Sandhya - 51 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 51

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સંધ્યા - 51

સંધ્યાની જયારે લગ્ન બાદ વિદાય થઈ હતી ત્યારે જે તકલીફ થઈ હતી એના કરતા અનેકગણી તકલીફ અત્યારે પંકજભાઈ, દક્ષાબહેન અને સુનીલને થઈ રહી હતી. સંધ્યાને એક કોમળ ફૂલ સમાન ઉછેરી હતી, અને હવે જયારે એ પહાડ જેવી જિંદગીની તકલીફો એકલા હાથે સંધ્યાએ દૂર કરવાની હોય એ એમના ત્રણેયથી સહન થતું નહોતું જ! પણ કદાચ કર્મ જ બધાનું એવું હશે કે, એમને ભોગવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો!

સંધ્યા પોતાના ભાડાના ઘરમાં પ્રવેશી હતી. હા, ઘર ઘણું નાનું હતું પણ હવે એને અહીંથી કોઈ જાકારો કરે એવો કોઈ અવકાશ ન હોવાથી પારાવાર સંતોષ હતો. વળી સૂરજનો એના અંશ રૂપી ધબકતો અહેસાસ એને આ જીવન જીવવા ખુબ હિમ્મત આપતો હતો. અભિમન્યુએ આ પહેલી વખત નવું ઘર જોયું હતું. એ બોલ્યો, "મમ્મી આપણે હવે અહીં રહેશું? આ ઘર તો સ્કૂલથી સાવ નજીક જ છે."

"હા, બેટા! આ હવે આપણું ઘર છે. અહીં જ આપણે રહેવાનું છે. તું, હું અને તારા પપ્પાના પ્રેમના અહેસાસ સાથે આપણે અહીં રહેશુ."

"મમ્મી, સાક્ષી અને દિવ્યા આપણી સાથે ન રહી શકે?"

"ના બેટા! તને જેમ તારી મમ્મી જોઈએ એમ એને પણ એની મમ્મી જોઈએ ને? પણ એ અહીં તારી પાસે રમવા આવશે ખરા!"

"મમ્મી! તું પણ મામીની જેમ હોસ્પિટલથી નાનું બાબુ લઈ આવ ને! તો મારે પણ બેન હોય તો હું એની સાથે રમી શકું, મને પણ એકલું ન લાગે ને!"

સંધ્યા સાવ ચૂપ જ થઈ ગઈ, એને ક્યારેય કલ્પનામાં પણ ન વિચારી હોય એવી વાત અભિમન્યુ બોલી ઉઠ્યો. એને સમજાતું નહોતું કે, અભિમન્યુને શું જવાબ આપે? અભિમન્યુના શબ્દો અભિમન્યુની એકલતાની ચાડી ખાઈ રહ્યા હતા. એ ભલે સામાન્ય રહી જીવી રહ્યો હતો, પણ એના મનનો ખાલીપો આજે આ શબ્દરૂપી સંધ્યાના દેહમાં તોફાન સર્જી હૃદયને વીંધી ચુક્યા હતા. વીંધાયેલા હૃદયમાંથી નીકળેલો અત્યંત જલદ લાવા રગ રગમાં પ્રસરીને એના દેહને દઝાડી રહ્યો હતો. મમ્મી સાવ ચૂપ રહી આથી અભિમન્યુએ એના હાથ વડે મમ્મીના હાથને હલાવતા ફરી પૂછ્યું, હે મમ્મી! આપણે લઈ આવશું ને?"

સંધ્યાએ ભીતર શ્વસતા સૂરજને આંખ બંધ કરીને અનુભવ્યો, એક જ પલકારામાં ફરી આંખ ઉઘાડી અને એ અભિમન્યુ ને બોલી, "જો બેટા તું મારો એટલો બધો લાડકો દીકરો છે, કે હું મારો બધો જ પ્રેમ તને જ આપવા ઈચ્છું છું. આપણે જો બીજું બાબુ લઈ આવીયે તો મારો તારા ભાગનો જે પ્રેમ છે એમાં પણ ભાગ પડી જાય, બધી જ જગ્યાએ જે હું તને એકલાને સમય આપું છું એ સમય એ બાબુ પણ ચોરી જાય ને! પછી તને એનો સાથ તો રમવામાં પૂરો મળે, પણ મારો સાથ તો તારા માટે અડધો થઈ જાય! જો તને હજુ ઈચ્છા હોય તો આપણે પણ હોસ્પિટલમાંથી બાબુ લઈ આવીયે, મારે તો તું જેમ કહે છે એમ જ કરવું છે. બોલ તારે હવે શું કરવું છે?" સંધ્યાએ વાતને સરળતાથી રજુ કરતા પૂછ્યું હતું.

"ના, મમ્મી! મને તો તારો પ્રેમ જ પૂરો જોઈએ છે! મને તું જ જોઈએ છે, બીજું કોઈ જોતું નથી." એમ કહી એ સંધ્યાના પગે વળગી પડ્યો હતો. સંધ્યાએ એને તેડીને પોતાના આલિંગનમાં લઈ લીધો હતો. દીકરાને ભેટીને પોતાના ધકધકતા દેહમાં રાહત થઈ હતી.

સંધ્યાએ અભિમન્યુને પોતાનાથી અળગો કર્યો અને એના કપાળ પર એક ચુંબન કરી કહ્યું, " મારા દીકરા! ચાલ તારું સ્કૂલબેગ લે તારો સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે."

"હા, મમ્મી ચાલ હું રેડી."

સંધ્યા સ્કૂલ પર અભિમન્યૂને મૂકીને ગેસનો ચૂલો લેવા માર્કેટ ગઈ હતી. એ એક સરસ બ્રાન્ડેડ ચૂલો લાવી હતી. ઓટો સ્ટાર્ટ બર્નર વારો ચૂલો એની પહેલી ખરીદી હતી. એને ક્યારેય કોઈ ચીજવસ્તુ ખરીદવી પડી જ નહોતી. આ ખરીદી કરીને એણે પોતાના સ્વતંત્ર જીવનમાં પ્રવેશ કર્યો હતો. એ ઘરે આવી ગઈ હતી. ચૂલો ખોલીને એ ગેસ પાઇપ લાઈનમાં ફિટ કરી રહી હતી. એ જોડવું એટલું અઘરું હતું કે, રીતસર એ રડી પડી હતી. સંધ્યાએ ક્યારેય આ કામ કર્યું નહોતું આથી ફાવતું નહોતું, એને ખુબ દર્દ થઈ રહ્યું હતું. આ એના દર્દભર્યા જીવનમાંથી બહાર આવવાનું પહેલું પગથિયું એ ચડી હતી. એને સૂરજના શબ્દો યાદ આવ્યા કે,"જો સંધ્યા જીવનમાં સફળ થવા માટે જયારે આગળ પગલું ભરીયે ત્યારે તકલીફ ખુબ પડે જ છે, પણ બીજું પગલું ઉપાડીને પહેલા પગલાંને સાથ આપવાનો એ હંમેશા યાદ રાખજે!" સૂરજના આ શબ્દો સાથે જ સૂરજ પણ એનો હાથ પકડીને એને ચૂલો ફિટ કરવામાં મદદ કરતો હોય એવો અહેસાસ સંધ્યાને થયો હતો. આ અહેસાસથી એને એટલી બધી હિમ્મત મળી કે, એણે ચૂલો ફિટ કરી લીધો હતો. પરિવારના સાથમાં પણ અમુક અસહ્ય પીડાઓના દર્દ એને જીલવા જ પડ્યા હતા. હવે બસ સૂરજના અહેસાસના સાથ સાથે જ એને આવનાર જીવનમાં પોતાનું નામ, પોતાની ઓળખ ઉભી કરવી હતી.

સંધ્યા આજ સ્કૂલ પહોચી ત્યારે એક અલગ જ ખુશી એને થઈ રહી હતી. આ પ્રફુલ્લિત મન સાથે એનો આજનો દિવસ પણ પૂર્ણ થયો હતો.

આ તરફ સંધ્યા ન હોય દક્ષાબહેન દિવ્યાનું કામ પતાવે તો જમવાનું ન બનવી શકે આથી પંક્તિએ એકલીને જ બપોર સુધી દિવ્યાને રાખવી પડી હતી. પંક્તિને ખુબ જ અઘરું પડ્યું હતું. ઘડીક થાય તો દિવ્યા રડે, ઘડીક થાય તો એને ઊંઘ આવતી હોય, ઘડીક થાય તો ગોદડી પલાળે, ઘડીક થાય તો ભૂખી થાય! સહેજ વાર પણ પંક્તિને આરામ મળ્યો નહોતો. બપોરે જેવા દક્ષાબહેન ફ્રી થતા પંક્તિના રૂમમાં આવ્યા, આથી પંક્તિને હાશ થઈ હતી. સંધ્યાની ખોટ એને વર્તાઈ રહી હતી છતાં એ મૌન જ હતી. સંધ્યા સ્કૂલેથી આવતી ત્યારે બાળકોને લેતી આવતી હતી. હવે, પંક્તિ નીકળી ન શકે, અને સુનીલ તથા પંકજભાઈ કોલેજ હોય આથી સાક્ષી માટે હવે સ્કૂલ વાહન બંધાવવું પડ્યું હતું. સાક્ષી સ્કૂલેથી ઘરે આવીને તરત બોલી કે, "સંધ્યાફઈ વગર જરાય મજા નથી આવતી. વેનમાં એટલી બધી ગરમી લાગતી હતી અને વળી, વેન બધેય ફરતી ફરતી આવે ખુબ વાર લાગી જાય છે, એટલો કંટાળો આવ્યો કે, ન પૂછો વાત!"

"હા, તો તું એકલી થોડી હોય છે વેનમાં, તે તને કંટાળો આવે! અને બધાનો સમય તારા જેટલો જ જતો હોય છે ને! ચાલ હવે ફાટફાટ કપડાં બદલ અને બા ને કે, એ જમવાનું આપશે." થોડા ગુસ્સા સાથે પંક્તિ બોલી હતી.

સાક્ષીએ કપડાં બદલાવ્યાં ને બા પાસે ગઈ અને કહ્યું, "બા, મારે જમવું નથી. મને અભિમન્યુ અને ફઈ પાસે જવું છે. એમના વગર મને ગમતું નથી." એમને ભેટીને રડતા રડતા સાક્ષી બોલી હતી.

દક્ષાબહેને ખુબ પ્રેમથી કહ્યું, જો બેટા! જેમ તારા મમ્મી અહીં રહે છે એ તારા નાની સાથે નથી રહેતા એમ સંધ્યા પણ કાયમ અહીં ન રહી શકે! એને પણ પોતાના ઘરે જવું પડે ને! અને એ લોકો અહીં જ તો ગામમાં જ છે તો જયારે તારે મળવું હોય તારા પપ્પા તને ત્યાં લઈ જશે! અને હા, જો તું જમે નહીં તો મને પણ ન ગમે! ચાલ જલ્દી જમી લે, હું મારા હાથથી જમાડું!" દુઃખી મને હસતા ચહેરે સાક્ષીને સમજાવતા બોલ્યા હતા.

ક્યારે હટશે પંક્તિની આંખ પરથી ક્રોધનું પટલ?
કેવી રહેશે પહેલા વર્ષની સંધ્યાની પરીક્ષા?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻