Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - પ્રવાસ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - પ્રવાસ

શીર્ષક : પ્રવાસ
©લેખક : કમલેશ જોષી
તમે છલ્લે પ્રવાસ કે પર્યટનમાં ક્યારે ગયા હતા? યાદ છે? કદાચ હમણાં જ દિવાળી વેકેશનમાં ફ્રેન્ડ સર્કલ સાથે કે કોઈ કઝીનના લગ્ન પ્રસંગે જાનમાં સગાં-વહાલાંઓ સાથે કે કોઈ ઓફીશીયલ કોન્ફરન્સ એટેન્ડ કરવા બોસ સાથે કે હનીમુન માણવા લાઈફ પાર્ટનર સાથે તમે તાજેતરમાં જ કદાચ કોઈ મસ્ત મુસાફરી માણી હશે. હવે તમે એ કહો કે તમને યાદ છે કે તમે પહેલો પ્રવાસ ક્યારે માણ્યો હતો?

પ્રાયમરીમાં પાંચમું કે સાતમું ભણતા ત્યારે શિયાળાની ઋતુમાં ડીસેમ્બર જાન્યુઆરીના મહિનામાં કડકડતી ટાઢમાં વહેલી સવારે તમે જયારે અર્ધી ઊંઘમાં હતા ત્યારે તમારા મમ્મી તમને નવશેકા પાણીએ સહેજ અમથા નવડાવી, તૈયાર કરી, સ્વેટર અને માથે મફલર વીંટાળી સ્કૂટરમાં પપ્પાની સાથે નિશાળે મૂકવા આવેલા એ તમારા પહેલા સ્કૂલ પ્રવાસનો દિવસ તમને યાદ છે ખરો? થોડા ઘણા શિક્ષકો, થોડા ઘણા વિદ્યાર્થીઓ, થોડા ઘણા વાલીઓ ટોળકી રચીને ઉભા હતા એમાં તમે તમારા ક્લાસ ટીચરને શોધી કાઢ્યા હતા અને તમારા મમ્મીએ ક્લાસ ટીચરને તમારી ભલામણો કરેલી એ યાદ છે? તમે પહેલી વખત મમ્મી-પપ્પા કે ભાઈ બહેન વિના જઈ રહ્યા હતા એની તમારા કરતા વધુ ચિંતા તમારા મમ્મી પપ્પાને હતી. તમારા હાથમાં પકડાવેલી થેલીમાં સુકીભાજી, થેપલા, બિસ્કીટ, ચેવડો અને ગોળપાપડી ભરેલું ટીફીન, એકાદ નેપકીન, નાનકડી વોટરબેગ અને એક નોટ અને પેન મમ્મીએ મૂકી આપ્યા હતા એ એમણે તમને અને ટીચરને જણાવેલું એ તમને યાદ છે? થોડી વારે મોટી બસ તમારી નિશાળની શેરી પાસે ઉભી રહી અને વિદ્યાર્થી ટેણીયાઓ ગેલમાં આવી ગયેલા અને મમ્મીએ આખરી સૂચનાઓ તમને આપી હતી ત્યાં તમારા વર્ગ શિક્ષકે સૌને એક લાઈનમાં ઉભા રહી જવા કહ્યું હતું. એ પછી તમે સૌ લાઈનસર બસમાં ચઢ્યા હતા. મમ્મી પપ્પા તમને ટાટા કરતા હતા અને થોડી વારે બસ બે હોર્ન વગાડી ચાલુ થઈ હતી. શિક્ષકે હાજરી પૂરી હતી અને થોડી વારે તો બસમાં મૌજ મસ્તી શરુ થઈ ગઈ હતી.
વહેલી સવારે અંધારામાં નીકળેલી પ્રવાસની બસ ડેસ્ટીનેશન સુધી પહોંચે ત્યાં સુધીમાં નવ દસ વાગ્યાનો કુમળો તડકો ચોતરફ અજવાળું અને હુંફ ફેલાવવા માંડ્યો હોય. બસમાંથી ઉતરતા જ જકડાઈ ગયેલા હાથ પગ થોડી મોકળાશ અનુભવે ત્યાં જ ચોતરફ ડુંગરાઓ, નાનકડી નદી, મસ્ત મંદિર અને લીલાછમ વૃક્ષો જોઈ તમે જાણે કુદરતના ખોળામાં આવી આવી પડ્યા હો એવું લાગ્યા વિના રહે નહિ. ત્યાં શિક્ષકની ‘અહીં આવી જાઓ’ એવી સૂચના સંભળાય. સૌ શિક્ષકની ફરતે ટોળું વળી ઉભા રહે એટલે ડીટેઇલમાં સૂચનાઓ શરુ થાય. 'સૌએ સાથે જ રહેવાનું છે, એકલું અને આડું અવળું ક્યાંય જવાનું નથી.' એક તરફ સૂચનાઓ ચાલતી હોય બીજી તરફ નાની મોટી ટીખળ શરુ થઈ ગઈ હોય. ‘જો ત્યાં સિંહ ઊભો હોય એવું લાગે છે.’ કોઈ ટીખળી સૌને છેતરે ત્યાં, ‘એ આ નદીમાં પેલા ભાઈ લોટની ગોળી નાખે છે એટલે માછલીઓનું ટોળું દોડી આવે છે.’ જેને જે દેખાતું હોય એની લાઈવ કૉમેન્ટરી અને કોમેડી વચ્ચે મંદિરની પૌરાણિકતા વિશે શિક્ષકે આપેલું લેક્ચર પૂરું થઈ જાય. મંદિરમાં જઈ થોડું દર્શન જેવું કરી, સૌ રમતે ચઢી જાય ત્યાં બારેક વાગી જતા નાની નાની ટોળી રચી ભોજન સમારંભ શરુ થાય. થેપલાની સાથે પૂરી પણ ખાવા મળે અને રોટલી પણ મળે, ગોળપાપડીની સાથે અડદિયો પણ હોય અને પેંડો પણ હોય, સેવમમરા, ચેવડો, તીખા ગાંઠિયા, ફરસી પૂરી, કચોરી, વેફર અને જામફળ, સફરજન પણ તમારી થાળીમાં આવી પડે. આવો છપનભોગ કદી લગ્નના કે કોન્ફરન્સના કે હનીમૂનના મેનુમાં જોયો છે ખરો?

ભોજન પતે પછી શિક્ષકો એકાદ રમત સૌને રમાડે, દોડાદોડી હોય કે તમ્બોલા કે પછી જોક્સ-ડાન્સ-કે મિમિક્રી, બે'ક કલાક વીતે ત્યાં રિટર્ન પ્રવાસ માટે સૌ ફરી બસમાં ગોઠવાઈ જાય. આખા પ્રવાસમાં નવા મિત્રો પણ બને અને નવા દુશ્મનો પણ બને, કોઈ રિસાઈ જાય તો કોઈ ઝઘડી પડે તો કોઈ પેટ પકડીને હસાવે પણ ખરું. બસમાં અંતાક્ષરી પણ જામે અને ફ્યુચર ગેમ પણ હસી હસીને ગોટો વાળી દે. અંતિમ ઘડીઓ નજીક આવે એટલે ઈમોશનનો ઉભરો ભીતરને પલાળવા માંડે. એક આખો દિવસ કે ત્રણ-ચાર દિવસમાં સર્જાયેલી અંગતતા, યાત્રાની અંતિમ ઘડીઓમાં થોડી પીડા પણ પ્રગટાવે અને આંસુ પણ છલકાવે. ભૂલચૂકની માફી માંગતા એકબીજાને વળગીને છુટ્ટા પડતી વખતે બહુ જ સુખદ સમય જાણે પૂરો થઈ ગયો હોય એવું અદ્ભૂત જ્ઞાન ભીતરે પ્રગટે અને જેની સાથે નાનોમોટો ઝઘડો કે મનદુઃખ થયું હોય એના પ્રત્યે પણ એક પ્રકારની લાગણી ભીતરે જાગી ઉઠે. મન સંકલ્પ કરે કે નેક્સ્ટ ટાઈમ સૌની સાથે ખૂબ જ પ્રેમથી હળીમળીને રહેવું છે, ખૂબ ખૂબ ખૂબ મોજ માણવી છે. બસમાંથી ઉતરતી વખતે, આખી બસ ભરીને બેઠેલા મિત્રોનો સાથ ગુમાવવાનો અફસોસ મનને હતાશ કરે એ પહેલા સામે જ સ્કૂટર પાસે ઉભેલા મમ્મી પપ્પા પર નજર પડતા આપણી આંખોમાં કેટલી અદ્ભૂત ચમક આવી જાય છે નહિ?
મિત્રો લાઇફ પણ એક પ્રવાસ જ છે ને? એક દિવસીય કે ત્રણ દિવસીય ને બદલે પચાસ, સાઠ કે પંચોતેર વર્ષીય પ્રવાસ, બીજું શું? સ્કૂલના પ્રવાસની જેમ જ બસ ભરીને નહિ તો શેરી-સોસાયટી-શહેર ભરીને સ્વજનો સાથે આપણે જિંદગીનો પ્રવાસ જ માણી રહ્યા છીએ. હરતા, ફરતા, શીખતા, શીખવતા, હસતા, રડતા, રમતા, ઝઘડતા, રીસાતા, મનાવતા, નાચતા, ગાતા, ઝૂમતા, ચાલતા, દોડતા તળેટીથી શરુ કરી ટોચ પર પહોંચીએ છીએ. હડિયાપટ્ટીમાં એવા તો ખોવાઈ જઈએ છીએ કે સૂર્યાસ્તનો સમય થઈ જાય છે અને આપણો પણ રિટર્ન પ્રવાસ શરુ થઈ જાય છે એની આપણને ખબરેય નથી હોતી. હોસ્પિટલના કે ઘરના પલંગમાં છેલ્લા શ્વાસ સાથે પ્રવાસનો અંત કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે જે મમ્મી-પપ્પાએ પહેલા શ્વાસ વખતે આપણને બસમાં ચઢાવેલા એ જ અલૌકિક મમ્મી-પપ્પા આપણને તેડવા માટે સ્મશાનની અગ્નિજ્વાળાઓના દરવાજાને પેલે પાર સ્કૂટર નહિં તો પુષ્પક વિમાન લઈને આપણી આતુરતાથી રાહ જોતા ઉભા જ હશે.

મિત્રો, મોટી વાત એ છે કે ફિલહાલ તો મારો અને તમારો પ્રવાસ ચાલુ છે. આજનો રવિવાર ચાલુ પ્રવાસે આપણા અલૌકિક મમ્મી-પપ્પાને ફોન કરીને એટલે કે થોડી ક્ષણો આંખો બંધ કરીને પ્રવાસ કેવો ચાલી રહ્યો છે, શું શું ગમે છે અને શું શું નહીં એની વાતો કરીએ અને જો પૂછી શકાય તો એ ડીયર મમ્મી-પપ્પાને એમના માટે શું લેતો આવું એવું પૂછીએ તો કેવું? એ અલૌકિક મમ્મી-પપ્પા, આવા મોજ-મસ્તી અને માયાથી ભરપૂર પ્રવાસમાં તમે એમને ખરા હૃદયપૂર્વક યાદ કર્યા એટલા માત્રથી બેહદ પ્રસન્ન થઈ જશે એની મારી ગેરંટી.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)