Sapnana Vavetar - 49 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 49

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

સપનાનાં વાવેતર - 49

સપનાનાં વાવેતર પ્રકરણ 49

અનિકેત અને પ્રશાંતભાઈ બપોરે બે કલાક આરામ કરીને સાંજના ટાઈમે ઋષિકેશમાં લટાર મારવા ગયા. સાંજે ગંગા આરતીનાં દર્શન પણ કર્યાં. પ્રશાંતભાઈ તો પહેલીવાર ઋષિકેશ આવ્યા હતા. એમને ઋષિકેશ અને ઋષિકેશનું વાતાવરણ બહુ જ ગમી ગયું. પાણીથી ભરપૂર ગંગાને વહેતી જોવી એ પણ એક લહાવો હતો.

બીજા દિવસે સવારે ટેક્સી કરીને દેહરાદુન જવાનો પ્લાન કર્યો હતો અને ત્યાંથી મુંબઈનું સીધું ફ્લાઇટ પકડવાનું હતું. બંનેએ રાત્રે ૯ વાગે રેસ્ટોરન્ટમાં જમી લીધું અને પછી પ્રશાંતભાઈએ ઘરે પપ્પા સાથે વાત પણ કરી લીધી.

વહેલી સવારે ચાર વાગે અનિકેત અચાનક જાગી ગયો. એણે અનુભવ્યું કે પોતાના રૂમમાં કોઈક છે. આ જ હોટલમાં એ પહેલીવાર આવ્યો ત્યારે વ્યોમાનંદજીનો અનુભવ થયો હતો. ઋષિકેશ ઋષિઓની ભૂમિ હતી.

ઋષિકેશ અને હિમાલય જેવા વિસ્તારો એકદમ ઠંડા છે. પ્રેતાત્માઓની અનુભૂતિ ગરમ પ્રદેશોમાં ઓછી થાય છે. ઠંડા પ્રદેશોમાં પ્રેતાત્માઓ વધારે સક્રિય હોય છે. એટલા માટે જ યુરોપ કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં ઘણા લોકોને પ્રેતાત્માના અનુભવ થતા હોય છે.

" અનિકેત હું તમારી કૃતિ." અનિકેતને એકદમ નજીકથી કૃતિનો અવાજ સંભળાયો.

" અરે કૃતિ તું ? " અનિકેત આશ્ચર્યથી ધીમા અવાજે બોલ્યો. કારણ કે બાજુમાં પપ્પા સૂતા હતા.

" આખરે તમે મારી ઈચ્છા પુરી કરી ખરી. પિંડદાન પછી તમારા બંધનમાંથી આજે હું મુક્ત થઈ ગઈ છું. પિંડદાનથી મને પણ ઘણી શાંતિ મળી છે. ૧૩ દિવસ સુધી હું પૃથ્વી ઉપર આવન જાવન કરી શકું છું. એ પછી મારે અહીં આવવું હશે તો પરમિશન લેવી પડશે. " કૃતિ બોલી.

" એવું કેમ કૃતિ ? તારે તારા સ્વજનોને મળવા આવવા માટે વળી કોની રજા લેવી પડે ? " અનિકેતે આશ્ચર્યથી પૂછ્યું.

" દરેક લોકમાં એક ડિસિપ્લિન એક શિષ્ત હોય છે. બીજા લોક સુધી માયા જગત છે. એટલે પ્રેતાત્માઓ ગમે ત્યાં જાય ગમે ત્યાં આવે કોઈ રોકટોક નથી અને જલ્દી જનમ પણ થઈ જતા હોય છે. જ્યારે ત્રીજા લોકથી એક અનુશાસન હોય છે. ઉચ્ચ આત્માઓ અમારું ધ્યાન રાખતા હોય છે અને જલ્દી અમને માયામાં પડવા દેતા નથી. " કૃતિ બોલી.

" હમ્... કૃતિ તારા વગર હું ખૂબ જ સૂનો પડી ગયો છું. આપણે બંને કેટલાં બધાં સુખી હતાં અને કેવાં કેવાં સપનાં સજાવ્યાં હતાં. પોશ એરિયામાં તારી ઈચ્છા પ્રમાણે હું તને રહેવા લાવ્યો અને માત્ર ત્રણ મહિનામાં તેં વિદાય લઈ લીધી !!" અનિકેત બોલ્યો.

"અનિકેત એક વાત કહું ? અહીં આવ્યા પછી મેં જાણ્યું કે તમે મને આટલો બધો પ્રેમ કર્યો, મને વફાદાર રહ્યા, એટલા માટે જ મંગળનો પ્રહાર સીધો મારા શરીર ઉપર થયો. જો તમારા મંગળના કારણે આપણા બંને વચ્ચે ઝઘડા થતા હોત, તમે મારી સાથે બેવફાઈ કરી હોત તો મારું આયુષ્ય લંબાઈ જાત પરંતુ લગ્નજીવન સુખી ના હોત ! મને મોટા દાદાએ આ બધી વાત કરી. પરંતુ હું ખુશ છું કે આપણે સુખી લગ્નજીવન જીવ્યાં. " કૃતિ હસીને બોલી.

" તું શું વાત કરી રહી છે કૃતિ ? મોટા દાદાએ આવું કહ્યું ? " અનિકેત બોલ્યો.

" હા અનિકેત. ગાયત્રી ઉપાસના ના કારણે મોટા દાદા જ્યોતિષના પણ પ્રકાંડ પંડિત હતા. એ તો બધું જ જાણતા હતા. પરંતુ તમે આટલા બધા દુઃખી ના થાઓ. જન્મ અને મૃત્યુ તો જીવનનો ક્રમ છે. કોઈને વહેલા તો કોઈને મોડા એક લોકમાંથી બીજા લોકમાં જવાનું જ હોય છે ! હું અહીં બહુ સુખી છું. આમ તો એક અઠવાડિયાથી હું ત્રીજા લોકમાં છું પરંતુ મોટા દાદા કોઈની પરમિશન લઈને મને એમની પાસે ચોથા લોકમાં રોજ થોડા સમય માટે બોલાવે છે અને મને ઘણી શિખામણ આપે છે." કૃતિ બોલી રહી હતી.

એનો અવાજ માત્ર અનિકેતને જ સંભળાતો હતો. કૃતિને નજરે જોવાની સિદ્ધિ હજુ અનિકેત પાસે આવી ન હતી.

" મોટા દાદાએ મારા પાછલા અનેક જન્મો મને બતાવ્યા છે. એક જન્મમાં તો આપણે બંને મા દીકરો હતાં અને એક જન્મમાં ભાઈ બહેન પણ હતાં. એટલે આપણા સંબંધો માત્ર આ એક જન્મ પૂરતા નથી અનિકેત. આપણા ઋણાનુબંધ પૂરા થઈ જાય એટલે છૂટા પડવું જ પડે છે. ઋણ એટલે પાછલા જન્મોનાં સારા ખરાબ કર્મોનું ઋણ એટલે કે દેવું અને એ કર્મોથી થતો અનુબંધ એટલે કે બંધન ! "

" કર્મનો સારો કે ખરાબ બદલો ચૂકવાઇ જાય એટલે ઋણાનુબંધ પૂરો થઈ ગયો કહેવાય." કૃતિ અનિકેતને જીવન મરણના ચક્કરની ફિલોસોફી સમજાવી રહી હતી.

"મારા પૂર્વ જન્મમાં જે પણ લોકોએ મારા ઉપર ત્રાસ ગુજાર્યો હતો એ બધાને મેં માફ કરી દીધા છે. મારા વિચારોમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. મોટા દાદા તો ઘણી ઊંચી કક્ષાએ છે. અહીં હું ખરેખર સુખી છું અનિકેત. અહીં કોઈ ભૂખ નથી. કોઈ તરસ નથી. કોઈ ઊંઘ નથી. રાત નથી દિવસ નથી." કૃતિ બોલી રહી હતી.

" હા, જે લોકો હજુ મોહ માયામાં છે અને પૃથ્વી સાથે વધુ જોડાયેલા છે એમને હજુ ખાવા પીવાની ઈચ્છા થાય છે અને અહીં ઈચ્છા કરતાંની સાથે જ જે માંગો તે ભોજન મળી જાય છે. પરંતુ એના માટે પુણ્ય કર્મોનું ભાથું જોઈએ. અહીં બધું માત્ર તમારા વિચારો ઉપર જ ચાલે છે. કોઈને મળવાની ઈચ્છા થાય તો વિચાર માત્રથી એ વ્યક્તિ તમારી સામે આવી જાય અથવા તમે એની પાસે પહોંચી જાઓ. પરંતુ એ વ્યક્તિએ જન્મ ના લીધો હોય તો જ એ શક્ય બને. " કૃતિ બોલી.

" મેં સૂક્ષ્મ જગતનો થોડો અનુભવ કર્યો છે કૃતિ. મોટા દાદા પાસે હું ગયેલો છું. વ્યોમાનંદજી સ્વામી મને લઈ ગયા હતા." અનિકેત બોલ્યો.

" હા મને મોટા દાદાએ બધી વાત કરી. તમને ઘણી બધી સિદ્ધિઓ એમણે આપી છે એ પણ કહ્યું. અનિકેત આ બધી સિદ્ધિઓનો કોઈના કલ્યાણ માટે ઉપયોગ ના કરો તો શું કામનું ? મારી એક વાત માનશો ?" કૃતિ બોલી. એ સાથે જ અનિકેતના હાથને કોઈનો ઠંડો સ્પર્શ થયો. એ સ્પર્શ અનિકેત અનુભવી શકતો હતો પણ કૃતિને જોઈ શકતો ન હતો.

" હા બોલ." અનિકેત ધીમેથી બોલ્યો.

"તમારી જિંદગી હજુ લાંબી છે. આમ આખી જિંદગી એકલા એકલા પસાર નહીં થાય. મારી નાની દીદીને અપનાવી લો. એ હવે મુંબઈમાં જ સેટ થવાની છે. તમારી સાથે એક જ ફ્લેટમાં રહે છે. તમે બંને એકબીજાને સારી રીતે ઓળખો પણ છો. હું તમને કોઈ દબાણ નથી કરતી પણ આ વિશે જરા વિચારી જોજો તો મને થોડી શાંતિ થશે." કૃતિ બોલી અને પછી તરત જ અદ્રશ્ય થઈ ગઈ. કદાચ આ વાત કરવા માટે જ એ અનિકેત પાસે આવી હતી !

સાંજે રિસેપ્સનિસ્ટ મનોજને કહી રાખ્યું હતું એટલે સવારે સાત વાગે જ રૂમમાં ચા અને નાસ્તો આવી ગયાં અને આઠ વાગે ટેક્સી પણ આવી ગઈ. બંને નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા એટલે તરત જ ટેક્સીમાં દેહરાદુન જવા માટે નીકળી ગયા. ત્યાંથી ફ્લાઇટ પકડીને મુંબઈ પણ પહોંચી ગયા. દેવજી લેવા માટે આવ્યો હતો એટલે અડધા કલાકમાં તો બાંદ્રાના ફ્લેટમાં પણ પહોંચી ગયા.

૧૫ દિવસ રોકાઈને પછી પપ્પા મમ્મી દાદા વગેરે થાણા પોતાના ઘરે જતા રહ્યા હતા. ફ્લેટમાં માત્ર અનિકેત અને મનીષ અંકલ જ હતા. મનીષની પત્ની ધારા અભિષેકની પત્ની કાવ્યાની ડિલિવરી કરાવવા માટે કેનેડા ગઈ હતી. રસોઈ માટે શંકર અને ઘરના કામકાજ માટે એની પત્ની પણ ફ્લેટમાં જ એક અલગ બેડરૂમમાં રહેતાં હતાં.

કૃતિના મૃત્યુને એક મહિનો પૂરો થઈ ગયો. અનિકેતે છેલ્લા ૧૫ દિવસથી પોતાની સુજાતા બિલ્ડર્સની ઓફિસ પણ જોઈન કરી દીધી. શ્રુતિ ૧૫ દિવસ રાજકોટ રોકાઈને પાછી મુંબઈ આવી ગઈ હતી અને એ પણ અનિકેતના ફ્લેટમાં જ રહેતી હતી. સુજાતા બિલ્ડર્સનું મોટાભાગનું કામ મનીષ અંકલ જ સંભાળતા હતા.

કૃતિના મૃત્યુ પછી અનિકેતને હવે ધીમે ધીમે ભૌતિક જીવનમાંથી રસ ઓછો થતો જતો હતો અને આધ્યાત્મિક ખેંચાણ વધી ગયું હતું. દીવાકર ગુરુજી અને વ્યોમાનંદજી સ્વામીની દિવ્ય શક્તિઓ જોઈને એનું પણ મન હવે સાધના તરફ ખેંચાતું હતું.

અનિકેતે હવે દરરોજ વહેલી સવારે ચાર વાગે ઊઠીને હાથ પગ ધોઈને ધ્યાનની પ્રેક્ટિસ ચાલુ કરી હતી. એને એમાં ખૂબ જ આનંદ આવતો હતો. એ સંપૂર્ણપણે અંદર ખોવાઈ જતો હતો. ધ્યાન પત્યા પછી એણે હવે ગાયત્રીની પાંચ માળાને બદલે અગિયાર માળા ચાલુ કરી હતી. આ બધી જ પ્રક્રિયા સવારે સાડા છ વાગ્યા સુધીમાં પતી જતી હતી. એ પછી જ એ બ્રશ અને સ્નાન વગેરે કરતો હતો.

અનિકેતને એના ગુરુજીએ કહ્યું હતું કે ગાયત્રી મંત્રની માળા હાથ પગ મ્હોં ધોઈ શુદ્ધ થઈને કરી શકાય. એના માટે દરરોજ સ્નાન કરવાની જરૂર નથી હોતી. હા તમે જ્યારે અનુષ્ઠાન કરતા હો કે કોઈ ચોક્કસ હેતુ માટે સંકલ્પ કરીને કરતા હો ત્યારે સ્નાન કરવું ફરજિયાત છે !

" કૃતિ તો ચાલી ગઈ અને આટલી નાની વયે અધવચ્ચે અનિકેતનું ઘર ભાગ્યું. હવે આગળનું કંઈક વિચારવું પડશે પ્રશાંત. આ ઉંમરે હવે એને લાંબો સમય એકલો ના રખાય. એનાં બીજા લગ્નનું વિચારવું પડશે." એક દિવસ સવારે ધીરુભાઈ સૌથી મોટા દીકરા પ્રશાંત સાથે વાત કરી રહ્યા હતા.

" હા પપ્પા પણ અત્યારે તો હજુ અનિકેત બીજા લગ્ન માટે તૈયાર નથી. મેં મહિના પહેલાં ઋષિકેશમાં આ વાત કાઢી હતી પરંતુ એ હજુ કૃતિના શોકમાં હોવાથી મારી વાતને નકારી કાઢી હતી. " પ્રશાંતભાઈ બોલ્યા.

" હા પણ એ વખતે તો કૃતિનું તાજુ મૃત્યુ થયું હતું એટલે એ વધારે પડતા શોકમાં હોય. હવે તો મહિના ઉપર થઈ ગયું છે એટલે આપણે એની સાથે ચર્ચા કરવી જોઈએ. એ હા પાડે તો છોકરીઓ તો ઘણી મળી રહે. કૃતિ સાથે લગ્ન નહોતાં થયાં ત્યારે પણ ઘણા માંગાં આવતાં હતાં. " ધીરુભાઈ બોલ્યા.

" પપ્પા આપણે શ્રુતિ માટે જ એનું વિચારીએ તો કેવું ? મને તો એ છોકરી બહુ જ ગુણિયલ અને સંસ્કારી લાગે છે. આપણા કુટુંબ સાથે પણ ભળી ગઈ છે. સતત અનિકેતની સાથે જ એક જ ફ્લેટમાં રહે છે. અનિકેતે એના માટે શોરૂમ પણ ખોલી આપ્યો છે એટલે એના માટે અનિકેતના મનમાં લાગણી તો છે જ. વળી એ પણ કૃતિ જેટલી જ સુંદર છે ! " પ્રશાંતભાઈ બોલ્યા.

" તારી વાત વિચારવા જેવી છે પ્રશાંત પણ એના માટે આપણે અનિકેતને પૂછવું પડે. એ પછી જ આગળ વાત કરી શકાય. " ધીરુભાઈ બોલ્યા.

અને એ પછીના અઠવાડિયે રવિવારે જ્યારે અનિકેત થાણા આવ્યો ત્યારે દાદાએ વાત કાઢી.

" અનિકેત બેટા મારે તને એક વાત કહેવી છે. " બપોરના ટાઈમે દાદા ધીરુભાઈ બોલ્યા.

" જી દાદા. " અનિકેત બોલ્યો.

" બેટા કૃતિ સાથેના તારા સંબંધો તો હવે પૂરા થઈ ગયા. હવે જે થવાનું હતું તે તો થઈ ગયું. આખી જિંદગી આ રીતે એકલા ના જીવી શકાય. અમે તારા બીજા લગ્નનું વિચારી રહ્યા છીએ. કૃતિને સવા મહિનો થઈ ગયો છે એટલે હવે તું જો હા પાડે તો આપણે આ દિશામાં વિચારીએ. " દાદા બોલ્યા.

" દાદા અત્યારે તો મારી લગ્નની કોઈ જ ઈચ્છા નથી. મારું મન હવે સંસાર તરફ લાગતું નથી. કૃતિ સિવાય હું બીજું કંઈ જ વિચારી શકતો નથી. " અનિકેત બોલ્યો.

" કૃતિ તો હવે પાછી આવવાની નથી. એના ગયાનું દુઃખ અમને બધાને છે. પરંતુ આ સ્મશાન વૈરાગ્ય કહેવાય અને એમાંથી તારે હવે બહાર આવવું જ પડે. એક વાત પૂછું ? શ્રુતિ તને કેમ લાગે છે ? કૃતિની સગી બહેન છે એટલે એનામાં તું કૃતિને જોઈ શકે છે" ધીરુભાઈ બોલ્યા.

અનિકેતે કોઈ જવાબ આપ્યો નહીં. કૃતિએ પણ ઋષિકેશમાં શ્રુતિ માટે આગ્રહ રાખ્યો હતો !

" તું શ્રુતિ માટે ગંભીરતાથી વિચાર બેટા. એ આપણા ઘરને લાયક છે. એને અમે નજીકથી જોઈ છે. તમે બંને સાથે એક જ ફ્લેટમાં રહો છો. એના માટે તેં શોરૂમ પણ લઈ આપ્યો છે. અને સાળી તો અડધી ઘરવાળી કહેવાય. પહેલાંના જમાનામાં મોટી દીકરીનું અવસાન થાય તો નાની દીકરી સાથે જમાઈને પરણાવતા. એમાં કંઈ ખોટું નથી. મારે આજને આજ જવાબ જોઈતો નથી. પરંતુ નિર્ણય લેવાનો સમય હવે પાકી ગયો છે. " દાદા બોલ્યા અને એ વાત એમણે અહીં જ પૂરી કરી.

"ઠીક છે દાદા મને થોડો સમય આપો." અનિકેત બોલ્યો.

અનિકેતના ગયા પછી બીજા દિવસે રાત્રે ૮ વાગે ધીરુભાઈએ રાજકોટ હરસુખભાઈ સાથે વાત કરી.

" હરસુખભાઈ મુંબઈથી ધીરુભાઈ બોલુ. "

" હા બોલો ધીરુભાઈ. " શોકમગ્ન હરસુખભાઈએ જવાબ આપ્યો.

" તમારી સાથે થોડીક ચર્ચા કરવાની ઈચ્છા હતી. આમ તો આવી વાત રૂબરૂમાં જ કરવી જોઈએ પરંતુ વાત કરવા માટે આટલો લાંબો ધક્કો ખાઈ શકાય નહીં એટલે વિચાર્યું કે ફોન ઉપર જ મારા મનની વાત કરું." ધીરુભાઈ બોલ્યા.

" હા હા કહો ને ધીરુભાઈ. "

"વાત જાણે એમ હતી હરસુખભાઈ કે કૃતિએ અચાનક વિદાય લઈ લીધી. અને એનો શોક જેટલો તમને છે એટલો જ અમને પણ છે. પરંતુ હવે દીકરાને આ ઉંમરે એકલો તો ના રાખી શકાય. એટલે એના માટે મારે ફરી વિચારવું પડશે. અને તમને જો વાંધો ન હોય તો અમારા બધાનું મન શ્રુતિ ઉપર ઠર્યું છે. અનિકેતે એને શોરૂમ અપાવીને મુંબઈમાં જ સેટલ કરી છે અને એને શ્રુતિ તરફ લાગણી પણ છે. બંને એક જ ફ્લેટમાં સાથે રહે છે. આ સંબંધને આપણે આગળ વધારીએ તો તમારી શું ઈચ્છા છે ? " ધીરુભાઈ બોલ્યા.

" ધીરુભાઈ તમે જો આ રીતે વિચારી રહ્યા હોય તો ના પાડવાનું મને કોઈ કારણ દેખાતું નથી. તમે જે કહી તે વાત સાચી છે. શ્રુતિ જો એ જ ઘરમાં સેટલ થઈ જતી હોય તો અમારી પણ ચિંતા દૂર થઈ જવાની છે. કારણ કે એના પણ લગ્નનો સમય પાક્યો છે. છતાં આ બાબતમાં ઘરે ચર્ચા કરી લઉં અને શ્રુતિની સાથે પણ વાત કરી લઉં. પછી આપને જણાવું." હરસુખભાઈ બોલ્યા.

" આરામથી ચર્ચા કરી મને જણાવો. આપણે કોઈ જ ઉતાવળ નથી. તમારા ફોનની હું રાહ જોઇશ. " કહીને ધીરુભાઈએ ફોન કાપી નાખ્યો.

હરસુખભાઈને પોતાને પણ ધીરુભાઈની વાત સાચી લાગી. આટલું સારું ઘર શ્રુતિને કદાચ બીજે ક્યાંય ના મળે ! અને કૃતિએ પણ તે દિવસે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે દાદા શ્રુતિને મુંબઈમાં જ રહેવા દેજો. કદાચ કૃતિનો પણ એવો જ સંકેત હશે !!

બે દિવસ પછી હરસુખભાઈએ રાત્રે પોતાના દીકરા મનોજ અને પુત્રવધુ આશા સાથે ચર્ચા કરી.

"મનોજ... બે દિવસ પહેલાં મુંબઈથી ધીરુભાઈ શેઠનો ફોન આવ્યો હતો. કૃતિના ગયા પછી તેમની ઈચ્છા શ્રુતિ સાથે અનિકેત કુમારનો સંબંધ કરવાની છે. આમ જોવા જઈએ તો આ સંબંધ નકારવાનું આપણી પાસે કોઈ કારણ નથી. ઘર જાણીતું છે. કૃતિ એમના ઘરે ખૂબ જ સુખી થઈ છે. અને શ્રુતિ માટે આવું ઠેકાણું કદાચ આપણને બીજું નહીં મળે. " હરસુખભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે પપ્પા. કુમારે પોતે પણ શ્રુતિ માટે ઘણું કર્યું છે. એક કરોડનો શોરૂમ લઈને એને સેટ કરી છે. બંને એક જ ફ્લેટમાં સાથે પણ રહે છે. જો શ્રુતિની પોતાની ઈચ્છા હોય તો અમારા તરફથી કોઈ જ વાંધો નથી." મનોજે પોતાનો મત આપ્યો.

" તો પછી તમે એક કામ કરો. આવી વાતની ચર્ચા શ્રુતિ સાથે ફોન ઉપર કરવી યોગ્ય નથી. તમે બંને ત્રણ ચાર દિવસમાં મુંબઈ આંટો મારી આવો. શ્રુતિ સાથે ચર્ચા કરી લો. અને એની પણ જો સંમતિ હોય તો પછી આપણે આગળ વધીએ. " હરસુખભાઈ બોલ્યા.

" ભલે પપ્પા. " મનોજભાઈ બોલ્યા અને ચાર દિવસ પછી મનોજભાઈ અને આશાબેન ટ્રેઈનમાં વહેલી સવારે બાંદ્રા સ્ટેશન પહોંચી ગયાં અને ત્યાંથી ટેક્સી કરીને ઓશન વ્યુ ફ્લેટ પણ પહોંચી ગયાં.

આજે એમની લાડકી દીકરી કૃતિ વગર અહીં આવવામાં એમના પગ ભારે થઈ ગયા હતા.

એમના આગમનથી અનિકેત અને શ્રુતિ બંનેને થોડું આશ્ચર્ય થયું છતાં એમણે એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મનીષભાઈએ પણ વેવાઈ વેવાણનું સ્વાગત કર્યું.

" મમ્મી કેમ આમ અચાનક જ ? " અનિકેત અને મનોજના ઓફિસ ગયા પછી શ્રુતિએ મમ્મી પપ્પાને પૂછ્યું.

" તને ખાસ મળવા માટે જ અમે આવ્યાં છીએ બેટા. " આશાબેન બોલ્યાં.

" મને મળવા માટે ?" શ્રુતિએ આશ્ચર્યથી પૂછ્યું.

" કેટલીક વાતો ફોન ઉપર કરી શકાતી નથી શ્રુતિ. ધીરુભાઈ શેઠનો તારા દાદા ઉપર ફોન આવ્યો હતો. કૃતિએ તો અચાનક વિદાય લઈ લીધી. હવે એ લોકો અનિકેતને આજીવન કુંવારો તો ના રાખી શકે. એમણે અનિકેત માટે તારા જ હાથનું માગું નાખ્યું છે એટલે તારી સંમતિ લેવી અમારે જરૂરી છે. તારી પોતાની ઈચ્છા વગર અમે આગળ ના વધી શકીએ. " પપ્પા મનોજભાઈ બોલ્યા.

શ્રુતિ માટે આ સમાચાર આકસ્મિક અને આશ્ચર્યકારક હતા. એ એકદમ જવાબ આપી શકી નહીં. જીજુ એને ખૂબ જ ગમતા હતા પરંતુ એ પસંદગી જીજુ તરીકે હતી. કૃતિના સ્થાને પોતે ગોઠવાઈને અનિકેતને પતિ તરીકે સ્વીકારવાનો નિર્ણય લેવો અઘરો હતો.

" પપ્પા અત્યારે હાલ ને હાલ હું મારો નિર્ણય એકદમ ના આપી શકું. મને થોડો વિચારવાનો સમય આપો. આ બાબતમાં અનિકેત પોતે શું વિચારે છે એ પણ મારે જાણવું પડશે. " શ્રુતિ બોલી.

" કોઈ જ ઉતાવળ નથી બેટા. તારી પાસે સમય જ સમય છે. કાલે ને કાલે કંઈ લગન કરવાનાં નથી. ધીરુભાઈની વાત ઉપરથી એવું લાગે છે કે એમણે અનિકેતની ઈચ્છા જાણ્યા પછી જ આ વાત મૂકી છે. કુમારે તારા માટે પણ ઘણું કર્યું છે. માણસો પણ બધાં સારાં છે. આવું ઘર કદાચ અમે તારા માટે ના શોધી શકીએ. " પપ્પાએ પોતાની વાત પૂરી કરી.

" ઠીક છે પપ્પા. હું વિચારી જોઈશ. હવે તમે આવ્યાં જ છો તો બે દિવસ રોકાઈ જાઓ " શ્રુતિ બોલી.

" ના બેટા. આજે રાતની જ સૌરાષ્ટ્ર મેઈલની રિટર્ન ટિકિટ છે. આ તો અઠવાડિયા પહેલાં ધીરુભાઈ શેઠનો ફોન આવ્યો હતો એટલે અમારે ખાસ આવવું પડ્યું. " મનોજભાઈ બોલ્યા.

" ઓકે પપ્પા. હું થોડા દિવસમાં વિચારીને મારો નિર્ણય આપીશ. " શ્રુતિ બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)