Why Government job compulsory? in Gujarati Magazine by Parth Prajapati books and stories PDF | સરકારી નોકરી સારી પણ તે જ જોઈએ એવી જીદ ખોટી

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

સરકારી નોકરી સારી પણ તે જ જોઈએ એવી જીદ ખોટી

આજકાલ દરેક માબાપનું સપનું હોય છે કે તેમનો દીકરો કે દીકરી કોઈ મોટાં સરકારી અધિકારી બને, સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજે તેમજ પોતાના પરિવાર અને સમાજનું નામ ઉજ્જવળ કરે. આ ઘેલછાને કારણે આજે દરેક વ્યક્તિ પોતાનાં સંતાનને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. તેના માટે ક્લાસિસની મસમોટી ફી ભરે છે. બાળકને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખે છે.

સરકારી નોકરી મેળવવી એ સારી વાત છે. સરકારી નોકરીમાં ભવિષ્ય સુરક્ષિત હોય છે અને સુખમય જીવન જીવવાની બધી સગવડતા પ્રાપ્ત થાય છે. તેથી તેના માટે પ્રયત્ન કરો એમાં કશું ખોટું નથી. પણ સરકારી નોકરી જ છેલ્લો વિકલ્પ છે, એ માનસિકતા સારી નથી. સરકારી નોકરીની દરેક ભરતીમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. ભરતીના ફોર્મની સામે બહાર પડેલી જગ્યાઓ ૧% કરતાં પણ ઓછી હોય છે. એટલે એ નક્કી જ છે કે ૯૯% લોકોને નોકરી નથી મળવાની. આ રીતે આ માર્ગ પર ૯૯% નિષ્ફળતા અને સફળતા માત્ર માત્ર ૧% જ છે.


હવે સવાલ એ છે કે બાકીના યુવાનોનું શું? તમે કહેશો કે આવતા વર્ષે ફરીથી પ્રયત્ન કરવાનો. હા, કરો પ્રયત્ન, પણ આમ ને આમ વર્ષો નીકળતા જાય છે અને યુવાનોની ઉંમર વધતી જાય છે. ક્યારેક પેપર સહેલું હોય અને પૂરેપૂરી તૈયારી કરીને પેપર આપીને બહાર આવે ત્યારે પેપર ફૂટી જાય છે અને ક્યારેક પેપર ધારણાઓ કરતાં વધુ કઠિન હોવાથી નાપાસ થવાય છે. જોતજોતામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ યુવાનોની યુવાની પૂરી થઈ જાય છે.


આજકાલ દરેક સમાજમાં એક માનસિકતા ગર કરી ગઈ છે કે જમાઈ તો સરકારી નોકરીવાળો જ જોઈએ. બીજી તરફ છોકરાના માબાપ પણ એમ વિચારે છે કે એકવાર સરકારી નોકરી મળી જાય એટલે આખી જિંદગી આરામથી પસાર થઈ જશે. છોકરા માટે તો માંગાઓની લાઈન લાગશે. આમાં, ખરો મરો તો પેલા યુવાનનો થઈ જાય છે. પોતાની યુવાનીનાં પાંચ કે છ વર્ષ સરકારી નોકરીની તૈયારી પાછળ બરબાદ કરનારો પેલો એન્જિનીયર યુવાન કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર બનવાની લાયકાત ધરાવતો હોવા છતાં કોઈ સરકારી કચેરીના ક્લાર્ક કે પટાવાળા બનવાનું સ્વીકારી લે છે, કારણકે સમાજને એ જ ગમે છે. તમે ભલે લાખોના પગારદારી હોવ પણ સમાજ તમારી કિંમત નથી કરતો. સમાજ તો પેલા કચેરીના ક્લાર્ક કે પટાવાળાને જ માન આપે છે.


એકવાર શાંતિથી વિચારો કે, આપણી આ માનસિકતા યુવાનોને કઈ દિશામાં ધકેલી રહી છે. શું આ માનસિકતા સમાજનું પતન તો નથી કરી રહી ને? આજે દેશમાં સૌથી વધુ બેરોજગાર લોકો સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો જ છે. સમાજને બતાવવા ખાતર કેટલાક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દે છે અને એક પછી એક પરીક્ષા આપ્યાં જ જાય છે. આમાં, જેની ક્ષમતા જ નથી તેવા યુવાનો જ્યારે સતત નિષ્ફળતા પછી પણ તૈયારી ચાલુ રાખે છે ત્યારે એમની હાલત ધોબીના કૂતરાં જેવી થઈ જાય છે. તેમને ન તો સરકારી નોકરી મળે છે કે ન તો ઉંમર વધી જવાને કારણે કોર્પોરેટ નોકરી.


તમને પ્રશ્ન થશે કે શું કરવું જોઈએ. જો તમારે તમારા સંતાનને સરકારી નોકરી કરાવી હોય તો તેની તૈયારી કરાવો. તેમાં ખોટું નથી. પણ જો તેમાં સતત નિષ્ફળતા મળતી હોય અને તેની ઉંમર વધતી જતી હોય તો તેને ઘરે બેસાડી રાખવાને બદલે તેની કારકિર્દી સેટ કરવામાં સમય આપો. એક સમય પછી કારકિર્દીના બીજા વિકલ્પ વિશે પણ વિચારવું જોઈએ. જેથી સરકારી નોકરી ન મળે તો પણ એ અન્ય ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડી શકે અને પોતાનો જીવનનિર્વાહ કરી શકે.


સરકારી નોકરી એ કારકિર્દીનો છેલ્લો વિકલ્પ ક્યારેય હતો નહિ અને આજે પણ નથી. આજે પણ એવા ઘણાં લોકો છે કે જેઓ સરકારી નોકરી ન કરવા છતાં પણ પોતાની જિંદગી સારી રીતે જીવે છે. આપણું લક્ષ્ય આપણાં સંતાનોની કારકિર્દી સેટ કરવા તરફ હોવું જોઈએ, નહિ કે તેમની ઉપર આપણી આકાંક્ષાઓ થોપીને ગધ્ધાવૈતરું કરાવવા તરફ...


લેખક:- પાર્થ પ્રજાપતિ