Dhup-Chhanv - 139 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 139

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ધૂપ-છાઁવ - 139

ધીમંત શેઠ અપેક્ષાની બાજુમાં જઈને બેઠા અને તેના ખભા ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને ઢંઢોળીને કહેવા લાગ્યા કે, "અપેક્ષા શું થયું કેમ રડી રહી છે અને તું ક્યાં ખોવાઈ ગઈ છે..? હું ક્યારનો..."

તે કશું જ ન બોલી શકી.. તેણે ધીમંત શેઠના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...

તેની આ પરિસ્થિતિ જોઈને ધીમંત શેઠને પણ આંચકો લાગ્યો...

અને તે કંઈ સમજી શકે કે કંઈ વિચારે કે કંઈ પણ બોલે તે પહેલા અપેક્ષા તેમને રડતાં રડતાં કહેવા લાગી કે, "ધીમંત મને માફ કરી દેજો.. પ્લીઝ તમે મને માફ કરી દેજો.. મેં તમારાથી એક વાત છૂપાવી છે... ઈશાન જીવીત હતો આપણે સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા ત્યારે તે મને મળ્યો પણ હતો તેની હાલત ખૂબ ખરાબ હતી.. પછીથી મેં તેના રહેવાની અને જમવાની સગવડ કરી આપી હતી... હું જ્યારે ગયા વર્ષે યુ એસ એ ગઈ ત્યારે તેને મળવા માટે તેના ઘરે પણ ગઈ હતી અને એ દિવસે ત્યાં અત્યંત વરસાદની હેલી થવાને કારણે મારે તેના ઘરે રાત્રી રોકાણ કરવું પડ્યું હતું..
વાતો વાતોમાં અમે બંને ખૂબ જ નજીક આવી ગયા હતા અને અમે બંનેએ એ રાતને માણી પણ હતી...

એ મને અહીં આવવા દેવા જ તૈયાર નહોતો પરંતુ હું તેને વચન આપીને આવી હતી કે ચાર છ મહિને હું તને મળવા માટે ચોક્કસ આવતી રહીશ...

અને એ સંતાયેલો રહેતો હતો પરંતુ શેમના માણસોએ એને ક્યાંથી શોધી કાઢ્યો અને એને એક્સિડન્ટમાં મારી નંખાવ્યો...
મારો ઈશાન હવે આ દુનિયામાં નથી રહ્યો.. ધીમંત મારો ઈશાન હવે આ દુનિયામાં નથી રહ્યો...
મેં તમારાથી આ વાત છૂપાવી છે...
હું તમારી ગુનેગાર છું...
તમે મને કોઈ પણ સજા કરી શકો છો..
હું ભોગવવા માટે તૈયાર છું..
એણે કોઈનું શું બગાડ્યું હતું તો તેને ઈશ્વરે પણ છીનવી લીધો..."

અપેક્ષા ખૂબ જ રડી રહી હતી..
ધીમંત શેઠ તેની હકીકતભરી વાતો સાંભળીને સ્તબ્ધ એક પૂતળા સમાન બની ગયા હતા...

એમણે ઉભા થઈને ખૂણામાં ટેબલ ઉપર રાખેલા જગમાંથી પાણી એક ગ્લાસમાં લઈને તેની પીઠ પસવારતા પસવારતા તેને પાણી પીવડાવ્યું અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા...

થોડી વાર પછી અપેક્ષા થોડી શાંત પડી..
ધીમંત શેઠ હજુ પણ તેને પંપાળી રહ્યા હતા...

થોડી વાર પછી ધીમંત શેઠે અપેક્ષાને સમજાવતાં કહ્યું કે, "હું પણ તને એક પ્રશ્ન પૂછવાનો હતો કે, જો આ સંતાન મારું છે તો તેનું બ્લડગૃપ મારા બ્લડગૃપ સાથે મેચ કેમ નથી થતું..?"

અપેક્ષા આંખો ફાડીને ધીમંત શેઠની સામે જોઈ રહી "એટલે આ બાળક ઈશાનનું છે..? ઑહ માય ગોડ..."

તે ધીમંત શેઠને વળગી પડી અને ચોંધાર આંસુએ રડવા લાગી..
"મને માફ કરી દેજો ધીમંત મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે..‌."

અપેક્ષાના બેફાટ રૂદને ધીમંત શેઠને પણ હચમચાવી મૂક્યા અને તેમની આંખમાં પણ પાણી લાવી દીધું હતું...

તે અપેક્ષાને પંપાળી રહ્યા હતા અને તેને સમજાવી રહ્યા હતા કે, "હવે જે થઈ ગયું તે થઈ ગયું એમાં ના થયું થવાનું નથી...
હવે તારે અને મારે બંનેએ આ વાતને ભૂલી જવાની છે... અને આપણાં આ દિકરા વંશમને મોટો કરવાનો છે.. બોલ ભૂલી શકીશ ને આ વાતને અને તારા ઈશાનને પણ..??"

અપેક્ષા હકારમાં માથું ધુણાવી રહી હતી...
"ઈશાનની અને તારી કોઈ લેણદેણ બાકી રહી ગઈ હશે માટે જ તો તે તને ફરીથી સામેથી અથડાયો હતો અને તારે માતા બનવાનું પણ એને જ હાથે લખ્યું હશે માટે જ તો..."

ધીમંત શેઠે ઉભા થઇને પારણામાં સળવળતા પોતાના દિકરાને હાથમાં લીધો અને તેને અપેક્ષાના ખોળામાં મૂક્યો અને તે અપેક્ષાને કહેવા લાગ્યા કે, "ત્રણ વર્ષ પહેલા મારે જ્યારે ગોઝારો અકસ્માત થયો ત્યારે જ મને ડોક્ટર સાહેબે કહ્યું હતું કે, હવે તમે ભાગ્યે જ બાપ બની શકશો.. તમારી એ ક્ષમતા છીનવાઈ ગઈ છે...
અને ત્યારે મેં તેમને હસીને કહ્યું હતું કે, મારે હવે લગ્ન જ ક્યાં કરવા છે..??

પરંતુ પછીથી તું મારા જીવનમાં આવી અને જાણે મારા જીવનમાં રોનક આવી ગઈ હતી..
હું તને ચાહવા લાગ્યો હતો...
મારી પાસે બધું જ ભૌતિક સુખ હતું...
મારે કોઈના પ્રેમની, હૂંફની, સહવાસની જરૂર હતી...
બસ કમી હતી તો ફક્ત એક પ્રેમ કરવાવાળી પત્નીની...
જે તે પૂરી કરી છે...
અને એટલું જ નહીં મારા નસીબમાં બાપ બનવાનું સૌભાગ્ય પણ હતું જે મને પ્રાપ્ત થયું છે... તે મને બાપ બનાવ્યો છે... મને વારસદાર આપ્યો છે...
આપણો પરિવાર એક સંપૂર્ણ પરિવાર બન્યો છે...
વંશમના આવવાથી હું ખૂબ જ ખુશ છું...
બસ હવે આપણે બંનેએ મળીને આને ખૂબ જ ભણાવી ગણાવીને મોટો કરવાનો છે અને આપણી કંપનીનો માલિક બનાવવાનો છે....
ચાલ હવે ઉભી થા... તારો આ રડમસ ચહેરો ધોઈ કાઢ અને આ ક્યારનો તારા ખોળામાં આવવા સળવળી રહ્યો છે તો એને ખોળામાં લે..."

અપેક્ષા ઉભી થઇ અને વોશરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોયો અને સાથે સાથે ઈશાનની યાદોને પણ તે પાણીમાં વહાવીને આવી....
ધીમંત શેઠને ઈશાનની વાત જણાવીને આજે તે જાણે હલકી ફૂલ બની ગઈ હતી...
પોતાના વંશમને તેણે ખોળામાં લીધો અને ધીમંત શેઠ મા દિકરા બંનેને નીરખી રહ્યા...

એટલામાં લક્ષ્મી બાનો ઘરમાં પ્રવેશ થયો અને તે આ સુંદર સુખી પરિવારને જોઈને ધીમંત શેઠને અને અપેક્ષાને કહેવા લાગ્યા કે, "તમે બંને ખૂબ નસીબદાર છો ભગવાને પહેલી જ વારમાં તમારા ઘરે દિકરો દીધો છે નહીં તો લોકો પથ્થર એટલા દેવ કરે તો પણ દિકરાનું મોં નથી જોઈ શકતા..."

ધીમંત શેઠ અને અપેક્ષા એકબીજાની સામે જોઈને સંતોષ અને હરખની લાગણી અનુભવી રહ્યા હતા... અને બંનેની નજર પોતાના વંશમ ઉપર સ્થિર થઈ હતી....
નમસ્કાર વાચક મિત્રો...
મારી આ વાર્તાને આપ સૌ એ પહેલા થ છેલ્લા ભાગ સુધી ખૂબજ રસપૂર્વક વાંચી..
તેને ખૂબજ પ્રેમથી રેટિંગ આપીને અને સ્ટિકર આપીને બિરદાવી તે બદલ હું આપ સૌની હ્રદયથી ખૂબ ખૂબ અને ખૂબ જ આભારી છું....
આ વાર્તા લખવા દરમિયાન મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય... આપના હ્રદયને ઠેસ પહોંચી હોય અને કોઈ એપિસોડ હું સમયસર લખી ન શકી હોઉં તો પણ હું આપ સૌની માફી ઈચ્છું છું. આ વાર્તા આપ સૌને કેવી લાગી..? કયું પાત્ર આપને ખૂબ ગમ્યું? તે મને કોમેન્ટમાં લખીને જણાવવા વિનંતી 🙏 તો મિત્રો આ વાર્તા સાથે આપણી સફર અહીં પૂરી થતી નથી થોડા જ સમયમાં હું એક નવી વાર્તા “કોન્ટ્રાક્ટ મેરેજ” આપ સૌની સમક્ષ રજૂ કરી રહી છું....
તો આ વાર્તામાં આપ સૌએ મને જે સાથ અને સહકાર આપ્યો છે તે મારી નવી વાર્તામાં પણ આપવા વિનંતી 🙏
અંત સુધીના આપના સાથ અને સહકાર બદલ ખરેખર હું આપનો ખૂબ ખૂબ આભાર 🙏 😊 માનું છું...
આપની લેખિકા..
જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
30/5/24