Kurukshetra - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | કુરૂક્ષેત્ર - સમીક્ષા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

કુરૂક્ષેત્ર - સમીક્ષા

પુસ્તકનું નામ:- કુરૂક્ષેત્ર 

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

મનુભાઈ પંચોળી 'દર્શક'નો જન્મ જન્મ ૦૨ નવેમ્બર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. ઈ.સ. ૧૯૩૦ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. ૧૯૩૩માં ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન, ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી, ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય - આમ તેમની કારકિર્દી વિકસી.

તેમની નવલકથાઓમાં બંદીઘર, બંધન અને મુક્તિ, દીપનિર્માણ, ઝેર તો પીધાં છે જાણી જાણી, સોક્રેટિસ વગેરેનો સમાવેશ થાય છે. તેમના નાટકોમાં જલિયાંવાલા, અઢારસો સત્તાવન, પરિત્રાણ, સોદો, હેલન, અંતિમ અધ્યાય વગેરે સમાવિષ્ટ છે. વાગીશ્વરીનાં કર્ણફૂલો અને મંદારમાલા એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે. આપણો વારસો અને વૈભવમાં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. 'ઇતિહાસ અને કેળવણી' પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. 'બે વિચારધારા', 'લોકશાહી' અને 'સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં' એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. 'નઈ તાલીમ અને નવવિધાન' તથા 'સર્વોદય અને્ શિક્ષણ' એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.

'સોક્રેટીસ', 'ત્રિવેણીતીર્થ', 'ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ', 'નાનાભાઈ', 'ટોલ્સ્ટોય' વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. 'ધર્મચક્રપ્રવર્તન', 'શાંતિના પાયા', 'અમૃતવલ્લરી', 'મહાભારતનો મર્મ', 'રામાયણનો મર્મ' વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. 'મારી વાચનકથા' ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, 'ચેતોવિસ્તારની યાત્રા' માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. 'સદભિ:સંગ:'માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સણોસરાની ઘડતરકથા છે.

૧૯૬૪માં દર્શકને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો. ૧૯૮૭માં 'ઝેર તો પીધાં' ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો. ૧૯૮૨માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા.

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : કુરૂક્ષેત્ર 

લેખક : મનુભાઈ પંચોળી 'દર્શક'

પ્રકાશક : -

કિંમત : 130 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 188

 

બાહ્ય મૂલ્યાંકન:-

મુખપૃષ્ઠ પર વિવિધ આયુધોના ચિત્ર તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સુપ્રસિદ્ધ શ્લોક 'યદા યદા હિ ધર્મસ્ય...' અંકિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

 

પુસ્તક પરિચય:-

કુરુક્ષેત્ર એટલે દર્શકની બિરલા ફાઉન્ડેશન દ્વારા 'સરસ્વતી સન્માન'થી નવાજિત પૌરાણિક નવલકથા. ગુજરાતી નવલકથાસર્જક દર્શકની એક મહત્વની નવલકથા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલી કૃષ્ણવિષયક કૃતિઓમાં ‘કુરુક્ષેત્ર’ એક નવું ઉમેરણ છે. ‘કુરુક્ષેત્ર’માં દર્શકે મુખ્યત્વે બે હેતુ તાક્યા છે : એક તો મહાભારતના કૃષ્ણનું (ભગવાન તરીકે નહિ, પણ) લોકોત્તર મહામાનવ તરીકે નિરૂપણ. બીજો હેતુ આર્ય-અનાર્ય વચ્ચે લગ્નસંબંધ દ્વારા સાંસ્કૃતિક એકતાની સિદ્ધિ.દર્શકે કૃષ્ણ સાથે સંકળાયેલી ચમત્કારિકતા દૂર કરીને એમને ર્દષ્ટિસંપન્ન, લોકોત્તર પુરુષ તરીકે રજૂ કરવાના હેતુથી ‘મહાભારત’ના કેટલાક પ્રસંગોમાં ફેરફાર પણ કર્યા છે અને પોતાને ભગવાન રૂપે માનનારાં પાત્રો સમક્ષ પોતે જગતનિયંતા – ભગવાન નથી એવા આગ્રહપૂર્વક ઉદગાર કૃષ્ણમુખે રજૂ કર્યા છે. કૃષ્ણવિષ્ટિનો પ્રસંગ, ભીષ્મ સામે કૃષ્ણ રથનું ચક્ર લઈને દોડ્યા તે પ્રસંગ ઉદાહરણ તરીકે નોંધી શકાય.

નવલકથાનું બીજું પ્રયોજન સિદ્ધ કરવા માટે વાર્તાકારે ધૌમ્યમુનિની કન્યા તપતી અને નાગજાતિના યુવાન તક્ષકના પ્રેમસંબંધનું નિરૂપણ કર્યું છે. ધૌમ્યમુનિ આર્ય-નાગ સંમિલનની ભાવનાના પુરસ્કર્તા છે. એ માટે તેમનો આશ્રમ છે, પણ ધૌમ્યમુનિની પત્ની, કાશીરાજની કન્યા સુવર્ણા આવા લગ્નનો સખ્ત વિરોધ કરે છે. તે તક્ષકનું અપમાન કરીને કાઢી મૂકે છે. પણ વાર્તાકારે કુશળતાપૂર્વક, પોતાનો હેતુ સિદ્ધ થાય એ રીતે ઘટનાઓ યોજી છે. કૃષ્ણ, ભીષ્મ, દ્રૌપદી વગેરેનું આ લગ્નને સમર્થન મળતું દર્શકે બતાવ્યું છે. સુવર્ણાનો વિરોધ શમે છે. તપતી અને તક્ષકનાં લગ્ન તો થાય છે જ, પરંતુ મુનિની બીજી પુત્રી માધવી પણ નાગયુવાન સુભદ્રને પરણે છે.

 

શીર્ષક:- 

સમગ્ર કથા કૃષ્ણ અને મહાભારતના યુદ્ધની આસપાસ ગૂંથાયેલી છે. આ ઘટનાસ્થળ એટલે કુરૂક્ષેત્ર. આ દષ્ટિએ શીર્ષક સર્વથા યોગ્ય છે.

 

પાત્રરચના:-

દર્શકની સર્જક તરીકેની કુશળતા તપતી, તક્ષક, ચિંતામણિ જેવાં પાત્રસર્જનમાં વરતાઈ આવે છે. નાગજાતિની સંસ્કૃતિનો ચિતાર પણ ધ્યાન ખેંચે છે. દૈવી પાત્રોને માનવીય પાત્રો તરીકે મૂલવાયા છે. 

 

સંવાદો/વર્ણન:-

તપતી પ્રતિજ્ઞાભંગ અંગે બેચેન છે ત્યારે કૃષ્ણ કહે છે:

‘તમે વ્યાકુળ, ઉદ્વિગ્ન થાઓ છો, કારણ કે તમે મને ઈશ્વર ધારી લીધો છે... આ સંસાર વિષમ છે. એટલે નીરક્ષીર, સુગમ-અગમ, શક્ય-અશક્ય વગેરેનું પ્રમાણભાન રાખવું પડે છે, નહિતર આપણે ઈશ્વરને બદલે ગાંડામાં ખપીએ.... પ્રમાણભાન તે જ મનુષ્યનું દૈવત છે... ભાઈ-ભાઈ વચ્ચેના આ કલહમાં હથિયાર નહી લેવાની મારી પ્રતિજ્ઞા હતી જ. એ પુર્વે કંઈ કેટલાયે કાળ પુર્વે મેં દમનકારી અધર્મીઓનો વધ કરવાની, ધર્મી લોકોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી... આમાં પ્રતિજ્ઞા ભંગ હતો કે પુર્વ પ્રતિજ્ઞાનું પાલન?’

 

લેખનશૈલી:-

અહીં દર્શકની સર્જકતા કરતાં એમની ઊંચી બૌદ્ધિકતા વિશેષ ધ્યાન ખેંચે છે. ઘટનાઓના નવીન અર્થઘટન કરવામાં, પોતાના વક્તવ્યનું સમર્થન થાય તે રીતે પરિસ્થિતિની ગોઠવણમાં તેમની કુશળતા દેખાય છે. એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

કૃષ્ણનું ઐશ્વર્ય પૂર્ણપણે પ્રગટાવવા છતાં કૃષ્ણને પોતાને ભગવાન તરીકે ‘દર્શક’ નિરૂપતા નથી. કૃષ્ણ ભીષ્મ સામે સુદર્શનચક્ર લઈ દોડે છે ત્યારે કુરુક્ષેત્રમાં ન્યસ્તશસ્ત્ર (શસ્ત્ર વિનાના) રહેવાની પ્રતિજ્ઞા કૃષ્ણે લીધી હતી તે  તૂટી? તપતી એટલે કે ધૌમ્ય ઋષિની પુત્રીના આ પ્રશ્નનો પ્રથમ તો કૃષ્ણ આ નવલકથામાં અવારનવાર આવતી ધ્રુવપંક્તિ દ્વારા ઉત્તર આપે છે. દર્શકની આ અદ્ભભુત નવલકથા એક નવા જ અધ્યાયનો રોમાંચક અનુભવ કરાવે છે. દર્શક માને છે કે હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય' સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે. ‘કુરુક્ષેત્ર’ એ દર્શકની ઉત્તરોત્તર પક્વ અને પ્રૌઢ થતી રહેલી નવલકથાલેખનકલાનું દૃષ્ટાંત છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં 'મધુરેણ સમાપયેત્' ની પરંપરા સ્વીકારી છે. 

 

મુખવાસ:-

અંદર અને બહારના બંને કુરૂક્ષેત્ર પર ચાલતા અંત: યુદ્ધની કથા એટલે કુરૂક્ષેત્ર.