Shodh Pratishodh - 4 in Gujarati Classic Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | શોધ પ્રતિશોધ.. - ભાગ 4

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

શોધ પ્રતિશોધ.. - ભાગ 4

(આગળનાં ભાગમાં આપણે જોયું કે ટ્રેનમાં લોપાની મુલાકાત વિવાન નામનાં એક વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવાન સાથે થાય છે. સ્વભાવે ખૂબ સાલસ એવાં આ યુવાન સાથે વાત કરીને લોપાને માનસિક શાતા મળે છે. લોપાના મનમસ્તિષ્ક પર હજુ અચલાની ડાયરી છવાયેલ છે. હવે આગળ...)

"લોપા, બેટા મને માફ કર. હું મજબૂર હતી દીકરા, એ સમય મારો ન હતો. હું નબળી પડી ગઈ બેટા! માફ કર....માફ કર...." કરતી અચલા બેભાન થઈ ઢળી પડી.

લોપા એને ઊઠાડવા મથતી રહી પણ અચલાનું શરીર નિશ્ચેતન થઈ ગયું. "નહીં....મમા...નહીં...."કરતી લોપા હીબકે ચઢી ગઈ ને બરાબર એ જ સમયે પાછળ શું છૂટી ગયું? એની પરવાહ વગર ભાગતી ટ્રેનને પણ એક મુકામ પર થોભવું પડ્યું. એની અસર લોપાના બેલગામ ભાગતા સ્વપ્ન પર પણ પડી અને તે નીંદરમાંથી રડતી સફાળી બેઠી થઈ. વરસી રહેલ વરસાદને કારણે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હતું પણ લોપાને સ્વપ્ન તરખાટે પરસેવે રેબઝેબ કરી નાખી હતી.

ઊંડો શ્વાસ ભરીને મૂકતા એને હા....શ...થયું. અચલા છે, એની મા છે, એ અનાથ નથી. એ વિચારથી સુકૂન મળ્યું. સામેની બર્થ પર વિવાન સાવ નિષ્ફિકર થઈ સૂતો હતો. લોપા એના તેજસ્વી ચહેરા પરની ક્રાંતિ નીરખી રહી. બાળક જેવી નિર્દોષતા એ ચહેરાની સૌથી મોટી વિશેષતા હતી.

વિવાન પડખું ફર્યો. ટ્રેન અમદાવાદ થોભી હતી, એની અસર એની ઊંઘ પર પણ આવી. લોપાએ તરત જ પોતાની નજર ફેરવી લીધી. જોકે બીજી જ મિનિટે વિવાન ફરી ગાઢ ઊંઘમાં સરી પડ્યો. એ પોતાને બહુ કંઈ પૂછશે તો? એ ચિંતામાં આવેલી લોપાને એ સૂઈ ગયો એ વાતથી શાંતિ મળી. અત્યાર સુધીમાં એકવાર વાંચતા જ જેણે જીવનમાં ઉથલપાથલ મચાવી હતી, એ માની ડાયરી પણ હેન્ડ બેગનાં એક ખાનામાં પોતાનો દબદબો જાળવતી બેઠી હતી.

લોપાએ એ ડાયરી પર એક આગ ઝરતો નજર નાખી. જાણે કે એમ કરવાથી એ હમણાં બળી ને ભસ્મ થઈ જશે, ને લોપાની જિંદગીનાં તમામ સવાલો પણ રાખ થઈ જશે!

એણે ડાયરી બહાર ખેંચી. બહાર વરસાદ જરા હળવો પડ્યો. જાણે વરસીને થાકી ગયો. લોપાને પાનું ઉઘાડતા જ મા યાદ આવી. એક સમયની ઉત્સાહ અને થનગનાટથી ભરપૂર મા આજે અશક્ત અને પરાધીન અવસ્થાએ છે. દુનિયાથી દૂર, સંબંધોથી બેખબર, લાગણીઓથી પર! કદાચ એનું શરીર કોમામાં હશે પણ એનું મન જો જરાક જેટલું જાગૃત હશે, તો એ માણસને હું એની સામે જરૂર ખડો કરી દઈશ જે એનો ગુનેગાર છે. જે મારો ગુનેગાર છે! લોપા વિચારતી રહી.

ટ્રેને ગતિ પકડી. ડાયરી પર લખાયેલાં શબ્દોએ લોપાને પોતાના કાબુમાં કરી. એની આંખો ક્ષણિક સ્મિત, ક્યારેક ગુસ્સો, ઘડીક નફરત તો ઘણીવાર આંસુ એમ તમામ ભાવોની વચ્ચે સળગતી રહી.
તા.7/7/96
અરે! આ આટલી વસંત આવી ને જતી રહી. આવો અહેસાસ તો કદી નથી થયો. કેમ આમ થતું હશે? આવતા વર્ષે તો કોલેજ પૂરી થઈ જશે. મનની બધી વાતો આજ દિન સુધી ફક્ત એક શિખાને જ કરી છે. મારી ખુશીઓ, મારી સિદ્ધિઓ, મારી લાગણીઓ બધું મેં શિખાને તો કહ્યું જ છે. આજે આ વાત પણ ઘણાં વખતથી એને કહેવા મન આકુળ-વ્યાકુળ થતું હતું. ખબર નહીં કેમ હું એનાથી પણ વાત છૂપાવી રહી છું! મારે તો એવી કોઈ અતરંગ સહેલી નથી. ન કોઈ મોટી બહેન, ન નાની બહેન. ભાઈ તો નાનો છે. એને મન તો હું એટલે દુનિયાની બેસ્ટ વન દી! આખરે કઝિન સિસ્ટર કહો, હમરાઝ કહો, સખી કહો કે જે કોઈ નામ આપો! મારે તો એક શિખા જ, પણ આજે મને એના કરતા પણ આ ડાયરી પર વધુ ભરોસો થયો. ક્યાં કારણથી હું જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય કોઈ સાથે વહેંચવા નથી માગતી, એ તો મને પણ નથી ખબર!

7/8/96
એક મહિનો થયો, જિંદગી નથી થોભતી. સમય તો પાણીનાં રેલાની જેમ સડસડાટ વહી રહ્યો છે. શિખા હમણાંથી મને થોડી વધારે બદલાયેલી લાગે છે. કદાચ કોઈ વસંત એની શાખ પર પણ બેઠી હશે? કહેવું ઘણું હોય છે, મારે શિખાને, પણ એ શબ્દો દર વખતે દગો દઈ જાય છે. કદીક શિખાને મને કૈક કહેવા માગતી હોય પણ અવઢવ અનુભવતી હોય એવું મારા મનને લાગ્યા કરે.

7/9/96
રોજ જીવનમાં એવું ખાસ તો બને જ છે કે જે લખવા રોજનીશી જોઈએ પણ અમુક અહેસાસ એવા હોય છે કે જેને આ કાગળથી પણ છૂપાવી રાખવાની મજા આવે છે. આજે કોલેજનું મેગેઝીન આવ્યું. એની કવિતાઓએ જાણે ચાર ચાંદ લગાવી દીધાં છે અંકને! ખબર નહીં આ મારા પર શેનો જાદુ ચાલી રહ્યો છે? એની માંજરી આંખોનો હશે? એની આરપાર ઉતરતી ધારદાર નજરનો હશે? એનાં અત્યંત લાગણીશીલ સ્વભાવનો હશે? કોલેજની તમામ ખૂબસુરત છોકરીઓની એની પાછળની દિવાનગીને નજરઅંદાજ કરી મને જ શોધતી એની દ્રષ્ટિનો હશે? એની શબ્દોએ ફેલાયેલી અને કલમે જન્માવેલી પારિજાત સી સુગંધનો હશે? આ સવાલોનો જવાબ મારી પાસે નથી. જવાબો જો મળી જાય તો એ પ્રેમ શેનો કહેવાય? હા, પ્રેમ! ઓહહહ...કેવી પરમ અનુભૂતિ! પૃથ્વી મારી જિંદગીનાં પ્રથમ પ્રેમનું સોહામણું સ્પંદન. કદાચ દુનિયા આખીને ત્રાજવે મૂકું અને બીજી તરફ જો પૃથ્વી તરફનો મારો પ્રેમ તો પણ હું જીતી જાવ. કેમ? એ કારણ મને ખબર નથી. બસ મને એટલી ખબર છે કે આ જન્મમાં તો હું પૃથ્વીથી વધુ પ્રેમ કોઈને નહીં કરી શકું.

*******
ફરી લોપાનાં કાનમાં તમરા બોલવા લાગ્યાં. ફરી એને એમ થયું કે ધસમસતી ટ્રેનનાં પાટા પર ડાયરી ફેંકી દઉં. ભલે માનો પહેલો પ્રેમ પણ એની સાથે કચડાઈ જતો! આટલી આસાનીથી આ પૃથ્વી નામનાં માના સાફ જીવનનું ગ્રહણ દૂર કરી શકતી હોત તો કેવું સારું હોત. એ ગ્રહણનો મારા વજૂદ પર પડેલ ઓછાયો પણ દૂર હડસેલી શકતી હોત તો?
લોપાએ પાણીની બોટલ ઘટઘટાવી. જાણે કે અંદર કયાંક લબકારા લેતો એક અગનગોળો ઠંડો પડી જાય. પાટાનાં કર્કશ અવાજ અને અંદર ઉદ્વેગ બંને સાથે મળીને લોપાને પરેશાન કરી રહ્યાં હતાં.

ક્રમશઃ....

જાગૃતિ 'ઝંખના મીરાં'...