Namuno in Gujarati Drama by Bharat(ભારત) Molker books and stories PDF | નમુનો

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

નમુનો

નમુનો

મંચ પર પ્રકાશ થાય છે, ત્યારે મધ્ય ભાગ માં, એક પુરુષ જે કોઈ ન્યુઝ ચેનલ નો રિપોર્ટર છે તેવું તેના પહેર્વેશ(કોટ અને પેન્ટ. આંખો પર મોટી બ્લેક ફ્રેમ ના ચશ્માં. તેલ ચોપડી ને ઓળેલા માથા ના વાળ) અને હાથ માં માયીક પકડીને ઉભો છે તેના પર થી અંદાજો આવી જાય. તેની બાજુ માં બીજો એક પુરષ છે જેણે કેમેરો પકડ્યો છે.

કેમેરા મેન:  Camera rolling.......

ચિંતામણી: નમસ્કાર મિત્રો! હું છું તમારો શુભચિંતક, ચિંતામણી! તમે તો જાણો જ છો, દર અઠવાડિયે હું મારા શો માં આપણા સમાજ માં પ્રવાર્તા દુર્ગુણો, દોષો થી તમને વાકેફ કરાઉ છું. એ પણ, વિવિધ પ્રકાર ના ઉદાહરણો આપી ને.એટલે કે એક થી એક બંધ બેસતો નમુનો!

હાં! તો આજે હું તમને સાવચેત કરવાનો છું ધૂમ્રપાન ના કારણે થતી શારીરિક અને માનસિક આડ અસરો થી. મિત્રો, “બીડી એ સ્વર્ગ ની સીડી” ઘણા લોકો આવું બોલતા હોય છે. આ વિષય પર તમે ઘણું બધું વાંચ્યું હશે, સાંભળ્યું હશે, જોયું હશે. પણ આજે, હું તમને રૂબરૂ કરાવીશ ખરી પરીસ્થિતિ થી. અને મેં તો પ્રણ લીધું છે, કે આપણા રાજ્ય માં થી ધૂમ્રપાન જેવો વ્યસન સમ્પત થાય, એવી હું જુંબેશ શરુ કરીશ અને ધૂમ્રપાન નામ ના રાક્ષસ નો વધ કરીશ!.

તો હવે, આવો મારી સાથે, મારા બતાવેલા ઉદાહરણો થકી તમે જોશો, કે આ વ્યાસન કેટલું જીવલેણ છે! આવો.....

ફેડ આઉટ, ફેડ ઇન, મંચ પર ચિંતામણી અને તેની કેમરા મેન જે તેને શૂટ કરી રહ્યો છે.

ચિંતામણી: તમે જે વ્યસન કરો છો, એની પાછળ એક ગણિત કામ કરતુ હોય છે. ચાલો હું તમને બતાવો.

મંચ ના કોઈ એક ભાગ માં, એક કાકા (૫૦-૫૨ વર્ષ, “કાકા” શબ્દ નો ઉપયોગ વૃદ્ધ પુરુષને સંબોધવા કરતા હોઈયે છે, તેથી કર્યો છે) બાંકડા પર બેસી, સિગરેટ ની મજા માણી રહ્યા છે. ચિંતામણી એમની પાસે જાય છે, અને કાકા ના ખભા પર ધીમે થી ટપલી મારે છે. કાકા એની સામે જોઇને ઈશારો કરે છે “શું છે?”

ચિંતામણી: (હસતા ચેહરે) કાકા! તમારી ઉંમર કેટલી?

કાકા: કેમ? માગું લઈને આવ્યો છે? (કાકા કશ મારે છે)

ચિંતામણી: (વાત ને હસી કાઢતા) સારું કાકા એ વાત જવા દો.....અ.....એ કહો, તમારી આવક કેટલી?

કાકા: મારી આવક ને, ને તારે શું લેવા દેવા? (હજી એક કશ મારે છે)

ચિંતામણી: એટલે.., તમે જો મને તમારી આવક જણાવશો, તો હું આગળ માંડી ને વાત કરું.

કાકા: તારે મારી આવક જાણીને શું કરવું છે? તું વીમો વેચવા માટે તો નથી આવ્યો ને?

ચિંતામણી: ના...ના...એ તો

કાકા: તું C. A. છે?

ચિંતામણી: ના કાકા પણ....

કાકા: ઈ.ડી. નો અધિકારી છે? હેં?....

ચિંતામણી: અરે કાકા, હું તો માત્ર આવક નો આંકડો જાણવા માગું છું, જે થી હું વાત વિસ્તાર થી સમજાવી શકું.

કાકા: ઇન્કમટેક્ષ ઓફિસર છે? તું વીમા વાળો છે ને?! ખબર પડી મને મારે નથી લેવો વીમો, ચલ ભાઈ હવે જય શ્રી કૃષ્ણ!

ચિંતામણી: ના કાકા હું વીમા વાળો નથી!

કાકા: તો પછી મારી આવક વિષે પૂછી-પૂછી ને શું કામ મારું મગજ ખાય છે?

ચિંતામણી: એ તો તમે જણાવશો કે તમારી આવક કેટલી ત્યારે જ તો હું તમને સમજાવી શકીશ કે હું તમને તમારી આવક વિષે કેમ પુછુ છું.

કાકા: પછી એ જ વાત. પેલો માલિયા ને ચોકસી બધા, ૯૦૦ કરોડનું ચૂનો લગાડી ને ભાગી ગયો એને કોઈ પૂછવા ગયુ’તું? એને પૂછવા જાને.....

ચિંતામણી: અરે કાકા તમને એક સાવ સાદો સવાલ કર્યો એમાં તો તમે છેક માલિયા સુધી પહોચી ગયા.......એક સવાલ નો જવાબ નથી આપતી શકતા....

કાકા ગુસ્સે થી ચિંતામણી ની પાસે જઈ એના શર્ટ નો કોલર પકડી લે છે.

કાકા: મને સવાલ પૂછવા વાળો તું કોણ? હેં?

ચિંતામણી: (ઘબરાએલા અવાજ માં, માયીક પાસે લાવી ને) જોયું! જોયું તમે! સિગરેટ પીવા થી, માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે! બ્લેક ઓઉટ.

પ્રકાશ. કેમેરા મેન પાછલા પગે ચિંતામણી ને શૂટ કરતા મંચ પર પ્રવેશે છે, ચિંતામણી મંચ પર ચાલતા-ચાલતા ડાયલોગ બોલે છે.

ચિંતામણી: મિત્રો, તમે મારી ચિંતા કરશો નહી. મારું તો કામ જ છે, સાહસો ખેડી ને તમને સજાગ રાખવાનું. તો આવો, તમને બીજું એક ઉદાહરણ બતાવું. જોવો

મંચ ના કોઈ એક ભાગ માં પ્રકાશ થાય છે. ત્યાં એક દીવાલ ને ટેકો આપીને, કાકા સિગરેટ પીતા ઉભા છે. ચિંતામણી એમની પાસે જઈ ને,

ચિંતામણી: (સેહજ અચકાતા) કેમ છો કાકા?

કાકા: બોલ ને ભત્રીજા! (આવું સંભાળતા જ ઉત્સાહપૂર્વક ચિંતામણી)

ચિંતામણી: મને ઓળખ્યો?

કાકા: ના!

ચિંતામણી: આપણે મળ્યાતા...

કાકા: ક્યાં?

ચિંતામણી: ત્યાં!

કાકા: કઈ બાજું?

ચિંતામણી: પેલી બાજું!

કાકા: પણ કેમ?

ચિંતામણી: એમ જ.... હવે ઓળખ્યો ને?

કાકા: ના.

ચિંતામણી: અરે કાકા હું.....હું....આપણે મળ્યાતા...

કાકા: અરે પણ ક્યાં?

ચિંતામણી: ત્યાં!

કાકા: ભાઈ કઈ બાજું?

ચિંતામણી: પેલી બાજું!

કાકા: પણ કેમ?

ચિંતામણી: એમ જ...

કાકા: ભાઈ, માફ કર.....(કહીને ત્યાં થી નીકળી જાય છે)

ચિંતામણી: તો જોયું તમે! સિગરેટ પીવા થી માણસની યાદ શક્તિ કમજોર થઇ જાય છે. બ્લેક આઉટ. પ્રકાશ, ચિંતામણી પ્રવેશે છે,

ચિંતામણી: તો મિત્રો, આ તો સંસાર છે! આવું બધું ચાલ્યા જ કરે, પણ આપણને પોતાને સાચવવાના છે! કેવી રીતે? તો આવો, એ હું તમને બતાવું....

મંચ ની એક બાજુ પર “પાન નો ગલ્લો” એવું બોર્ડ લગાવેલું છે ને પાસે એક બાંકડો મુક્યો છે. બાંકડા પર, કાકા બેઠા છે. એમના માથા ના બધા વાળ ધોળા છે. કપડા વ્યવસ્થિત પહેર્યા છે. બાંકડા પર બેસી નિરાંતે સિગરેટ પી રહ્યા છે. ચિંતામણી એમની પાસે જઈને, માયીક કાકાની સામે ધરી છે, ત્યાં જ કેમેરામેન કોઈ એક વિંગ માં થી દોડતો આવીને શૂટ કરવા લાગે છે,

ચિંતામણી: કાકા! તમારાં છોકરા કેટલા?

કાકા નિરાંતે કશ મારતા મારતા જવાબ આપે છે.

કાકા: નથી!

ચિંતામણી આશ્ચર્ય થઈને પછી કાકા સામે જોઈ, ફરી પૂછે છે,

ચિંતામણી: એટલે કાકા, તમે નિસંતાન છો?

કાકા એ જ અદાથી, શાંતિ થી જવાબ આપે છે.

કાકા: પહેલી વાર કહ્યું, એમાં ખબર ના પડી? નથી કોઈ સંતાન.

આટલું કહીને કાકા ફરીથી સિગરેટ ની મજા માણે છે.

ચિંતામણી: સાચ્ચે?

કાકા કોઈ જ ધ્યાન નથી આપતા. ચિંતામણી ત્યાં થી ખસી જાય છે. એક તરફ આવી બોલે છે,

ચિંતામણી: તો જોયું ને તમે! સિગરેટ પીવાથી, પુરુષોની પ્રજનન કરવાની ક્ષમતા ઘટી જાય છે!

ચિંતામણી આટલું બોલે છે, ત્યાં જ કાકા આવીને એના માથા પર ટપલી મારી ને કહે છે,

કાકા: બે ટોપા! મારા હજી લગન નથી થયા!

ચિંતામણી: હં?

બ્લેક ઓઉટ. પ્રકાશ થતા, ડાયલોગ બોલતા-બોલતા ચિંતામણી કોઈ એક તરફ ની વિંગ માં થી પ્રવેશ કરે છે. તેની સામેની તરફ ની વિંગ માં થી કેમેરા મેન પ્રવેશે છે. મંચ ના પાછળ ના ભાગ માં દીવાલ નો સેટ બનાવેલો છે.

ચિંતામણી: શ્રોતાઓ! તમને ખબર છે? આપણા દેશ પાસે એક અખૂટ ધન છે! કયું? તમને ખબર છે?.......નથી ખબર? અરે મને ખબર છે! કે તમને એ ધન વિશે ખબર છે! શું? સચ્ચે જ નથી ખબર? સારું સારું......તો હું તમને એ ધન વિષે જણાવું. આપણા દેશ નું અખૂટ ધન છે “યુવા ધન!” તમે મોદી સાહેબ ને કેહતા સાંભળ્યા હશે, કે આપણા દેશ માં ૩૫% વસ્તી યુવાઓની છે. તો તમે જ વિચાર કરો મિત્રો! જો આ યુવા ધન કામે લાગી જાય......ને એક ચોક્કસ ધેય્ય બનાવી ને આગળ વધે તો આપણા દેશ ની પ્રગતિ કેવી થાય! આ હા હા........તમે જરા કલ્પના તો કરો! યુવાનો દેશ ની દિશા ને દશા બન્ને ને બદલવા માટે સક્ષમ છે મિત્રો! આપણા દેશ ના યુવાનો જ વિકાસ લાવશે મિત્રો! જો જો તમે! (બોલતા બોલતા ચુપ થઇ જાય છે. જણે કશિક વાસ આવી રહી હોય, ચેહરા પર એવા ભાવ) જાણે કશુક બળી રહ્યું હોય એવું લાગે છે........ (ચેહરા પર ફરી એવા ભાવ. આસ પાસ નજર કરે છે. પાછળ જોવે છે, ભીંત પાછળથી ધુમાડો નીકળતો હોય છે) અરે.....લાગે છે ત્યાં આગ લાગી છે! જા ક્યાંક થી પાણી લાવ! (કેમેરામેન દોડી વિંગ માં એક્ઝીટ કરે, ચિંતામણી પોતાનો કોટ કાઢી ને દીવાલ ની પાછળ જાય છે આગ ઓલવવા નિ કોશીસ કરે છે. ત્યારે અવાજો સંભાળ્ય છે)

અવાજો: ઓં કાકા......આ શું કરો છો!.......

ચિંતામણી: હૈ......આ શું? (દીવાલ નિ પાછળ થી 4 છોકરા ને ચિંતામણી બહાર આવે છે. છોકરો ના હાથ માં ચલમ છે. ને જાણે થોડા નશા માં હોય.)

છોકરો 1: શું છે કાકા? હૈ?

ચિંતામણી: હૈ? હું કાકા?

છોકરો 2: કાકા ના ગમ્યું? તો સારું.....મામા, બસ!

ચિંતામણી: મામા?

છોકરો ૩: મામા, કાકા ના કેહવાય! “સીનીયર સીટીઝન”  કેહવાય! બરાબર ને?

છોકરો 4: તમે લોકો શું મામા, કાકા, સીનીયર સીટીઝન કરો છો. આણે આખી મજા બગડી નાખી!

ચારે છોકરાઓ: હાં યાર! તો શું?

છોકરો 1: કેમ આયા તમે? હૈ?

ચિંતામણી: ધુમડો નીકળતો’તો એટલે મને એમ કે ત્યાં આગ લાગી છે.

છોકરો 2: તે તમે પેહલા ફાયર બ્રિગેડ માં નોકરી કરતા’તા?

ચિંતામણી: અરે ધુમાડો દેખાયો એટલે.....

છોકરો ૩: કાકા.....ચાર જણા ચિલમ ફૂંકતા હોય તો ધુમાડો જ નીકળે ને! બીજું? શું નીકળે?

ચિંતામણી: સાચી વાત......જયારે આગ લાગવાની હોય ને...અની પેહલા ધુમાડો જ નીકળે! ને તમે તો આગ જાતે પ્રગટાવી રહ્યા છો, ને ધુમાડો જોઇને પણ આંધળા બની રહ્યા છો. સાવધાની.... સાવચેતી જેવું કંઈ તમારા માં છે કે નહી?

છોકરો 2: તમે જે કંઈ બોલી રહ્યા છો ને એમાં ૫૦% સમજાતું નથી. પૂરે પૂરું ગુજરાતી માં બોલો ને....

ચિંતામણી: હવે તમે લોકો ઓચિંતા ભટકાઈ જ ગયા છો તો તમને અમુક સવાલ પૂછવા છે મારે.

છોકરો ૩: અમારે કોઈ એક્ઝામ નથી આપવી. મહેરબાની કરીને સવાલ જવાબ રેહવા દો.

છોકરો 4: ઘડીક મોજ કરીએ છે તો કરવા દો ને! શું હેરાન કરો છો.

ચિંતામણી: બસ! એક વાત પુછુ?

છોકરો 1: હાં, પણ સમજાય એ રીતે પૂછજો.....

ચિંતામણી: તમે લોકો ધૂમ્રપાન કેમ કરો છો?

છોકરો 1: ધુમ્રપાન?

છોકરો 2: પાન!

છોકરો 1: સીનીયર સીટીઝન, તમને પેહલા જ કહ્યુંતું ને, કે સમજાય એવું બોલો

ચિંતામણી: એટલે કે, તમે લોકો સ્મોકિંગ કેમ કરો છો? ચિલમ કેમ પીવો છો?

છોકરો 2: મામા, દમ મારો દમ મીટ જાયે ગમ!

ચિંતામણી: દમ મારો દમ વાળા.....આ પીવા થી દમ ચઢે! (શ્વાસ ચઢવાનો અભિનય કરીને બતાવે છે) ફેંફસા નબળા પડી જાય. કેમ પીવો છો આને?

છોકરો ૩: સીનીયર સીટીઝન, તમને નઈ ખબર પડે!

ચિંતામણી: તને જોઇને મને તો એ ખબર નથી પડતી કે તું ચિલમ પી રહ્યો છે, કે ચિલમ તને પી રહી છે. અરે તારું શરીર જો, તું ફૂંક મારે છે તો ફેંફસા બહાર નીકળે છે ભાઈ!

છોકરો 4: પણ વાત તો એણે સાચી જ કહી છે! તમે જો આ ચીજ ચાખી જ ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે આમાં શું મજા છે?

ચિંતામણી: ભાઈ, મારે નથી ચાખવી, કે નથી મજા માણવી! ને તમે લોકો પણ સુધરો હવે!

છોકરો ૩: સીનીયર સીટીઝન સેજ વધારે પડતું બોલી રહ્યા છે નઈ?

છોકરો 4: તમે એક કામ કરો! એક સુટ્ટો મારી જોવો.....પછી કેહ જો! લો આ ચિલમ....

ચિંતામણી: ના..ના..

છોકરો ૩: અરે લો! લો!

છોકરો 2: તમે કયું પાન કેહતા’તા?

છોકરો 1: ધુમ્રપાન!

છોકરો 2: હાં! તો કરીને તો જોવો......પછી કેહ જો!

છોકરો 1: હાં કાકા! લો ચિલમ ને મારો એક સુટ્ટો! આ તો શિવજી નો પ્રસાદ કેહવાય.....લો...લો..

ચિંતામણી: ના ભાઈ.......મારે નથી જોઈતો પ્રસાદ.

(બધા છોકરાઓ ચિંતામણી ની પાસે જઈ અને પેહલા ચિલમ પીવાનો આગ્રહ કરે છે ને પછી જબરદસ્તી થી પિવડાવવા પ્રયત્ન કરે છે. વિંગ્સ માં થી કોઈ ની બુમો સંભળાય છે. કેમેરામેન મંચ આવે છે, તેના હાથ માં ડોલ. છોકરાઓ એને જોઇને ત્યાં થી ભાગી જાય છે.)

કેમેરામેન: કોણ હતા આ છોકરાઓ?

ચિંતામણી: આ.....આ.......આપણા દેશ નું ધન? આ.....આપણા દેશ નું ભવિષ્ય? આવું ભયાનક? તો આપણા દેશ નું શું થશે? (કેમેરામેન ડોલ નીચે મુકીને શૂટ કરવા લાગે છે) આવું જોઇને તો લાગે છે કે દશા બદલવા ને બદલે ઉટલી દશા બેસી જાય! પેલી કેહવત સાવ સાચી છે “નવરો બેઠો નાખોદ વાળે!” હમણાં તો હું બસ પ્રાથના કરીશ, કે, હેં ઈશ્વર! આ લોકો ને સતબુદ્ધિ આપ. ને એવા આશીર્વાદ આપ કે દેશ ના બીજા યુવાઓ આવા આડા માર્ગે ના જાય! [નોટ: જો આ સીન મંચ પર ભજવવા નો હોય તો, ભીંત નિ જગ્યા એ, બીજી અથવા ત્રીજી વિંગ માંથી ધુમાડો નીકળતો બતાવી શકાય. ને ચિંતામણી એ દિશા માં દોડે ને એનો કોટ ઉતારી ને વિંગ નિ અંદર જાયે. પછી આ સીન ના બધા અભિનેતા, મંચ ના મધ્ય ભાગ માં આવીને સીન ભજવે. ચિંતામણી, જયારે છટકીને ભાગે છે, ત્યારે બ્લેક ઓઉટ, અને સીન ના છેલ્લા ડાયલોગ માટે ફરી થી એન્ટર થાય) બ્લેક આઉટ

પ્રકાશ, પાન નો ગલ્લો, જ્યાં બોર્ડ લાગ્વેલું છે, ત્યાં ચિંતામણી સિગરેટ ના કશ લગાવતો ઉભો છે. કાકા નં. 1 ત્યાં એની પાસે આવે છે.

કાકા 1: ભાઈ, તમારી આવક કેટલી?

ચિંતામણી, કાકા નિ સામે જોવે છે. એ કઈ કહે એ પહેલા કાકા નં. 2 આવે છે ને,

કાકા 2: ઓળખ્યો ભાઈ મને? આપણે મળ્યાતા...ત્યાં, પેલી બાજું, એમ જ..

ત્યાં કાકા નં. ૩ પણ આવે છે ને,

કાકા ૩: શું ભાઈ લગન કરવાના છે કે નહી? સંતાન પ્ર્રાપ્તી નથી કરવી....હેં?

ચિંતામણી ત્રણેઓ ની સામે જોવે છે, એક કશ મારે છે.

ચિંતામણી: અરે જીવન માં કેટલું ટેન્શન છે! ખબર છે? હેં?

કશ મારે છે, સિગરેટ નીચે ફંકી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ પેલા ત્રણે કાકાઓ અને રોકી લે છે.

કાકા 1: અરે રાજા, ક્યાં જાવ છો? જરીક થોભો તો ખરા! હમણાં થોડી વાર પેહલા તું શું મોટી મોટી જ્ઞાન નિ વાતો કરતો હોતો? હૈ?

ચિંતામણી: એ તો....

કાકા 2: ડાહી સાસરે ના જાય, ને ગાંડી શિખામણ આપે આવું તારું વલણ છે ભાઈ!

ચિંતામણી: ક્યારેક એકાદો કશ મારી લઉં છું, તમારી જેમ ફૂંકણીયો નથી!

કાકા ૩: અલા એ, તું કોઈ ને શિખામણ ત્યારે જ આપી શકે જયારે તું પોતે સંપૂર્ણપણે વ્યાસન મુક્ત હોય, સમજયો! ને હાં, આવી બધી દલીલ બાજી અમારી સામે નઈ ચાલે, એમ ને એમ માથે વાળ ધોળા નથી થયા.

ચિંતામણી: પણ તમે તો મને આપી રહ્યા છો ને! સિગરેટ ના બંધાણી હોવા છતાં.

કાકા ૩: તું પાછો આડો ફાટ્યો?.......

કાકા 1: એક મીનીટ.......ભાઈ જો એમને અમારી ભૂલ સમજાઈ ગઈ.

કાકા 2: ને અમારી તો હવે ઉમર થઇ રહી, પણ તું તો સુધર!

કાકા 1: ના બોસ! એવું ના બોલો, ગમે તે ઉમર હોય સુધારવા નો અવકશ ને મૌકો હમેશા આપણી પાસે હોય છે, પણ આપણે અને ગણકારતા નથી. ને ખરેખર તો આપણી, વડીલો ની જ ફરજ બને છે કે, આવનારી પેઢી તરફ ઉત્તમ ઉદાહરણ પૂરું પડીએ.

કાકા 2: સાચ્ચી વાત ભાઈ, આપણી સંતાનો આપણા કુટેવો ની નકલ ના કરે અની જિમ્મેદારી આપણે જ રાખવાની છે.

કાકા ૩: હાં ભાઈઓ, હવે થી હું જાહેર માં સિગરેટ નઈ પીવું. ને ધીરે ધીરે સિગરેટ પીવાનું ઓછુ કરી દઈશ.

કાકા 1: હમ્મ્મ.....એટલા વર્ષો ની લત તરત તો નઈ છુટે, હું પણ આજથી જ પ્રયત્ન કરીશ કે ધીમે ધીમે આ વ્યસન માં થી મુક્ત થઇ જાઉં.

કાકા 2: લો ત્યારે, હું કેમ પાછો પડું? હું પણ હવે થી સિગરેટ છોડી દેવાનો પ્રયત્ન કરીશ.

ચિંતામણી: વાહ શું વાત છે! “પ્રયત્ન હંમેશા કરવો” ને “ધીરે ધીરે આવેલું પરિવર્તન કાયમ ટકી રેહ છે”, એવું મેં ક્યાંક વાંચેલું. તમને કાકાઓ ને જોઇને મને પણ પોરસ ચઢી ગયું છે!, લો, આજ થી, અરે આ ઘડી થી સિગરેટ છોડી! કાયમ માટે! (પોતાના ખીસા માં થી સિગરેટ નું ખોકું કાઢી જમીન પર ફેંકે છે.

ત્રણે કાકાઓ: સરસ! સરસ! આજના યુવાનો પ્રતે આમારી આવી જ અપેક્ષા છે! (કેમેરામેન પ્રવેશે છે ને બધા ને ફોટો પડાવવા માટે આગ્રહ કરે છે)

ત્યારે, ચિંતામણી સેહજ આગળ આવે છે ને પ્રેક્ષકો જોઇને,

ચિંતામણી: આને કેહવાય, “સૌ નો સાથ ને સમાજ નો વિકાસ!” ને હાં, ખરેખર તો હું સિગરેટ પીતો જ નથી. (આંખ મારે છે. પાછો એમની પાસે જાય છે) તો કાકાઓ! તમે મને તો સુધારી દીધો પણ બીજા ઓ નું શું?

કાકાઓ: એટલે?

ચિંતામણી: જો તમારો સાથ મળે તો આપણે મળીને લોકો ને આ વ્યાસન કરતા રોકી શકીએ.

કાકાઓ: હાં તો બોલ ને શું કરવાનું છે?

ચિંતામણી કાકાઓ ને ઈશારા થી નજીક આવાનું કેહ છે. બધાને કંઇક સમજાવે છે. કાકાઓ, હાં, હાં, કરતા માથું હલાવે છે.

ચિંતામણી: તો તમને સમજાય ગયું ને ક શું કરવાનું છે?

કાકાઓ: હોવ! બરાબર સમજાય ગયું!

ચિંતામણી: તો ડન ને?

કાકા ૩: અરે ડન શું? ડન ડના ડન ડન .........બ્લેક ઓઉટ.

પ્રકાશ, દીવાલની પાછળ થી ધુમાડો નીકળી રહ્યો છે. કાકા નં 1, હાથ માં ડોલ લઈને છાના માના પ્રવેશે છે. દીવાલ ની પાસે જઈ, ડોલની અંદર નું પાણી, દીવાલ ની પાછળની બાજુએ ફેંકે છે. પેલા 4 છોકરાઓ બુમો પડતા બહાર આવે છે....(છોકરાઓ: એ કોણ છે આં! કોણે પાણી નાખું?! કોણ છે સાલો!) હાથ માં ડોલ પકડીને કાકા નં 1 ઉભા છે.

છોકરો 1: ઓય! પાણી કેમ નાખ્યું?

છોકરો 2: ગાંડા તો નથી થયા ને?

કાકા નં 1: ગાંડો તો નથી, પણ આગ લાગી હોય ત્યાં પાણી તો રેડવું પડે ને!

છોકરો ૩: કોણે કહ્યું કે અહિયાં આગ લાગી છે?

કાકા નં 2 અને ૩ પ્રવેશે છે.

કાકા નં 2 અને ૩: અમે કહ્યું!

છોકરો 4: હવે તમને કોણે કહ્યું?

કાકા નં 2: અમે અમારી આંખો થી જોયું!

છોકરો 4: શું?

કાકા નો ૩: કે અહીંથી બઉં ધુમાડો નીકળી રહ્યો છે, એટલે નક્કી અહી આગ જ લાગી છે.

છોકરો 1: આ બધા પણ પેલા માણસ જેવી વાતો કરી રહ્યા છે!

કાકા નં 1: કયો માણસ?

છોકરો 2: હતો કોય ડોડ ડાહ્યો.......પણ તમે પાણી નાખ્યું જ કેમ?હે?

છોકરો ૩: મજા બગાડી નાખી!

કાકા નં 1: તમે એવું તે શું કરતા’તા? હૈ?

છોકરો 4: કંઇ પણ કરીએ તમારે શું?

કાકા નં 1: એમ?

છોકરો 4: હાં તો?

કાકા નો 1: ભાઈઓ! આ બધા ને પકડી રાખો હું પોલીસ ને ફોને કરું છું!

છોકરાઓ ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ કાકાઓ એમને પકડી રાખે છે. કાકા નં 1 મોબાઈલ પરથી ફોન લગાડે છે.

કાકા નં 1: હેલ્લો! પોલીસ કન્ટ્રોલ રૂમ?.....

છોકરો 4: અરે દાદા, શું કરો છો? છોડો ને........પોલીસ નું શું કામ છે?

કાકા નં 1: પોલીસ નું જ કામ છે હવે તો!

છોકરો 1: જવાદોને......પ્લીઝ!

કાકા નં 1: ના.....હવે તો પોલીસ આવશે ને એ જ પૂછશે કે તમે અહી શું કરતા હતા.....

કાકા નં 1 ફોન પર વાત કરે છે. છોકરાઓ કરગરી રહ્યા છે.

કાકા નં 1: હાં સાહેબ તો જલ્દી PCR Van ને મોકલો!.....

બધા છોકરાઓ એક બીજા ને ઈશારો કરે છે કે કઈ કહો .....

છોકરો 2: પ્લીઝ! અંકલ જવાદો ને સોરી......

છોકરો ૩: હાં સોરી........છોડો ને એમને.....

કાકા નં 1: સોરી હવે તમે પોલીસ ને કેહ જો!.....

છોકરાઓ રડમસ થઇ જાય છે, ચિંતામણી પ્રવેશે છે.

ચિંતામણી: ઓહો! શું ચાલી રહ્યું છે અહી?

છોકરાઓ: તમે?! અહિયાં કેમ આવ્યા?

ચિંતામણી: હાં હું! શુભચિંતક છું ને એટલે!

છોકરાઓ: પ્લીઝ એમને બચાવો ને.....

ચિંતામણી: અચ્છા? એમ?

છોકરાઓ: હાં પ્લીઝ!

ચિંતામણી: ઓહો! પ્લીઝ?! વાહ! સમય બઉં જલ્દી બદલાય છે નઈ? હાં કાકા શું થયું છે? કેમ છોકરાઓને ધમાકાઓ છો?

કાકા નં 2: આ લોકો અહી કોઈ કાવત્રુ કરી રહ્યાતા

કાકા નં ૩: અમને તો લાગે છે કે બોમ બનાવાનો પ્રયોગ કરતા હતા.

કાકા નં 1: એટલે જ મેં પોલીસ કંટ્રોલ રૂમ માં ને ફોન કર્યો છે. આ ફોન ચાલુ જ છે, હેલો અહિયાં કૈક કાવતરું ચાલી રહ્યું છે, આ છોકરાઓ કઈ ગડબડ કરી રહ્યા છે...

ચિંતામણી: હૈ છોકરાઓ, કાવત્રુ કરી રહ્યા છો અહિયાં?

છોકરો 2: સર, કાવત્રુ એટલે? એમને એજ નથી ખબર

ચિંતામણી: તમે બોમ બનાવાનો પ્રયોગ કરો છો અહી?

છોકરો 1: અરે ના......રે......ને તમને તો ખબર જ છે ને ક અમે અહી શું કરીએ છીએ.

ચિંતામણી: મને તો ખબર છે. પણ તમે જાતે કહો કે તમે શું કરી રહ્યા’તા.

છોકરાઓ કઈ જ બોલતા નથી.....

ચિંતામણી: અરે કહી દો જલ્દી, પોલીસ આવે એ પેહલા......કદાચ છુટી જાઓ...

છોકરો 4: અમે બધા મળીને અહી ચલમ ફૂંકતા’તા.

કાકા નં 2: એટલે નશો કરતા હતા!

કાકા નં ૩: તો તો આવા જ દો પોલીસ ને!

ચિંતામણી: કાકા...કાકા.....ચલીમ એ તો શિવજી નો પ્રસાદ કેહવાય...ખરું ને છોકરાઓ?

કાકા નં 1: પ્રસાદી તો હવે પોલીસ આપશે લોકઅપ માં....

છોકરો 4: સર, પ્લીઝ સમજો ને.....અમે તો નાના છોકરાઓ છે.

કાકા નં 1: અચ્છા....

ચિંતામણી: હાં, જવા દો ને.......નાના છોકરાઓ છે.

કાકા નં 1: નાના છોકરાઓને ટણી બઉં મોટી છે. થોડી વાર પેહલા મને કેહતા હતા, “કે તમારે શું? અમે કંઈ પણ કરીએ”, એટલે હવે અમે કંઈ પણ કરીએ છે.

કાકા નં 2: આપણે, આ બધાના વાલીયો ને પણ બોલાવીએ...

કાકા નં ૩: કેવી રીતે?

કાકા નં 2: એમની પાસે ઓળખ પત્ર હશે ને. આઈ. ડી કાર્ડ. માં ફોન નંબર હશે. એમની બેગ તપાસી જોવું....(છોકરાઓ ની બેગ માં શોધ ખોળ કરે છે)

ચિંતામણી: (છોકરાઓ ને) વાલીયોને....એટલે કે પેરેન્ટ્સ ને.....મમ્મી પપ્પા ને બોલવાની વાત થઇ રહી છે......

છોકરો 2: ના....ના....પ્લીઝ મમ્મી પપ્પા ને ના બોલાવતા પ્લીઝ. (બીજા છોકરાઓ પણ કરગરે છે)

કાકા નં 1: પોલીસ કેસ થાય તો વાલીયોને જાણ તો કરવી પડે ને....

ચિંતામણી: હમ્મ્મ....એ તો સાચી વાત છે! બોલો!, તો હવે તમે શું કહો છો?

છોકરો 2: પોલીસ ને અને અમારા મમ્મી પપ્પા ને ના બોલાવો પ્લીઝ, તમે જે કેહશો અમે એ કરીશું. અરે, બોલો ને તમે પણ કૈક......

(બીજા છોકરાઓ પણ બોલે છે, “તમે જે કેહશો અમે એ કરીશું”)

ચિંતામણી: કઈ પણ કરવા તૈયાર છે છોકરાઓ......બોલો વડીલો શું કર શો?

કાકા નં 1: હમમ....સવથી પેહેલા તો એ વાત નો જવાબ આપો કે તમે લોકો ચિલમ કેમ પીવો છો?

છોકરો 1: મજા આવે છે....

છોકરો 2: આ ભાઈબંધો પિતા હતા, એમનું જોઇને હું પણ પીવા લાગ્યો. ને પછી મને મજા આવા લાગી.

છોકરો ૩: અમે એવું સાંભળ્યું છે કે સિગરેટ પીવી, ચિલમ પીવી એ બધા મર્દાનગી ના કામો છે.

કાકા નં 1: અરે ડોબાઓ! સાચી મર્દાનગી.....પોતાની જવાબદારી નિભાવ માં છે.

કાકા નં 2: ને આ ઉમરએ તમારી જવાબદારી ફક્ત એક જ છે, સારી રીતે ભણવું.

કાકા નો ૩: ભણવાનું બાજું પર મૂકી, તમે આ ટાઇમ પાસ કરો છો!

છોકરો 4: હું એક વાત પુછુ? તમારા માં થી કોઈ પણ સિગરેટ નથી પીતું?

ત્રણે કાકાઓ, ચિંતામણી કશું જ બોલતા નથી. ચિંતામણી, કાકાઓ ને ઈશારા થી કહેં છે, કૈક કેહવા માટે...

કાકા નં 1: (થોડું ખચકાતા).....હાં! અમે પીતા હતા સિગરેટ!

કાકા નં 2: પણ હવે અમે પ્રણ લીધું છે કે સિગરેટ છોડી દઈશુ!

કાકા નં ૩: કાયમ માટે!

છોકરો 4: વાહ! તમે લોકો એ એટલા વરસ સિગરેટઓ પીધે રાખી ને હવે એમને શીખવાડો છો?

(કાકાઓ કોઈ જવાબ નથી આપતા)

ચિંતામણી: અરે ભૈલા! તે પેલી કેહવત તો સાંભળી જ હશે ને, “જાગ્યા ત્યાર થી સવાર". એટલે કાકાઓ તો જાગી ગયા છે, ને હવે તમે પણ જાગી જાઓ! કારણ એટલા વર્ષો ની એમની ભૂલ ખબર પડ્યા પછી એ તમને લોકો ને જગાડવા આવ્યા છે.

કાકા નં 1: અમે તમને એટલા માટે શિખામણ આપીએ છે, કે આ વ્યસન ના લીધે અમે જે ભોગવ્યું, એ તમને ના સહન કરવું પડે.

કાકા નં 2: લત તો તમને વળગી રેહશે. એના આડઅસરો ની તમને હમણાં ખબર નઈ પડે.

ચિંતામણી: આડઅસર-સાઈડઈફેક્ટ!

કાકા નં ૩: હાં! તમને શું કહુ હવે? જ્યાં સુધી સવારે હું એક સિગરેટ ના પીવું ને ત્યાં સુધી મારું પેટ સાફ નથી થતું.

ચિંતામણી: એટલે પ્રેશર નથી આવતું! (છોકરાઓ બધા હસે છે)

કાકા નં ૩: તમને હસું અવે છે? જયારે થશે ત્યારે ખબર પડશે.

ચિંતામણી: હાં તો છોકરાઓ, શું નક્કી કર્યું તમે?

કાકા નં 2: એ જ......કે હવે થી બીડી, સિગરેટ.....ચિલમ......એવું કશું જ નઈ ફૂંકે! બરાબર ને?

છોકરાઓ કઈ જ બોલતા નથી.

કાકા નં ૩: અરે તમે લોકો કઈ બોલતા કેમ નથી?

કાકા નં 1: યાર આ પોલીસ કેમ આવી નથી હજી સુધી? ફરી ફોને કરું....

છોકરો 1: ના પ્લીઝ.....ફોન ના કરતા....અમે સ્મોકિંગ છોડી દઈશું....

છોકરો 2: હાં.....અમે છોડી દઈશું.....પ્લીઝ અમને જવા દો....

છોકરો ૩: પ્રોમિસ!

છોકરો 4: ગોડ પ્રોમિસ, ભગવાન ના સોગંદ!

કાકા નં 1: ભગવાન ના સોગંદ, તો ખાઈ લીધા. પણ શું ખાત્રી કે હવે થી તમે આ વસ્તુ ને નઈ જ અડો.

ચિંતામણી: એક કામ થઇ શકે કાકા! આપણે આ લોકો ના આઈ. ડી. કાર્ડ માં જે નંબર છે એ લઇલયે...

કાકા નં 1: પણ એના થી શું થશે?

ચિંતામણી: એના થી આપણે આ લોકો પર નજર રાખી શકીશું.....

છોકરો 4: પણ અમે અમારું અડ્રેસ, ફોન નંબર કેમ આપયે?

છોકરો ૩: એવું થોડી હોય કઈ? એવું નાં ચાલે...

કાકા નં 1: ના આપતા.....હમણાં પોલીસ આવશે, એટલે બધું આપવું પડશે.

ચિંતામણી: અરે સમજો.....કઈક તો સમજો.....માની જાઓ....પોલીસ આવે એ પેહલા....

કાકા 2: ભાઈ, આમની બેગ માં તો આઈ. ડી કાર્ડ મળ્યા નહિ....

ચિંતામણી છોકરાઓ ને ઈશારો કરે છે. છોકરાઓ પાકીટ માં થી એમના આઈ. ડી કાર્ડ કાઢી આપે છે. કાકા નં 2, મોબઈલ માં આઈ. ડી કાર્ડ ના ફોટો પાડી લે છે.

ચિંતામણી: સારું છોકરાઓ! હવે તમે જઈ શકો છો!

છોકરાઓ: તમે સાચે પોલીસ ને ની કહો ને? ને અમારા મમ્મી-પપ્પા ને પણ...

કાકા નં 1: જો તમે ફૂંકવાનું છોડી દીધું હશે તો નઈ કહીએ.....

છોકરાઓ: પ્રોમિસ! હવે નઈ!

કાકા નં 1: સારું, જાવ ત્યારે. પણ હાં......એટલુ ધ્યાન રાખજો કે અમારી નજર છે તમારી પર.

ચારે છોકરાઓ જતા રહેં છે.

કાકા નં ૩: તે તમને શું લાગે છે? સાચે આ લોકો હવે થી સિગરેટ કે ચિલમ નઈ પીવે?

ચિંતામણી: કાકા, જેમ તમે કેહતા હતા, કે આ લત તરત તો નઈ છુટે, એવી જ રીતે આ છોકરાઓ તરત આ વ્યસન માં થી બહાર નહિ નીકળે. પણ.....હવે એ લોકો પર આપણી ધાક છે. એ લોકો જાહેર માં તો આવું કશું કરવાનું હવે વિચારશે પણ નઈ. ને ઘર માં કરવું શક્ય નથી...એટલે ધીમે ધીમે કાબુ માં તો આવી જશે. ને આપણે તો છે જ....એમની પર નજર રાખવા....

કાકા નં 2: ભાઇ મને એક વાત ખબર ના પડી? આપણે એમના વાલીયો ને કેમ ફરિયાદ ના કરી?

ચિંતામણી: કાકા, જો ફરિયાદ કરી હોત તો કદાચ એ લોકો ના માં બાપ એ એમને માર્યા હોત, બીજી ઘણી બધી પાબંદી લગાડી હોત. ને અનુ પરિણામ એવું પણ આવી શકે કે, આ લોકો સુધારવાને બદલે, વધારે બગડે..

કાકા નં 1: સાચી વાત છે દોસ્ત. ને જો હવે આપણે આ સત્કર્મ માં જોડાયા જ છીએ, તો આપણી જવાબદારી કે હવે લોકો વ્યસન થી દુર રહે.

ચિંતામણી: હાં.....આપણે એક એવી સાંકળ બનવાની છે, કે જેની એક એકે કડીઓ આપણા જેવા લોકો ની બનેલી હોય. જે જન સેવા માટે જી..જાન લગવા તૈયાર હોય. તો આપણે કરી શું આ કાર્ય આરંભ! (હાથ આગળ ધરે છે, કાકાઓ એના હાથ પર હાથ મુકે છે)

કાકાઓ: હાં! ફેડ ઓઉટ...ચિંતામણી આગળ આવે છે,

ચિંતામણી: તો મિત્રો! આ તો હેપી એંડીંગ થઇ ગયું નઈ? પણ ખરેખર તો આ એક નવી શરૂઆત છે, નવી દિશા માં. ને મહત્વ તો એ વાત નું છે કે મંજિલ તરફ એક ડગલું ભર્યું છે, ને ક્યારે એ મંજિલ પર પહોંચીશું પણ! કોઈ એ કહ્યું છે ને “मैं अकेला ही चला था रहे मंजिल की तरफ, लोग मिलते गए और कारवां बनता गया!”. તો મિત્રો! જ્યાં સુધી ચિંતામણી છે, ત્યાં સુધી તમે નિશ્ચિંત રહો! આવોજો ફરી મળીશું! (ચિંતામણી અને બધા કાકા ઓ એક્ઝીટ કરે છે, કેમેરામેન શૂટ કરતો અટકે છે, પ્રેક્ષકો તરફ જોઇને)

કેમેરામેન: તો તમને કેવો લાગ્યો અમારો આ નમુનો?

પરદો પડે છે.