Sapnana Vavetar - 35 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 35

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 35

સપનાનાં વાવેતર પ્રકરણ 35

અનિકેત ઉપર સુજાતા બિલ્ડર્સ બાંદ્રા થી કોઈ અંજલિનો ફોન આવ્યો હતો. અંજલી એને કોઈપણ હિસાબે મળવા માગતી હતી. એના આમંત્રણને માન આપીને અનિકેત એને મળવા માટે બાંદ્રા સુજાતા બિલ્ડર્સની ઓફિસે ગયો હતો.

" તમારા વિશે સાંભળ્યું છે એના કરતાં તમારામાં વધારે એનર્જી અને પ્રતિભા મને દેખાય છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ ! તમને અહીં બોલાવવા પાછળ મારો પોતાનો એક ચોક્કસ હેતુ છે અને સ્વાર્થ પણ છે. " અંજલી બોલતી હતી.

" સુજાતા બિલ્ડર્સનું અમારું બહુ મોટું એમ્પાયર છે. અત્યારે બાંદ્રામાં 3 મોટી રેસીડેન્સીયલ સ્કિમો ચાલે છે અને એક શોપિંગ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. એક સ્કીમ ખાર લિંકિંગ રોડ ઉપર ચાલી રહી છે તો જુહુ માં પણ બે સ્કીમો ચાલી રહી છે. મારી બધી સ્કીમોમાં ફ્લેટનો ભાવ 15 થી 25 કરોડ રૂપિયા છે. " અંજલી બોલી.

" જી. " અનિકેત બોલ્યો.

" તમે તો જાણતા જ હશો કે મારા પપ્પા રશ્મિકાંત ભાટિયાનું માત્ર ૫૫ વર્ષની ઉંમરે બે મહિના પહેલાં જ અવસાન થઈ ગયું છે. વારસદારમાં હું એકલી જ છું. મારે કોઈ સગો ભાઈ પણ નથી. મને આ લાઈનનો એવો કોઈ અનુભવ નથી. હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. હું ઇચ્છું છું કે તમે મને સપોર્ટ આપો. મારી કંપની તમે ટેક ઓવર કરો. પ્લીઝ." અંજલી બોલી.

" મારામાં વિશ્વાસ કરવા બદલ આભાર પરંતુ એ કેવી રીતે શક્ય બને ? એક તો મારી પોતાની કંપની જ હું ડેવલપ કરવા માગું છું. અને બીજું કે તમારો આખો એરિયા થાણાથી ઘણો દૂર છે એટલે હું વ્યક્તિગત રીતે કેવી રીતે ધ્યાન આપી શકું ? " અનિકેત બોલ્યો.

" તમે ધારો તો બધું જ શક્ય છે. તમે અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ મારી આ ઓફિસ સંભાળો. બાકીના દિવસોમાં મુલુંડમાં બેસો. કામ તો બધું એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો કરવાના છે. રોજ સાઈટ ઉપર તો જવાનું હોતું નથી. તમારે તો નવી નવી સ્કીમોનું પ્લાનિંગ અને માર્કેટિંગ જ કરવાનું છે." અંજલી બોલતી હતી.

" અને તમારી મુલુંડની સ્કીમ પૂરી થઈ જાય પછી નવી સ્કીમ તમે આ બાજુના વિસ્તારમાં ડેવલપ કરો. મારી પાસે બે ત્રણ પ્લોટ પડેલા જ છે. તમે અહીં બેસીને બંને કંપનીઓ સંભાળી શકો છો. તમે ત્યાં જે કમાઈ શકશો એના કરતાં એ જ મહેનતમાં અહીં તમે કરોડો રૂપિયા કમાઈ શકશો. અને તમે જો ઈચ્છો તો આ બાજુ વેસ્ટર્ન લાઈનમાં શિફ્ટ થઈ શકો છો. મારી પોતાની સ્કીમોમાંથી કોઈપણ ફલેટ તમે પસંદ કરી શકો છો " અંજલીએ પોતાની વાત પૂરી કરી. અનિકેતને કૃતિના શબ્દો યાદ આવ્યા.

" તમારી પ્રપોઝલ તો સારી છે પરંતુ તમે મને ઓળખતાં નથી. માત્ર મારું નામ સાંભળ્યું છે. તમે આટલો બધો વિશ્વાસ મારા ઉપર કઈ રીતે મૂકી શકો ? " અનિકેત બોલ્યો.

" પપ્પાના અવસાન પછી છેલ્લા એક મહિનાથી હું આ જ કામ કરી રહી છું. મુંબઈમાં જે પણ બિલ્ડરો છે તે બધા વિશે મેં રિસર્ચ કર્યું છે. અને સાવ સાચું કહું તો તમારું નામ મને મારી મમ્મીએ સજેસ્ટ કર્યું છે. એ પછી મેં તમારા વિશે બધી તપાસ કરી તો મને મમ્મીની વાત સાચી લાગી. હું તમારી મુલુંડની સ્કીમ પણ જોઈ ગઈ છું અને તમારી ડિઝાઇન પણ મને ગમી છે." અંજલી બોલી.

" તમારાં મમ્મીએ મારું નામ સજેસ્ટ કર્યું ? એ મને કેવી રીતે ઓળખે ? " અનિકેત આશ્ચર્યથી બોલ્યો.

" મારાં મમ્મી તમને વ્યક્તિગત રીતે ઓળખતાં નથી. તમારા વિશે કોઈએ એમને ભલામણ કરી છે. તમે રાજકોટ દીવાકર ગુરુજીને ઓળખો છો ?" અંજલી બોલી.

" હા હા બહુ સારી રીતે. હમણાં થોડા દિવસ પહેલાં જ હું રાજકોટ જઈ આવ્યો. એ મારા ગુરુજી છે. મેં એમની પાસેથી મંત્રદીક્ષા લીધેલી છે." અનિકેત બોલ્યો.

" વાઉ !! આટલી નાની ઉંમરમાં તમે પણ એમને ગુરુ કરેલા છે ? મારાં મમ્મીના પણ એ ગુરુજી છે. પપ્પા પણ એમને માનતા હતા અને વર્ષમાં એક બે વાર રાજકોટ પણ જતા હતા. એક મહિના પહેલાં મમ્મી રાજકોટ ગુરુજીને મળવા માટે ગયાં હતાં ત્યારે મમ્મીએ ગુરુજીને પ્રાર્થના કરી હતી કે કોઈ સારી અને પ્રમાણિક વ્યક્તિ અમારી આ ચાલુ કંપની સંભાળવા માટે મળી જાય એવા આશીર્વાદ આપો. એ વખતે ગુરુજીએ તમારા નામનું સૂચન કરેલું. " અંજલી બોલી.

"ગુરુજી તો ગુરુજી છે. સિદ્ધ મહાત્મા છે. હવે એમણે મારા માટે ભલામણ કરી હોય પછી ના પાડવાનો તો કોઈ સવાલ ઊભો થતો જ નથી. છતાં હું સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી. મારે મારા દાદા સાથે અને પપ્પા સાથે પણ વાત કરવી પડશે. " અનિકેત બોલ્યો.

" પ્લીઝ ટેક યોર ટાઈમ ! પરંતુ તમારો જવાબ પોઝિટિવ આવે એવી હું આશા રાખું છું. ઈશ્વર કૃપાથી મારી કંપનીને પૈસાની કોઈ જ ખોટ નથી. છેલ્લા બે મહિનામાં પપ્પાના બધા એકાઉન્ટ બંધ કરી ફંડ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે બહુ દોડાદોડ કરવી પડી છે. " અંજલી બોલી.

" એ તો હું સમજી શકું છું. કોઈપણ વ્યક્તિનું ડેથ થઈ જાય પછી વારસદારને એ પૈસા લેવામાં ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. " અનિકેત બોલ્યો.

" એ તો સારું હતું કે મોટા ભાગના કરંટ એકાઉન્ટ પપ્પાએ મારી સાથે જોઈન્ટ કરેલા એટલે એમાં કોઈ તકલીફો નથી પડી. કંપનીના એકાઉન્ટમાં પણ ઘણી મોટી રકમ છે." અંજલી બોલી.

" તમારી કંપનીનું નામ પણ ઘણું મોટું છે. અને હું એ પણ સમજી શકું છું કે આટલી મોટી કંપની એકલા હાથે ચલાવવી તમારા માટે મુશ્કેલ છે. " અનિકેત બોલ્યો.

"સૌથી મોટો ડર મારા કઝિનનો છે. પપ્પાના ગુજરી ગયા પછી એ મારી પાછળ પડી ગયો છે. કરોડોની કંપની ની હું એક માત્ર વારસદાર છું. મારો કઝિન બ્રધર મારી કંપનીમાં જોડાવા આકાશ પાતાળ એક કરી રહ્યો છે. એને કંપની પોતાને હસ્તક લેવી છે. એ થોડો માથાભારે પણ છે. તમે જો મારી કંપની ટેક ઓવર કરશો તો એ તમારો દુશ્મન બની જશે. તમારે એને પણ હેન્ડલ કરવો પડશે. " અંજલી બોલી.

" એની ચિંતા તમે નહીં કરો. મારા ગુરુજી મારી સાથે છે એટલે હું કોઈથી ડરતો નથી. " અનિકેત બોલ્યો.

" મારી મમ્મી તમને એકવાર મળવા માગે છે. ગુરુજીએ તમારાં ખૂબ જ વખાણ કર્યાં છે એટલે મમ્મીની ઈચ્છા છે કે એક વાર તમને રૂબરૂ મળે. તમને અત્યારે ટાઈમ છે ? તો હું તમને મારા ઘરે લઈ જાઉં. " અંજલી બોલી.

" ઠીક છે મને મળવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એમને મળવામાં મને પણ આનંદ થશે." અનિકેત બોલ્યો.

એટલામાં ઓફિસ પ્યુન આઈસ્ક્રીમ લઈને આવ્યો. અંજલીએ પોતાના હાથે આઈસ્ક્રીમનો બાઉલ અનિકેતને આપ્યો અને બીજો બાઉલ પોતે લીધો.

" ચાલો આપણે નીકળીએ. તમે મારી સાથે મારી ગાડીમાં જ આવો. મારો ડ્રાઇવર તમને પાછા અહીં છોડી દેશે." આઇસ્ક્રીમ પૂરો કર્યા પછી અંજલી બોલી.

" ના ના. હું મારી ગાડીમાં જ આવું છું. હું તમને ફોલો કરું છું. આપણે ક્યાં જવાનું છે એ મને કહી દો એટલે હું મારા ડ્રાઇવરને પણ સૂચના આપી દઉં." અનિકેત બોલ્યો.

" ખાર લિંકિંગ રોડ ઉપર ૧૨મો રસ્તો. ત્યાં શ્રીરામકૃષ્ણ મઠની બાજુમાં જોય રેસીડેન્સી છે ત્યાં મારો બંગલો છે. " અંજલી બોલી.

" ઓકે. આપણે હવે સીધા ત્યાં જ મળીએ છીએ. છતાં હું તમને ફોલો કરું છું. " કહીને અનિકેત બહાર નીકળ્યો અને પોતાની ગાડી પાસે ગયો.

દેવજીએ ગાડી અંજલીની ગાડીની પાછળ ને પાછળ જ લીધી. અંજલી નો બંગલો આવી ગયો એટલે દેવજીએ ગાડી અંજલીની ગાડીની બાજુમાં જ પાર્ક કરી. બંગલાની બહાર રશ્મિ સદન નામની તકતી હતી.

"આવો અનિકેત આ મારો બંગલો. " અંજલી બોલી અને દરવાજા ઉપર બેલ મારી. થોડીવારમાં નોકર બાઈએ દરવાજો ખોલ્યો.

અંજલી બંગલામાં દાખલ થઈ. અનિકેતે પણ એની પાછળ ને પાછળ પ્રવેશ કર્યો. એક જાજરમાન બિલ્ડરનો બંગલો હતો અને અંજલી પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એટલે અંદર પ્રવેશ કરતાં જ મોહિત થઈ જવાય એવો આકર્ષક બંગલો હતો !

અજાણ્યા મહેમાનને જોતાં જ એક ડોબરમેન કૂતરાએ અનિકેતનું ભસીને સ્વાગત કર્યું !

"નહીં બીટ્ટુ. ગો ઈનસાઈડ." અંજલી બોલી અને ડોગ અંદર જતો રહ્યો.

અનિકેત જઈને સોફા ઉપર બેઠો. સામે રશ્મિકાંત ભાટિયાની હાર પહેરાવેલી છબી લટકતી હતી. અનિકેતને યાદ આવી ગયું કે આ જ તસવીર એક બે મહિના પહેલાં એણે તમામ વર્તમાન પત્રોમાં છેલ્લા પાને પ્રાર્થના સભાની એક જાહેરાતમાં જોઈ હતી.

" એ મારા પપ્પાનો ફોટો છે. એમણે એકલા હાથે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કલ્પના પણ ન હતી કે આ ઉંમરે અચાનક એ અમને બધાંને છોડીને જતા રહેશે. " અંજલી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

અનિકેતને લાગ્યું કે અત્યારે આ હૉલ માં રશ્મિકાંતભાઈની હાજરી છે. એ જોઈ શકતો ન હતો પરંતુ એની સામે જ કોઈ ઉભું છે એવો અહેસાસ અંદરથી થતો હતો. અનિકેતને કોઈ જાણીતા પરફ્યુમની સુગંધ પણ આવી રહી હતી.

" તમારા પપ્પાને પરફ્યુમનો બહુ શોખ હતો ? " અનિકેત બોલ્યો.

" હા. પપ્પાને પરફ્યુમનો બહુ જ શોખ હતો અને અનેક પ્રકારનાં પરફ્યુમનું કલેક્શન એમના કબાટમાં છે. પરંતુ તમને કેવી રીતે ખબર પડી ?" અંજલી આશ્ચર્યથી બોલી.

" બસ એમ જ. એમની તસવીર જોઈને મને એમ લાગ્યું કે આ વ્યક્તિને પરફ્યુમનો શોખ હોવો જોઈએ. " અનિકેત હસીને બોલ્યો.

" ગજબ છો તમે પણ. ચાલો હું મમ્મીને બોલાવી લાવું." કહીને અંજલી અંદરના રૂમમાં ગઈ.

" અનિકેત તમે મારી કંપની ટેક ઓવર કરી લો. હું રશ્મિકાંત છું. તમે મને નહીં જોઈ શકો કારણ કે હું બીજી જ દુનિયામાં છું. તમે મારો અવાજ સાંભળી શકશો કારણ કે તમારામાં એ શક્તિ મેં જોઈ છે. હું તમને બધું જ માર્ગદર્શન આપતો રહીશ. તમારે કોઈને કંઈ પણ પૂછવું નહીં પડે. તમે મારી દીકરીને પણ સંભાળી લેજો. એ મારું એકનું એક સંતાન છે. મારી પત્ની નીતાનું પણ ધ્યાન રાખતા રહેજો. " ડ્રોઈંગ રૂમમાં કોઈ જ ન હતું છતાં પણ કોઈનો સ્પષ્ટ અવાજ અનિકેતને સંભળાઈ રહ્યો હતો.

" મારા બે નંબરના કરોડો રૂપિયાનો તમામ વહીવટ મારો ખાસ માણસ મારો એકાઉન્ટન્ટ સુનીલ શાહ કરે છે. અમુક લોકરની ચાવીઓ પણ એની પાસે જ છે. એ મારી જ ઓફિસમાં બેસે છે. એણે હજુ સુધી અંજલીને કંઈ જણાવ્યું નથી એટલે મને ચિંતા થાય છે. તમે એને મળી લેજો. " રશ્મિકાંતનો આત્મા બોલી રહ્યો હતો.

અનિકેત સમજી ગયો કે રશ્મિકાંતભાઈના આત્માને સદગતિ થઈ નથી અને હજુ પણ એમનો આત્મા પરિવાર અને પોતે ઉભી કરેલી સમૃદ્ધિ માટે અહીં ભટક્યા કરે છે !

" હું તમને જોઈ શકતો નથી અંકલ પરંતુ તમે ચિંતા ના કરો. અંજલી સાથે કોઈ વિશ્વાસઘાત નહીં કરી શકે. એના હકનું એને મળશે જ. સુનીલને હું જોઈ લઈશ. અને અંજલીનો કઝિન કોણ છે ? " અનિકેત તસ્વીર સામે જોઈને બોલ્યો.

" એ મારા મોટાભાઈ શશીકાંતનો દીકરો છે. શશીકાંત તો ગુજરી ગયો છે અને અત્યારે એનાં ખરાબ કર્મોના કારણે બીજા લોકમાં હેરાન થઈ રહ્યો છે. એનો દીકરો સંજય પણ એના બાપના પગલે જ ચાલી રહ્યો છે. એના બધા ધંધા ખરાબ છે અને હવે મારો જમાવેલો ધંધો એને હડપ કરી લેવો છે. એક વખત એના છૂટાછેડા થઈ ગયા છે અને અત્યારે એ એક મરાઠી છોકરી સંધ્યાના ચક્કરમાં છે જે એની દુખતી રગ છે. સંજય વિશે હું તમને બધી જ માહિતી આપીશ જેથી તમે એને કાબુમાં રાખી શકો. " રશ્મિકાંત બોલ્યા.

" અંકલ એક વાત પૂછું ? તમારા ભાઈ બીજા લોકમાં છે તો તમે અત્યારે કયા લોકમાં છો ? " અનિકેત બોલ્યો.

"હું ત્રીજા લોકમાં છું. જાણી જોઈને હું ઉપર ગયો નથી કારણ કે ચોથા લોકમાં જાઉં તો નીચે ઉતરીને આ રીતે વારંવાર મારા ઘરે ન આવી શકું. જ્યાં સુધી માયા છે ત્યાં સુધી ત્રીજા લોકથી ઉપર જવું કોઈને ગમતું નથી." અંકલ બોલ્યા.

રશ્મિકાંત પોતાના સૂક્ષ્મ શરીરથી અનિકેત સાથે વાતો કરી રહ્યા હતા. પરંતુ અનિકેતને ખબર ન હતી કે રશ્મિકાંતનો અવાજ એને એકલાને જ સંભળાતો હતો. અને એ પણ એની સિદ્ધિના કારણે !

એટલામાં અંજલી એની મમ્મીને લઈને રૂમમાં આવી. અંજલીનાં મમ્મી નીતાબેન એકદમ યુવાન દેખાતાં હતાં. કરોડોપતિની પત્ની હતી એટલે એમનું વ્યક્તિત્વ એકદમ જાજરમાન અને ઠસ્સાદાર હતું. ૫૧ ૫૨ વર્ષની ઉંમર કંઈ બહુ મોટી ઉંમર ના ગણાય. આ ઉંમરે એમને વૈધવ્ય આવ્યું એ પણ એક કરુણતા હતી !

" આવો નીતામાસી. " અનિકેતે ઊભા થઈ બે હાથ જોડી પ્રણામ કર્યા.

અંજલી એકદમ ચોંકી ગઈ. " તમે ઓળખો છો મારી મમ્મીને ? "

" ના રે ના પહેલીવાર મળી રહ્યો છું." અનિકેત બોલ્યો.

" તો પછી તમને એના નામની કઈ રીતે ખબર ? " અંજલી બોલી. ત્યાં સુધી નીતાબેને પણ સોફા ઉપર બેઠક લીધી. એમને પણ આ સંબોધનથી આશ્ચર્ય થયું હતું.

" બસ એમ જ. અમારા બંનેના ગુરુ એક જ છે એટલે નામ હોઠ ઉપર આવી ગયું. " અનિકેત હસીને બોલ્યો.

" તમે ખરેખર ખૂબ જ રહસ્યમય છો અનિકેત. એનીવેઝ ... આ મારી મમ્મી છે. તમને ખાસ મળવા માગતી હતી." અંજલી બોલી.

" એમના ગયા પછી અંજલી સાવ એકલી પડી ગઈ છે. એને બિલ્ડર લાઈનનો કોઈ જ અનુભવ નથી. અમારી ઘણી બધી સ્કીમો ચાલુ છે. કોઈ સારો પ્રમાણિક બિલ્ડર અમે શોધી રહ્યા હતા કે જેને અમારું કામ અમે સોંપી શકીએ. ગુરુજીએ તમારી ખૂબ જ પ્રશંસા કરી હતી." નીતાબેન બોલ્યાં.

"એ ગુરુજીની મહાનતા છે. આટલું મોટું એમ્પાયર હું એકલો સંભાળી શકીશ કે નહીં એ મને ખબર નથી પરંતુ ગુરુજીના આશીર્વાદ મારી સાથે છે એટલે મને કોઈ વાંધો નહીં આવે. તમે અંજલીની પણ ચિંતા ના કરશો. એની પણ હું રક્ષા કરીશ." અનિકેત બોલ્યો. એનાથી બોલાઈ ગયું.

અનિકેતના શબ્દો સાંભળીને અંજલી ભાવવિભોર બની ગઈ. અનિકેત પ્રત્યે એક ગજબનું ખેંચાણ એના હૃદયમાં હલચલ મચાવી ગયું.

" ગુરુજીએ તમારા વિશે વાત કરી ત્યારથી તમને મળવાનું મને બહુ જ મન હતું. એમણે તમારાં બહુ જ વખાણ કર્યાં હતાં. આજે તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે અને તમારા શબ્દો સાંભળીને મારી થોડી ચિંતા પણ હળવી થઈ છે. " નીતાબેન બોલ્યાં.

" ખબર નથી પડતી મારું નામ દેવા પાછળ ગુરુજીની શું ઈચ્છા છે પરંતુ એમણે જ્યારે તમને મારી ભલામણ કરી છે તો હું આ કંપની ચોક્કસ ટેક ઓવર કરીશ. જીવનમાં આવતી તમામ ચેલેન્જ હું સ્વીકારી લઉં છું. મને જોઈન થવામાં હજુ એકાદ મહિનો લાગશે. " અનિકેત બોલ્યો.

" તમે હા પાડી એ જ અમારા માટે બહુ મોટી વાત છે ભાઈ. ઉંમરના પ્રમાણમાં તમારામાં પાકટતા ઘણી છે. તમને અંજલીએ વાત કરી જ હશે. મારો એક ભત્રીજો છે એ અત્યારે અમારા માથાનો દુખાવો બન્યો છે. કંપની સંભાળવા માટે અમારી પાછળ પડી ગયો છે. " નીતાબેન બોલ્યાં.

"તમે એ સંજયની બહુ ચિંતા ના કરો. કંપની ટેક ઓવર કરી લઉં પછી એને હું જોઈ લઈશ. " અનિકેત બોલ્યો.

" અરે તમે એને ઓળખો છો અનિકેત ? તમે એનું નામ લીધું એટલા માટે પૂછું છું." અંજલી ફરી આશ્ચર્યથી બોલી.

" અરે હું તમારી ઓફિસે અને ઘરે પણ પહેલી વાર જ આવું છું. હું ક્યાંથી ઓળખું અંજલી ? મને પણ ખબર નથી કે મારાથી આ નામ કેવી રીતે બોલાઈ ગયું !! " અનિકેત હસીને બોલ્યો.

અનિકેત ખરેખર રહસ્યમય છે ! થોડીવાર પહેલાં એમણે મમ્મીને નામ દઈને બોલાવી. હવે મારા કઝિનનું પણ નામ એમણે દીધું. આજે એ પહેલી વાર મારી ઓફિસે અને ઘરે આવ્યા છે. એ કોઈને ઓળખતા નથી તો બધાનાં નામ એમને કેવી રીતે ખબર છે ? - અંજલી માથું ખંજવાળી રહી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)