Sapnana Vavetar - 38 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 38

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 38

સપનાનાં વાવેતર પ્રકરણ 38

સંજય શશીકાન્ત ભાટીયા. ઉંમર ૩૬ વર્ષ. લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી. ધંધો: સટ્ટો જુગાર ગુંડાગર્દી.

સંજયના પિતા શશીકાંત ભાટિયાએ પણ આખી જિંદગી ખોટાં કામ જ કર્યાં. લોકો સાથે છેતરપિંડી કરી. હવામાં સ્કીમો બનાવી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા. ચાલ ચલગત પણ સારી નહીં. એ જ વારસો દીકરામાં આવ્યો.

શશીકાન્ત જ્યારે જ્યારે પણ પૈસાના મોટા ચક્કરમાં ફસાઈ જાય ત્યારે પિતરાઈ ભાઈ રશ્મિકાંત જ એને મદદ કરે. બે થી ત્રણ વાર રશ્મિકાન્તે એને મોટી રકમ ધીરીને જેલ જતો બચાવી લીધો. એ શશીકાન્તનું પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થઈ ગયું.

સંજય ભાટીયા પરણેલો હતો. એને દસ વર્ષની એક બેબી પણ હતી છતાં સંધ્યા નામની એક મહારાષ્ટ્રિયન છોકરીના ચક્કરમાં એ પડી ગયો હતો. સંધ્યા મરાઠી નાટકોમાં નાના મોટા રોલ કરતી હતી. ખૂબ જ દેખાવડી હતી. સંજયે એને લગ્ન કરવાનું વચન આપી મોટાં મોટાં સપનાં બતાવ્યાં હતાં.

પોતે બાંદ્રાની જાણીતી કન્સ્ટ્રક્શન કંપની સુજાતા બિલ્ડર્સમાં ભાગીદાર છે એવી શેખી એણે સંધ્યા આગળ મારી હતી. સટ્ટા જુગારમાં સારા એવા પૈસા કમાયો હતો એટલે ૧૫ લાખની ગાડી પણ ફેરવતો હતો. પરંતુ એની નજર સુજાતા બિલ્ડર્સના કરોડો રૂપિયા ઉપર હતી !

અનિકેતે સુજાતા બિલ્ડર્સ કંપની ટેક ઓવર કરી એટલે સંજયના પેટમાં તેલ રેડાયું. કરોડો રૂપિયા કમાતી આવી કંપનીમાં પોતાને કોઈ સ્થાન ન મળ્યું એ એનાથી સહન ના થયું. બહારનો માણસ આવીને આ રીતે કાકાની કંપની ખરીદી લે એ કેમ ચાલે !!

બે દિવસ સુધી એણે ઘણું મનોમંથન કર્યું પછી ત્રીજા દિવસે એણે તાજા ફૂલોનો ગુલદસ્તો ખરીદ્યો અને પોતાના બે જાણીતા પઠ્ઠાઓને સાથે લઈને એ અનિકેતની ચેમ્બરમાં ગયો. બંને ગુંડા પહેલવાન જેવા કદાવર હતા.

અનિકેતની ચેમ્બરમાં જઈને એણે ફૂલોનો બુકે અનિકેતના હાથમાં આપ્યો. એ પછી એ ટેબલની સામે રાખેલી ત્રણ ખુરશીઓમાં પોતાના ગુંડાઓ સાથે અનિકેતની સામે ગોઠવાઈ ગયો.

" અભિનંદન અનિકેતભાઈ. સંજય ભાટીયા મારું નામ. તમે જે કંપની સંભાળીને બેઠા છો એ મારા સગા કાકાની છે. નીતાકાકીએ તમને મારી ઓળખાણ આપી જ હશે. ના આપી હોય તો હું આપી દઉં. " સંજય બોલ્યો.

"અરે સંજયભાઈ તમારી ઓળખાણ કેમ ના આપી હોય ? નીતા આન્ટીને મળ્યો એ દિવસે જ એમણે તમારી ઓળખાણ આપી હતી. અંજલી મેડમના તમે કઝિન બ્રધર છો એ હું જાણું જ છું. " અનિકેત ઠંડા કલેજે બોલ્યો.

અનિકેતની અંદર રહેલી સિદ્ધિ અનિકેતને સંજયની પૂરી ઓળખાણ કરાવી રહી હતી.

" નીતાકાકીએ મારો વિચાર કર્યા વગર આખી કંપની તમને સોંપી દીધી. આ મારા કાકાની કંપની છે. કાકી મને આમ સાવ બહાર કાઢી મૂકે એ કેવી રીતે ચાલે ? " સંજય બોલ્યો.

"વાત તો તમારી સાચી છે. પરંતુ એ તમારો અંગત મામલો છે સંજયભાઈ. હું તો આમાં કંઈ જાણતો નથી." અનિકેત બોલ્યો.

" એટલા માટે જ તો હું તમને મળવા આવ્યો છું. અભિનંદન પણ આપી દઉં અને મારી ઓળખાણ પણ આપી દઉં. મારે તમારી સાથે કોઈ અંગત દુશ્મની નથી પરંતુ તમે પણ જો નહીં વિચારો તો દુશ્મની ચોક્કસ થશે. " સંજય બોલ્યો.

" મારે તમારા માટે શું વિચારવાનું છે સંજયભાઈ ? કંઈક સ્પષ્ટ કહો તો મને ખ્યાલ આવે. " અનિકેત સંજયને રમાડતો હતો.

" તમારી વિરાણી બિલ્ડર્સ કંપની સાથે સુજાતા બિલ્ડર્સના લીગલ પેપર્સ તો થઈ ગયા છે એટલે મારે કાયદેસર તો કંઈ કરવું નથી પણ આ કંપનીમાં મને મારો ભાગ મળવો જોઈએ. આ લાઈનમાં ઘણા બે નંબરના વ્યવહારો થતા જ હોય છે. તમારે શાંતિથી જો આ કંપની ચલાવવી હોય તો મને સાચવી લો અને પછી જલસા કરો. હું પછી તમને ડિસ્ટર્બ નહીં કરું." સંજય બોલ્યો.

" તમારી શું ગણતરી છે ? આ કંપની હવે તો મારી છે. મારી આ કંપનીમાંથી તમે કેટલી આશા રાખો છો ? " અનિકેત બોલ્યો.

"કંપની કોની છે એ તો તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. મારા કાકાએ ઊભી કરેલી આ કંપની છે. તમે ભલે કરોડો રૂપિયા કમાઓ, મને એની સાથે કોઈ લેવાદેવા નથી. મારે દર મહિને માત્ર એક કરોડ જોઈએ. " સંજય બોલ્યો.

" તમારી આ પ્રપોઝલ ઉપર હું ચોક્કસ વિચાર કરીશ. પરંતુ માની લો કે તમારી આ પ્રપોઝલ હું રિજેક્ટ કરી દઉં એટલે કે કંઈ ના આપું તો ? " અનિકેત બોલ્યો.

" તો તમારે અહીંથી ભાગી જવું પડશે. આ બે મારા માણસો છે. જરા પણ દયા વગરના છે. એમણે ઓફિસ પણ જોઈ લીધી છે અને તમને પણ જોઈ લીધા છે. બહુ જ માથાભારે છે. કોઈનું એન્કાઉન્ટર કરવામાં જરાય અચકાતા નથી. ખિસ્સામાં પિસ્તોલ લઈને ફરે છે. જેલમાં જવાનો એમને કોઈ ડર નથી. આ તો મુંબઈ છે. ગમે ત્યારે ગમે ત્યાં કંઈ પણ થઈ જાય. " સંજયે ધમકી આપી. અને એ સાથે જ એક ગુંડાએ પેન્ટના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને ટેબલ ઉપર મૂકી.

" તો તો મારે બહુ સાવધાન રહેવું પડશે. તમારાથી દુશ્મની થઈ શકે નહીં." અનિકેત બોલ્યો.

" એટલા માટે જ કહું છું કે મને મારો હક આપતા રહો. તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરે. " સંજય બોલ્યો.

" તમને તમારો હક નહીં પણ મારા તરફથી પૂરી એક કરોડની મદદ મળશે અને એ પણ દર મહિને નહીં, દર વર્ષે. આ મદદ તમારાથી ડરીને નહીં પણ તમારા ઉપર દયા ખાઈને આપીશ. " અનિકેત બોલ્યો.

" તમે મારી મજાક કરી રહ્યા છો ? " સંજય ગુસ્સે થઈને બોલ્યો.

" મજાક નથી. દરેકને યોગ્યતા પ્રમાણે મળે છે. સોદો મંજૂર હોય તો બોલો. હું વચનનો પાક્કો છું. વર્ષે એક કરોડ બહુ મોટી રકમ છે. કંઈ પણ મહેનત કર્યા વગર મહિને લગભગ આઠ લાખની કમાણી જરા પણ ઓછી નથી. ફરી રીપીટ કરું છું કે એ પણ તમારી દયા ખાઈને આપું છું." અનિકેત બોલ્યો.

" નથી જોઈતી તમારી ખેરાત. મને મારી રીતે પૈસા લેતાં આવડે છે. હવે તમે તમારી જિંદગીના દિવસો ગણો. તમારું કાઉન્ટ ડાઉન આજથી ચાલુ." સંજય બોલતાં બોલતાં ઉભો થઈ ગયો. પેલા બે ગુંડા પણ ઊભા થઈ ગયા.

અનિકેત ખડખડાટ હસી પડ્યો.

" આ તમારી જમણી બાજુ ઉભો છે એ કાંબલે તો એના ભાઈબંધ ગાવડેની પિસ્તોલ આજે માગીને લઈ આવ્યો છે. એ પણ બે ચાર કલાક માટે. એણે તો જિંદગીમાં કદી પિસ્તોલ ચલાવી જ નથી. બોલ કાંબલે મારી વાત ખોટી છે ? " અનિકેતે કાંબલેની સામે જોઈને મરાઠી ભાષામાં કહ્યું.

કાંબલે તો ચકિત થઈ ગયો. એને ખબર જ ના પડી કે શું જવાબ આપવો. કારણ કે અનિકેતની વાત સાવ સાચી હતી. ગાવડે પાસેથી ત્રણ ચાર કલાક માટે એ પિસ્તોલ લઈ આવ્યો હતો.

" અને આ સતિયો તો દારૂની ભઠ્ઠી ચલાવે છે. એ મારું મર્ડર કરીને જેલમાં જશે તો એનો જમાવેલો ધંધો કોણ સંભાળશે ? એની બીમાર બૈરીની સંભાળ કોણ રાખશે ? બોલ સતિયા મારી વાત ખોટી છે ? " અનિકેત આ વખતે હિન્દી ભાષામાં બોલ્યો.

હવે ચોંકી જવાનો વારો સતિયા નામના બીજા ગુંડાનો હતો. એ યુપીનો હતો.

અને એ સાથે જ અનિકેતે એના ટેબલ ઉપર મૂકેલા મોબાઇલમાં રેકોર્ડ કરેલી તમામ વાતચીત ' ઓન ' કરી.

સંજય ભાટીયાએ આપેલી તમામ ધમકી સ્પષ્ટ સંભળાઈ રહી હતી. સંજય સમજી જ ના શક્યો કે આ કેવી રીતે શક્ય બન્યું ? કારણકે એ તો ઓચિંતો જ આવ્યો હતો. તો પછી રેકોર્ડિંગ કેવી રીતે થઈ ગયું ?

"આ રેકોર્ડિંગ આજે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે અને મને ભવિષ્યમાં કંઈ પણ થશે તો એની જવાબદારી પણ તમારી જ રહેશે ને સંજયભાઈ ? " અનિકેત હસીને બોલ્યો.

" અને મારી ચેમ્બરમાં સીસીટીવી પણ મેં ચાર્જ લેતાં પહેલાં ફીટ કરાવી દીધું છે. જુઓ પેલા ખૂણામાં કેમેરા ! તમારા આ બે ભાડૂતી ગુંડાઓ પણ કેમેરામાં કેદ થઈ ગયા છે. એ બંનેનાં નામ પણ હું આજે પોલીસ સ્ટેશને આપી દઉં છું. આ બંનેએ મારી સોપારી લીધી છે એવી ફરિયાદ આજે હું દાખલ કરું છું. પિસ્તોલ પણ સીસીટીવીમાં દેખાશે. " અનિકેત બોલ્યો.

અનિકેતની વાત સાંભળીને બંને ગુંડા ધ્રુજવા લાગ્યા. બંનેના પગ પાણી પાણી થઈ ગયા. બંનેને લાગ્યું કે આ તો કારણ વગરના ફસાઈ ગયા.

" શેઠ હમકો માફ કર દો. હમ ગુંડે નહીં હૈ . ના તો હમ આપકો મારને વાલે હૈ. સંજયભાઈ બસ હમકો ખાલી સાથ લેકર આયે હૈ. હમકો તો પતા ભી નહીં હૈ કી હમ કો કહાં જાના હૈ ઔર ક્યા કરના હૈ. કાંબલે કો બોલા થા કી સાથ મેં એક પિસ્તોલ રખના તો વો અપને દોસ્તસે માંગ કે લે આયા હૈ. પોલીસ કે ચક્કર મેં હમેં મત ડાલો સા'બ. " બંને ગુંડામાંથી સતિયો બોલ્યો.

સંજય ભાટીયાની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. એને આગળ હવે શું બોલવું એની પણ ખબર પડતી ન હતી. એને કલ્પના પણ ન હતી કે અહીં એની આવી ફજેતી થશે. આ તો આખો જોવા જેવો સીન થઈ ગયો. બરાબર નો મૂરખ બન્યો.

સંજય એ પણ સમજી ગયો કે અહીં એની કોઈ દાળ ગળે એવી નથી અને આ નવો નિશાળીયો દેખાતો અનિકેત ધાર્યા કરતાં ઘણો હોશિયાર છે. એ જે આપે એ લઈ લેવામાં જ સાર છે. મહિને આઠ લાખ પણ જરાય ખોટા નથી. એ પાછો પોતાની ખુરશી ઉપર બેસી ગયો. પેલા બંને ગુંડા હજુ પણ હાથ જોડીને ઊભા હતા.

" અનિકેતભાઈ તમને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે. તમારી વાત સાવ સાચી છે. મારો તમારી ઉપર કોઈ હક નથી અને છતાં તમે મને વર્ષે એક કરોડની ઓફર આપી છે. ઠીક છે તમે જે કહો છો એ મને મંજુર છે. તમે આ રેકોર્ડિંગ ડીલીટ કરી દો. મારે તમારી સાથે કોઈ જ દુશ્મની કરવી નથી. " સંજય ઢીલો પડીને બોલ્યો.

" મોડા મોડા પણ તમે સમજી ગયા એ તમારા હિતમાં જ છે. આ રેકોર્ડિંગ તો દૂર નહીં થાય. એને હું સેવ કરી લઉં છું. એનો કોઈ દુરુપયોગ નહીં થાય. હું સલામત છું તો તમે પણ સલામત છો અને તમને પૈસા દર વર્ષે મળતા રહેશે. સંધ્યાની પાછળ પૈસા બરબાદ ના કરો. એને લગ્નની ખોટી લાલચ આપી એની જિંદગી બરબાદ ના કરો. તમે પરણેલા છો અને બ્રિંદા જેવી સારી પત્ની પણ મળી છે. એની સાથે વિશ્વાસઘાત ના કરો. " અનિકેત બોલ્યો.

હવે ફરી ચોંકવાનો વારો સંજયનો હતો. - સંધ્યા સાથે મારે જે ખાનગી સંબંધો છે એ કોઈ જ જાણતું નથી. નીતાકાકી કે અંજલીને પણ ખબર નથી તો પછી આ માણસ મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે !! મેં સંધ્યાને લગ્નની લાલચ આપી છે એ અનિકેતને કેવી રીતે ખબર ? આ માણસથી બહુ જ સંભાળવું પડશે. એ મારી પત્ની બ્રિંદાને પણ ઓળખે છે. જો એ મારા ઘરે વાત કરી દે તો મારો સંસાર બરબાદ થઈ જાય.

" જી જી અનિકેતભાઈ. હું હવે તમારી સલાહ માનીને સંધ્યાને છોડી દઈશ. હું ખોટા માર્ગે વળી ગયો હતો. તમને વચન આપું છું કે સંધ્યાને બધી સાચી વાત કહી દઈશ. મારી પત્ની સાથે વિશ્વાસઘાત નહીં કરું." સંજય બોલ્યો. અનિકેતથી ડરીને એણે મનોમન સંધ્યાને છોડવાનો નિર્ણય પણ લઈ લીધો.

" અને તમે દારૂ પણ છોડી દો. દારૂ તમારી જિંદગીને બરબાદ કરી નાખશે અને બુદ્ધિને ભ્રષ્ટ કરશે. જે પણ પૈસા હું તમને આપું છું એની કદર કરો. બે દિવસ પહેલાં રાત્રે પણ તમે ખૂબ જ દારૂ પીધો હતો." અનિકેત એક પછી એક આંચકાના ડોઝ સંજયને આપી રહ્યો હતો.

સંજય સમજી ગયો કે આ માણસને સતાવવા જેવો નથી. પરંતુ સંજય એ ના સમજી શક્યો કે અનિકેત એના વિશે આટલું બધું કેવી રીતે જાણે છે !!

સંજયને શું ખબર કે અનિકેતની સિદ્ધિ ડગલેને પગલે એને મદદ કરી રહી હતી !

સંજય આવવાનો હતો ત્યારે જ અનિકેતને અંદરથી જાણ થઈ ગઈ હતી કે થોડી મિનિટોમાં જ સંજય બે ગુંડાઓને લઈને આવી રહ્યો છે. એણે મોબાઇલ હાથમાં લીધો અને જેવો સંજય ઓફીસમાં દાખલ થયો કે તરત જ એણે રેકોર્ડિંગ ચાલુ કર્યું અને ટેબલ ઉપર મોબાઈલ મૂકી દીધો.

આખો સ્ટાફ સંજયને ઓળખતો હતો અને પાછો એના હાથમાં ફૂલોનો બુકે હતો એટલે કોઈએ એને ચેમ્બરમાં જતો રોક્યો નહીં.

" જુઓ સંજયભાઈ. મારે તમારી સાથે કોઈ જ અંગત દુશ્મની નથી. હું દુનિયામાં કોઈથી ડરતો નથી. તમારે કોઈપણ જાતની ભવિષ્યમાં મદદની જરૂર હોય તો પણ હું તમને મદદ કરીશ. પરમ દિવસે તમે મારી પાસે આવીને દસ લાખ રૂપિયા એડવાન્સ લઈ જજો જે હમણાં તમને કામમાં આવશે. હવે પછી દર છ મહિને હું તમને પચાસ લાખ રોકડા આપીશ. " અનિકેત બોલ્યો.

" જી અનિકેતભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. દુશ્મન તરીકે આવ્યો હતો... દોસ્ત બનીને જાઉં છું. મારે લાયક કંઈ પણ કામ હોય તો તમે અડધી રાત્રે મને ફોન કરી શકો છો. " કહીને સંજયે પોતાનું કાર્ડ અનિકેતના હાથમાં આપ્યું અને ઊભો થયો.

પોતે લાવેલા ગુંડાઓની હાજરીમાં જ આટલી બધી રકમની જે વાત થઈ એ સંજયને બહુ ગમ્યું નહીં પરંતુ પોતે જ આ ગુંડાઓને સાથે લાવ્યો હતો ! હવે આ લોકો પણ એની પાસે કંઈ ને કંઈ માગણી કર્યા જ કરશે. ભૂલ તો કરી હતી હવે એનું ફળ ભોગવવું જ પડશે. સંજય ગુંડાઓ સાથે બહાર નીકળી ગયો.

સંજય બહાર નીકળી ગયા પછી અનિકેતે સીસીટીવીના કેમેરા સામે જોયું અને મનમાં હસ્યો. અગમચેતી વાપરીને એણે માત્ર કેમેરા જ ફીટ કરાવ્યો હતો. એની ચેમ્બરમાં સીસીટીવીની કોઈ જરૂર ન હતી. છતાં માત્ર કેમેરા જોઈને સંજય અને એના બે ગુંડાઓ ડરી ગયા હતા.

"તમે બહુ સરસ રીતે સંજયને પાઠ ભણાવી દીધો. તમારામાં ઘણી બધી કાબેલિયત છે. જે રીતે તમે સંજયને હેન્ડલ કર્યો એ જોઈને ગુરુજીની પસંદગી ઉપર મને ગર્વ થાય છે. મને હવે વિશ્વાસ છે કે મારી આ કંપનીને તમે ઘણી આગળ લઈ જશો. " સંજયના ગયા પછી ચેમ્બરમાં રશ્મિકાંતભાઈનો અવાજ અનિકેતને સંભળાયો.

" જી વડીલ. જેવા સાથે તેવા થવું પડે. એને પાઠ ભણાવવો જરૂરી હતો. તમે મને સંધ્યા વિશે માહિતી આપી હતી. એ બધી માહિતીનો ઉપયોગ કર્યો. " અનિકેત બોલ્યો.

" છતાં મને એક વાત ના સમજાઈ. મેં તો માત્ર એટલું જ કહેલું કે એ સંધ્યા નામની કોઈ છોકરીના ચક્કરમાં છે. જ્યારે સંધ્યા નાટકોમાં કામ કરે છે, સંજયે એને લગ્નનું વચન આપેલું છે, સંજયની પત્નીનું નામ બિંદ્રા છે વગેરે માહિતી તમે ક્યાંથી લઈ આવ્યા ? અરે તમે તો પેલા બે ગુંડાઓનાં નામ પણ કહી દીધાં અને એમને એમનો સાચો પરિચય પણ આપી દીધો ! આવું કઈ રીતે શક્ય બને ? " રશ્મિકાંતભાઈનો આત્મા બોલ્યો.

"બસ એ મારા ગુરુજીની અને ગાયત્રી મંત્રની કૃપા છે અંકલ. " અનિકેત વિનમ્રતાથી બોલ્યો.

" તમે મારા માટે ઘણા રહસ્યમય છો અનિકેત. મને કલ્પના પણ ન હતી કે સંજયને તમે આ રીતે સાવ લાચાર અવસ્થામાં મૂકી દેશો ! એ બહુ જ માથાભારે છે. મને ડર હતો કે એ તમને કોઈ નુકસાન ના પહોંચાડે, પરંતુ તમે તો એને જ ડરાવી દીધો ! એક વાત પૂછું અનિકેત ? " રશ્મિકાંત બોલ્યા.

" અરે પૂછો ને અંકલ ! "

" તમે એને દર વર્ષે એક કરોડ આપવાનો નિર્ણય કેમ લીધો ? એનો આ કંપનીમાં કોઈ અધિકાર જ નથી " રશ્મિકાંત બોલ્યા.

"એ તમારી જ પેઢીનું લોહી છે અંકલ. માત્ર મદદની ભાવનાથી મેં કબુલ કર્યું. વહેંચીને ખાવામાં હું માનું છું. કોઈને આપવાથી ઓછું થતું નથી. અને આ કંપનીને કોઈના નિઃસાસા જોઈતા નથી. એમ સમજો કે આ કંપની ઉપરથી એની નજર ઉતારી છે. " અનિકેત હસીને બોલ્યો.

" તમારા વિચારોને સલામ કરવાનું મન થાય છે. ઘણી પાકટતા છે તમારામાં આ ઉંમરે ! હવે મને ખાતરી થઈ ગઈ છે કે સુનિલ શાહને પણ સીધો કરીને લોકરોની ચાવીઓ તમે મેળવી લેશો. બે મહિના થઈ ગયા છતાં પણ એણે નીતાને કે અંજલીને મારા બે નંબરના કરોડો રૂપિયાની કોઈ વાત જ કરી નથી. " રશ્મિકાંત બોલ્યા.

"તમે જરા પણ ચિંતા નહીં કરો અંકલ. એ બધું જ હું સંભાળી લઈશ. તમે હવે આ પૃથ્વીલોક છોડી સૂક્ષ્મ લોકમાં આગળ ગતિ કરો. તમારા પરિવારને કોઈ જ તકલીફ નહીં પડે. તમે હજુ માયા અને મમતામાં ભટકી રહ્યા છો. આ બધામાંથી તમે મનને પાછું ખેંચી લો અને મુક્ત થઈ જાઓ." અનિકેત બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)