. હું તને એકલો વનમાં મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. આજથી હું તને નારાયણના ચરણમાં સોંપું છું. મારા નારાયણ તને ગોદમાં લેશે.

 

ધ્રુવજી કહે છે- મને એકલા વનમાં જતાં બીક લાગે છે. મા કહે છે-તું એકલો નથી નારાયણ તારી સાથે છે.

ધ્રુવજી કહે-મા મને કંઈ આવડતું નથી-મારા જેવા બાળકને ભગવાન મળશે ?

સુનીતિ કહે- હા,બેટા ઈશ્વર માટે આતુર થઇ ઈશ્વરને પોકારે-તેની સમક્ષ ભગવાન જરૂર પ્રગટ થાય છે. તું તપશ્ચર્યા કર.તું જાતે મહેનત કર. ભગવાન તને ગાદી પર બેસાડશે પછી ત્યાંથી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ નહિ આવે. રસ્તામાં કોઈ સાધુ મહાત્મા-સંત મળે તેને પ્રણામ કરજે.

 

સુનીતિ એ ધ્રુવને સુંદર ઉપદેશ કર્યો છે. ધ્રુવજી માની ગોદમાંથી ઉભા થઇ, માને સાષ્ટાંગ પ્રણામ કરી વનમાં જવા તૈયાર થયા છે.માનું હૃદય ભરાયું છે. હૃદયને પથ્થર જેવું કઠણ કર્યું છે. બાળકનાં ઓવારણાં લીધા છે.

“તારું સદા કલ્યાણ થાય-પરમાત્મા સદા એનું મંગલ કરે- નાથ,તમારે આધારે બાળકને વનમાં મોકલું છું. તેને સાચવજો.

 

મા ની મહાનતા હવે જુઓ.સુનીતિ હવે વિચારે છે-કે-બાળક મને તો વંદન કરે છે-પણ ઓરમાન માને પણ સદભાવથી વંદન કરીને વનમાં જાય તો તેનામાં –સુરુચિ પ્રત્યે અરુચિ-દ્વેષ ભાવ-કુભાવ ના રહે-તો તેનું કલ્યાણ થાય. કુભાવ રાખીને જશે-તો તે તેનું જ ચિંતન કરશે –પરમાત્માનું નહિ.

સુનીતિ કહે છે-કે-બેટા,તારું અપમાન થયું તે પૂર્વજન્મના કોઈ કર્મનું ફળ મને લાગે છે. તું ડાહ્યો દીકરો છે,મને જે રીતે પગે લાગ્યો,તે રીતે તારી ઓરમાન માને પણ પગે લાગીને વનમાં જજે. તું મને પગે ના લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ. પણ ઓરમાન માને પગે લાગીશ તો જ તે આશીર્વાદ આપશે. તેના પણ આશીર્વાદ લઇ,મનમાંથી તેના પ્રત્યે કુભાવ કાઢીને વનમાં જઈશ –તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે.

 

જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે-તેને સુનીતિ વંદન કરવા –ધ્રુવને મોકલે છે. ધન્ય છે –સુનીતિને.

આવી સુનીતિ જે ઘરમાં હોય –તે ઘરમાં કળિ જાય નહિ. વેરથી વેર વધે છે,પ્રેમથી વેર ઘટે છે.વેરની શાંતિ પ્રેમ થી થાય છે.પાંચ વર્ષનો ધ્રુવ ઓરમાન માને વંદન કરવા જાય છે. તેના મનમાં હવે કુભાવ નથી રહ્યો.

 

સુરુચિ અક્કડ બની ઠસકથી બેઠી છે. ધ્રુવજી સાષ્ટાંગ વંદન કરે છે.”મા હું વનમાં જાઉં છું-તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.” એક ક્ષણ તો સુરુચિનું હૃદય પીગળ્યું-કેવો ડાહ્યો છે !! પણ તરત જ વિચારે છે-વનમાં જશે-તો સારું,રાજ્યમાં ભાગ નહિ માગે.કહે છે-સારું- વનમાં જજે-મારા આશીર્વાદ છે.

પાંચ વર્ષ નો બાળક વંદન કરે છે –છતાં એમ નથી કહેતી-કે વનમાં જવાનો સમય મારો આવ્યો છે.તું શા માટે વનમાં જાય છે ? તેના દિલમાં લાગણી થતી નથી. સ્વભાવને સુધારવો બહુ કઠણ છે.

 

 

“કસ્તુરીકો ક્યારો કર્યો, કેસરકી બની ખાજ, પાની દિયા ગુલાબ કા આખીર પ્યાજ કી પ્યાજ”

કસ્તુરી નો ક્યારો કરી,કેસરનું ખાતર નાખી,ગુલાબજળ નાખો,પણ ડુંગળીની ગંધ એની એ જ રહે છે -ગંધ જતી નથી.

 

ભાગવતની મા બાળકને પ્રભુના માર્ગે વાળે છે.માની જેવી ઈચ્છા હોય તેવા જ ચરિત્રનો દીકરો થાય છે.

આજની માતાઓ બાળકને પૈસા આપી સિનેમા જોવા મોકલે છે-જા, બેટા તારું કલ્યાણ થશે.

 

'દુઃશીલો માતૃદોષેણ,પિતૃદોષેન મૂર્ખતા, કાર્પણ્ય વંશદોષેન, આત્મદોષેન દરિદ્રતા'

માતાના વાંકથી બાળક ખરાબ ચરિત્રનો થાય છે, પિતાના દોષથી મૂર્ખ (બુદ્ધિ વગરનો) થાય છે,વંશના દોષ થી ભીરુ(ડરપોક) થાય છે, અને પોતાના દોષ થી (સ્વદોષ થી) તે દરિદ્ર (ગરીબ) બને છે