Ek Hati Kanan.. - 22 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 22

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 22

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 22)
આમ આ બન્ને એ દરિયાદેવ ની આ જીવતી જાગતી ભેટ એવી મુક્તિ સાથે ગોવા છોડ્યું.એક વિચિત્ર આનંદ સાથે પાછાં ફરતું આ દંપતિ કુદરતની ચાલી રહેલી લીલાથી સંપૂર્ણ બેખબર હતું.
“કોઈનું પારકું લોહી આ ઘરમાં મને ન જોઈએ.આવાં બાળકોનું સ્થાન બાલઘર જેવી સંસ્થાઓમાં જ હોય અને તે ત્યાં જ રહેશે.”મનન ની મમ્મીએ ફેંસલો સંભળાવી દીધો.
કાનન અને મનન બન્ને એ મુક્તિ વાળી વાત ઘરે કરી ન હતી.એ લોકો સરપ્રાઈઝ આપવા માગતાં હતાં.ઘરે આવીને બન્ને એ હોંશે હોંશે વાત કરી તો મનન ની મમ્મીએ વાત વધાવવાને બદલે સીધો ફેંસલો જ આપી દીધો. ઘરના બધા સભ્યોએ માથું હલાવી સમંતિ પણ આપી દીધી સિવાય મનનની ભત્રીજીએ.એ તો પોતાની આટલી નાની બહેનને જોવામાં મશગૂલ થઈ ગઈ હતી. બધાની વાત ઉપરથી એ સમજી પણ ગઈ હતી કે મુક્તિને ક્યાંક મુકવાની વાત થઇ રહી છે એટલે એણે પૂછી પણ લીધું.
“કાકી,આપણે બહેનને અહીં જ રાખશું ને? હું એને રમાડીશ,રમકડાં પણ આપીશ અને ઘોડિયામાં હીંચકા પણ નાખીશ.તમે એને ક્યાંય મૂકી નહીં આવોને?”
“ના બેટા,ક્યાંય નહીં મૂકી આવીએ.”કાનન માંડ માંડ આટલું બોલી શકી.
“મમ્મી,તમે સમજવાની કોશિશ કેમ કરતાં નથી.જો આને બાલઘરમાં જ મૂકવી હોત તો અહીં લઈ જ શા માટે આવત.એનાં માતાપિતાએ કરેલાં પાપની સજા આ નિર્દોષ ફૂલને શા માટે? અને આપણા વચ્ચે રહેશે તો સંસ્કાર પણ આપણા જ આવશે ને.આજના સમયમાં જયારે ખુદનાં સંતાનો બાબત પણ કશી ખાતરી નથી હોતી તો મુક્તિ બાબત શંકા ઉઠાવવી યોગ્ય પણ નથી લાગતી.” કાનને સમજાવટના સૂરે કહ્યું.
“હું અને કાનન અમારાં કુદરતી રીતે આવનાર સંતાનને પણ રોકવા નથી માગતાં એટલે એ પ્રશ્ન પણ નથી રહેતો.”મનને પણ પોતાની રીતે મમ્મી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
“આ છોકરી તમારી દીકરી પણ નહીં બની શકે અને આ ઘરમાં પણ નહીં રહી શકે.એનું સ્થાન તો બાલઘર જેવી સંસ્થામાં જ રહેશે.”મનન નાં મમ્મીએ આખરી ફેંસલો સંભળાવી દીધો.
“તો તમે બધાં પણ સાંભળી લ્યો કે જ્યાં મારી દીકરી રહેશે ત્યાં એની મા રહેશે.”કાનને થોડા ઊંચા અવાજે કહ્યું.
અત્યાર સુધી ઓછું બોલતી કાનન ને આવી રીતે બોલતી જોઈ બધાં હેબતાઈ ગયાં.કાનનના આ રૂપનો એ લોકો માટે આ પહેલો અનુભવ હતો.
કાનન અને મનન ને મુક્તિ મળી ત્યારથી ગોંડલ પહોંચવા સુધી આવો કોઈ વિચાર જ નહોતો આવ્યો.આવા સ્વાગતની કોઈ તૈયારી જ તેઓની ન હતી. બન્ને એ સંયુક્ત રીતે સામનો કરવો પડે એવી પરિસ્થિતિ પહેલીવાર ઉદ્દભવી હતી.
આખી બપોર કાનન પોતાની સાસુના સવારના વર્તન ઉપર જ વિચારતી હતી.પરણીને આવી પછી પહેલીવાર ઘરમાં તણખા ઝર્યા હતા અને તેમાં નિમિત્ત પોતે બની હતી.અને એ વાતનું એને દુઃખ પણ હતું.કાનનને લાગ્યું કે સંઘર્ષ એના જીવનનો એક ભાગ બની ગયો છે.
કાનન નાં સાસુ કોઈ પણ હિસાબે મુક્તિને ઘરમાં રાખવા દેવા માગતાં ન હતાં અને કાનન કોઈ પણ હિસાબે મુક્તિને પોતાથી અલગ કરવા માગતી ન હતી.
મનને પોતાનાં મમ્મીને સમજાવવા નો પ્રયત્ન કર્યો હતો. પણ કાનનને લાગ્યું કે મનન નો અવાજ પણ થોડો ઢીલો હતો. ઘરના બાકીના સભ્યો મૌન હતાં કદાચ પોતાની સાસુના ડરને લીધે.
“કાનન,તને નથી લાગતું કે સવારે તેં મુક્તિ સાથે રહેવાનો જે નિર્ણય જાહેર કર્યો હતો તે ઉતાવળિયો હતો?” મનને કાનનને કહ્યું.
“મનન,હું પણ નથી ઈચ્છતી કે આપણી શાંત જીંદગીમાં ફરી વમળો ઊભાં થાય.પણ મુક્તિને બાલઘર માં ન મૂકવા પણ હું મક્કમ છું.આપણે ગોવાથી વળતાં કેટલાં મનોરથો સેવ્યા હતા.એની છટ્ઠી,નામકરણ બધું જ એવી રીતે કરશું કે જાણે એ દત્તક ન હોય અને ભવિષ્યમાં પણ આ બધા પ્રસંગોના ફોટા એને વિશ્વાસ પ્રેરવા મદદરૂપ થાય.મને તો એમ કે આપણા આ નિર્ણયને બધાં વધાવી લેશે એને બદલે તો અહીં ઊલટું જ થયું.”કાનને પોતાની વાત પૂરી કરી.
“મનન,તેમ છતાં હજી એક પ્રયત્ન તો કરવો જ પડશે.હું હવે તને વચ્ચે નાખીને કફોડી સ્થિતિમાં મૂકવા નથી માગતી.આ વખતે તું કશું ન બોલજે.કારણ કે તું કહીશ તો મમ્મીને એવું લાગશે કે પત્ની એ ચડાવ્યો છે એટલે પત્નીની ભાષા બોલે છે.”
કાનને આગળ ચલાવ્યું.
“હું પણ સીધી વાત નહીં કરું કારણ કે કોઈ પણ સાસુને પોતાની વહુ સલાહ આપે એ સ્વાભાવિક રીતે ન ગમે.એક વખત તમારા મોટા ભાઈ મમ્મીને ન સમજાવી શકે?”
“શક્યતા ઓછી છે.મમ્મી આ બાબતમાં કોઈનું સાંભળે એમ લાગતું નથી.”મનને શંકા વ્યક્ત કરી.
“હું આશાવાદી છું અને પ્રયત્નમાં માનું છું.પરિણામની ચિંતા કરી હોત તો આપણે કદાચ અત્યારે ભેગાં જ ન હોત.”
કાનને પોતાની વાત વધુ સ્પષ્ટ કરી.
કાનન ને પણ ડર લાગવા માંડ્યો હતો કે પોતાનાં સાસુ નહીં માને તો? વધુ વિચારવાનું મૂકી કાનન મુક્તિને લઈને બહાર હીંચકા ઉપર જઈ બેઠી.આમ પણ કાનનની આ પ્રિય જગ્યા હતી.પગના હળવા હળવા ઠેકે તે ભાવિ સપનાંઓ હળવે હળવે વાગોળતી.
અચાનક કાનને પોતા પાસે કોઈની હાજરી અનુભવી.જોયું તો તાપસી હતી.
“કેમ માંડવીના સંબંધોને આટલાં જલ્દીથી ભૂલી ગયાં.”તપનના અવાજે તેને વધારે ચોંકાવી.
“ઓહ,તપન,એક તો તમારી અહીં આવવાની શક્યતા ન હોય અને એમાં પણ તાપસી સાથે જોયા એટલે થોડી કન્ફયુઝ થઇ.”
તાપસી તો આવી ત્યારથી કાનન ના ખોળામાં રમી રહેલ નવજાત બાળકીને જ જોઇ રહી હતી.કાનન ના ધ્યાનમાં આ વાત આવતાં જ એણે કહ્યું.
“ચાલો,આપણે ઉપરના રૂમમાં બેસીએ.નિરાંતે વાતો થાશે.”
“તાપસી,આ છે મને દરિયાદેવ તરફથી મળેલી એક વધુ ભેટ.મારી દીકરી મુક્તિ.”
“દીકરી?” તપન અને તાપસી ના મોઢાંમાંથી એકસાથે શબ્દો સરી પડ્યા.
ત્યાં મનન આવ્યો.
“અરે તાપસી,અમારા આવવાના સમાચાર મળી ગયા તને?કેમ ચાલે છે ઓફિસમાં બધું.?”
“મનન,ઓફિસમાં બધું ઠીકઠાક.અને આ છે તપન,કાનનબેન નો મિત્ર.જો કે માંડવીમાં તમે મળ્યા જ હશો.કાનનબેનને મળવા ખાસ માંડવીથી આવ્યા છે અને બે દિવસથી મારો ત્રાસ સહન કરે છે.”તાપસી એ ઓળખાણ કરાવી.
“હાય” મનને યંત્રવત હાથ મેળવ્યા.
“તો તું બે દિવસથી ઓફિસ જ નથી ગઈ? તને ખબર છે કે ઓફિસમાં મારી ગેરહાજરીમાં તારી હાજરી જરૂરી બની જાય છે.”મનને બળાપો કાઢ્યો.
“બોસ,પરમદિવસે રવિવાર હતો અને કાલે એક જ દિવસ નહોતી ગઈ. વચ્ચે બે કલાક જઈ આવી બધું મેનેજ કરી જ આવી હતી.”તાપસી એ પણ બોસનું સંબોધન કરી પોતાનો બળાપો કાઢી જ નાખ્યો.
તપનને મળેલા ઠંડા આવકારની નોંધ તપને લીધી,તાપસીએ લીધી અને કાનને પણ લીધી.
કાનને ગોવા વિષે અને મુક્તિ કઈ રીતે મળી તે વિગતવાર જણાવ્યું. જો કે સવારે એ લોકોનું સ્વાગત કઈ રીતે થયું તે વાત ટાળી.
તાપસીને કાનન સાક્ષાત દેવીનું સ્વરૂપ લાગી.તપનને લાગ્યું કે કાનન ને નવલકથાના કોઈ પાત્રમાં બાંધવી શક્ય જ નથી.
મનન મોટા ભાગે ચૂપ જ રહ્યો.
“તમે બન્ને બેસો,અમે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી ને આવીએ.”કહી કાનન અને તાપસી નીચે ઉતર્યાં.
દાદરા ઉપર જ કાનન નાં જેઠાણી મળ્યાં”કેમ છો ભાભી? કેમ છો તાપસી?” ની આપલે બાદ તાપસી ઉત્સાહમાં બોલી.
“ભાભી,આવું હનીમૂન તો પહેલીવાર જોયું કે જે તરત જ પરિણામ આપતું હોય.”
કાનન નાં જેઠાણી જવાબ આપ્યા વિના સડસડાટ દાદરો ચડી ગયાં.કાનને ઈશારો કરી ચૂપ રહેવા કહ્યું.તાપસી થોડી ગૂંચવાઈ.
હવે કાનન ને સવારના બનાવની વાત કરવા સિવાય છૂટકો ન હતો.ચા-નાસ્તો બનાવતાં કાનને સવારના બનાવની વાત કરી.
તાપસી તો ઉશ્કેરાઈ ગઈ.
“એક નિર્દોષ ફૂલની જિંદગી સુધારવાનાં પગલાંને વધાવવાને બદલે આવું અપમાનજનક વર્તન!!! અને તે પણ એક સ્ત્રી તરફથી એક સ્ત્રી પ્રત્યે.મનને એનાં મમ્મીને કંઈ ન કહ્યું?”
“ઊલટાનો મેં મુક્તિનો પક્ષ લેવાનો પ્રયત્ન કરીને કહ્યું કે “જ્યાં મારી દીકરી રહેશે ત્યાં હું રહીશ.” તો એ પણ મનન ને ઉતાવળિયું પગલું લાગ્યું.”કાનન આટલું બોલીને નીચું જોઈ ગઈ.
“કાનનબેન,તમે મને અટકાવશો નહી.એ મનન ના બચ્ચાને તો હું હમણાં જ જોઈ લઉં છું” તાપસી ભૂલી ગઈ કે મનન એનો બોસ છે અને ઉશ્કેરાટમાં આગળ વધી.
 
(ક્રમશ:)