Waiting for your reply..... in Gujarati Biography by Harshika Suthar Harshi True Living books and stories PDF | તારા જવાબની જોવાતી રાહ.....

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

તારા જવાબની જોવાતી રાહ.....



આ મારાં જીવનની સત્ય ઘટના છે જે હું એક પત્ર ના રૂપે મારી બહેન ને સમર્પિત કરુ છું હું મારા લેખો અને વાર્તાઓ માતૃભારતી સાથે વહેચવાનું પસંદ કરું છું, તેમજ માતૃભારતી ના ઘણા લેખકોને વાંચું પણ છું,

પ્રિય બહેન,

મારા થી નાની હોવા છતાં તારી ઊંચાઈનો ફાયદો ઉઠાવી ગઈ. કદી ન ઉતારી શકું એવા ઋણ મારા માથે ચડાવતી ગઈ. તું નથી મારી પાસે, પણ તારી સાથે વિતાવેલી ક્ષણો મારી આંખના નેત્રપટલ પર સંતાકુકડી રમ્યા કરે છે.

ક્યારેય ભૂલી નહિ શકું તે કાળમુખો દિવસ દિવાળીના અગિયારસનો. એ પોસ્ટર તો મેં જ બનાવ્યું હતું અને મારે જ ચોટાડવાનું હતું. ન તું ગઈ હોત તો આ વાયરના વીજ તણાં ચમકારા તારા પર ત્રાટકતાં અને તું મારાથી દૂર થાત.

તને યાદ છે? આપડે સાથે બેસીને જે ક્રિકેટ આઇપીએલ અને વર્લ્ડ કપની મેચો જોતા, આજેય મારો ફેવરીટ ખેલાડી જીરોમાં જ આઉટ થાય છે, પણ મને ચીડવતી તું કંઈ બોલતી જ નથી. સ્પર્શતા તારા ચિત્રને કઈક વિચિત્ર લાગતું, જાણે તું હમણાં બોલશે. સંભાળ કહું છું, જાગ! તું , મને એકલી મૂકી ને તું ક્યા સંસાર માં ચાલી ગઈ છે. તું સુખમાં છે કે દુ:ખમાં, એક ઈશારો તો કર. આજેય પહેલા જેવી જ સીરીઅલોના ભાગ જોવાના રહી જાય છે. તું કહી ને સંભળાવતી હતી એ સીરીઅલો હજુય ચાલે છે, પણ જોવામાં મન નથી લાગતું. વર્ષો વિતી ગયા, પણ એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તને યાદ ન કરી હોય. એ હકીકત અને અનુભવ તો હું અને મારી કલમ જ જાણે છે. મને ખબર નથી કે હું એ સદમો કેવી રીતે સહન કરી ગઈ.

તું જ હતી જે મારી કવિતા અને વાર્તાઓ સાંભળતી હતી. અત્યારે પણ ઘણાં વારતા સાંભળે છે, પણ તારી જેમ કોઈ ભૂલો નથી સુધારતું. સાથે રમતા, ભણતા, વાંચતા, લખતા શિયાળામાં તાપણું કરી મોડે સુધી જાગતા. તું તારા સ્કુલની વાતો કહેતી ને હું મારા કોલેજની વાતો કરતી. યાદ છે? તને એકવાર મેં ટીવીનું રીમોટ સંતાડી દીધેલું અને તે મારી ડાયરી સંતાડેલી. આજે આ ડાયરીમાં બસ તારાજ સંસ્મરણો ચીતરવાનું મન થાય છે.

આજેય જાઉં છું પાવાગઢના ડુંગરે ફરવા. જે પથ્થર પર આપડે આપડા નામ ચીતર્યા હતા તે પત્થરો ય એમાનુ મૌન નથી તોડતા. પાવાગઢથી સૌથી પહેલા નીચે ઉતરવાની રેસમાં હંમેશા તું જીતી જતી. અત્યારે હું જીતી ને ય હારી જાઉં છું. રાત્રી પડે અંધકારમાં તારા અજવાળા મારી આંખોને અંજાઈ દે છે અને ત્યારે, મારા હૃદયનો દર્દ ભર્યો દરિયો આંસુ બની ને ઊભરાઈ જાય છે. જગતમાં કોઈ આવું કામ નથી જે મેં તારા વગર કર્યું હોય. જગતમાં કોઈ આવી વાત નથી જે મેં તને ન કરી હોય. મારી આંખો સામે જ તારી અંતિમ વિધિઓ, બેસણું વગેરે પત્યાં છે, પણ છતા મન માનવા તૈયાર નથી કે તું હવે આ દુનિયામાં નથી. જયારે તું સાથે હતી ત્યારે તારા સાથથી અને તારા હાથથી દિલને દિલાસો મળતો હતો. હવે ક્યાં જવું, અંધકારમાં કોઈ રસ્તો જડતો નથી. કેમ? એટલું જ ભાગ્ય લઈને આવી હતી તું. મને વધુ જીવવું હતું તારી સાથે, પણ કંઈ ન મળ્યું, બસ પુષ્પો જ મળ્યા તારી ઉપર નાખવા માટે. ખબર છે મને કે મારા આ પત્રનો જવાબ ક્યારેય નથી મળવાનો, છતાં જોવાતી રાહ રહેશે, વહાલી. તારા માટે મારા હૃદયથી નીકળેલી આ કવિતા તારા ગયા ના બીજા જ દિવસે સૂઝેલી, આ તને કવ છું:

મૂકી ને મને એકલી .....

મુકીને મને એકલી, ગઈ દુ:ખમાં કે ગઈ સુખમાં?

કયા સંસારમાં? એક તો ઈશારો કર...

રાત્રી પડે અંધકારમાં તારા અજવાળા અંજાઈ દે,

દર્દમાં દિલનો એ દરિયો અશ્રુ બની ઊભરાય દે,

જગતમાં કયું એવું કામ છે તારા વગર જે હું કરું,

જગતમાં કઈ એવી વાત છે કહ્યા વગર જે હું રહું,

આંખો સમક્ષે તું જલી, પણ મન નથી તે માનતું,

રડે છે તારી યાદમાં બીજું કઈ નથી તે જાણતું,

તારા સાથથી, તારા હાથથી, દિલને દિલાસો મળતો હતો,

હવે ક્યાં જવું, અંધકારમાં કોઈ રસ્તો જડતો નથી,

સ્પર્શતા તારા ચિત્રને કઈક વિચિત્ર લાગતું,

હમણાં જાણે તું બોલશે. સાંભળ, કહું છું જાગ તું,

ભાગ્ય લઈને આટલું આવી હતી શું ગોતવા,

ન મળ્યું બીજું કઈ, મને પુષ્પો મળ્યા બસ નાંખવા,

યમ બનીને ત્રાટક્યા વીજ તણા ચમકારા, કઈ,

હાથ તારો પકડીને તારી વેદના હું જાણી ગઈ,

કઈ કરું તે પહેલા તું તરીયામાં સમાઈ ગઈ.

- તારી બહેન

પ્રકૃતિ નો નિયમ છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે,પરંતુ જયારે આપણી સાથે આવું કઈ બને ત્યારે આપણે બેબાકળા બની જઈએ છીએ અને ઘણી વાર એમ પણ થાય કે કેમ ભગવાને મારી સાથે આવુ કર્યું દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ નથી પણ અમુક સમયે નીરુતર રહેવું વધુ યોગ્ય હોય છે,બીજું તો સમય દરેક વ્યક્તિ ને મુર્ખ કે મહાન બનાવી દે છે ,જીવન મરણ તો સંસારનો નિયમ છે, આપણે એ જ સંસારમાં રહીએ છીએ ,આથી આવા અકસ્માતે કે અચાનક આપણા થી દુર થયેલા વ્યક્તિને ભૂલી તો ના જ શકાય પણ તેની સાથે વિતાવેલી સારી યાદો, ખુશી ના દિવસો ને વીણી ને મગજ ની એક ખૂણે સાચવી રાખવા જોઈએ, આજે પણ મારી પ્રિય બહેન મને રક્ષાબંધન ના દિવસે બહુ સાંભળે છે, અમે ત્રણ બહેનો રક્ષાબંધનના દિવસે વહેલા ઉઠતા નવા કપડા પહેરતા અને મારા બે નાના ભાઈઓને રાખડી બાંધતા પછી મનગમતું જમવાનું બનાવતા, સાથે બેસીને જમતા, એતો ખરું જ પણ અમે પાંચ ભાઈ બહેનો નું ટોળું ખુબજ મોજ મસ્તી કરતા, જયારે અત્યારે મોટી બહેનના લગ્ન થઇ ગયા છે મારાથી નાની બહેન તો મારાથી ઘણે દુર ચાલી ગઇ, જેને મળવું સપનાં સિવાય ક્યાય શક્ય નથી,બંને ભાઈ ભણવા માં મસ્ત છે,કેહેવા માટે તો ઘણા મારા છે પણ કોઈ નથી પણ છતાં મને મારી જીંદગી સાથે કોઈ ફરિયાદ નથી.અમારા પાંચના અવાજ થી ગુંજતા ઘર માં હવે ક્યારેક જ ખલેલ પહોંચે છે,હવે તો જયારે ટીવી જોતી હોવ ત્યારે જો કોઈ સેડસોંગ વાગતું હોય તો લાગે જાણે મારા માટે જ બનાવાયું છે, હું એમ નથી કહેતી કે હુ દુઃખી છું, પણ જીવન માં આવતા આવા ઉતાર ચડાવ થી અસંતુષ્ટ છું, અને દુઃખ એ વાત નું છે કે હું તેને બચાવી ના શકી, તેણે મને જીવનદાન આપ્યું.

HARSHIKA SUTHAR