Sapnana Vavetar - 20 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 20

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 20

સપનાનાં વાવેતર પ્રકરણ 20

અનાર દિવેટિયા જૈમિન સાથે લંચ લેવા માટે જે રીતે તૈયાર થઈને આવી હતી એ જોઈને જૈમિનનું હૃદય બે ધબકારા ચૂકી ગયું. આજ સુધી એણે અનારનું આવું સૌંદર્ય જોયું ન હતું !!

જૈમિન રેઇનબો રેસ્ટોરન્ટમાં અનાર કરતાં દસ મિનિટ વહેલો આવી ગયો હતો અને અનારની રાહ જોતો બેઠો હતો. જૈમિનને કલ્પના પણ ન હતી કે અનાર આટલી બધી સુંદર હશે ! કારણ કે એણે એને હંમેશા કેજ્યુઅલ ડ્રેસમાં જ જોયેલી.

અનારે ઓરેન્જ કલરની સાડી અને બ્લુ કલરનો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો ! જૈમિન ઘડીભર તો ઓળખી જ ના શક્યો કે એની સામે અનાર ઊભી છે ! એ એને બસ જોઈ જ રહ્યો.

"અરે જૈમિન ક્યાં ખોવાઈ ગયો છે ?" અનાર બોલી.

" અરે હું તને ઓળખી જ ના શક્યો. મેં તને આજ સુધી સાડીમાં ક્યારેય જોઈ જ નથી. તું આજે કોઈ જુદી જ અનાર લાગે છે. " જૈમિન હસીને બોલ્યો અને અનાર એની સામે ગોઠવાઈ.

" કેમ આ અનાર તને નથી ગમતી ?" અનારે રમતિયાળ શૈલીમાં પૂછ્યું.

" સાવ સાચું કહું તો આ અનાર મને વધારે આકર્ષી ગઈ છે." જૈમિનથી બોલી જવાયું. અનારે શરમથી પોતાની આંખો નીચી ઢાળી દીધી.

એ સાથે જ મિલનની આ ક્ષણને વધારે ખુશનુમા બનાવવા માટે જૈમિને પોતાના પાઉચમાંથી ૭૫૦૦૦ નો ચેક કાઢ્યો અને અનારનો હાથ પકડી એના હાથમાં મૂક્યો. અનાર એ ચેકની રકમ સામે જોઈ જ રહી.

જૈમિનના હાથનો પ્રથમ સ્પર્શ અને ૭૫૦૦૦ નો ચેક ! આ બંને બાબતોથી એ રોમાંચિત થઈ ઊઠી.

" ખરેખર મારી દુનિયા તેં બદલી નાખી છે જૈમિન. મારા જીવનમાં આવા સુખના દિવસો આવશે એની મને કલ્પના પણ ન હતી. અનિકેત મને ક્યારે પણ ઓળખી ના શક્યો. મારી લાગણી પણ ના સમજી શક્યો." અનાર બોલી.

"સાવ એવું નથી અનાર. અનિકેત પણ ખૂબ જ લાગણીશીલ છે. તને મદદ કરવાના આશયથી જ એણે ૭૫૦૦૦ પગાર નક્કી કર્યો છે. હજુ તારી જોબ શરૂ થઈ નથી છતાં પણ તને ચેક આપી દીધો. હા પ્રેમની લાગણી એક અલગ બાબત છે અનાર. " જૈમિન અનિકેતનો પક્ષ લઈને બોલ્યો.

" હમ્..." અનાર બોલી.

" અને સાવ સાચી વાત કહું ? તારા પ્રત્યેના મારા પ્રેમને એ ઓળખી ગયો છે. આ ચેક એ જાતે પણ તને આપી શક્યો હોત પરંતુ એણે મને જ આ ચેક તને આપવાનું કહ્યું. તારી સાથે લંચ કે ડિનર લેવાની સલાહ પણ એણે જ આપી. એણે જ મને સલાહ આપી કે તારે તારી લાગણીઓ અનાર સામે પ્રગટ કરવી જોઈએ. " અનિકેત બોલ્યો.

" શું વાત કરે છે ? મેં એને અત્યાર સુધી આટલો બધો પ્રેમ કર્યો તો પણ મારી લાગણીઓને એ કદી સમજી ના શક્યો અને તારી મારા પ્રત્યેની લાગણીઓ એ તરત સમજી ગયો ? નવાઈ લાગે છે. કદાચ લગ્ન પછી એ લાગણીઓ સમજવા લાગ્યો છે." અનાર બોલી.

" અનાર તું તારી અનિકેત પ્રત્યેની એ લાગણીઓને મારી તરફ ના વાળી શકે ? તારી વાતો સાંભળી મને તો હવે અનિકેતની ઈર્ષા આવે છે." જૈમિન બોલ્યો.

" નહીં નહીં જૈમિન... મારા મનમાં અત્યારે એના પ્રત્યે કોઈ જ લાગણી નથી. એનાં તો લગ્ન પણ થઈ ગયાં. હું તો ભૂતકાળમાં સરી ગઈ હતી. સોરી મારે આવી વાતો અત્યારે કરવી ના જોઈએ. " અનાર બોલી.

એને પોતાને પણ દુઃખ થયું કે અનિકેત પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ અત્યારે કરવા જેવી ન હતી.

એટલામાં ઓર્ડર લેવા માટે વેઈટર આવ્યો.

" તારી શું ઈચ્છા છે અનાર ? તારી જે પણ પસંદ હોય તે મંગાવીએ. મને બધું જ ભાવશે. " જૈમિન બોલ્યો.

" દહીં ભીંડી, વેજીટેબલ કોફતા અને બટર રોટી. છાસ અને ફ્રાઇડ પાપડ ખાસ. " અનાર હસીને બોલી.

જૈમિને એ પ્રમાણે બે જણનો ઓર્ડર લખાવી દીધો. વેઇટર ગયો.

" હું બધું જ ભૂલી ગઈ છું અને ભૂલી જવા માગું છું જૈમિન. મારી દુનિયામાં હવે માત્ર તું જ છે. " કહીને અનારે જૈમિનનો હાથ પોતાના હાથમાં લીધો અને પંપાળવા લાગી.

બંનેના હૃદયમાં લાગણીઓનાં પૂર ઉમટી રહ્યાં હતાં પરંતુ રેસ્ટોરન્ટમાં બધાની વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ થઈ શકે તેમ ન હતી !!

" અનાર.. છેલ્લાં પાંચ વર્ષથી તને પ્રેમ કરું છું. એક તરફી પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરવા માગું છું. વીલ યુ મેરી મી ? " જૈમિને હિંમત કરીને અનારને પ્રપોઝ કરી જ દીધું.

" લગ્ન માટેનો તારો અધિકાર તેં પોતે જ મેળવી લીધો છે જૈમિન. હું તારા સિવાય હવે બીજા કોઈનો વિચાર પણ ના કરી શકું. " અનાર બોલી.

"આજનો દિવસ મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે અનાર ! તું કલ્પના પણ નહીં કરી શકે કે તને મેળવીને હું આજે કેટલો ખુશ છું. બસ હવે વધુ રાહ જોવી નથી. મમ્મી પપ્પાને આજે જ વાત કરું છું અને આવતા મે મહિનામાં જ લગ્નનું મૂરત જોવડાવી લઉં છું." જૈમિન બોલ્યો.

" તમે લોકો કચ્છી જૈન છો તો પછી તારા મમ્મી પપ્પા મારા માટે હા પાડશે ? " અનારે આશંકાથી પૂછ્યું.

" મારી મમ્મી સાવ સીધી સાદી છે. પપ્પા એકદમ પ્રેક્ટીકલ છે. એ જરા પણ રૂઢિચુસ્ત નથી. મારા ઘરમાં કાંદા લસણ ખવાય છે. પપ્પાનો મેડિકલ સ્ટોર હતો પણ હવે એ નિવૃત્ત થઈ ગયા છે એટલે એ જગ્યા પર ઓફિસ કરીને ત્યાં હું દવાઓનો હોલસેલ વેપાર કરું છું. સાથે રિયલ એસ્ટેટ પણ ચાલે છે. એક માણસ રાખ્યો છે અને એ જ બધું સંભાળે છે. એ જ બધે દોડતો હોય છે." જૈમિન બોલ્યો.

" તું...તમે મુલુંડમાં જ રહો છો ને ?" અનાર બોલી. એણે સંબોધન બદલ્યું. તું માંથી તમે ઉપર આવી ગઈ.

" હા વેસ્ટમાં સપ્તર્ષિ પાર્કમાં મારો ફ્લેટ છે. પણ તું એકદમ બહુવચન ઉપર કેમ આવી ગઈ ?" જૈમિન હસીને બોલ્યો.

" આપણા સંબંધો મિત્રતાથી આગળ વધી ગયા છે અને મારા એ ભારતીય સંસ્કાર છે. હું હવે તમને તું કહીને ના સંબોધી શકું. પશ્ચિમની હવા મને લાગી નથી. " અનાર બોલી.

એટલામાં જમવાની પ્લેટો આવી ગઈ. રોટી અને સબ્જી પણ આવી ગઈ. વધારાની બીજી કોઈ વાતો હતી નહીં એટલે પછી બંનેએ જમવા ઉપર ધ્યાન આપ્યું.

"મારી ઈચ્છા છે કે તમે એકવાર તમારા ફેમિલીને લઈને મારા ઘરે આવો. આપણે લગ્નનો નિર્ણય લઈ લીધો છે એટલે આપણા પરિવારો પણ એકબીજાને ઓળખે એ જરૂરી છે. હવે સગાઈની રસમ આપણે કરવી નથી પરંતુ બધાંને ખબર પડે એટલા માટે રીંગ સેરીમની જેવું કંઈક તો રાખવું પડશે ને ? અને બંને પરિવારો વચ્ચે લગ્નના વ્યવહારોની વાતચીત થાય એ પણ જરૂરી છે જૈમિન." જમતાં જમતાં અનાર બોલી.

" હા હા ચોક્કસ. તું દિવસ નક્કી કરી દે એ પ્રમાણે હું મમ્મી પપ્પાને લઈને આવી જઈશ. તારું એડ્રેસ મને જરા વોટ્સએપ કરી દેજે. બધા મિત્રોના ઘરે ગયો છું પરંતુ તારા ઘરે આવવાનો પ્રસંગ બન્યો નથી. " જૈમિન હસીને બોલ્યો.

" થાણામાં તલાવ રોડની નજીક ટેમ્બી નાકા પાસે દેવદર્શન ફ્લેટમાં હું રહું છું. છતાં તમને પાકું એડ્રેસ મોકલી આપું છું. " અનાર બોલી.

"તો પછી દિવસ પણ આપણે નક્કી કરી જ દઈએ. વસંત પંચમીને વીસેક દિવસની વાર છે. મુલુંડ વેસ્ટમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ રોડ ઉપર ગોપુરમ હોલ હું બુક કરાવી દઉં છું. ત્યાંનો મેનેજર મારો ખાસ ફ્રેન્ડ છે. " જૈમિન બોલ્યો.

" વાહ પહેલી જ મુલાકાતમાં તમે તો હૉલ પણ બુક કરી દીધો. બહુ ઝડપી પ્રગતિ કરી રહ્યા છો મિસ્ટર. " અનાર હસીને બોલી.

" હા અનાર... પાંચ પાંચ વર્ષ તપસ્યા કરી છે. હવે મારામાં ધીરજ નથી. " જૈમિન બોલ્યો. અને એણે પોતાના મોબાઈલ કેમેરાથી અનારના ત્રણ ચાર અલગ અલગ પોઝમાં સ્નેપ લઈ લીધા.આજે ઓરેન્જ સાડીમાં અનાર અદભુત લાગતી હતી !

બીજા દિવસે જૈમિને અનિકેતને ફોન ઉપર આ ખુશ ખબર આપ્યા.

" અનિકેત જૈમિન બોલું. તારી સલાહ માનીને અનારને મેં તારો ચેક આપતી વખતે મારા દિલની વાત કહીને એને પ્રપોઝ પણ કરી દીધું છે. એણે પણ મારા પ્રેમનો સ્વીકાર કરી લીધો છે અને વાત છેક રિંગ સેરીમની સુધી પહોંચી ગઈ છે. " જૈમિન બોલ્યો.

" કોન્ગ્રેચ્યુલેશન્સ જૈમિન. ખરેખર ખૂબ જ આનંદ થયો છે. તારી પસંદગી એકદમ યોગ્ય છે. હવે તારે અમને બંનેને પાર્ટી આપવી પડશે. " અનિકેત બોલ્યો.

" હવે અલગ પાર્ટીની જરૂર જ નથી અનિકેત. વસંત પંચમીના દિવસે મુલુંડ વેસ્ટમાં ગોપુરમ હૉલમાં રીંગ સેરીમની રાખી છે. ત્યાં આપણે સૌ મિત્રોની મોટી પાર્ટી થશે. " જૈમિન બોલ્યો.
*********************
જૈમિન લોકો કચ્છી જૈન હતા અને મૂળ માંડવીના વતની હતા. જૈમિનના પપ્પા ચુનીલાલભાઈ નાનપણથી જ મુંબઈ આવીને વસ્યા હતા. એમના પિતા વીરજીભાઈ છેડાનો અહીં થાણામાં દાણાનો વેપાર હતો.

ચુનીલાલભાઈ એ જમાનામાં સાયન્સ ગ્રેજ્યુએટ થયા હતા અને એમને દવાઓમાં ખૂબ જ રસ હતો. એમણે મુલુંડમાં એક મેડિકલ સ્ટોર ચાલુ હાલતમાં વેચવાનો હોવાથી એ ખરીદી લીધો અને ભાગીદારીમાં ચાલુ કરી દીધો. એ પછી મુલુંડમાં એમણે એક ફ્લેટ પણ લઈ લીધો.

વીરજીભાઈ છેડા એમના દીકરા ચુનીલાલ માટે સારી એવી રકમ છોડી ગયા હતા એટલે ચુનીલાલે સાઈડમાં ધીરધારનો ધંધો પણ ચાલુ કર્યો હતો. એ નાની મોટી રકમ ચેક લઈને વ્યાજે ફેરવતા હતા. જો કે પૈસાનો વ્યવહાર એ જાણીતા પ્રતિષ્ઠિત લોકોમાં જ કરતા હતા અને પોતાના ખાસ મિત્રોને જ આપતા હતા.

જૈમિન પણ ચુનીલાલનો એકનો એક દીકરો હતો અને એ પણ હોલસેલ દવાઓના ધંધામાં પડ્યો હતો. એ થોડો દિલનો ઉદાર હતો અને એને ધીરધારમાં કોઈ જ રસ ન હતો. જો કે હવે ચુનીલાલભાઈ નિવૃત્ત થઈ ગયા હતા અને મેડિકલ સ્ટોર બંધ કરી દીધો હતો. એ જ દુકાન હવે ઓફિસ તરીકે જૈમિન વાપરતો હતો. ચુનીભાઈ નિવૃત્તિના સમયમાં ક્યારેક ટાઇમપાસ કરવા માટે દીકરાની આ ઓફિસે બેસતા હતા.

ચુનીભાઈએ નિવૃત્તિ પહેલાં ત્રણ ચાર એવી પાર્ટીઓને પૈસા ધીરેલા હતા જે સંજોગોના કારણે પાછા આપી શકતી નહોતી અને વ્યાજ પણ બંધ કર્યું હતું. દરેકના ચેક પાછા ફર્યા હતા એટલે ચુનીભાઇએ એ દરેકની ઉપર ચેક રિટર્નનો કોર્ટ કેસ કર્યો હતો. એટલે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ એમને કોર્ટનાં ચક્કર પણ રહેતાં હતાં. છતાં એ પોતે દિલના ઉદાર હતા.

અનાર સાથે હોટલમાં મુલાકાત થઈ એના ત્રણેક દિવસ પછી સાંજે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર જૈમિને મમ્મી પપ્પા આગળ અનારની વાત કરી.

" પપ્પા મેં એક છોકરી પસંદ કરી લીધી છે. અમે લોકો કોલેજમાં સાથે જ ભણતાં હતાં. એ લોકો નાગર બ્રાહ્મણ છે. થાણામાં રહે છે. " જૈમિન બોલ્યો અને એણે મમ્મી પપ્પાને અનારનો ફોટો પણ બતાવ્યો.

" છોકરી દેખાવમાં તો ઘણી સારી લાગે છે." ચુનીલાલભાઈ બોલ્યા અને એમણે ફોટો એમની પત્નીને પણ બતાવ્યો.

" માત્ર દેખાવમાં જ નહીં પપ્પા. એ સંસ્કારે પણ ખૂબ જ સારી છે. એના મમ્મી પપ્પાની એકની એક દીકરી છે. કામકાજમાં પણ હોશિયાર છે અને અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પણ ભણી રહી છે. " જૈમિન બોલ્યો.

" તને પસંદ હોય પછી અમારે તો કંઈ કહેવાનું છે જ નહીં. આપણા જૈનોમાં મેં તને બે ત્રણ છોકરીઓ બતાવેલી પણ તને પસંદ નહોતી આવી. ઠીક છે અમને કોઈ વાંધો નથી. તારી પણ હવે ઉંમર થઈ છે." ચુનીલાલભાઈ બોલ્યા.

" આવતી વસંત પંચમીએ રીંગ સેરીમની રાખું છું. તમે આપણાં સગાં વહાલાંને જે પણ આમંત્રણ આપવું હોય તે તૈયાર કરી દેજો. પ્રસંગ આપણે ધામધૂમથી ઉજવવાનો છે. " જૈમિન બોલ્યો.

" અરે બેટા બંને કુટુંબો મળ્યા વગર એમ રીંગ સેરીમની થોડી રખાય ? લગ્નનો પ્રસંગ છે. આમ છોકરે છાશ ના પીવાય ! " ચુનીભાઇ બોલ્યા.

" મને ખ્યાલ છે પપ્પા. હું તમને આ વીકમાં જ અનારના ઘરે લઈ જવાનો છું. તમારે એના મમ્મી પપ્પા સાથે વ્યવહારની પણ જે વાતો કરવી હોય તે કરી લેજો. અનાર પણ આજ કાલમાં એનાં મમ્મી પપ્પા સાથે વાત કરવાની છે. " જૈમિન બોલ્યો.

" શું નામ છે અનારના પપ્પાનું ?" ચુનીભાઇ બોલ્યા.

"નામ તો મેં પૂછ્યું જ નથી. દિવેટિયા સરનેમ છે એ લોકોની. છતાં અનારને પૂછીને તમને જણાવું છું. " જૈમિન બોલ્યો.

" થાણામાં એક દિવેટિયાને તો હું ઓળખું છું. એમનું નામ છે મહિપતરાય દિવેટિયા." ચુનીભાઇ બોલ્યા.

" એ જે હોય તે. હું પૂછીને તમને જણાવું છું." જૈમિને જવાબ આપ્યો.

બીજા દિવસે સવારે જૈમિને અનારને ફોન કર્યો.

" અનાર.. પપ્પાનું નામ શું છે ? મારા પપ્પા જસ્ટ પૂછી રહ્યા હતા. મેં એમને આપણાં લગ્નની બધી વાત કરી દીધી છે અને મમ્મી પપ્પા તરફથી કોઈ જ વાંધો નથી. " જૈમિન બોલ્યો.

"હું પણ આજે વાત કરવાની છું. મારા પપ્પાનું નામ મહિપતરાય દિવેટિયા છે." અનાર બોલી.

" એનો મતલબ કે મારા પપ્પા તારા પપ્પાને સારી રીતે ઓળખે છે. એમણે પણ એ જ નામ કહેલું. " જૈમિન બોલ્યો.

"ચાલો તો તો સારી વાત છે." અનાર બોલી.

અનારે સાંજે ચા પાણી પીને પોતાના પપ્પા સાથે વાત શરૂ કરી. એના પપ્પા લગભગ બીમાર જ રહેતા હતા અને પથારીમાં જ હતા.

" પપ્પા મારે તમને એક વાત કહેવી છે." અનાર થોડીક શરમ સાથે બોલી.

" હા બોલને અનુ... તારે પરમિશન લેવાની થોડી હોય ?" દિવેટિયા સાહેબ બોલ્યા.

" પપ્પા મને એક છોકરો પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું. અમે લોકો સાથે જ કોલેજમાં ભણતાં હતાં. મુલુંડમાં રહે છે અને સુખી ઘરનો છે. " અનાર બોલી.

" તો ઘરે બોલાવ એને. હું એને એક વાર જોઈ લઉં એની સાથે વાતચીત કરી લઉં. મને યોગ્ય લાગશે તો મને કોઈ વાંધો નથી. " પપ્પા બોલ્યા.

" પપ્પા છોકરામાં કંઈ પણ જોવા જેવું નથી. ખૂબ જ સુખી ઘરનો છે મને ખૂબ જ પ્રેમ કરે છે. અને હું પણ એને પસંદ કરું છું. મારી પણ હવે ઉંમર થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી મારા લગ્નની કોશિશ તમે કરો છો પણ યોગ્ય પાત્ર દેખાતું જ નથી." અનાર બોલી.

" અરે પણ છોકરાને મળ્યા વગર જ હું એકદમ હા પાડી દઉં ? તું મારી એકની એક દીકરી છે. મારે છોકરાને જોવો તો પડે જ ને ! એના મા બાપ વિશે જાણવું પડે. " મહિપતરાય બોલ્યા.

" પપ્પા એ જૈન કુટુંબનો છોકરો છે. મા બાપ પણ ખાનદાન છે. એ લોકોએ પણ હા પાડી છે. એણે મને આર્થિક મદદ પણ કરી છે અને તમારી બીમારીના કારણે થયેલું મારું એક લાખ રૂપિયાનું તમામ દેવું પણ એણે જ ચૂકવ્યું છે. મને આ મોટા પગારની નોકરી પણ એણે જ અપાવી છે. " અનાર બોલી.

"અરે પણ કોઈ આર્થિક મદદ કરે એટલે એની સાથે લગ્ન કરી લેવાં એવું થોડું હોય બેટા ? અને એ તો પાછો જૈન છે." મહિપતરાય બોલ્યા.

" પપ્પા મારે ક્યાં જૈન ધર્મ પાળવાનો છે ? એ લોકો ધર્મચુસ્ત નથી. મને બધી આઝાદી છે. હું તમારી દીકરી છું અને એક નાગર કન્યા છું. મારી પસંદગી કદી ખોટી ના હોય પપ્પા. મેં એની સાથે લગ્ન કરવાનું નક્કી કરી જ દીધું છે. " અનાર થોડાક આવેશમાં બોલી. પપ્પાના આજના સવાલોથી એ થોડી વ્યથિત હતી.

" લગ્નની બાબતમાં આવી જીદ ના હોય બેટા. એ છોકરો શું બિઝનેસ કરે છે ? " મહિપતરાય બોલ્યા.

" એના પપ્પાનો મુલુંડમાં મેડિકલ સ્ટોર હતો. એ હવે નિવૃત્ત થઈ ગયા છે અને જૈમિન ત્યાં દવાઓનો હોલસેલનો બિઝનેસ કરે છે. " અનાર બોલી.

"એના પપ્પાનું નામ શું ?" મહિપતરાય બોલ્યા.

" ચુનીલાલ છેડા. કચ્છી જૈન છે એ લોકો. " અનાર બોલી.

" શું કહ્યું ? ચુનીલાલ છેડા ? તું એ છોકરાને ભૂલી જા અનાર. કોઈ પણ સંજોગોમાં એ ઘરમાં તારાં લગ્ન નહીં થઈ શકે !" મહિપતરાય લગભગ તાડુકી ઉઠ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)