Tari Pidano Hu Anubhavi - 12 in Gujarati Moral Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 12

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 12

પરમ અને નિખિલ ત્યાંથી નીકળી ગયા પણ એમની વાતોની પ્રિન્ટ મારા મનમાં જ રહી ગઈ. નિખિલની ગર્લફ્રેન્ડ કોણ હશે? એની ટાઈપની છોકરી કેવી હોઈ શકે? શિવાંગી તો આટલી બધી મોર્ડન છે, તો એનામાં નિખિલને કેમ ઈન્ટરેસ્ટ નહીં હોય? પરમને પણ તો બે ચેટ ફ્રેન્ડ્સ છે. મારે આ બધું વિચારવાની શું જરૂર છે? હશે, એમને જે કરવું હોય એ બધું એ લોકો જાણે! મારે એનાથી શું લેવાદેવા? અંદર ઊભા થતા પ્રશ્નોના જાતે જ સમાધાન લાવવા મેં પ્રયત્ન કર્યો, છતાં વિચારો અટકતા નહોતા. મારે કોઈ લેવાદેવા નહોતી, છતાં પણ કંઈક હતું જે મને વિચારતા અટકાવી નહોતું શકતું.

એ દિવસે મને શું સૂઝ્યું કે હું મીત પાસે ગયો.

‘મીત, તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી?’ સવાલ પૂછતી વખતે મેં મસ્તી કરવાનો ડોળ કર્યો, પણ અંદર મને મારા કોઈ ગૂંચવાડાનું સમાધાન જોઈતું હતું.

અચાનક આવેલા મારા પ્રશ્નથી મીત જરા ભડક્યો. પણ બીજી જ સેકન્ડે એણે હસીને મારા ખભા પર હાથ મૂક્યો.

‘ગર્લફ્રેન્ડ એટલે શું એ તો મને કહે?’

‘ગર્લફ્રેન્ડ એટલે ગર્લફ્રેન્ડ... ડોન્ટ ટ્રાય ટૂ બી સો ઈનોસન્ટ.’

‘નો, આઈ એમ સીરિઅસ. મારે તારી પાસેથી સમજવું છે કે ગર્લફ્રેન્ડનો અર્થ તું કેવો કરે છે? લોકભાષાવાળી મોજમજા કરવા કે પોતાને બીજા જેવા પ્રૂવ કરવા માટેની ગર્લફ્રેન્ડ કે ફાલતુ ટી.વી. સિરિઅલ્સ અને મૂવી જોઈને અનુકરણ કરવા બનાવેલી ગર્લફ્રેન્ડ કે પછી કોઈ ફ્રેન્ડ જ હોય, પણ એ ગર્લ હોય એવી ગર્લફ્રેન્ડ?’

‘હું તને એક સિમ્પલ સવાલ પૂછું છું, એની સામે તું મને આટલા બધા સવાલો કેમ પૂછે છે? તારે ન કહેવું હોય તો કંઈ નહીં. રહેવા દે.’ હું ભડક્યો.

‘જો મિરાજ, ગર્લમાં ફ્રેન્ડ શોધે અને પોતાની મર્યાદા ના ચૂકે, એવું હોય તો ચાલે પણ ફ્રેન્ડમાં ગર્લને શોધે તો પરિણામ બદલાઈ જાય.’

‘અટપટો જવાબ નહીં આપ મીત. મને કંઈ સમજાયું નહીં.’

‘શાંતિથી વિચારીશ તો સમજાશે.’

હું આ બાબતે એની સાથે વધારે આર્ગ્યુમેન્ટ્સ કરી શકું એમ ન હતો, એટલે હું ચાલવા લાગ્યો.

‘મિરાજ, મને એક સરસ વાત યાદ આવી ગઈ. કહું?’ મેં મિરાજને અહીં અટકાવ્યો.

‘પ્લીઝ દીદી, કહો ને.’

‘રાવણે સીતાજીનું હરણ કર્યું, પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ એમને જંગલમાં શોધવા નીકળ્યા હતા, ત્યારે એમને રસ્તામાં ઘરેણા પડેલા મળ્યા. શ્રીરામે એક-એક ઘરેણાને ઉપાડીને લક્ષ્મણને પૂછ્યું, ‘લક્ષ્મણ, આ તારા ભાભીની બંગડીઓ છે?’

‘મને ખબર નથી’ લક્ષ્મણે જવાબ આપ્યો. આ જો તો, આ તારા ભાભીના ગળાનો હાર છે?’

‘હું નથી જાણતો ભાઈ.’

‘આટલા વર્ષોથી આપણે એકસાથે આ જંગલમાં વનવાસ કરીએ છીએ, તો પણ શું તું તારી ભાભીના ઘરેણા નથી ઓળખતો!’ શ્રીરામે આશ્ચર્યથી પૂછ્યું.

લક્ષ્મણે કંઈ જવાબ ન આપ્યો.

‘આ જો, આ ઝાંઝર તારા ભાભીના છે?’

‘હા, આ તો ભાભીના જ છે.’ લક્ષ્મણે પહેલી વખત હા પાડી.

આ સાંભળી શ્રીરામને નવાઈ લાગી. એમણે લક્ષ્મણને પૂછ્યું, ‘લક્ષ્મણ, તને સીતાના એક પણ ઘરેણાની ઓળખાણ નથી, તો તું આ ઝાંઝરને કેવી રીતે ઓળખી ગયો?’

‘ભાઈ, મેં ક્યારેય ભાભી તરફ નજર નથી કરી. પણ રોજ હું મા સમાન ભાભીના ચરણ સ્પર્શ કરું છું. તેથી એમના ઝાંઝર જોયા છે. માટે મને ભાભીના બીજા કોઈ આભૂષણોની ઓળખ નથી.’

‘કેવી અદ્ભુત હતી લક્ષ્મણની મર્યાદા અને ભાભી પ્રત્યેનો વિનય. આપણે એ જ આર્ય પ્રજાના વંશજ છીએ. સંયમ, મર્યાદા, પવિત્રતા, ખાનદાની... આ બધું તો આપણી ગળથૂથીમાં જ હોય. પણ અત્યારે આપણી શું દશા થઈ ગઈ છે. સંસ્કાર ચણા-મમરાના ભાવે વેચાઈ રહ્યા છે. અને જે એને સાચવીને બેઠા છે એને એનો અફસોસ છે.’ મેં કહ્યું.

મિરાજ નીચું જોઈ ગયો.

‘મિરાજ, તે પણ આ જ ભૂલ કરી. તારા સંસ્કારોને તું જાતે ધૂળમાં રગદોળવા તૈયાર થયો.’ મારી આ સ્પષ્ટ વાત સાંભળીને મિરાજનો ચહેરો ગંભીર થઈ ગયો.

‘એ હવે મને સમજાય છે દીદી કે મેં કેવી ભૂલ કરી.’

‘તને ખબર છે સંયુક્તા, મિરાજમાં એક ક્વોલિટી એવી છે કે જે મારા કરતા પણ વધારે સારી છે.’ મીતે મિરાજ આગળ બોલે એ પહેલા કહ્યું.

‘કઈ?’

‘પોતાની ભૂલોને સ્વીકારવાની શક્તિ. ભલે સંજોગો અને વ્યક્તિઓનો સામનો કરવામાં એ પાછો પડ્યો, પણ જે માણસ પોતાની ભૂલો સ્વીકારી એને સુધારવાનો પ્રયત્ન કરે છે, એ એક દિવસ પોતાના જીવનમાંથી ભૂલોને કાઢીને જ રહે છે.’ મીત મિરાજને સેલ્ફ નેગેટિવિટીમાંથી કાઢીને એના પોઝિટિવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘આપણી નૌકાની પતવાર આપણા હાથમાં હોવી જોઈએ, બીજાના હાથમાં નહીં.’ મેં મિરાજને લાગણીસહ સ્ટ્રોંગ ભાવ સાથે કહ્યું.

‘તમે સાચું કહો છો દીદી. મારી નૌકાની પતવાર મારા ફ્રેન્ડ્સના હાથમાં હતી. એ દિવસનો અનુભવ મારા માટે જરૂર કરતા વધારે હાઈ ડોઝ સાબિત થશે, એ વાતની મને ખબર નહોતી.’ કહી મિરાજે વાત આગળ વધારી.

હું ઘરે પહોંચ્યો, ત્યારે મમ્મીએ ડિનર તૈયાર રાખ્યું હતું.

‘ચાલો જમવા.’ મમ્મીએ બૂમ પાડી.

હું અને પપ્પા જમવા બેઠા. મને અંદર થોડો ફફડાટ હતો કે પપ્પાની હાજરીમાં મમ્મી પિક્ચર બાબતે કંઈ પૂછશે તો... મેં જેમ તેમ કરીને થોડું ખાધું અને પછી ઊભો થઈ ગયો.

‘કેમ સરખું ખાધું નહીં, મિરાજ?’

‘બસ મમ્મી, આજે બહુ ભૂખ નથી.’

‘બહાર કંઈ ખાધું છે?’ જે ટોપિક વિશે વાત કરવાનું હું ટાળવા માંગતો હતો, એ જ પ્રશ્ન મમ્મીએ પૂછી લીધો.

‘ના, કંઈ ખાસ નહીં. એ તો પરમ અને નિખિલને ભૂખ લાગી હતી એટલે એ લોકોએ પિઝા ઓર્ડર કર્યા હતા.’ અંદરથી તો નક્કી જ હતું કે હું સાચું નહીં કહું, તો પણ ખબર નહીં કેમ મારાથી જૂઠું બોલાયું જ નહીં.

‘હું જલદી જૂઠું નથી બોલી શકતો, દીદી. એ મારી વીકનેસ છે. અને સાચું બોલ્યા પછી મમ્મીનો ઠપકો સાંભળવો પડે તો એની તૈયારી હું પહેલેથી જ રાખતો. હું અને મીત નાના હતા, ત્યારથી અમને ઘરમાં સાચું બોલતા જ શિખવાડ્યું છે. એ જ સંસ્કાર ત્યારે આડે આવ્યા.’

મીત શાંત રહીને મિરાજને જોઈ રહ્યો, પણ એની આંખો અને સહેજ ખેંચાયેલી આઈબ્રો આ વાતનો વિરોધ દર્શાવતી હતી.

‘અરે, આ તો વીકનેસ નહીં પણ સ્ટ્રેન્થ છે. ભલે અત્યારે લોકોને એની વેલ્યૂ ના હોય પણ જે રિયલ ડાયમંડ હોય એ એક દિવસ કોલસાથી અલગ તરી જ આવે.’ મેં મિરાજને એનામાં રહેલા પોઝિટિવ બતાવ્યા.

‘મને તો મારામાં કોઈ વાત સારી દેખાતી જ નથી.’ પણ એ નેગેટિવ જ હતો.

‘ઘણી સારી વાતો છે તારા અને તારા ફૅમિલીમાં. તને અને મીતને નાનપણમાં જે સંસ્કાર મળ્યા છે એ નડતા નથી. એ જ સંસ્કાર લાઈફના રનવે પર દોડવામાં કામ આવશે.’

‘લાઈફનો રન વે?’

‘તે પ્લેનને ટેક ઑફ કરતાં જોયું છે ને? શરૂઆતમાં સ્પીડ ઓછી હોય પણ પછી એ સ્પીડ પકડે અને જમીનથી ટેક ઑફ લઈ લે. સંસ્કાર પકડીને આગળ વધવાનું ભલે સહેલું નથી, પણ એ સાથે હશે ને તો ટેક ઑફ કરીને ઊપર ઊઠવા મળશે. એ સંસ્કાર જ છે જે સુસંગના વાતાવરણમાં સ્પીડ બ્રેકરનું કામ કરે છે.’

મીતની વાતો પણ મિરાજ એટલા જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો, જેટલી મારી.

‘તે ઘરમાં સાચું કહ્યું પછી શું થયું?’

‘...પછી?’ મિરાજે અમુક સેકન્ડનો પોઝ લીધા પછી વાત શરૂ કરી.

‘આ નિખિલ કોણ છે?’ પપ્પાએ તરત જ પૂછ્યું.

‘એ પરમનો ફ્રેન્ડ છે.’ મેં જવાબ આપ્યો.

‘પરમના પપ્પાના નવા બિઝનેસ પાર્ટનરનો છોકરો છે. બરોડાથી એનું ફેમિલી અહીંયા શિફ્ટ થયું છે.’ મમ્મીએ વિગતવાર જવાબ આપ્યો.

‘તને કેવી રીતે ખબર પડી?’ મમ્મીની વાત સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ.

‘બાજુવાળા કેતકી આન્ટી સારી રીતે ઓળખે છે પરમની મમ્મીને. એ વાત કરતા હતા.’

‘ઓહ.’

બે મિનિટ પછી હું ઊભો થયો.

‘મિરાજ...’ રૂમ તરફ જવા આગળ જ વધતો હતો કે પપ્પાએ મને બોલાવ્યો.

‘હં.’

‘સ્કૂલ ખૂલવામાં હવે એક અઠવાડિયું પણ બાકી નથી રહ્યું, ખબર છે ને?’

‘હા.’ ચહેરા પર થોડા કંટાળા સાથે મેં જવાબ આપ્યો.

‘તારે નોટબુક્સ, ટેક્સ્ટબુક લેવા સ્કૂલ ક્યારે જવાનું છે?’ મમ્મીએ પૂછ્યું.

‘ખબર નથી. પરમને પૂછી લઈશ.’

‘આજકાલ તારું કોઈ વાતમાં ધ્યાન કેમ નથી હોતું? ક્યાં ખોવાયેલો રહે છે? પરમને તો તું આજે જ મળ્યો હતો. તો પૂછી ના લેવાય?’ મમ્મીની વાતો મને કચકચ જેવી લાગી.

‘યાદ ના રહ્યું.’ મેં લાપરવાહીથી કહી દીધું.

મારા બદલાયેલા વર્તનથી પપ્પાના હાવભાવ પણ કડક થયા.

‘હવે કાલે ભૂલતો નહીં પૂછવાનું.’

‘હા.’ હું ચૂપચાપ રૂમમાં જતો રહ્યો.

હું રૂમમાં જઈને થોડીવાર એમ ને એમ જ બેસી રહ્યો. આખા દિવસના પ્રસંગો રિવાઈન્ડ થઈને આંખ સામે તરવરી રહ્યા હતા. નિખિલ પ્રત્યે મને અભાવ થઈ ગયો હતો. આવી થર્ડ ગ્રેડ મૂવીની ટિકિટ લેવી, ચાલુ મૂવીમાં અસભ્ય સીન માટે સીટીઓ મારવી, પિઝા હટમાં શિવાંગી જેવી છોકરી સાથે સારું વર્તન કરનાર અને કારમાં એના જ માટે ‘ટાઈમ પાસ ગર્લ’નું ટાઈટલ આપનાર નિખિલની ઓરિજિનલ પર્સનાલિટી શું છે, એ સમજવું કોમ્પ્લિકેટેડ લાગ્યું. અત્યાર સુધી દેખાવે હેન્ડસમ અને બ્રાન્ડેડ કપડાં પહેરીને, સરસ ઈંગ્લિશ બોલવાવાળા નિખિલની પર્સનાલિટીની બીજી સાઈડ જોયા પછી નિખિલથી થોડું દૂર રહેવું જોઈએ એવું મને પહેલીવાર લાગ્યું. મનમાં ચાલતા ઘમસાણે મને થકવી દીધો હતો. હું વહેલો સૂઈ ગયો. પણ ઊંધ આવે ક્યાંથી? કેટલાય પ્રયત્નો કર્યા, છતાં મન શાંત નહોતું પડતું. વિચારોને બ્રેક વાગતી જ નહોતી. ‘ખરા’ અને ‘ખોટા’ એ બે વકીલોની દલીલો સતત ચાલતી રહી. ત્યારે મને ક્યાં ખબર હતી કે મારો કેસ ઘણો લંબાવાનો છે. કારણ કે, ચુકાદો આવવાને હજી ઘણીવાર હતી.’

બીજા દિવસે મેં પરમને મળવા જવાનું ટાળ્યું, કારણ કે એ અને નિખિલ લગભગ સાથે જ હોય. આગલા દિવસના અનુભવોથી હું ડિસ્ટર્બ હતો. હું લેપટોપ પર ક્રિકેટની ગેમ રમવા બેસી ગયો. એનાથી બોર થતા વ્હોટ્સએપ ચાલુ કર્યું. એમાં પણ કંટાળો આવતા ઈન્સ્ટાગ્રામ ખોલ્યું.

આજકાલ બધાને સેલિબ્રિટીઓને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનો બહુ ક્રેઝ હોય છે. હું પણ મારા ફેવરિટ ક્રિકેટર્સ, ફૂટબોલ પ્લેયર્સ, બોક્સર્સ અને એક્ટર્સને ફોલો કરતો હતો. બોલીવુડ અને હોલીવુડ એક્ટર્સ પ્રોફાઈલ જોવામાં મને આશ્ચર્ય અને અજંપાની મનોદશા વચ્ચે ક્યાંક મજા પણ આવી રહી હતી. એમની ઝાકઝમાળ દુનિયાના ફોટાઓ વચ્ચે અમુક ના જોવાલાયક ફોટાઓ પણ સામે આવ્યા. પહેલા તો મેં સ્ક્રીન પરથી નજર ફેરવી લીધી અને એ પેજ બંધ કરી દીધું. પણ જેમ એકવાર ચીકણી માટીમાં લપસ્યા પછી એમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરીએ એટલું એમાં વધારે ખૂપી જવાય, એમ જ થોડીવાર પછી ફરીથી એવો ને એવો કચરો જોવામાં હું ખોવાઈ ગયો.

મૂવીમાં જોયેલા સીન ફરીથી મારા માનસપટ પર ફરી વળ્યા. એ મૂવીની એક્ટ્રેસને પણ મેં ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું. આવું બધું કરવા પાછળનું કારણ માત્ર એ જ હતું કે આ લોકોની રિયલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ કેવી હોય છે, એ જાણી લેવાની ઉત્સુકતા! પણ આ બધું જાણીને મારે કરવું શું છે એની મને ખબર જ નહોતી.

‘તારી પાસે આટલી બધી સમજણ છે, છતાં પણ તું એ રસ્તે ખેંચાઈ ગયો?’ મેં મિરાજને પૂછ્યું.

‘સમજણ તો હવે આવી. ત્યારે તો ભાન જ ક્યાં હતું? બસ દેખાદેખીનું ભૂત સવાર હતું. કયા ક્રિકેટર અને એક્ટર પાસે કઈ સ્પોર્ટ્સ કાર, બાઈક છે, કેટલા બંગલા છે, એ બધું જાણવું હતું. એ પણ, લોકો જ્યારે આ બધી વાતો કરતા હોય, ત્યારે હું બાઘો ન દેખાઉ એટલા માટે જ. આ નોલેજનો અભાવ દિલના કોઈક ખૂણે મને બીજાથી ઈન્ફિરિઅર ગણાવતું. જેના ઉપાય સ્વરૂપ ગૂગલ, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવા સોર્સમાંથી મેળવેલું નોલેજ મને પણ ગ્રુપ ગોસિપિંગમાં આગળ રાખતું. મિરાજ એકીશ્વાસે બધું બોલી ગયો.

હવે હું પણ બીજાની જેમ જ ઘણા ખરા અંશે અપડેટેડ છું. એવા સંતોષ સાથે પલંગમાં લાંબો થયો. હું મનોમન વિચારવા લાગ્યો, આ બધા સેલિબ્રિટી પાસે આટલી બધી જાહોજલાલી છે. એમનામાંથી ઘણાએ તો કોલેજ જોઈ પણ નથી. દસમાં કે બારમામાં ફેઈલ થયા પછી ફરી સ્કૂલ પણ નથી ગયા. તો પણ આજે સૌથી વધારે સુખી છે. અને મારી દશા કેવી છે? સ્કૂલમાં, ઘરમાં, ટ્યૂશનમાં આખો દિવસ ભણવા માટેના સ્ટ્રેસ અને ટોર્ચર સાથે જીવવાનું. ભણવાથી કોનો ઉદ્ધાર થયો છે તો મારો થવાનો છે? એક ઊંડા નિસાસા સાથે માથે ચાદર ઓઢીને વિચારોની દુનિયામાં ખોવાઈને હું ક્યારે સૂઈ ગયો એની ખબર જ ના પડી. એમ પણ ઘણા દિવસોથી ઊંઘ પૂરી જ ક્યાં થતી હતી!

અડધો કલાક પછી ફોન પર રિંગ વાગી. મેં પરાણે આંખો ખોલી. મેં વિચાર્યું કે ચોક્કસ પરમનો ફોન હશે. આજે મળવા નથી ગયો એટલે. પણ ના! એવું નહોતું. મે એક આંખ અધખુલ્લી કરીને મોબાઈલમાં નામ વાંચ્યું. આ વખતે વિશ્રુતનો ફોન હતો. વિશ્રુત? ઘણા દિવસો પછી!

‘હેલ્લો.’ મેં આંખો ચોળતા કહ્યું.

‘હેલ્લોવાળા. ક્યાં ખોવાઈ ગયો છે? એક્ઝામ હતી ત્યાં સુધી બરાબર, પણ વેકેશન પૂરું થવા આવ્યું ત્યાં સુધી કોઈ ફોન નહીં, કઈ દુનિયામાં જીવે છે?’ વિશ્રુતે મને ઝંઝોળ્યો.

મને મન તો થતું હતું કે વિશ્રુત સાથે બે ઘડી વાત કરી પોતાનું દિલ હળવું કરું પણ કંઈક આડે આવી રહ્યું હતું. વાત કરવી હતી પણ શબ્દો બહાર નીકળી શકતા નહોતા.

‘અહીં જ છું. તું કેમ છે?’ મારા શબ્દો ગોઠવાઈને બોલાઈ રહ્યા હતા.

‘આઈ એમ ઓલરાઈટ. બસ, આજે તારી યાદ આવી એટલે ફોન કર્યો.

‘હં’ આગળ કંઈ ન સૂઝતા હું મૌન થઈ ગયો. મારા બોલવામાં કોઈ ઉમળકો નહોતો. ફ્રેન્ડને તો એ સમજતા ક્યાં વાગ લાગે!

‘આઈ હોપ ધેટ એવરી થિંગ ઈઝ ઓલરાઈટ વિથ યૂ.’ વિશ્રુતે થોડા ચિંતિત સ્વરે કહ્યું.

‘હા... હા... એ તો ઊંધમાં છું એટલે જરા...’ હું પાછો અટકી ગયો.

‘ઓહ સોરી, આઈ ડિસ્ટર્બ યૂ. સૂઈ જા. ફરી નિરાંતે ફોન કરીશ. બાય, ગુડ નાઈટ.’

‘ગુડ નાઈટ.’

મેં આંખો બંધ કરી.

‘આઈ હોપ ધેટ એવરી થિંગ ઈઝ ઓલરાઈટ વિથ યૂ.’ વિશ્રુતના શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા. મારી સાથે બધું ઓલરાઈટ તો નહોતું જ પણ શું રોંગ હતું, એ ખબર નહોતી પડતી. વિશ્રુત સાથે વાત ના થઈ શકી, એનો મનમાં ભાર અને વસવસો રહ્યો. ધીમે ધીમે બધું ડલ લાગવા લાગ્યું. કોઈની સાથે ગમતું નહોતું. પરમ અને નિખિલ પ્રત્યે પણ મનમાં છૂપો રોષ હજુ હતો.

મિરાજ એના અતીતમાં એક સફર કરી આવ્યો. એની વાણી નોન સ્ટોપ નીકળી ગઈ. એની વાતને સાંભળતા અનેકવાર મારું હૃદય દ્રવી ઊઠતું. એક તરફ એના અનુભવોની ધારા વહી રહી હતી અને બીજી તરફ એની વાતો સાંભળતા મારા વિચારોની ધારા પણ અખંડપણે ચાલુ જ રહી. એના જીવનના ઘણા બધા પાસાઓ મને સમજાતા હતા, પણ એ બધા પાસાઓની આપણા માનસ પર કેવી અને કેટલી ગહેરાઈથી અસર થઈ શકે છે, એ એને જોઈને સમજાઈ રહ્યું હતું.

મીત ચૂપ હતો. અનેક ભાવ દર્શાવતી એની લાગણીશીલ આંખોથી એ મને અને મિરાજને જોઈ રહ્યો હતો. અમને બંનેને એણે ખૂબ નજીકથી જોયા હતા. મિરાજના જીવનની ડાયરીના અજાણ્યા પાના વાંચતા એનું હૃદય પણ દ્રવી ઊઠ્યું હશે. મારી ડાયરીના ઘણા ચેપ્ટર તો એણે જોયેલા જ હતા. પણ આજે જે સંયુક્તાને એ જોઈ રહ્યો હતો, એને જોઈને થોડા શોક અને સરપ્રાઈઝ સાથે એ ખુશીની અનુભૂતિ કરી રહ્યો હતો. આજે એની સામેની બંને વ્યક્તિઓની દશા રિવર્સ થઈ ગયેલી હતી. એ રોલ રિવર્સલને પચાવવા અને શમાવવા માટેની ધીરજ અને સમજણ એનામાં છે એની મને ખાતરી હતી. પણ એણે એના ભાવોને ચહેરા પર આવવાની જાણે મનાઈ ફરમાવી હોય, એમ એ નોર્મલ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ આંખો તો ખુલ્લી કિતાબ છે. એ ઘણું બધું કહી દે છે. મોટાભાઈ તરીકે એ બરાબર હતો. અત્યારે મિરાજને સપોર્ટ આપવાની જરૂર હતી, સેટબેક નહીં.

‘તને એક વાત પૂછું મિરાજ?’

‘હા દીદી.’

‘તને તારી લાઈફમાં સ્પેશિઅલ, હેપી અને સેફ કોની સાથે ફીલ થાય?’

‘હું સમજ્યો નહીં દીદી.’

‘ઓ.કે. ચલ, હું તને ત્રણ ઓપ્શન આપું છું. પરમ, નિખિલ અને વિશ્રુત આ ત્રણમાંથી તને કોની જોડે સ્પેશિઅલ, હેપી અને સેફ ફીલ થાય?’

‘અચાનક કેમ આવું પૂછો છો દીદી?’

‘આ તું તારા અંદરવાળા મિરાજને પૂછજે. બહારવાળા મિરાજને નહીં.’

‘અંદરવાળો મિરાજ... બહારવાળો મિરાજ?’

‘હા. અંદરવાળો મિરાજ અલગ છે અને બહાર દેખાદેખીનું માસ્ક પહેરીને ફરે છે, એ મિરાજ અલગ છે. અંદરવાળો ઓરિજિનલ છે. એ દિલની વાત સમજે છે. બહારવાળો બુદ્ધિની વાત સાંભળે છે. આંખો બંધ કરીશ તો જવાબ જરૂર મળશે.’

મારો સવાલ સાંભળીને મિરાજે આંખો બંધ કરી. એ જવાબ શોધી રહ્યો હતો.

‘મિરાજ, સોરી ટૂ ઈન્ટરપ્ટ યૂ.’ થોડી જ ક્ષણોમાં મારે બોલવું પડ્યું.

‘હં...’ એણે આંખો ખોલી અને વર્તમાનમાં પાછો આવ્યો.

મેં મારી રિસ્ટ વોચ તરફ નજર કરી.

અંધારું થઈ ગયું હતું. સમયને માન આપીને અને પોતાની મર્યાદામાં રહીને આગળ વધવું એ વધારે મહત્વનું હતું. આમ તો અમારા બંને વચ્ચે ફ્રેન્ડશિપનો સંબંધ પણ ના કહેવાય. એ મારા માટે નાનાભાઈ જેવો હતો અને હું એના માટે મોટી બહેન જેવી. મીત સાથેની ફ્રેન્ડશિપમાં પણ ક્યાંય કોઈ ડાઘ નહોતો પડ્યો. છતાંય દરેક સંબંધમાં પોતાની મર્યાદાને સ્થાન રહે છે. મર્યાદાની બે મિનિટની ગેરહાજરી અજુગતું પરિણામ લાવી શકે છે.

‘ઓહ, ઈટ્સ લેટ. આપણે હવે જવું જોઈએ.’ એને આગળ કહેવા મારા હોઠ કંઈ બોલે એ પહેલા જ મીત બોલી ઊઠ્યો.

‘હા.’ હવે મારે કંઈ કહેવાની જરૂર જ નહોતી.

‘લેટ્સ ગો.’

અમે ત્રણે ચાલતા ચાલતા બીચની બહાર નીકળ્યા. મિરાજ નીચી નજરે ચાલી રહ્યો હતો. મીત એકીટસે મિરાજ સામે જોઈ રહ્યો હતો. પોતાના ભાઈની ચાલ અને હાવભાવમાં આવેલા બદલાવથી એ ખુશ હોય એમ લાગ્યું. એની આંખોમાં મારા પ્રત્યે આભારની લાગણી ઊભરાઈ આવી.

‘આજે લેટ થઈ ગયું. પણ જલદી મળીશું. આજે મને મિરાજ સાથે વાતો કરવાની બહુ મજા આવી.’ મેં મીતની સામે જોઈને કહ્યું.

મિરાજના ચહેરા પર મારા પ્રત્યે વિશ્વાસની લાગણી હતી, જેને માટે અકબંધ રાખવાની હતી. કેટલોય વિશ્વાસ હોય ત્યારે કોઈની પાસે પોતાની વાતો ખુલ્લી કરાય. નહીં તો આજના સમયમાં પોતાના બનીને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને બરબાદ કરી નાખનારા લોકોની કોઈ કમી નથી.

‘તારી સાથે આવીએ ઘર સુધી?’ મીતે પૂછ્યું.

‘ના ભાઈ ના, હું પહોંચી જઈશ. ડોન્ટ વરી. ઘર નજીક જ છે.’

‘તમારા સવાલનો જવાબ નેક્સ્ટ મીટિંગમાં આપીશ, દીદી.’

‘હા. આમ તો મને ખબર જ છે કે તને જવાબ મળી જ ગયો છે.’

મિરાજ કંઈ બોલ્યો નહીં. ફક્ત સ્માઈલ આપી. અમે છૂટા પડ્યા. મારા મનમાં મિરાજ માટે આનંદ હતો. એની હાલત ચોક્કસ સુધારા પર છે કારણ કે, હવે એ મારી સાથે ખૂબ ઓપન થઈ ગયો હતો. એનો ભાર હળવો થવા લાગ્યો હતો.

જ્યારે આપણે આપણી પીડા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સામે વ્યક્ત કરીએ ત્યારથી જ આપણે મુક્તતા અનુભવવા લાગીએ છીએ.