Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - જીઓ, જી ભર કે..

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - જીઓ, જી ભર કે..

શીર્ષક : જીઓ, જી ભર કે..
©લેખક : કમલેશ જોષી
‘જીઓ, જી ભર કે’ એટલે કે ‘મન ભરીને જીવો’. ગ્લાસ ભરીને પાણી પીઓ કે કપ ભરીને ચા પીઓ એવું કોઈ કહે તો આપણે ઇમેજીન કરી શકીએ કે એક સ્ટીલ કે કાચના ગ્લાસમાં પાણી છેક ગ્લાસના કાંઠા સુધી ભરીએ, લગભગ ગ્લાસ છલકાઈ જાય એટલું ભરીએ અને પી જઈએ એટલે ‘ગ્લાસ ભરીને પાણી પીધું’ કહેવાય, એવી જ રીતે ચાનો કપ છલોછલ ભરેલો હોય એ પી જઈએ એટલે ‘કપ ભરીને ચા પીધી’ કહેવાય, પણ ‘જીઓ જી ભરકે’ એટલે કે ‘મન ભરીને જીવો’ એનો ખરેખર અર્થ શું? શું ભરવાનું? શાનાથી ભરવાનું? જે ભરાયું હોય એ પીવાનું કે ખાવાનું?

છેલ્લે તમે મન ભરીને ક્યારે ખાધું હતું એ યાદ કરો. પેટ ભરીને ખાધું હશે, પેટ છલકાઈ ગયું હોય એટલું કદાચ તમે ખાધું હશે, પણ મન ભરીને ક્યારે ખાધું હતું? એક મિત્રે કહ્યું "આજકાલ માણસો થાકી ન જાય ત્યાં સુધી અથવા તો તપેલા-તપેલીના તળિયા દેખાવા ન માંડે ત્યાં સુધી ખાધે રાખે છે, સમજો ને કે જમવા બાબતે લોકોની બ્રેક ફેલ થઈ ગઈ છે." શનિ-રવિમાં ઊભરાતી હોટેલ્સ, રેકડીઓ, ભોજનાલયો અને એની બહાર લાગેલી લાંબી-લાંબી લાઇન જોતા ઘણાં લોકોએ શનિ-રવિ બહાર ભોજન લેવાનું ‘કેન્સલ’ કરવા માંડ્યું છે. હવે તો અનલિમિટેડ થાળી કે અનલિમિટેડ પિત્ઝાની જેમ અનલિમિટેડ પાઉંભાજી, અનલિમિટેડ ભજીયા અને અનલિમિટેડ પાણીપૂરી પણ મળવા માંડી છે અને ત્યાં પણ અનલિમિટેડ વેઈટીંગ જોવા મળે છે. શું અનલિમિટેડ ખાઈએ એટલે ‘મન ભરીને ખાધું’ કહેવાય?

નાનપણમાં શેરી ક્રિકેટ રમતાં ત્યારે શનિ-રવિની રજાઓમાં ‘મન ભરીને’ ક્રિકેટ રમતાં, યુવાનીમાં નવરાત્રી દરમિયાન શનિવારની રાત્રે ‘મન ભરીને’ ડિસ્કો દાંડિયા રમતાં, ઇવન વાંચનનો શોખ લાગ્યો ત્યારથી શનિ-રવિની રજાઓમાં કલાકો સુધી કોઈ નોવેલ કે કોઈ મેગેઝિનને આખે આખું ‘મન ભરીને’ વાંચી કાઢતા. શનિ-રવિ એટલે અનલિમિટેડ ફ્રી ટાઈમ. તમતમારે જે કરવું હોય એ કરો, કોઈ રોકે પણ નહિ કે કોઈ ટોકે પણ નહિ.

બસ, આ છેલ્લા વાક્યના ત્રણ કી વર્ડ્સ બહુ ઈમ્પોર્ટન્ટ છે: ફ્રી ટાઈમ, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. 'ફ્રી'ને જો પૈસા સાથે જોડીને વિચારીએ તો જવાબદારીની ઉંમર શરુ થયા પછી આપણો ‘જીવવાનો સમય’ પણ આપણે ‘વેંચી માર્યો’ છે. કોણ જાણે કેમ ‘જિંદગી જીવવા’ માટેનો બહુ ‘કીંમતી સમય’ વેંચી ‘મારી’ને આપણે ‘રૂપિયા કમાઈ’ લેવાનો જે સોદો કરી બેઠા છીએ એમાં ક્યાંક આપણું ‘ઉઠમણું’ વહેલું તો નહિ થઈ જાય ને! એવી બીક ભીતરે વધુને વધુ ગહેરી બનતી જાય છે.
ઘરના બારણેથી મમ્મી કે વાઈફ થોડું ‘જમી લેવા’ કે મંદિરના દ્વારેથી કોઈ સંત થોડું ‘ભજી’ લેવા કે કોઈ મિત્ર થોડું ‘હસી કે રમી’ લેવા આપણને રોકે કે ટોકે કે સમજાવે તો એમની ‘વાતો કે વિચારો’ આપણને ‘વેવલા’, ‘ફાલતું’ અને ‘વેસ્ટ ઓફ ટાઈમ’ લાગે છે. રિટાયર્ડ થયા પછી ડબલ કામ કરતા એક વડીલે તો ત્યાં સુધી કહ્યું કે એક્ટિવ વ્યક્તિને રિટાયર્ડ થયા પછી જો ચોવીસ કલાક ‘ફ્રી’ બેસાડી રાખવામાં આવે તો એની ‘લાઇફનો ધી એન્ડ’ વહેલો આવી જાય. બોલો, હવે કાંઈ કહેવું છે તમારે?

એક સફળ વડીલે કહ્યું ‘ફ્રી ટાઈમ’નો મતલબ ‘ઇનએક્ટિવ ટાઇમ’ નથી થતો. બાળપણમાં ‘ક્રિકેટ’ રમવામાં જેટલી મહેનત પડતી એ ક્લાસ રૂમમાં ભણવા કરતાં અનેક ગણી વધારે હતી, યુવાનીમાં ‘ડિસ્કો દાંડિયા’ રમતી વખતે આપણે જેટલા એક્ટિવ રહેવું પડતું એ કોલેજની બેંચ કે ઓફિસની ચૅર કરતા અનેક ગણું વધુ હતું. બસ, ફર્ક હતો આપણી ‘કમાણી’માં. બાળપણમાં શેરીમાં ‘મન ભરીને રમતા’ ત્યારે રૂપિયા નહિ ‘ગમ્મત અને મજા’ની કમાણી કરતા અને નવરાત્રીમાં ખેલૈયાઓ બની ગરબે રમતા ત્યારે ‘મસ્તી અને મોજ’ ની થોકડીઓ લુંટતા. જયારે હવે ઓફિસમાં ઓવર ટાઈમમાં ‘મન મૂકી’ ને કમ્પ્યૂટરની સ્વીચો દાબીએ છીએ કે રવિવારના દિવસે પણ દુકાન ખુલ્લી રાખી પડીકાઓ વાળીએ છીએ ત્યારે ખિસ્સા તો ભરાય છે, પણ ‘મન’ હેરાન, પરેશાન થઈ જાય છે.

ફર્ક આ જગ્યાએ છે. ગરબડ આ જગ્યાએ છે. ‘ફ્રી ટાઈમ’ એ આપણો પોતાનો ‘લાઇફ ટાઈમ’ છે. એ નથી સ્કૂલ ટાઈમ કે નથી ઓફિસ ટાઈમ. ‘ફ્રી’ ટાઈમમાં સ્કૂલમાં પડતા ડંકા કે ઓફિસમાં બોસ દ્વારા સોંપાતા ટાર્ગેટ મુજબ નહિ, ‘મન મરજી’ મુજબ ‘જીવવાનું’ છે. ચાલુ દિવસોમાં જે ‘ગીતડાં ગાવાની’, ‘ગપ્પા મારવાની’, ‘મિત્રોની મહેફિલ જમાવવાની’, ‘ફેમિલી સાથે મોજ માણવાની’ અનેક વખત ભીતરે જાગેલી ઇચ્છાઓને સમજાવી, ધમકાવીને આપણે ‘બુઝાવી’ નાખી હોય છે એ તમામ ‘મન મરજીઓ' ‘ફ્રી દિવસો’માં અનલિમિટેડ ‘માણવી’ એનું નામ ‘મન ભરીને જીવવું’. મિત્રો, આજનો રવિવાર તમારો ‘ફ્રી ટાઈમ’ એટલે કે ‘લાઇફ ટાઈમ’ છે. ઔર યે તુમસે કોઈ નહિ છીન સકતા. આજ, મારે કોઈ ટાસ્ક નથી સોંપવું. બસ, તમારે જેમ રમવું હોય એમ, જેમ જીવવું હોય એમ, મન ભરીને, ‘ફ્રી હિટ’ સમજીને, મોજથી ‘જી ભરકે’ જીવી લો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)