Angad's foot - a review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | અંગદનો પગ - સમીક્ષા

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગદનો પગ - સમીક્ષા

પુસ્તકનું નામ:- અંગદનો પગ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

કચ્છના સાહિ‌ત્યકાર-લેખક એવા હરેશભાઇ ધોળકિયાએ પુસ્તકોના સર્જનમાં સદી ફટકારી છે. મતલબ કે, તેમનું ૧૦૩મું પુસ્તક નવલકથા સ્વરૂપે પ્રકાશિત થતાં તેઓ કચ્છના સૌથી વધારે પુસ્તક પ્રકાશિત કરનારા ગૌતમ શર્મા બાદ બીજા સર્જક બન્યા છે.

અત્યાર સુધી તેમની ચાર નવલકથા, ૪૬ લેખ સંગ્રહ, ૨૪ અનુવાદ અને ૨૯ સંપાદન અને સંકલન પ્રકાશિત થઈ ચૂકયાં છે. નવલકથા 'અંગદનો પગ’, 'બિન્દાસ’, 'અનુવાદો’માં 'અગનપંખ’(ડો. કલામની આત્મકથા-૧૪ આવૃત્તિ) 'થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ’(ચેતન ભગતની નવલકથા- ૪ આવૃત્તિ) તથા 'હંમેશા શક્ય છે’(કિરણ બેદી) સહિ‌તના અનેક પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં છે.

તેમની નવલકથા 'અંગદનો પગ’ની માત્ર પાંચ જ વર્ષમાં (૨૦૦૭-૧૨) અગિયાર આવૃત્તિઓ (લગભગ ૧૪૦૦૦ નકલ) પ્રકાશિત થઈ ચૂકી છે. ગુજરાતના શિક્ષણ જગતમાં તે સૌથી વધારે વંચાતી અને ચર્ચાતી નવલકથા બની છે. એમ.ફીલમાં બે વર્ષ પાઠયપુસ્તક પણ રહી ચૂકી છે. તેના પર પુષ્કળ વિવેચન લેખો પણ લખાયા છે. બે વિદ્યાર્થીએ તેના પર સંશોધન લેખ લખેલા છે. તેમની શૈક્ષણિક આત્મકથા 'ચારસો ટકા આનંદ’ પણ શિક્ષણ જગતની પ્રથમ શુદ્ધ શૈક્ષણિક આત્મકથા બની છે. તે પણ ગુજરાત રાજયના શિક્ષણ જગત દ્વારા સારી રીતે સ્વીકૃત થઈ છે. લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, શિવામ્બુ, આરોગ્ય વગેરે વિષયો પર તેઓ પ્રવચનો આપે છે અને શિબિરો ચલાવે છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : અંગદનો પગ

લેખક : હરેશ ધોળકિયા

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

કિંમત : 150 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 184

 

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તકના મુખપૃષ્ઠ પર શતરંજની રમત પથરાયેલી છે. જેના એક ખાનામાં એક વ્યક્તિ છે અને નીચેના કોઈ બીજા ખાનામાં બીજો. બીજાનો પગ સ્થિર થયેલો દેખાય છે. બેક કવર પર ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

કિરણ દવે પોતાના એક સમયના પ્રિય વિદ્યાર્થી કિશોરને મોડી રાત્રે બોલાવીને પોતે લખેલી એક ડાયરી વાંચવા માટે આપે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. આ ડાયરીમાં દવેસાહેબે પોતે ‘સેકન્‍ડ રેટર’ હોવાની કરેલી નિખાલસ કબૂલાતો લખાયેલી છે. ખરેખરા ‘ફર્સ્ટ રેટર’ એવા પોતાના સહકર્મી વરિષ્ઠ શિક્ષક જ્યોતીન્‍દ્રની લીટી નાની કરવા માટે પોતે કેવા કેવા પ્રપંચ ખેલ્યા, તેનાં શા પરિણામ આવ્યાં અને છતાં જ્યોતીન્‍દ્ર અવિચલ રહ્યા એ પ્રસંગોનું વિગતે વર્ણન છે.  ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો, લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. જ્યોતીન્દ્ર શાહ શિસ્તમાં માને, કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”

પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખાયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: "અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઉતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતીય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતો કે કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહ્યા છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.”

આગળ કોણ જીતે છે ને કોણ હારે છે એ જાણવા માટે તો તમારે આખી કથા વાંચવી જ રહી.

 

શીર્ષક:-

“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે કે રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે  છે, પણ કોઈથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? અંગદના પગની સ્થિરતા અહીં પ્રતિભાશાળી અને ઓછા પ્રતિભાશાળી એવા બે‌ ભેદ વચ્ચે દર્શાવાઈ છે તેથી આ શીર્ષક બંધબેસતું જણાય છે. અંગદનો પગ’ શીર્ષક અંગે લેખકે લખ્યું છે કે પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના પાત્ર અંગદના પગ જેવા છે - અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેસવી ન શકે. બાહ્ય રીતે તેઓ કદાચ સફળ થાય તો પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી લેશમાત્ર ફરક પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં-આધારિત છે, સ્વ-સંચાલિત છે. તે પરાવલંબી નથી. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે, પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે. આ સમગ્ર વિચારનું નવલકથામાં સુપેરે વહન થઈ શક્યું છે.

 

પાત્રરચના:-

આ કથામાં નાનાંમોટાં અનેક પાત્રો છે, પણ ત્રણ મુખ્ય પાત્રો છે. ત્રણમાંનું એક પાત્ર એટલે ડૉ. કિશોર. બાકીના બન્ને પાત્રો કિશોરના શાળાકાળના શિક્ષકો છે. એમાંના એક કિરણ દવે અને બીજા જ્યોતીન્‍દ્ર શાહ. કિરણ દવે એટલે સેકન્ડ રેટર અને જ્યોતીન્દ્ર શાહ‌ એટલે ફર્સ્ટ રેટર.

 

સંવાદો/વર્ણન:-

આખી કથા આમ તો ડાયરી રૂપે લખાઈ‌ છે. તેથી અહીં સંવાદો ઓછા છે પણ શૈક્ષણિક સંસ્થાના વર્ણનો ભરપૂર અને રસપ્રચુર છે. કેટલીક તાત્વિક વાતો:-

"શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી."

"સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે અને લાભ પોતાને મળે."

"આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધરી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી."

 

લેખનશૈલી:-

પ્રેમ, રહસ્ય, રોમાંચ, વીરતા - આવું કાંઈ જ આ કથાને ક્લાઇમેક્સ આપતું નથી. છતાં લેખકની શૈલી એટલી સરળ અને રસાળ છે કે તે વાચકને આગળની ઘટનાઓ વાંચવા પ્રેરે છે. ઉપદેશાત્મક છતાં રસપ્રદ ભાષાશૈલી હરેશ ધોળકિયાએ આ કૃતિમાં વિકસાવી છે એટલે જ તો આટઆટલી આવૃત્તિઓ થઈ ને!

 

વિશેષ મૂલ્યાંકન:-

લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged  પણ સળંગ અવારનવાર વાંચી. ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખથી વધુ નકલો વિશ્વભરમાં વંચાઈ ચૂકી છે. બન્નેમાં લેખકને “માનવ શ્રેષ્ઠ”ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)ના તેમાં થયેલાં વર્ણનો તેમણે આત્મસાત કર્યા છે. પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ 'અંગદનો પગ'. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે.

 

મુખવાસ:- શિક્ષણ જગતમાં ચાલતા રામાયણ - મહાભારતની કથા એટલે 'અંગદનો પગ'.