Sapnana Vavetar - 28 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 28

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 28

સપનાનાં વાવેતર પ્રકરણ 28

ઋષિકેશ જવાને માત્ર છ દિવસ જ બાકી હતા એટલે ચા પાણી પીધા પછી અનિકેત ટિકિટ બુક કરાવવા માટે બેઠો. સવારે આઠ વાગ્યાની ટ્રેઈન હતી જે બીજા દિવસે બપોરે એક વાગે પહોંચતી હતી. ટ્રેઈન હરિદ્વાર સુધી જ જતી હતી એટલે હરિદ્વારથી વગર પૈસે બીજા કોઈ સાધનથી ઋષિકેશ સુધી પહોંચવાનું હતું !

પહેલાં તો અનિકેત સેકન્ડ એસી ની ટિકિટ માટે જ વિચારતો હતો કારણકે એમાં બે સીટ ખાલી હતી. પરંતુ એને યાદ આવ્યું કે સપનામાં મોટા દાદાએ સ્પષ્ટ કહ્યું હતું કે - આ એક તપસ્યા યાત્રા છે - એટલે પછી એણે સ્લીપર ક્લાસમાં જવાનો નિર્ણય લીધો.

એણે સ્લીપર ક્લાસમાં સર્ચ કર્યું તો માત્ર એક જ બર્થ ખાલી હતી ! કદાચ ઈશ્વરે એના માટે જ આ સીટ ખાલી રાખી હતી !! એણે એ સીટ તરત જ બુક કરાવી દીધી.

એ પછી છ દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર પણ ના પડી. અનિકેતે પોતાની ઓફિસમાં પોતાના મેનેજરને કહી દીધું કે પોતે ચાર પાંચ દિવસ માટે ટૂર ઉપર જાય છે માટે એના વતી વધારાના કામની જવાબદારી સંભાળી લેવી.

બીજા દિવસે સવારે આઠ વાગ્યાની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેઈન લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડતી હતી. રાત્રે મહારાજે અને હંસાબેને ભેગા થઈને બે દિવસ ચાલે એટલાં થેપલાં અને પૂરીઓ બનાવી દીધી હતી સાથે થોડો મોહનથાળ પણ બનાવી દીધો હતો. સાથે એક નાના ડબ્બામાં અથાણું અને આથેલાં મરચાં પણ ભરી દીધાં હતાં. બટાટાની સુકી ભાજી વહેલી સવારે બનાવવાનું નક્કી કર્યું હતું જેથી લાંબો સમય ચાલી શકે.

બીજા દિવસે અનિકેત સવારે ચાર વાગે ઉઠી ગયો. નાહીને તરત એણે ગાયત્રીની પાંચ માળા કરી. કારણ કે અત્યારે તો એ જ એની આધ્યાત્મિક તાકાત હતી ! એ પછી એ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં કૃતિએ બટેટાની સૂકી ભાજી બનાવી દીધી હતી. થેપલાંના સ્ટીલના ડબ્બામાં ભાજી પણ સિલ્વર ફોઈલમાં પેક કરીને મૂકી દીધી. બેગમાં એ સિવાય બે ત્રણ દિવસ ચાલે એટલાં કપડાં અને ટુવાલ વગેરે હતાં.

રસ્તામાંથી પાણીની બોટલ પૈસા વગર ખરીદી શકાય તેમ ન હતી એટલે એણે એક મોટી પ્લાસ્ટિકની બોટલ પણ ઘરેથી ભરી લીધી હતી.

કૃતિ એને લોકમાન્ય તિલક ટર્મિનસ સુધી મૂકવા જઈ રહી હતી. ઘરના તમામ વડીલોની વિદાય લઈને સવારે ૬:૩૦ વાગે અનિકેત ગાડીમાં બેસી ગયો. એની બાજુમાં કૃતિ પણ બેસી ગઈ અને દેવજીએ ગાડી તિલકનગર તરફ લીધી.

" તારે હવે પ્લેટફોર્મ સુધી આવવાની જરૂર નથી કૃતિ. ૧૫ મિનિટમાં ટ્રેઈન ઉપડી જશે. તમે લોકો હવે નીકળી જાઓ." અનિકેત બોલ્યો.

" ઠીક છે. હું જાઉં છું. આપણા ફોન તો ચાલુ જ છે. વાતચીત કરતા રહેજો. ઋષિકેશ જઈને સન્યાસ ના લઈ લેતા." કૃતિ હસીને બોલી.

અનિકેત હસીને ત્યાંથી નીકળી ગયો અને સીધો જે પ્લેટફોર્મ ઉપર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ઊભી હતી ત્યાં પહોંચી ગયો. ચાલતાં ચાલતાં પોતાના કોચ સુધી ગયો અને પોતાની સીટ ઉપર બેસી ગયો. સાઈડ લોઅરની એની ટિકિટ હતી એટલે કુદરતી રીતે જ બારી પાસે બેસવાની વ્યવસ્થા થઈ ગઈ. બરાબર ૭:૫૫ કલાકે ટ્રેઈન ઉપડી.

હવે અનિકેતની ખરી યાત્રા શરૂ થઈ રહી હતી. એક પણ રૂપિયો એણે પોતાની પાસે રાખ્યો ન હતો. હા ઈમર્જન્સી માટે એટીએમ કાર્ડ એના વોલેટમાં હતું પરંતુ એને પોતાના મોટા દાદાજી ઉપર વિશ્વાસ હતો કે પૈસા ઉપાડવાની કોઈ જરૂર નહીં પડે !

આવતીકાલે બપોરે એક વાગે ટ્રેઈન હરિદ્વાર પહોંચવાની હતી. ત્યાં સુધી જમવાની તો પૂરી વ્યવસ્થા એણે કરી લીધી હતી. પૂરીઓ અને થેપલાં પૂરતા પ્રમાણમાં હતાં. પાણીનો ઉપયોગ બહુ સાચવીને કરવાનો હતો. જો પાણી ખલાસ થઈ જાય તો કોઈ મોટા સ્ટેશને નીચે ઉતરીને નળમાંથી પાણી ભરવાનું રહેશે. કોઈ બોટલ તો પૈસાથી ખરીદી શકાશે નહીં.

એના ક્મ્પાર્ટમેન્ટમાં સામેની ત્રણ સીટો ઉપર એક ગુજરાતી પરિવાર બેઠું હતું. ૬૦ વર્ષની ઉંમરના એક અંકલ, ૫૫ આસપાસનાં એક આન્ટી અને એમની ૧૨ ૧૩ વર્ષની દીકરી. બીજી ત્રણ સીટો ઉપર બે યુવાનો અને એક યુવતી બેઠાં હતાં.

કડકડતી ઠંડીના દિવસો હતા અને સવારનો સમય હતો. બારી ખુલ્લી હતી એટલે ઠંડો પવન આવતો હતો. અનિકેતે બારી બંધ કરી દીધી. બેગ ખોલીને એમાંથી અમેરિકાથી ખરીદેલું ગરમ જેકેટ બહાર કાઢ્યું અને પહેરી લીધું. કદાચ જરૂર પડે તો પહેરવા થાય એમ વિચારીને માથે પહેરવાની ગરમ ટોપી પણ એણે બહાર કાઢી લીધી. બેગ સીટની નીચે ફરી મૂકી દીધી. પાણીની બોટલ તો બહાર જ હતી.

૮:૩૦ વાગે કલ્યાણ આવ્યું. અનિકેત નીચે ઉતર્યો. ચા પીવાની એની ઘણી ઈચ્છા થઈ પરંતુ એક પણ રૂપિયો ખિસ્સામાં હતો નહીં. મન ઉપર સંયમ મેળવી લીધો અને ફરી પાછો એ કોચમાં ચડી ગયો.

૧૧ વાગે નાસીક રોડ જંકશન આવ્યું. અહીં ટ્રેઈન દસ મિનિટ ઉભી રહેતી હતી. અનિકેત ફરી નીચે ઉતર્યો અને પ્લેટફોર્મ ઉપર લાંબું ચક્કર મારી આવ્યો. અહીં પણ સરસ ચા મળતી હતી પરંતુ અહીં પણ એણે મન મારવું પડ્યું. મોટા દાદાજી બહુ આકરી પરીક્ષા લઈ રહ્યા હતા ! વહેલી સવારે કોઈ નાસ્તો કર્યો ન હતો એટલે ભૂખ પણ લાગી હતી. પ્લેટફોર્મ ઉપર ગરમ ગરમ નાસ્તો પણ મળતો હતો. પરંતુ અનિકેત લાચાર હતો !

છેવટે ગ્રીન સિગ્નલ થયું એટલે અનિકેત પોતાના કોચમાં ચડી ગયો. જઈને પોતે પોતાની સાઈડ લોઅર બર્થ ઉપર બેસી ગયો. એ સાથે જ ટ્રેઈન ઉપડી.

બપોરના ૧૨ વાગ્યા સુધી તો અનિકેતે રાહ જોઈ પરંતુ હવે ભૂખ્યા રહી શકાય તેમ ન હતું. કકડીને ભૂખ લાગી હતી.

એ નાસ્તો કાઢવા માટે બેગ લેવા નીચે નમ્યો અને એને ફાળ પડી ! બર્થની નીચે બધી જગ્યા ખાલી હતી એની બેગ ક્યાંય પણ ન હતી !! જિંદગીમાં આટલો આઘાત એને ક્યારેય પણ લાગ્યો ન હતો. કહેવું તો પણ કોને કહેવું ?

નાસિક રોડ જંકશન ઉપર ટ્રેઈન ૧૦ મિનિટ સુધી રોકાઈ હતી. પોતે સીટ ઉપર હતો જ નહીં. સામે બેઠેલા પેસેન્જર્સ પણ નીચે ઉતર્યા હતા. એટલે કોઈ ગઠિયો ચાલાકીથી બેગ લઈ ગયો.

હવે ભૂખે મરવાનો વારો આવ્યો. મોટા દાદાજી એની અગ્નિપરીક્ષા લઈ રહ્યા હતા. એણે સામે બેઠેલા ગુજરાતી પરિવારને પોતાની બેગ ચોરાઈ ગઈ છે એવી વાત કરી. બધાએ અફસોસ વ્યક્ત કર્યો.

" બેગમાં કોઈ ભારે સામાન તો ન હતો ને ભાઈ ?" આન્ટી બોલ્યાં.

" ના માસી માત્ર કપડાં જ હતાં અને નાસ્તો હતો. સારું થયું મેં ગરમ જેકેટ અને ટોપી સવારે જ બહાર કાઢયાં." અનિકેત બોલ્યો.

" કપડાં તો બીજાં નવાં લઈ લેવાય. અને જમવાનું તો આ ટ્રેઈનમાં ગરમા ગરમ મળે જ છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની." અંકલ બોલ્યા.

અનિકેત સાંભળી રહ્યો. અંકલ અને આન્ટીને કોણ સમજાવે કે ગરમાગરમ ભોજન હું ખરીદી શકવાનો નથી. મારા માટે તો આ ઘરે બનાવેલો નાસ્તો જ બહુમૂલ્ય હતો ! કેટલા પ્રેમથી થેપલાં બનાવ્યાં હતાં. બધાં ચોરાઈ ગયાં. આ મોબાઈલનું ચાર્જર પણ બેગમાં જ હતું. પૈસા વગર ચાર્જર ખરીદાશે નહીં એટલે ફોન પણ લગભગ બંધ જ રાખવો પડશે. મોટા દાદાજી ખરી કસોટી કરી રહ્યા છે !!

અનિકેતને પોતાના સપનામાં આવેલા મોટા દાદાના શબ્દો યાદ આવ્યા કે એણે અકીંચન સાધુની જેમ પ્રવાસ કરવાનો છે ! સાધુ કંઈ ઘરેથી થેપલાં બનાવીને થોડો નીકળે ? અનિકેતને મનોમન હસવું આવ્યું.

પેન્ટ્રીકાર વાળો એટેન્ડન્ટ જમવા માટે સીટ નંબર લખવા માટે આવ્યો પરંતુ અનિકેત મજબૂર હતો. એણે જમવા માટે પોતાનું નામ ન લખાવ્યું. પેલો આગળ ચાલ્યો ગયો.

હવે ભૂખ્યા પેટે જ મુસાફરી કરવી પડશે. પેટમાં અગનખેલ ચાલુ થઈ ગયો હતો. શું ખાવું અને કેવી રીતે ખાવું ? જમવા માટેના જાણે કે બધા જ દરવાજા બંધ થઈ ગયા હતા.

સાડા બાર વાગ્યા. આન્ટીએ પોતાના થેલામાંથી નાસ્તો બહાર કાઢ્યો. ૩ મોટી પેપર ડિશમાં એમણે થેપલાં, પુલાવ અને નાયલોન ગાંઠીયા મૂક્યા. એક પડીયામાં દહીં મૂક્યું. એ પછી ત્રણેય જણાંએ જમવાનું ચાલુ કર્યું.

" કેમ ભાઈ તમે ગરમ જમવાનું ના મંગાવ્યું ? હમણાં ઓર્ડર લેવા માટે તો આવ્યો હતો ! " અંકલ અનિકેતને જોઈને બોલ્યા.

" ના અંકલ આજે એકાદશી છે અને એકાદશી હોય ત્યારે હું બહારનું કે હોટલનું જમતો નથી. એટલા માટે તો ઘરેથી બે ટાઈમનો નાસ્તો લઈને આવ્યો હતો પરંતુ બેગ જ ચોરાઈ ગઈ. અને સાચું કહું ને તો મારું વોલેટ પણ બેગમાં જ હતું. ૫૦૦૦ કેશ અને એટીએમ કાર્ડ પણ એમાં જ હતાં." અનિકેત બોલ્યો.

" તો ભલા માણસ અત્યાર સુધી બોલતા કેમ નથી ? ભલે તમે ના કહ્યું પરંતુ તમારો ચહેરો જોઈને મને પણ થયું કે કંઈક તો ટેન્શન છે જ. અને બહાર નીકળ્યા પછી એકાદશીના આવા નિયમ ના રખાય. હવે કાલે હરિદ્વારમાં પૈસા વગર શું કરશો ? " અંકલ સહાનુભૂતિથી બોલ્યા.

" ના. હું ઋષિકેશ જવાનો છું અને ત્યાં મારા એક સંબંધી એક ધર્મશાળામાં મેનેજર છે. મારે એમને મળવું પડશે." અનિકેતે વાર્તા કરી. અંકલને બીજું કંઈ કહી શકાય તેમ હતું નહીં.

" ચાલો એ તો બધું ઠીક છે. પહેલાં તમારું જમવાનું વિચારો. આખો દિવસ ભૂખ્યા થોડા રહેવાશે ? " કહીને અંકલે આન્ટીને એક ડીશ અનિકેત માટે ભરી આપવાનું કહ્યું.

આન્ટીએ પ્રેમથી ચાર થેપલાં, પુલાવ અને ઘણા બધા નાયલોન ગાંઠિયા ડીશમાં મૂક્યા. એક પડીયામાં દહીં પણ મૂક્યું અને ડીશ અનિકેતના હાથમાં મૂકી.

" લો જમી લો ભાઈ. ખાવાની બાબતમાં શરમાવું નહીં. તમારા નસીબનું જ તમે ખાઓ છો. બે દિવસ ચાલે એટલાં થેપલાં બનાવીને લાવી છું. સાંજે સ્ટેશન ઉપરથી સૂકી ભાજી લઈ લઈશું એટલે સાંજનો ટંક પણ ટળી જશે. " આન્ટી બોલ્યાં.

" ખૂબ ખૂબ આભાર માસી. ઈશ્વર મારું કેટલું ધ્યાન રાખે છે ! તમારા દ્વારા એણે મારા ભોજનની વ્યવસ્થા કરી. " અનિકેત બોલ્યો.

" એમાં આભાર માનવાનો ના હોય ભાઈ. આ તો આપણી ફરજ છે. " અંકલ બોલ્યા.

" અંકલ અત્યારના જમાનામાં કોણ કોના માટે આટલું બધું વિચારે છે ? સૌ પોતપોતાની દુનિયામાં મસ્ત હોય છે !" અનિકેત હસીને બોલ્યો.

" તમારા વિચારો ઘણા સંસ્કારી છે. મુંબઈમાં તમારે ક્યાં રહેવું ભાઈ ? " અંકલ બોલ્યા.

" જી હું થાણા રહું છું." જમતાં જમતાં અનિકેત બોલ્યો.

" લો બોલો. આપણે તો સાખ પડોશી નીકળ્યા. અમે મુલુંડમાં જ રહીએ છીએ." અંકલ બોલ્યા.

અનિકેતની છેક જીભ સુધી આવી ગયું કે એ પોતે વિરાણી બિલ્ડર્સ કંપનીનો માલિક છે અને પોતાની સ્કીમ મુલુંડમાં ચાલી રહી છે પણ એ બોલતાં અટકી ગયો. પોતાની ઓળખાણ આપવાથી ઘણા સવાલો ઊભા થાય કે આટલી મોટી કરોડોપતિ પાર્ટી કેમ સ્લીપર ક્લાસમાં મુસાફરી કરે છે !

"જાણીને ખૂબ આનંદ થયો અંકલ. " અનિકેત માત્ર એટલું જ બોલ્યો અને એણે જમવામાં મન પરોવ્યું. કારણ કે ભૂખ બહુ જ લાગી હતી અને થેપલાં આન્ટીએ ઘર જેવાં જ બનાવ્યાં હતાં. દહીં સાથે થેપલાં ખાવાની એને બહુ જ મજા આવી. જમીને એણે બારીની બહાર ઉપર આકાશ તરફ જોઈ મોટા દાદાજીનો આભાર માન્યો.

જમ્યા પછી ઘરેથી લાવેલી બોટલ ખોલી અને થોડું પાણી પી લીધું. પાણી એ કરકસરથી પીતો હતો. કારણ કે જ્યાં સુધી કોઈ સ્ટેશન ઉપર પાણીનો નળ ન દેખાય ત્યાં સુધી આ જ પાણી પીવાનું હતું.

બપોરે ૪ વાગે ચા પીવાનો સમય થયો ત્યારે પણ અંકલે બધા માટે ચા નો ઓર્ડર આપ્યો અને પૈસા એમણે જ ચૂકવ્યા.

"તમારું નામ શું અંકલ ?" અનિકેતે ચા પીતાં પીતાં પૂછ્યું.

" રજનીકાંત દેસાઈ. અમે મૂળ શિહોર ના દરજી છીએ. અમારા ભાવનગર બાજુ દરજીમાં પણ દેસાઈ અટક હોય છે. આ મારી પત્ની કોકિલા. અને છેલ્લે મારી દીકરી તન્વી. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે મુલુંડમાં કાલિદાસ હોલની પાછળ રહીએ છીએ. મારી મુલુંડમાં રેડીમેડ ગારમેન્ટની દુકાન છે." રજનીકાંતભાઈ બોલ્યા.

"જી. અમે લોકો પણ મૂળ રાજકોટ ના. મારા પરદાદાના વખતથી થાણામાં રહીએ છીએ. " અનિકેત બોલ્યો.

"તમારું નામ શું ભાઈ ?" રજનીકાંતે પૂછ્યું.

" મારું નામ અનિકેત વિરાણી" અનિકેત બોલ્યો.

"વિરાણી અટક તો ખૂબ જાણીતી છે. અમારા ઘરથી થોડે દૂર ફ્લેટોની એક સ્કીમ બને છે એ પણ કોઈ વિરાણી બિલ્ડર્સ બનાવી રહ્યા છે. એમનું નામ પણ બહુ મોટું છે. " રજનીકાંતભાઈ બોલ્યા.

અનિકેતની ઘણી ઈચ્છા હતી કે એ પોતાનો પરિચય આપી દે કે એ સ્કીમ મારી જ છે પણ એને કોઈ અંદરથી રોકતું હતું. " હા અંકલ અમારી વિરાણી અટક ખૂબ જ જાણીતી છે."

જમ્યા પછી તરસ બહુ જ લાગતી હતી અને થોડું થોડું પાણી પીવા છતાં પણ પાંચ વાગ્યા સુધીમાં બોટલ લગભગ ખલાસ થઈ જવા આવી હતી. કોઈ મોટું સ્ટેશન આવે તો ત્યાં ઉતરીને નળની તપાસ કરવી પડે. આ સુપરફાસ્ટ ટ્રેઈન હતી અને બહુ ઓછા સ્ટેશને ઉભી રહેતી હતી.

છેક રાત્રે ૮:૩૦ વાગે ભોપાલ જંકશન આવ્યું. અનિકેત પાણીની બોટલ લઈને નીચે ઉતર્યો. રજનીકાંતભાઈ પણ નીચે ઉતર્યા.

અનિકેત બોટલમાં પાણી ભરવા માટે દૂર સુધી ચાલ્યો ત્યારે ઠંડા પાણીના નળ દેખાયા. બે પેસેન્જર્સ પાણી ભરી રહ્યા હતા. એણે પણ બોટલનું થોડું પાણી ઢોળીને આખી બોટલ ઠંડા પાણીથી ભરી દીધી. હાશ હવે ચિંતા નથી !

તે ઝડપથી પોતાના કોચ સુધી આવી ગયો. રજનીકાંતભાઈ ખાણીપીણીના એક સ્ટોલ પાસે ઉભા હતા અને કંઈક પેક કરાવી રહ્યા હતા. એ નજીક ગયો.

એણે જોયું કે એમણે ૪ પડિયા ભરીને બટેટાનું રસાવાળું શાક પેક કરાવ્યું હતું. અહીં સૂકી ભાજી મળતી ન હતી. માત્ર પૂરી શાક પકોડા અને બ્રેડ પકોડાનો સ્ટોલ હતો.

" અત્યારે જમવા માટે બટેટાનું શાક લઈ લીધું. કારણ કે દહીં તો ખલાસ થઈ ગયું છે. અને રાત્રે દહીં ખાવું સારું પણ નહીં. પુલાવ પણ સવારે જ વપરાઈ ગયો હતો. એટલે થેપલાં સાથે ખાવા માટે કંઈક તો જોઈએ." રજનીકાંતભાઈ હસીને બોલ્યા અને પૈસા ચૂકવીને કોચ તરફ આગળ વધ્યા. અનિકેત પણ કોચમાં ચડી ગયો.

રાતના પોણા નવ વાગી ગયા હતા એટલે જમવાનો સમય પણ થઈ ગયો હતો. માસીએ થેલામાંથી ડબ્બો બહાર કાઢીને ચાર પેપર ડીશમાં પાંચ પાંચ થેપલાં, સારા એવા ગાંઠિયા અને શાકનો એક એક પડીયો મૂકી દીધો. એક ડીશ અનિકેતના હાથમાં આપી.

માસી કહેતાં હતાં એમ અત્યારનો ટંક ટળી ગયો. ધરાઈને જમી લીધું અને ઉપર ઠંડુ પાણી પી લીધું. એ પછી એણે મોબાઈલ ચાલુ કરીને ઘરે ફોન લગાવ્યો. દાદા સાથે અને મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી.

"કેમ તારો ફોન બંધ આવતો હતો ?" દાદાએ પૂછ્યું.

"ટ્રેઈન ચાલુ હોય એટલે અમુક અમુક જગ્યાએ નેટવર્કનો પ્રોબ્લેમ હોય દાદા. ફોન તો મારો ચાલુ જ છે. " અનિકેત બોલ્યો. બેગ ચોરાઈ ગયાની કોઈ વાત એણે કરી નહીં.

એને હવે ખ્યાલ આવી ગયો હતો કે બેગ ચોરાઈ ગઈ એ પણ મોટા દાદાની ઈચ્છાથી જ થયું છે. એમણે અકિંચન સાધુની જેમ માત્ર ઈશ્વરના ભરોસે ઘરેથી નીકળવાનું કહ્યું હતું. એમણે એટલી કૃપા કરી હતી કે મારું જેકેટ અને માથાની ગરમ ટોપી બહાર કઢાવી લીધી હતી !

દાદા લોકો સાથે વાત કર્યા પછી એણે કૃતિને ફોન લગાવ્યો. એણે પણ એ જ ફરિયાદ કરી કે ફોન સ્વીચ ઓફ આવતો હતો.

" હા દાદાએ પણ ફોન ટ્રાય કર્યો હતો. પરંતુ અહીં ફાસ્ટ ટ્રેઈનમાં નેટવર્કનો મોટો પ્રોબ્લેમ છે. ટ્રેઈન સારી છે કોઈ તકલીફ નથી. સાઈડ લોઅર બર્થ મળી છે એટલે મુસાફરીને એન્જોય કરું છું. હમણાં જ ભોપાલ ગયું. જમીને તમને લોકોને ફોન કર્યો. " અનિકેતે બધી જ વાત કરી દીધી. .

" બટેટાની સૂકી ભાજી સવારે મીઠા લીમડાનો વઘાર કરીને મેં મારા હાથે બનાવી હતી. કેવી લાગી ?" કૃતિએ પ્રેમથી પૂછ્યું.

"ખૂબ જ સરસ બની હતી કૃતિ. થેપલાં અને પૂરી સાથે તારા હાથની સૂકીભાજી અને દહીં ખાવાની ખૂબ જ મજા આવી. સૂકી ભાજી બધી ખલાસ કરી દીધી કારણ કે કાલ સુધીમાં બગડી જાય. મહારાજે મોહનથાળ પણ સારો બનાવ્યો હતો. " અનિકેત બોલ્યો.

કેટલું બધું ખોટું બોલવું પડતું હતું ! કૃતિ સાથે વાત કરતાં કરતાં એની આંખો ભરાઈ આવી. બિચારીએ કેટલા બધા પ્રેમથી વહેલા ઊઠીને મારા માટે બટેટાની સૂકીભાજી બનાવી હશે અને હું ચાખી પણ ના શક્યો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)