Sandhya - 47 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 47

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સંધ્યા - 47

પંક્તિને ડોક્ટર ડીલેવરી રૂમમાં લઈ ગયા હતા. બહાર પરિવારના બધા જ સદશ્યો ડોક્ટર સમાચાર આપે એની રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી એક નર્સ આવી એણે કહ્યુ કે,"પંક્તિએ એક ખુબ સરસ બાળકીને જન્મ આપ્યો છે. બાળકી એકદમ તંદુરસ્ત છે અને એની માતાની તબિયત પણ સારી છે. બધાએ આવનાર બાળકી કુદરતની મરજી હોય એને સહર્ષ સ્વીકારી હતી. હા, કદાચ દીકરો આવ્યો હોત તો ખુશી કંઈક અલગ જ હોત, પણ આ દીકરી માટે કોઈને અણગમો નહોતો. એક પછી એક બધા જ એ બાળકીનું મોઢું જોઈ આવ્યા હતા. ખુબ જ સુંદર હતી. સંધ્યાએ સાક્ષી અને અભિમન્યુની સાથે ઘરે રહેવું
પડ્યું હતું. હવે એ પણ સમાચાર સાંભળીને બંને બાળકોને લઈને હોસ્પિટલ આવવા નીકળી ગઈ હતી.

સંધ્યા આવી ત્યારે સુનીલે સંધ્યાને કહ્યું, "તારા ભાભી ખુબ જ દુઃખી છે. એને દીકરાની આશા હતી. દીકરાની બદલે દીકરી આવી છે તો એ એનું મોઢું જોવા પણ રાજી નથી. એ રડે છે. તું એને સમજાવ, હું કંઈક વધુ બોલી ગયો તો એ કારણ વગર ઝઘડી પડશે!"

"હા, ભાઈ હું પ્રયત્ન કરું એને સમજાવવાનો તું ચિંતા ન કર!" સંધ્યા સહેજ દુઃખી સ્વરે બોલી હતી.

સંધ્યા રૂમમાં પંક્તિ પાસે સાક્ષી અને અભિમન્યુને લઈને પહોંચી હતી. સંધ્યાએ પંક્તિની તબિયત પૂછી હતી, પંક્તિએ એને કોઈ જ જવાબ આપ્યો નહીં. સાક્ષીને એની નાની બહેનને દેખાડીને સંધ્યાએ કહ્યું કે, જો બેટા! તું હવે મોટીબેન થઈ ગઈ છે. હવે તારે તારી આ બેનનું ધ્યાન રાખવાનું છે. બેબીને તેડીને એણે સાક્ષીને દેખાડી હતી. સાક્ષી એની નાની બેનને જોઈને ખુબ ખુશ થઈ ગઈ હતી. એ તરત જ બોલી કે, "આ મારી બેન તો બાર્બી ડોલ જેવી છે. ફઇ એની આંખો, હાથ, નાક તો જો કેટલા સરસ છે. ફઈ તમે તો મને લિપ્સ્ટિકની ના પાડો છો, અને આ મારી બેનને લિપસ્ટિક કરવા દો છો.. તમારી કિટ્ટા એમ કહી નાક પર ગુસ્સો ચડાવી મોઢું બીજી તરફ ફેરવીને પોતાના બન્ને હાથની અદબ વાળીને સાક્ષી રિસાઈ ગઈ હતી."

"અરે મારી લાડલી ભત્રીજી.. આને પણ લિપસ્ટિક નહીં જ કરવા દઉં, આ તો હજુ ભગવાન પાસેથી આવી છે ને, એટલે એનો પ્રભાવ જ એવો છે. ચાલ તું પલોંઠી વાળીને બેસ એટલે તને બેની ખોળામાં આપું! હવે તો આપણી બુચ્ચાનો મારી ડાર્લિંગ ડોલ?" હસતા હસતા સંધ્યાએ વાતનો ખુલાસો કર્યો એટલે સાક્ષી પાછી ખુશ થઈ ગઈ હતી.

"હા, લાવો જલ્દી." એમ કહીને પલોઠી વાળીને સાક્ષી જ્યાં ઉભી હતી ત્યાં જ બેસી ગઈ હતી. અને એકદમ હરખાઈ રહી હતી.

અભિમન્યુ તરત બોલ્યો, "મમ્મી મને પણ બેની ખોળામાં જોઈએ છે. તમે પહેલા મને આપો ને!"

"સાક્ષી ને આપી પછી તને આપું બેટા! સાક્ષી મોટી છે ને! એટલે પહેલા એને આપી." સમજાવવાના સુરથી સંધ્યા બોલી હતી. સાક્ષી અને અભિમન્યુએ બંનેએ બેબીને રમાડી લીધી એટલે એ બંનેને રૂમની બહાર મોકલ્યા હતા.

હવે, સંધ્યા પંક્તિ પાસે ગઈ અને બોલી, "અભિનંદન ભાભી." અને બેબીને એની બાજુમાં રાખવા જતી હતી.

સંધ્યા હજુ વધુ કઈ બોલે એ પહેલા જ પંક્તિ ખુબ ગુસ્સામાં લાલઘૂમ આંખ સાથે બોલી ઉઠી, "તને તો મજા જ આવે ને! ભગવાને તને પહેલા ખોળે જ દીકરો આપ્યો છે. આ નવ મહિના મેં પીડા ભોગવી છે, એ શું તકલીફ હતી એ હું જાણું છું. તને શું? તું તો પુત્રની મા છો, એટલે તને મારી તકલીફ થોડી ખબર પડે!"

"ભાભી! તમારી વાત સાચી છે, પણ એકવાર એનો ચહેરો તો જોવ, તમે બધી જ પીડા ભૂલી જશો!"

"તું તારી પીડા ભૂલી છે? તે મારી પાસે મોટી મોટી વાત કરે છે. તને મેં મારા જીવનમાં કઈ જ બોલવાનો હક આપ્યો નથી. તું તારી લિમિટમાં રહે તો વધુ સારું! આ મમ્મી પપ્પા છે, એટલે તને માથે પડેલી સહન કરવી પડે છે. પણ તું આમ સાસરે અને પિયરે બંન્ને જગ્યાએ તારો પગપસેરો રાખે એ હું ન જ ચલાવું. હું તને સહન કરું એ મારો સ્વભાવ છે પણ એ મારી મજબૂરી નથી જ! તારે તો દીકરો છે કાલ સવારે એ મોટો થશે તો તને એનો સાથ હશે, મારે બંને દીકરીઓ છે તું યાદ રાખજે, મારી દીકરીઓના હકને હું તને નહીં ઝડપવા દઉં!" ખુબ આવેશમાં ન બોલવાનું અયોગ્ય પંક્તિથી કહેવાય જ ગયું હતું.

સંધ્યાને ભાભીની વાતથી એટલો આઘાત લાગ્યો કે, એ સમસમી ઉઠી હતી. એની કલ્પના બહારનું ઝેર ભાભીએ ઓક્યું હતું. સંધ્યા અતિશય દુઃખી હતી છતાં પોતાની ફરજ ચુક્યા વિના ભાભીએ ઓકેલું ઝેર જીલતા, એકદમ શાંતિથી બોલી, "ભાભી આ કુમળા બાળકને અત્યારે તમારી હૂંફની જરૂર છે. બહુ જ ભાગ્યશાળી હોય અને અનેક પુણ્ય કર્યા હોય ત્યારે કુદરત દીકરીની મા બનવાનું સૌભાગ્ય આપે છે. આ સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે એના પર ગુસ્સે નહીં થાવ! તમે પણ એક દીકરી જ છો ને! તમારી મમતાને એટલી કઠોર ન કરો કે, ક્યારેક તમને જ તમારા આવા વર્તનની શરમ આવે!" થોડી સમજદારી આપવાના પ્રયાસે સંધ્યા બોલી હતી.

"તું કેટલી બેશરમ છે? તને કોઈ નાક જેવી ચીજ છે કે નહીં? તારે બધેય હક જોઈએ છે.. પંક્તિ હજુ બોલવા જઈ રહી હતી પણ એની વાત અધવચ્ચેથી સંધ્યા કાપતા બોલી, "બહુ હકની વાત કરો છો ને! તો સર્વ પ્રથમ બેબીને મા ના ધાવણનો હક મળવો જોઈએ એ હક આપો." એટલું કડકાઈથી બોલીને સંધ્યા બેબીને પંક્તિની બાજુમાં મૂકી ને રૂમની બહાર નીકળી ગઈ હતી.

સંધ્યા રૂમની બહાર નીકળીને બહાર સોફા પર બેસીને ખુબ જ બેચેન થઈ ઉઠી હતી. એ ભાઈનું કામ તો કરી આવી પણ જે ઝેરનો ઘૂંટડો એણે જીલ્યો, એ હવે સંધ્યાને પચાવવો ખુબ જ અઘરો લાગી રહ્યો હતો. પંક્તિના એક એક શબ્દ સંધ્યાને તીક્ષ્ણ ધાર ના ઘા સમાન ભોંકાય ગયા હતા. એ ઘા નું રક્ત આંખના આંસુ બની વહી રહ્યું હતું.
સંધ્યા આજે સૂરજને ખુબ જ યાદ કરી રહી હતી. સાસરે પણ સૂરજ વગર હાલત કફોડી હતી, અને પિયર પણ કેટકેટલું બધાનું મન જીતવાનો પ્રયાસ કર્યો છતાં ભાભીના મનને ન જ જીતી શકી. સંધ્યાને એ ભીતર સુધી સમજાય ગયું કે, પિયરમાં માતાપિતા હોય ત્યાં સુધી જ માન રહે, એ પછી અલગ રહેવાનું જ હોય તો અત્યારથી જ કેમ નહીં? આ વિચાર સંધ્યાના મનમાં બેસી ગયો હતો. એ બધું જ અભિમન્યુ માટે ચલાવતી હતી, પણ અભિમન્યુંને લાચાર તરીકે જીવન જીવાડવું સંધ્યાને બિલકુલ પસંદ નહોતું!

સાક્ષી અને અભિમન્યુને રમાડવામાં બધાનું ધ્યાન હતું. સંધ્યા રૂમની બહાર આવી એ હવે બધાને ધ્યાનમાં આવ્યું હતું. સુનીલે સંધ્યાને જોઈ એટલે એ તરત જ સમજી ગયો કે, સંધ્યાને પંક્તિએ ખુબ એલફેલ કહ્યું લાગે છે. સુનીલને ખુબ જ અફસોસ થતો હતો કે, એણે ખોટી આ જવાબદારી સંધ્યાને આપી હતી. સુનીલથી સંધ્યાની હાલત જોઈ શકાતી નહોતી.

પંક્તિના મમ્મી પણ ત્યાં હાજર હોઈ, એને પણ આજ એની દીકરીનું કૃત્ય ગમ્યું નહોતું. સંધ્યા માટે એમને ખુબ માન હતું, તેઓ સમજી જ ગયા કે, સંધ્યા પર પોતાની દીકરીએ બધો જ ગુસ્સો કાઢ્યો છે. તેઓ પણ ખુબ જ શરમિંદગી અનુભવતા હતા. એમણે ક્યારેય પંક્તિને કોઈ બાબતે ટોકી જ નહોતી, આજે એ વાતનો એમને અફસોસ થયો કે, તેઓ પોતાની દીકરીને યોગ્ય પરવરીશ આપી શક્યા નહીં. અતિ લાડ બાળકની પરવરિશમાં હંમેશા બાધકરૂપ જ બને છે. બાળકનો ઉછેર સારો કરવો હોય તો એની જયાં ભૂલ હોય ત્યાં ટોકવું જરૂરી છે નહીતો અમુક સમયે અફસોસ સિવાય કંઈ જ હાથમાં આવતું નથી. આજે પંક્તિના મમ્મી એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા કે જયાં એમને અફસોસ સિવાય કંઈ જ હાથમાં આવતું નહોતું.

શું પંક્તિને એનો ગુસ્સો શાંત થતા અફસોસ થશે?
સંધ્યા આ પરિસ્થિતિનું કેમ સમાધાન કરશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻