Bhed-Bharam - A Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | ભેદ-ભરમ - સમીક્ષા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ભેદ-ભરમ - સમીક્ષા

પુસ્તકનું નામ:- ભેદ-ભરમ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'ભેદ-ભરમ' નવલકથાના લેખક હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. ૧૯૫૨માં તેઓ 'ચિત્રલેખા' સામયિકમાં વજુ કોટકના વડપણ હેઠળ જોડાયા પણ ૧૯૫૮ના જૂનમાં આર્થિક ભીંસને લીધે તેઓ છૂટા થયા. વજુભાઈનાં અવસાન બાદ, તેઓએ ૧૯૫૯ થી ૧૯૯૮ સુધી ગુજરાતી 'ચિત્રલેખા'ના સંપાદક(તંત્રી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અજંપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન, સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ-બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય-સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી. સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું. સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : ભેદ-ભરમ

લેખક : હરકિસન મહેતા

પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ

કિંમત : 400 ₹.

પૃષ્ઠ સંખ્યા : 572

 

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તકના મુખપૃષ્ઠ પર મોહમયી નગરીની મોટી ઇમારતો અને સ્ત્રીપાત્રના ભૂત કે આત્મા જેવું ચિત્ર અંકિત છે. બેક કવર પર હરકિસન મહેતાની છબી તથા કૃતિનો‌ ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

એક સ્ત્રી, જેનું રાત્રે કાર અકસ્માતમાં કચડાઈને ખૂન થઈ ગયું છે જેનો ભેદ ઉકેલવો એ આ નવલકથાનો મુખ્ય કથાવસ્તુ છે.

સુરેખા દીવાન નામની સ્ત્રી, જેનું મૃત્યુ કાર અકસ્માતમાં થઈ ગયું હોય છે. જે આખી નવલકથામાં પ્રેત સ્વરૂપે જ હોય છે. સુરેખા દીવાન એ દુર્લભજી દીવાનની વહુ હોય છે. દુર્લભજી દીવાનને એ અકસ્માત કોઈએ ઘડેલું કાવતરું જ છે અને એ અકસ્માત નહિઁ પણ ખૂન થયું છે એવું એમને ચોક્કસપણે લાગે છે. સુરેખા દીવાનનું ખૂન થયું તો કોણે કર્યું..? આ ભેદ ઉકેલવા પર વાર્તા રોલર કોસ્ટરની રાઈડ કરાવતી આગળ વધતી જાય છે એમ-એમ એક-એક પાત્રો વધતાં જાય છે. અકળ, ભેદી રહસ્ય જાણવા ચટપટી જાગે એવી આ વાર્તા દરેક પાને રોચક બનતી જાય છે. વાર્તાની શરૂઆત વિવેક સંન્યાસી નામના પાત્રથી થાય છે. જે એની સર્વિસમાં આપેલી કાર એના મિત્ર મનોજના ગેરેજમાં લેવા જાય છે. કાર સર્વિસ નથી થઈ હોતી એટલે મનોજ વિવેકને મોંઘીદાટ સફેદ રંગની સિટ્રોન કાર એક રાત્રિ માટે એને પાર્ટીમાં લઈ જવા આપે છે. એ કાર લઈને વિવેક પાર્ટીમાં જાય છે. ત્યાં મદન અને એની પુત્રી મોહિનીનો પરિચય થાય છે. જે ફિલ્મ એક્ટ્રેસ હોય છે. ત્યારબાદ વિવેક લીઝાને મળે છે. જે દેખાવે ગોરી છે. જેની તરફ એ આકર્ષાય છે. પણ વાર્તામાં આગળ એ સંસાર છોડીને સંન્યાસ લઈ સાધ્વી બની જાય છે. વિવેક પાર્ટીમાંથી માડી રાત્રે ઘરે જવા નિકળે છે ત્યારે એને રસ્તામાં એક સ્ત્રી હાથ ઊંચો કરી ઊભેલી દેખાય છે. જે ગાડી ઊભી રાખવાનો ઈશારો કરે છે. વિવેક ગાડી ઊભી રાખે છે. એ સ્ત્રી ગાડીમાં બેસે છે. વિવેક સાઈડ મિરરમાંથી એ સ્ત્રીને જુએ છે અને પ્રશ્નો પૂછે છે કે તમારે ક્યાં જવાનું છે? પણ એ સફેદ કપડામાં સજ્જ, કપાળે ચાંદલો કરેલો, ચાલીસેક વર્ષની એ સ્ત્રી કશું જ ન બોલી. એ સ્ત્રી હતી સુરેખા દીવાન. બસ અહીંથી થાય છે મુખ્ય વાર્તાનો ઉપાડ.. આગળના તમામ બનાવો 'પરદા હૈ પરદા..' કરતાં એક એક ભેદને ભરમમાં પાડી વાર્તાનો પડદો ઉંચકતા રહે છે.

 

શીર્ષક:-

મુખ્ય પાત્ર એવી નાયિકાના ખૂનનો ભેદ ઉકેલવાનો છે એ વાત સાથે આખી કથા આગળ વધે છે અને નાયિકા જીવિત છે કે મૃત એ ભ્રમથી આત્મા સ્વરૂપે સતત કથામાં જ રહેતી નાયિકા વાચકને અંત સુધી જકડી રાખે છે તેથી શીર્ષક સર્વથા યોગ્ય છે.

 

પાત્રરચના:-

પાત્રાલેખન એ હરકિસન મહેતાની કલમનું જમા પાસું છે. સુરેખા દીવાન અહીં મુખ્ય પાત્ર છે. મનોજ, વિવેક સંન્યાસી, લીઝા, મદન, દુર્લભજી દીવાન, સુપ્રિયા, વસનજી, જીવણો વગેરે જેવા પાત્રો નાના પણ અગત્યનો રોલ પ્લે કરનારા છે. વર્ણન એટલી હદે સ્પીડી છે કે વાંચવામાં જરાય નીરસતા પ્રવેશે એ ચાલે નહીં, આપણે રીતસર પાત્રો સાથે દોડવું જ પડે.

 

સંવાદો/વર્ણન:-

સંવાદો સરળ છતાં ગૂઢાર્થ વાળા અને વર્ણન એટલું રોચક કે આપણે પણ વાર્તામાં સામેલ હોઈએ એવું અનુભવીએ.

"સુવાસની વાત છોડીને આપણે નકામાં સમસ્યાને વળગી બેઠાં."

"તમારા જેવા કઠણ કાળજાના માણસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંય ભર ઊંઘમાં બબડે નહીં, પણ વેરના ઝનૂને ચઢેલું તમારું મન નીંદરમાં તમારે વશ રહ્યું નહીં."

"સામેવાળાની ચાલ સમજાઈ નહીં ત્યારે એને ગૂંચવી નાખવા માટે ત્રાંસી ચાલ ચાલવાનું મને સૂઝી આવ્યું."

 

લેખનશૈલી:-

સુરેશ દલાલે હરકિસન મહેતા માટે કહ્યું છે કે નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. સાતમા ધોરણમાં ભણતો કિશોર પણ હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. આટલી સરળ ભાષા છતાં કથા પર મજબૂત પકડ ધરાવતા લેખક એટલે હરકિસન મહેતા. એમના રસાળ વર્ણનો વાર્તા વાંચનારને ઓતપ્રોત કરી દે છે. ખરેખર એમની વાર્તા કહેવાની શૈલી અને કથાવસ્તુ – આ બન્ને એમની કલમમાંથી નીકળી કાગળ પર ઉતરે છે ત્યારે વાર્તા જીવંત બની જાય છે. અને વાચકો વાંચે ત્યારે એમના મનમાં પાત્રો સજીવન બની જાય એવો અહેસાસ કરાવે એવું બેનમૂન એમનું લખાણ છે. અહીં વાર્તા સહજ, સરળ, રસાળ રીતે આગળ વધતી રહે છે. જે‌ વાચકને‌ શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. લેખકની‌ શૈલી‌ જનસામાન્યને અનુકૂળ આવે એવી છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

પરલોક સંસ્થા અને પ્રેતાત્માને બોલાવવાની વાત સાથે વિવેક અને સુપ્રિયાના મનમાં પ્રેમના અંકુર ફૂટવા લાગે છે. ત્યારબાદ વિવેક અને સુપ્રિયા બન્ને સાથે એ ભેદ ઉકેલવાનું બીડું ઝડપે છે. સુરેખાના ખૂન પાછળ હાથ વસનજી દીવાનનો હાથ છે એવું દુર્લભજી દીવાન માને છે. બન્ને પિતા-પુત્ર છે પણ સુરેખાના મૃત્યુ પછી એ એકબીજાના કટ્ટર દુશ્મનો બની ગયા છે. વસનજી એ મોટો બિઝનેસ મેન છે. એ વિદેશમાં ધંધા માટે જતો ત્યારે એક ગોરી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. એની સાથે લગ્ન કર્યા અને એ બંનેનું બાળક લિઝા છે. જે ભારતમાં આવીને સાધ્વી બની ગઈ છે. આ બીજા લગ્નને લીધે દીવાન ખાનદાનમાં સબંધોના કેટલાંક તાર તૂટ્યા તો કેટલાક ઢીલા પડ્યા. પિતા-પુત્રના એકબીજા સાથે અબોલા છે. સુપ્રિયા એના દાદા દુર્લભજી સાથે રહે છે. સુપ્રિયાને એના પિતા સાથે કોઈ રાગ-દ્વેષ નથી. દુર્લભજી સુરેખાના ખૂનનો બદલો એના ખુદના પુત્ર સાથે લેવા કોઈપણ હદે જવા તૈયાર છે. પુત્રને ખૂની માનવા માટે એમની એક આખી સ્ટોરી છે, જે એક ડાયમંડ પર આધારિત છે. અંતે સુરેખાનું કેવી રીતે થયું, કોણે કર્યું અને‌ આ પ્રેતાત્મા તરીકે ભટકનાર કોણ છે એ ભેદ છેલ્લે સુધી જળવાયેલો રહે છે.

મૂળજી જેઠા માર્કેટના એક વેપારીને થયેલો પ્રેતનો અનુભવ, સાધ્વી બનેલી ગુજરાતી બોલતી મેળામાં મળેલી વિદેશી યુવતી, એક મિત્રના પત્નીને થયેલો જીવલેણ મોટર અકસ્માત વગેરે સત્ય ઘટનાઓના તણખલાં ભેગાં કરી લેખકે 'ભેદ-ભરમ' નામનો સુંદર માળો બનાવ્યો. આ નવલકથા સૌ પ્રથમ ચિત્રલેખામાં હપ્તાવાર છપાઈ અને તેને વાચકોએ ખૂબ વખાણી.

 

મુખવાસ:- ખૂન અને પ્રેમ વચ્ચે પૂરબહાર ખીલતી રહસ્યકથા એટલે ભેદ-ભરમ.