Sandhya - 57 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 57

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

સંધ્યા - 57

ટુર્નામેન્ટ પત્યા પછી અભિમન્યુ એના મામાને ઘરે આવ્યો હતો. મામાને આપેલ વચન એણે ઓટોગ્રાફ આપીને નિભાવ્યું હતું. એ ખુબ જ ખુશ હતો. એ બોલ્યો, "મામા! આ પેન હું જીવનભર મારી સાથે જ રાખીશ!"

"હા, બેટા!" આટલું તો સુનીલ માંડ બોલી શક્યો હતો. એને અભિમન્યુના શબ્દો હૃદયે સ્પર્શી ગયા હતા. થોડીવાર દિવ્યા અને સાક્ષી સાથે રમીને અભિમન્યુ પોતાના ઘરે આવ્યો હતો.

સંધ્યાએ અભિમન્યુ ટુર્નામેન્ટમાં રમતો હતો એ વિડીયો અભિમન્યુને દેખાડ્યા હતા. અભિમન્યુને એ જોઈને ખુબ જ મજા આવી હતી.

સંધ્યા અને અભિમન્યુ હવે પોતાના જીવનમાં ખુબ જ ઓતપ્રોત થઈ ગયા હતા. દુનિયાની બધી જ ચિંતા અને તકલીફથી દૂર રહીને પોતાના ધ્યેયને જીવવા લાગ્યા હતા. દિવસો બંનેના ખુબ જ સરસ જતા હતા. આમ એક પછી એક બંને પોતાની ચુનોતીઓને પાર કરીને પ્રસિદ્ધિઓના દાદરા ચડી રહ્યા હતા.

સંધ્યાનો ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ પૂરો થઈ ગયો હતો. એ ખુદ હવે ડિઝાઈનિંગ અને પર્સનલ ડેવલોપમેન્ટના ક્લાસ ચલાવતી હતી. એ આ પ્રવૃત્તિ એક ભાડે રાખેલ જગ્યામાં કરાવતી હતી. જગ્યા સાંજના સમયે ત્રણ કલાક માટે જ ભાડે રાખી હતી. ખુબ જ સમજી અને વિચારીને ચાલતી હતી. રોજ સાંજનો ૪ થી ૭ નો સમય પ્રવૃત્તિમાં ફાળવતી હતી. સીવવાનું અને ફોલ છેડાના કામના ઓર્ડર લેતી અને પોતાના કારીગર પાસે એ કરાવતી હતી. ડ્રેસ, બ્લાઉઝ અને ચણીયાચોળીનું કટીંગ પોતે કરતી અને સિલાઈ માણસો પાસે કરાવતી હતી.

સંધ્યાએ ઓનલાઈન પોતાનું એક ડિઝાઇનિંગ માટેનું પેજ પણ બનાવ્યું હતું. જેમાં પોતે બનાવેલ ગાર્મેન્ટ્સના ફોટો શેર કરતી હતી. ટૂંકા સમયમાં સંધ્યા ખુબ નામના પામી ચૂકી હતી. પર્સનલ ડેવલોપમેન્ટ માટેની પહેલી ઈન્સ્ટિટ્યૂટ સંધ્યાએ પોતાના ગામમાં ખોલી હતી, આથી ધાર્યા કરતા ઘણા સ્ટુડન્ટ સંધ્યાના થઈ ચુક્યા હતા. સંધ્યાને હવે જોબના બેઈઝ પર લોન લીધી હતી. સંધ્યાએ એક બેડરૂમનો નાનો પણ બધી જ સુવિધા ધરાવતો ફ્લેટ લઈ લીધો હતો. એગ્રીમેન્ટ બની ગયું હતું. એ ખુબ જ ખુશ હતી.

સંધ્યા આજે એના ફ્લેટના એગ્રીમેન્ટના ડોક્યુમેન્ટની કોપી કઢાવવા ભૂલમાં પેલી જ દુકાનમાં પહોંચી ગઈ જયાં એને એક ખરાબ અનુભવ થયો હતો. એણે પેપર્સ કોપી કરવા માટે આપ્યા અને એ ત્યાં સાઈડમાં એક જગ્યાએ બેઠી. પેપર્સ કોપી થાય એની રાહ જોઈ રહી હતી. થોડી જ મિનિટોમાં એ આધેડ ઉંમરના ભાઈએ બધા ડોક્યુમેન્ટની કોપી કરી આપી હતી. સંધ્યાએ એ ડોક્યુમેન્ટ એમના હાથમાંથી પોતાના હાથમાં લીધા નહીં પરંતુ ત્યાં મેજ પર જ એમને મૂકવાનું કીધું હતું. એ ભાઈને સંધ્યાનો ચહેરો હજુ આટલા વર્ષો બાદ યાદ જ હતો. એ ભાઈ બોલ્યા, "તમે એ જ છો ને જે મરણનો દાખલો કઢાવવા આવ્યા હતા? એ દિવસે તમે શરમાઈને જતા રહ્યા હતા. તમારી સો રૂપિયાની નોટના છુટ્ટા પણ તમે લેવા રહ્યા નહોતા. આ લો એ રૂપિયામાંથી જ તમારું આજનું કામ પણ થઈ ગયું છે. બીજી કોઈ જરૂર પડે તો મને અવશ્ય યાદ કરજો. હું તમારી સેવામાં હાજર જ રહીશ!" ખૂબ જ ખરાબ નિયત સાથે એ બોલ્યા હતા.

આજે ફરી એ ભાઈનું આવું ખરાબ વર્તન જોઈને સંધ્યા સમસમી ઉઠી હતી. પણ હવે એ પહેલા જેવી સંધ્યા થોડી હતી! સંધ્યાએ પોતાના ડોકયુમેન્ટ પણ લીધા, રૂપિયા પણ લીધા, અને ગુસ્સા સાથે બોલી, "ના! એ દિવસે બિલકુલ શરમાઈ નહોતી જ. તમારા એ હલકટ વ્યક્તિત્વથી ડરીને જતી રહી હતી, પણ જે અધૂરું કાર્ય એ દિવસે છોડ્યું હતું એ પૂર્ણ કરવા જ અનાયાસે ફરી આ દુકાનમાં આવી ગઈ છું." એમ કહીને એના ચહેરા પર એક તમાચો માર્યો ત્યાં જ પોલીસ પણ આવી પહોંચી હતી.

સંધ્યાએ મોબાઈલમાંથી ઈમરજન્સી સર્વિસ નંબર ડાયલ કરીને એમાં ટેક્સ્ટ મેસેજ પણ ડ્રોપ કર્યો હતો. સંધ્યાનું આ રૂપ જોઈને એ આધેડવયના ભાઈ ગભરાઈને માફી માંગવા લાગ્યા હતા. સંધ્યાએ માનહાનિનો કેસ ન કરવાનો દંડ પણ એ ભાઈ પાસેથી રોકડ રૂપિયા ૧૧,૦૦૦ લીધો હતો. સંધ્યાએ પોલીસનો આભાર માની એ ભાઈ પાસેથી પોલીસને પણ ચા નાસ્તાના રૂપિયા અપાવ્યા હતા.

સંધ્યા એ દુકાનમાંથી નીકળતી વખતે એ ભાઈને જોઈને આંખમાંથી આગ વરસાવતી લાલઘૂમ આંખ કરીને બોલી, "ભૂલમાં પણ મારી તો ઠીક પણ બીજી કોઈ પણ સ્ત્રી સાથે બિભત્સ વર્તન કરવાનું વિચાર ને તો આજનો આ દિવસ અચૂક યાદ કરજે!" એક અલગ જ ખુમારી અને ખુદના સ્વમાનની રક્ષા સાથે એ દુકાનમાંથી રૂઆબ સાથે સંધ્યા બહાર નીકળી ત્યારે અનેક લોકોનું ટોળું ત્યાં ઉપસ્થિત થયું હતું એમણે સંધ્યાને તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી હતી. ભીડને ચીરતી એ બહાર હસતા ચહેરે નીકળી હતી.

સંધ્યા પોતાના ઘરે પહોંચી ત્યાં સુધીમાં એણે જે સબક એ ભાઈને આપ્યો એ સમાચાર આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. સાંજે એ પોતાને પિયર ગઈ હતી ત્યારે દક્ષાબહેન પણ સંધ્યાને ભેટીને એણે જે પોતાના માટે સ્ટેપ લીધો એની ખુશી વ્યક્ત કરી હતી. દક્ષાબહેન બોલ્યા, "તે જબરી હિંમત દેખાડી હો સંધ્યા!"

"હા, મમ્મી! આ હિંમત મને પંક્તિભાભીએ જ આપી હતી. એમણે જ મને સ્વમાન માટે લડવાનું, અને ક્યારેય ડરીને ચૂપ નહીં રહેવાનું શીખવ્યું હતું." એકદમ ખુશ થતા સંધ્યા બોલી હતી.

પંક્તિ રસોડામાં ઉભી આ બધું જ સાંભળી રહી હતી. એ બહાર આવી અને સંધ્યાના ચરણોમાં પડીને માફી માંગતા બોલી, "સંધ્યા મને માફ કરી દે!"

"અરે ભાભી! આમ પગ ન પકડો. તમે મોટા છો." એમ કહી સંધ્યાએ એને પોતાના ગળે લગાવી લીધી હતી.

"ના, સંધ્યા! મેં તારું કાયમ અપમાન જ કર્યું છે. મેં તારો ખરા મનથી ક્યારેય સ્વીકાર કર્યો જ નથી. મને તારા રૂપ અને તારા વ્યક્તિત્વની ઈર્ષા જ થઈ ક્યારેય એવો ગર્વ ન થયો કે તું મારી નણંદ છે. આજે મને મારી એ દરેક વાતની માફી જોઈએ છે. હું હવે આ ખોટા મારા દંભ સાથે જીવી શકતી નથી."

"હા ભાભી, મને દુઃખ થયું હતું ત્યારે પણ જો હું દૂર ન થઈ હોત તો આજે જે જગ્યાએ છું ત્યાં કદાચ પહોંચી જ ન શકત! તમારે માફી માંગવાની નહીં પણ મારે ખરેખર તમારો આભાર માનવાની જરૂર છે." એમ કહી આજે ઘણા વર્ષો બાદ બંને એકબીજાને ભેટી પડી હતી. અને મનની ખટાશ દૂર થઈ હતી. દક્ષાબહેન પણ આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા હતા.

સંધ્યાએ વિભાને ખુશી સમાચાર આપવા કોલ કરી કહ્યું, "હું હવે તારા ઘરમાં ચાર મહિના જ રહીશ. કેમ કે, મેં મારો નાનો એક ફ્લેટ લીધો છે. ત્યાં હજુ ફર્નીચરનું કામ ચાલુ હોય એ પતે એટલે હું તારું ઘર ખાલી કરી આપીશ. તારે બીજા ભાડુઆત શોધવા હોય તો તને ઠીક રહે એ આથી કહું છું."

"અરે વાહ! શું વાત કરે છે? તે ફ્લેટ લીધો? ખરેખર મને તારા પર ખુબ જ ગર્વ થાય છે. ખુબ ખુબ અભિનંદન સખી." ખુશ થતા વિભા બોલી હતી.

"એમ ફોન પર અભિનંદન આપે એ ન ચાલે હો! રૂબરૂ આવવું જોશે!" મીઠી ટકોર કરતા સંધ્યા બોલી હતી.

"તું બોલાવ અને હું ન આવું એ તો કેમ બની શકે? હા ચોક્કસ હું આવીશ!" વિભાએ આવવાની વાતને અનુમતિ આપીને ફોન મુક્યો હતો.

સંધ્યાના ફ્લેટના ફર્નિચર બનાવવાનો ચાર મહિનાનો સમય પુરો થયો હતો. સંધ્યાએ ત્યાં એક સત્યનારાયણની કથા અને ઘરમાં ગૃહશાંતિની પૂજા કારાવ્યા બાદ એ પોતાના ફ્લેટમાં રહેવા આવી ગઈ હતી. સંધ્યાના ફ્લેટને જોઈને રશ્મિકાબહેન ખુબ ખુશ થઈ ગયા હતા. એમણે હરખમાં જ પોતાના ગળામાં પહેરેલો એક સોનાનો ચેન સંધ્યાના ગળામાં પહેરાવી દીધો હતો. સંધ્યા ખરેખર ખુબ જ ખુશ થઈ ગઈ હતી. આજે એને પોતાના સાસુમા મમ્મીના પડછાયાનો અહેસાસ થયો હતો.

કેવી હશે સંધ્યાની પોતાના જ ઘર સાથેની સફર?
અભિમન્યુને સંધ્યા કેવી રીતે હકીકતથી સામનો કરાવશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻