Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - નો એક્ઝામ.. નો રિઝલ્ટ..

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - નો એક્ઝામ.. નો રિઝલ્ટ..

શીર્ષક : નો એક્ઝામ.. નો રિઝલ્ટ..
©લેખક : કમલેશ જોષી
એક શિક્ષક મિત્રે ‘પ્રશ્ન પત્ર’ની ક્વોલિટી વિશે કમેન્ટ કરી, "પેપર એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીને ચાલીસ ટકા કે પાસીંગ માર્ક મેળવવામાં બહુ તકલીફ ન પડે અને એઇટી અપ માર્ક મેળવવા માટે મોઢે ફીણ વળી જવા જોઈએ." મારી સામે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલા દસમા, બારમા ધોરણના વિદ્યાર્થીઓનું એક દૃશ્ય ઉપસી આવ્યું. બેલ પડે એટલે સુપર વાઈઝર નંબર મુજબ આન્સર શીટ્સની વહેંચણી કરી દે એટલે વિદ્યાર્થીઓ હોંશે હોંશે એના પહેલા પાને પોતાનો સીટ નંબર, તારીખ, સમય, વિષય વગેરે વિગતો ભરવા માંડે. થોડી મિનિટો વીતે ત્યાં ફરી બેલ વાગે અને સુપરવાઈઝર વિદ્યાર્થીઓમાં પ્રશ્ન પત્રો વહેંચી દે. જેવો વિદ્યાર્થી પ્રશ્નપત્રના પ્રશ્નો પર નજર ફેરવવાની શરુ કરે કે તરત જ એના ચહેરા પર ક્ષણે ક્ષણે બદલાતા ભાવોની ગજબ રમત ચાલુ થાય. જેની ફૂલ પ્રિપરેશન કરેલી હોય એવા જ પ્રશ્નો આવ્યા હોય તો ચહેરા પર ક્ષણે ક્ષણે ખુશહાલી છલકાવા માંડે અને જો અજાણ્યા, અઘરા અને ઓપ્શનમાં કાઢી નાખેલા પ્રશ્નોથી પ્રશ્નપત્ર છલકાતું હોય તો તો એના ચહેરા પર કન્ફયુઝન, કરચલીઓ, ચિંતા અને વિષાદ છવાઈ જાય.

તમને યાદ છે દસમા ધોરણની પરીક્ષા આપતી વખતે તમારી શી હાલત થયેલી? મોજ આવી ગયેલી કે પરસેવો વળી ગયેલો? સપ્લી પર સપ્લી માંગતા હતા કે મેઇન આન્સરશીટના પણ કેટલાક પાનાં કોરા રાખવા પડેલા? ટાઈમ ઘટતો હતો કે વધતો હતો? આખું વર્ષ જેમણે તમને સખ્ત મહેતન કરાવી એ શિક્ષકોનો મનોમન આભાર માનતા હતા કે આખું વર્ષ જેમણે રખડવા-ભટકવાના પાઠ શીખવ્યા એ રખડું મિત્ર ટોળકીને યાદ કરી મનોમન ‘અપશબ્દો’ ઉચ્ચારતા હતા? અને પરીક્ષા પૂરી થયાના થોડા જ દિવસોમાં ‘હવે તો જલ્દી રિઝલ્ટ આવે તો સારું’ એવી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે ‘પરીક્ષા કેન્સલ થાય અથવા એનું પરિણામ કદી ન આવે અથવા માસ પાસીંગ જાહેર થાય’ એવી પ્રાર્થના કરતા હતા?

એક જિજ્ઞાસુ મિત્રે કહ્યું “ખરેખર લાઇફ એક ‘એક્ઝામ’ છે કે ‘રિઝલ્ટ’ એ જ સમજાતું નથી." અમે એની સામે જોઈ રહ્યા. એ આગળ બોલ્યો, “આપણે અહીં ગયા જન્મે કરેલા કર્મોનું ‘રિઝલ્ટ’ ભોગવવા આવ્યા છીએ કે રોજેરોજ અવનવી ઘટનાઓ રૂપે જે પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે એને સોલ્વ કરવાની ‘પરીક્ષા’ આપવા આવ્યા છીએ, મને ખરેખર એ જ સમજાતું નથી!” અમે સૌ એકબીજા સામે જોવા લાગ્યા. સમાજમાં નજર ફેરવશો તો દેખાશે કે કોઈ વ્યક્તિ નોકરી મેળવવાનો પ્રશ્ન સોલ્વ કરવા મથી રહી છે તો કોઈ જીવનસાથી મેળવવાના પ્રશ્ને ગૂંચવાયા છે. કોઈ સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન ઉકેલવા મથે છે તો કોઈ ભયંકર રોગમાંથી મુક્ત થવા મથી રહ્યું છે. એ દૃષ્ટિએ જોઈએ તો લાઇફ એક પ્રકારની એક્ઝામ જ છે. પણ સહેજ વધુ વિચારો તો થોડા સમય પછી બદલાયેલું દૃશ્ય તમને જોવા મળશે. નોકરી મેળવવા મથતો પેલી વ્યક્તિ તમને ‘ગવર્મેન્ટ જોબ’ મળી ગયાના ખુશ ખબર આપી જાય છે તો લગ્નોત્સુક વ્યક્તિ હોંશે હોંશે કંકોત્રી આપી જાય છે. કોઈ સંતાન પ્રાપ્તિના પેંડા આપી જાય છે તો કોઈ રોગમુક્ત થવા બદલ માનતા પૂરી કરતા જોવા મળે છે. જયારે આવા ગુડ ન્યુઝ વાંચીએ ત્યારે લાગે કે લાઇફ એ ખરેખર તો એક્ઝામ નહિ પણ ‘કર્મફળ’ ભોગવવાનો ટાઈમ છે.

એક સફળ વડીલે કહ્યું, "લાઇફ નથી પરીક્ષા કે નથી પરિણામ." અમે સૌ એમની સામે નવાઈ ભરી નજરે તાકી રહ્યા. એ આગળ બોલ્યા, "જિંદગી હસને ગાને કે લિયે હૈ પલ દો પલ." કહી અમારા સૌ પર એક નજર ફેરવી એમણે આગળ કહ્યું, "તમે ભણતાં ત્યારે આખા વર્ષમાં પરીક્ષા માત્ર સાત દિવસ પૂરતી જ આવતી અને પરિણામ તો માત્ર એક જ દિવસ પૂરતું ડિક્લેર થતું, જયારે ભણવાનું ચાલતું આખું વર્ષ. શિક્ષક રોજ વર્ગમાં આવી અવનવી વાતો કરતા, જ્ઞાન-વિજ્ઞાન અને ગમ્મત સાથે રોજના પાંચ-છ કલાક આપણા મન પર, હૃદય પર, આત્મા પર જે વિચારોની, સંસ્કારોની સપ્લીઓ ભરાતી એ શું પરીક્ષાના માત્ર ત્રણ કલાકમાં થોડી વર્ણવી શકાય? એનો પ્રેક્ટીકલ ડેમો તો આખી જિંદગી દરમિયાન આપણા વાણી, વર્તન અને વિચારોમાં પ્રગટ થયા કરે. ચિત્રની પરીક્ષામાં આપણે ફેલ થઈએ તો શું આખું વર્ષ ચિત્ર દોરવાની કળા આપણી ભીતરે ખીલવી એ મુરજાઈ જવાની છે. એન.સી.સી. કે પી.ટી. ની એક્ઝામમાં બી ગ્રેડ મળ્યો તો શું ત્રણ વર્ષ કસરત કરી બોડી બિલ્ડીંગ કર્યું એ થોડું પાછું સુકલકડી થઈ જવાનું છે?" આટલું કહી એ અટક્યા. અમને સૌને મંત્રમુગ્ધ થઈ ગયેલા જોઈ એમણે આખરી વાક્યો કહ્યા, "શું જીવનસાથી નથી મળ્યા એનો મતલબ આપણી ભીતરે પ્રેમ કે રોમાંસ નથી એવો થાય છે? શું સંતાન પ્રાપ્તિ નથી થતી એટલે આપણામાં મમતા કે વ્હાલપનો અભાવ માની લેવાનો? હું તમને એવા અનેક ક્વોલિફાઈડ છતાં અન અપોઇન્ટેડ માણસો બતાવું જે નોકરી કરનાર કરતાં હજાર દરજ્જે વધુ કાબેલિયત ધરાવે છે, નિઃસંતાન હોવા છતાં સ્કૂલના કે અનાથાશ્રમના અનેક બાળકો પર અસીમ વાત્સલ્ય અને મમતા વરસાવી રહ્યા છે. અને બીજી બાજુ લગ્ન થઈ ગયા પછી રોમાન્સ તો જવા દો પણ વર્ષોથી એકબીજા સાથે લડતા, ઝઘડતા કપલ્સ તો હવે દર બીજા કે ત્રીજા ઘરમાં જાણે ફરજીયાત કેદ ભોગવી રહ્યા હોય એમ જોવા મળી રહ્યા છે."

મિત્રો, પૂર્વમાં ઉગેલા સૂરજ સર તમને જે ‘સ્વયં પ્રકાશિત થવાનો’, ફળિયામાં ઉગેલા ગલગોટા સર જે ‘હંમેશા ખીલેલા રહેવાનો’, આવારા ભમરા સાહેબ પ્રિય ફૂલડાંઓ સાથે મસ્તી કરતા-કરતા ‘હૌલે હૌલે ગીતડાં’ ગાવાનો, પવનની લહેરખી ટીચર જે ‘મસ્તીથી વહેવાનો અને વહાલથી સ્પર્શવાનો’ અને પશ્ચિમમાં આથમતા સૂરજ સર જે ‘સવારે જન્મ પછી સાંજે મૃત્યુ અને પછીની સવારે પુનર્જન્મનો કે જીવનના તડકા છાયાનો’ જે ‘પાઠ’ આપણને ભણાવી રહ્યા છે એ એક ચિત્તે ‘ભણીએ’ તો જિંદગીની દરેક ક્ષણ પાંત્રીસ-ચાલીસ ટકા નહિ, સોએ સો ટકા માર્ક સાથે જીવી શકાય એવું મારું તો માનવું છે. તમે શું માનો છો?

આજનો રવિવાર કોઈની પાસે કાંઈજ સાબિત કરવાની જરૂર નથી. એકદમ હળવા ફૂલ થઈ કુદરતના ક્લાસ રૂમમાં ટહૂકતા, મહેકતા, વરસતા, ગરજતા, લહેરાતા અને ખીલતા શિક્ષકો પાસે માત્ર હોંશથી, ધ્યાનથી, ઉત્સાહપૂર્વક ‘ભણીએ’ એટલે કે ‘જીવીએ’ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)