Sapnana Vavetar - 17 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 17

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 17

સપનાનાં વાવેતર પ્રકરણ 17

" કૃતિ તું તારા શરીરમાંથી બહાર આવી જા. મારે તારી સાથે વાતો કરવી છે. કૃતિ હું તને કહું છું. તું તારા શરીરમાંથી જલ્દી બહાર આવી જા." દીવાકર ગુરુજી કૃતિની આંખો ઉપર ત્રાટક કરીને સતત આદેશ આપતા હતા. એ પોતે પણ સૂક્ષ્મ અવસ્થામાં જ હતા.

થોડી વારમાં જ કૃતિનો સૂક્ષ્મ દેહ શરીરથી છૂટો પડીને બહાર આવી ગયો અને ગુરુજીના સૂક્ષ્મ શરીર સામે ઉભો રહ્યો.

"કૃતિ તું અત્યારે સૂક્ષ્મ અવસ્થામાં છે. તને તારા બધા જ પૂર્વ જન્મો યાદ છે. તું યાદ કર કે ગયા જનમમાં તું ક્યાં હતી ? તારે મુંબઈ થાણામાં રહેતા ધીરુભાઈની સાથે એવી તો શું દુશ્મની છે કે તું આ જનમમાં એમને બરબાદ કરવા માગે છે ?" ગુરુજીએ કૃતિને એક પછી એક પ્રશ્નો પૂછ્યા.

થોડીવાર મૌન. કોઈ કંઈ બોલ્યું નહીં. ધીમે ધીમે કૃતિના સૂક્ષ્મ શરીરે બોલવાનું ચાલુ કર્યું. જે વાણી માત્ર ગુરુજી જ સાંભળી શકતા હતા.

" જૌનપુરમાં મારો જનમ થયેલો. મારું નામ રેવા હતું. મારા માતા પિતાનું નામ પાર્વતી અને પ્યારેલાલ હતું. હું જ્યારે ૨૦ વર્ષની થઈ ત્યારે અમે જે મકાનમાં વર્ષોથી રહેતાં હતાં એ મકાનની આખી જમીન ત્યાંના માથાભારે જમીનદાર બનવારીલાલે ખરીદી લીધી. એ પછી એણે મારા બાપને મકાન તાત્કાલિક ખાલી કરવા માટે ખૂબ જ દબાણ ચાલુ કર્યું. અમે લોકો ખૂબ જ ગરીબ હતાં. મકાન ખાલી કરીને અમે જઈએ ક્યાં ? " કૃતિ ધીમે ધીમે પૂર્વ જન્મ યાદ કરીને બોલી રહી હતી.

"હું ખૂબ જ રૂપાળી હતી. બનવારીનો છોકરો બંસી એક માથાભારે ગુંડો હતો. ૩૫ વર્ષનો થયો હોવા છતાં તેનાં લગન થતાં ન હતાં. બનવારીની નજર મારી ઉપર પડી એટલે એણે મારા બાપને લાલચ આપી કે જો મારાં લગન એ બંસી સાથે કરશે તો મારાં મા બાપને એ બીજું એક સારું ઘર રહેવા માટે આપશે. " કૃતિ બોલી રહી હતી.

"મારો બાપ એની વાતોમાં આવી ગયો અને મારાં લગન એ ગુંડા બંસી સાથે કરાવી દીધાં. એ સાથે જ મારા નરકના દિવસો ચાલુ થયા. બનવારીલાલે પોતાનું વચન પાળ્યું નહીં અને ગુંડા મોકલી બધો સામાન બહાર ફેંકી મારાં મા બાપને રસ્તે રઝળતાં કરી દીધાં. મારા બાપે જિંદગીથી કંટાળીને એક મહીનામાં જ આપઘાત કરી લીધો. મારી માનો તો કોઈ પત્તો જ ન હતો. " કૃતિ બોલી રહી હતી.

"મારો દારૂડિયો વર બંસી રોજ દારૂ પીને હેવાન બની જતો હતો અને મને બહુ જ મારતો પણ હતો. મારા સસરાની નજર પણ મારી ઉપર ખરાબ હતી. એકવાર એણે પણ મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી. છેવટે આ બધા ત્રાસથી કંટાળીને એક દિવસ બંસી દારૂના નશામાં બેહોશ હતો ત્યારે રાત્રે કુહાડીથી મેં એને મારી નાખ્યો. પણ પછી હું એટલી બધી ડરી ગઈ કે મેં પણ દૂરના એક કૂવામાં પડતું મૂકીને આપઘાત કરી લીધો. " કૃતિ પોતાના ગયા જનમની વાત કરી રહી હતી.

" એ પછી વર્ષો સુધી મારો આત્મા એ બનવારીલાલનો બદલો લેવા માટે ભટકતો રહ્યો. એનો બીજો જનમ અત્યારે ધીરુ તરીકે થયેલો છે. આ જનમમાં એનો બદલો લેવાની મારી તીવ્ર ઈચ્છાના કારણે મારાં લગન એના દીકરા સાથે થયાં છે." કૃતિ બોલી.

" તારા આ જનમમાં જેની સાથે લગ્ન થયાં છે એ અનિકેત શું એ બંસીનો જ આત્મા છે ? " ગુરુજીએ પૂછ્યું.

" ના. બંસીની અવગતિ થઈ છે. હજુ એનો જનમ થયો નથી. " કૃતિ બોલી.

" પરંતુ અત્યારે તો ધીરુભાઈનો જન્મ એક સજ્જન વ્યક્તિ તરીકે થયો છે. જો એ ગયા જન્મમાં આટલા બધા દુષ્ટ હોય તો આ જનમમાં આટલા બધા સુખી કેમ ? " ગુરુજી બોલ્યા.

" એ તો ઉપરવાળો જાણે. એણે ગયા જનમમાં તો ખરાબ કર્મો કર્યાં છે તેની હું સાક્ષી છું. " કૃતિ બોલી.

જો કે ગુરુજી તો પોતે સારી રીતે જાણતા જ હતા કે આ જનમમાં કરેલાં ખરાબ કર્મોનું ફળ તરત જ બીજા જનમમાં મળે એવું જરૂરી નથી હોતું. પૂણ્યનું ભાથું હોય એ પણ ભોગવવું પડતું હોય છે. આપણા અનેક જન્મો થઈ ગયા હોય છે એટલે કોઈ જનમમાં સારા કર્મોનું ફળ પણ મળતું હોય છે.

" તારાં જેની સાથે લગ્ન થયાં છે એ અનિકેત તો તને ખૂબ જ પ્રેમ કરે છે. એના પરિવારને બરબાદ કરીને તને શું મળશે ? તું એ ઘરમાં સુખી છે. આખો પરિવાર તને ખૂબ જ લાડથી રાખે છે પછી બદલાની ભાવના શા માટે ? તારા નસીબમાં દુઃખ લખ્યું હતું તો ગયા જનમમાં તને આટલું દુઃખ મળ્યું. પણ તારો આ નવો સુખી જનમ તું શા માટે બગાડે છે ?" ગુરુજી બોલ્યા.

થોડીવાર સુધી તો કૃતિ કંઈ બોલી નહીં. ગુરુજીની વાત તો સાચી હતી. આખો પરિવાર એને પ્રેમ કરતો હતો. ધીરુભાઈનો બદલો લેવાથી આખો પરિવાર પણ બરબાદ થાય. એનું સુખી લગ્નજીવન પણ એના કારણે ડિસ્ટર્બ થાય.

"તો પછી મારે શું કરવું? બનવારીલાલે આટલો બધો ત્રાસ મારા અને મારા પરિવાર ઉપર કર્યો એ બધું ભૂલી જવાનું ? " કૃતિ બોલી.

" આ જગતમાં દરેકનો ન્યાય ઈશ્વર કરે છે. એણે જે પણ ખરાબ કર્મ કર્યું એનો બદલો એને મળશે જ. આ જનમમાં ના મળે તો આવતા જનમમાં મળશે. પરંતુ બદલો લઈને તું પોતે શું કામ નવાં કર્મો બાંધે છે ? આટલા સારા પરિવારને તું બરબાદ કરી દઈશ એટલે ફરી પાછું એ કર્મનું ફળ તારે નવા જન્મમાં ભોગવવું પડશે. ગયો જન્મ તો તારો ખરાબ ગયો. વળી પાછો આવતો જન્મ પણ બગાડવો છે ? " ગુરુજી બોલી રહ્યા હતા.

કૃતિને ગુરુજીની વાત સાચી લાગી. એ કંઈ બોલી નહીં.

"તું બદલાની ભાવના મનમાંથી કાઢી નાખ. હાથે કરીને પગ ઉપર કુહાડી મારીશ નહીં. કરોડોપતિ પરિવારના ઘરે તારાં લગ્ન થયાં છે. આખી જિંદગી તું જલસા કરીશ. હાથે કરીને દુઃખને આમંત્રણ ન આપીશ. તું એ ઘરને જો સળગાવીશ તો તું પોતે પણ દાઝી જવાની જ છે. ગયા જન્મને તું ભૂલી જા અને બધાંને માફ કરી દે. સૌ સૌનાં કરમ ભોગવી લેશે. તું વેરઝેરમાંથી મુક્ત થઈ જા તો તારા આત્માની પણ ગતિ થશે. " ગુરુજીએ પોતાની વાત પૂરી કરી.

" જી હું કોશિશ કરીશ. " કૃતિ બોલી.

" કોશિશ નહીં. મનથી નક્કી જ કરી લે કે તારે હવે કોઈ જ બદલો લેવો નથી. એ લોકોના સુખમાં જ તારું સુખ છે. ગયા જનમમાં તેં ભલે દુઃખ ભોગવ્યું પરંતુ આ જનમમાં તને ઘણું સુખ મળવાનું છે. " ગુરુજીએ કહ્યું.

એ પછી ગુરુજી મનોમન એક સિદ્ધ મંત્ર ૧૧ વખત બોલ્યા જેથી કૃતિના સૂક્ષ્મ શરીરે બદલાની ભાવનામાંથી મુક્ત થવાની જે વાત કરી તે સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યા પછી પણ કાયમ માટે એના મનમાં ટકી રહે !

"મેં જે તને કહ્યું તે બરાબર યાદ રાખજે અને હવે તું તારા શરીરમાં પાછી જઈ શકે છે. કૃતિ તું તારા શરીરમાં પ્રવેશ કર." કહીને સૂક્ષ્મ સ્વરૂપે ગુરુજીએ કૃતિના સ્થૂળ શરીરના માથા ઉપર હાથ મૂક્યો. ધીમે ધીમે કૃતિનું સૂક્ષ્મ શરીર એના સ્થૂળ દેહમાં વિલીન થઈ ગયું.

એ પછી ગુરુજીનું સૂક્ષ્મ શરીર પણ પોતાના સ્વસ્થાને પાછું ગયું અને એ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યા.

બીજા દિવસે સવારે ચા પીતાં પીતાં મુંબઈ થાણામાં ધીરુભાઈએ અનિકેતે જે પ્લોટ ની વાત કરી હતી તેની ચર્ચા ચાલુ કરી.

"આ પ્લોટ મુલુંડમાં કઈ જગ્યાએ આવેલો છે એ કંઈ ખ્યાલ છે તને ?" ધીરુભાઈએ અનિકેતને પૂછ્યું.

" હા. મુલુંડ વેસ્ટમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગથી અંદર જાઓ એટલે કાલિદાસ હોલ આવે છે. બસ એનાથી થોડેક દૂર મથુરાદાસ ચોક પાસે આ પ્લોટ છે. જૈમિન કહેતો હતો કે એ લોકેશન બહુ જ મોકાનું છે." અનિકેત બોલ્યો.

"જોઈ લીધું. ત્યાં તો સ્કીમ બરાબર ઉપડી જાય. પ્રશાંત તું આજે મીટીંગ કરી લે. અનિકેતની ઈચ્છા છે તો પૈસાની ચિંતા ના કરતો. સોદો કરીને જ આવજે. " ધીરુભાઈ બોલ્યા.

ચા પાણી પીને અનિકેતે જૈમિન છેડાને ફોન કર્યો.

"જૈમિન અનિકેત બોલું. તેં જે પ્લોટની વાત કરી હતી એની અર્જન્ટ મીટીંગ ગોઠવવાની છે. પપ્પા પોતે સોદો કરી દેશે." અનિકેત બોલ્યો.

"હા તો આવતીકાલે ગોઠવી દઈએ. હું તને સાંજે ફોન કરીને જણાવું. પાર્ટીનું નામ સુરેશભાઈ ગોટેચા છે. મુલુંડ વીણાનગર રહે છે." જૈમિન બોલ્યો.

અને રાત્રે અનિકેત ઉપર જૈમિનનો ફોન આવી ગયો કે આવતીકાલે સવારે ૧૧ વાગે વીણાનગરમાં જ મીટીંગ રાખી છે અને હું તને એમનો બ્લોક નંબર વોટ્સએપ કરી દઉં છું.

બીજા દિવસે સવારે ૧૧ વાગે જૈમિને બતાવેલા એડ્રેસ ઉપર પ્રશાંતભાઈ અને અનિકેત પહોંચી ગયા. જૈમિન પણ ત્યાં હાજર જ હતો. કારણ કે એ સુરેશભાઈને ઓળખતો હતો.

" આવો આવો પ્રશાંતભાઈ. તમારી કંપની તો ખૂબ જ જાણીતી છે અને તમને પણ હું નામથી ઓળખું છું. મળવાનો આજે પહેલી વાર મોકો મળ્યો. " સુરેશભાઈએ સ્વાગત કરતાં કહ્યું.

" બસ મારા આ દીકરાને હવે એક બિલ્ડર તરીકે સેટ કરવો છે એટલે તમારા પ્લોટથી શરૂઆત કરવાની ઈચ્છા છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" વિચાર ઘણો સારો છે. હું પોતે પણ બિલ્ડર જ છું અને નાની મોટી સ્કીમો કરું છું. ત્રણ વર્ષ પહેલાં આ પ્લોટ મેં ખરીદી રાખ્યો હતો. વિચાર્યું હતું કે અહીં એક મોટી સ્કીમ મૂકીશ પણ હવે મારે ફેમિલી સાથે કાયમ માટે યુ.એસ. જવાનું થયું છે એટલે બધું વાઇન્ડ અપ કરી રહ્યો છું. હું રહું છું એ બ્લોક પણ કાઢી જ નાખવાનો છે." સુરેશભાઈ બોલ્યા.

" બસ હવે તમારી કિંમત બોલો એટલે આપણે સોદો ફાઇનલ કરી દઈએ. અમે કોઈપણ જાતનો ઇન્સ્ટોલમેન્ટ નહીં રાખીએ. તમારી પૂરેપૂરી રકમ તમને એક સાથે જ મળી જશે." પ્રશાંતભાઈ બોલ્યા.

" અત્યારના ભાવ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો લગભગ ૨૨૦૦ વારના આ પ્લોટની કિંમત ૪૩ થી ૪૫ કરોડ થાય પરંતુ મારે ૪૦ સુધી કાઢી નાખવો છે. " સુરેશભાઈ બોલ્યા.

" તમારે અમેરિકા ક્યારે જવાનું છે ?" પ્રશાંતભાઈએ પ્રશ્ન કર્યો.

" ઉત્તરાયણ પછી જાન્યુઆરીના એન્ડમાં કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં ગમે ત્યારે સારો દિવસ જોઈને નીકળી જઈશું. " સુરેશભાઈ બોલ્યા.

"એનો મતલબ કે તમારી પાસે માત્ર એક મહિનાનો સમય છે. આ એક મહિનામાં તમામ રકમ એક સાથે આપનાર મારા સિવાય બીજો કોઈ તમને નહીં મળે. આ વિસ્તારનો કોઈ બિલ્ડર હોય એ જ આ પ્લોટમાં રસ લે. અને એવા બિલ્ડર બહુ લીમીટેડ છે. હું તમને ૩૫ આપવા તૈયાર છું. સોદો જરા પણ ખોટનો નથી. હું પણ વેપારી છું તમે પણ વેપારી છો." પ્રશાંતભાઈ બોલ્યા.

" પ્રશાંતભાઈ તમારી વાત હું સમજુ છું. મારી પાસે સમય ઓછો છે એટલે મારો ભાવ પકડી રાખીને રાહ જોવાનું મારા માટે શક્ય નથી. તમે કહ્યું એમ બે બિલ્ડરો આવી ગયા. રકમ પણ એમને મંજૂર છે પરંતુ એક સાથે પૈસા આપી શકે એમ નથી. તમે પહેલા એવા બિલ્ડર છો કે જે તમામ રકમ એક સાથે એડવાન્સમાં આપી દો છો એટલે તમારી સાથે ડીલ કરવામાં મને રસ છે. પરંતુ ભાવ તમે કંઈક સરખો બોલો તો મને પણ આનંદ થાય. " સુરેશભાઈ બોલ્યા.

" ભાવ તો મેં કહી જ દીધો છે અને એ ખરેખર વ્યાજબી છે. છતાં એકાદ કરોડ આમ કે આમ. ૩૬ સુધી ડીલ કરી દો. " પ્રશાંતભાઈ બોલ્યા.

છેવટે ૩૭ કરોડમાં સોદો ફાઇનલ થઈ ગયો. ૨૫ કરોડના ચેક અને ઉપરના ૧૨ કરોડ રોકડા આપવાનું નક્કી કર્યું.

" ઠીક છે આવતીકાલે મારો મેનેજર વકીલને લઈને રજીસ્ટ્રાર ઓફિસમાં આવી જશે. અનિકેત પણ આવી જશે કારણ કે પ્લોટ હવે એના નામે જ લેવો છે. તમે પણ પહોંચી જજો. ચેક તમને ત્યાં જ મળી જશે. પ્લોટ ટ્રાન્સફર થઈ ગયા પછી ૧૨ કરોડની કેશ તમારા આ બ્લોક ઉપર પહોંચી જશે. તમે મારી ઉપર વિશ્વાસ રાખી શકો છો. " પ્રશાંતભાઈ બોલ્યા.

" અરે પ્રશાંતભાઈ તમારી પ્રતિષ્ઠા ઉપર મને જરા પણ અવિશ્વાસ ના હોય. કાલે હું રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચી જઈશ. " સુરેશભાઈ બોલ્યા.

" તમને ખોટું ના લાગે તો એક સવાલ પૂછું સુરેશભાઈ ? " પ્રશાંતભાઈ બોલ્યા.

" વેપારી છું એટલે આ સવાલ મારા મનમાં ઊભો થયો. તમે બધું વાઈન્ડ અપ કરીને જઈ રહ્યા છો તો આ ૧૨ કરોડ રૂપિયા અમેરિકા કેવી રીતે લઈ જશો ? તમારી પાસે માત્ર એક જ મહિનાનો સમય છે. લાંબો સમય હોય તો બધી વ્યવસ્થા થઈ શકે. આટલા ટૂંકા સમયમાં બ્લેકના વ્હાઈટ કરવાનો કોઈ જ ચાન્સ નથી અને અમેરિકામાં બ્લેક ચાલતા નથી. " પ્રશાંતભાઈ હસીને બોલ્યા.

"આ મૂંઝવણ તો મને પણ છે. મેં એમ વિચાર્યું છે કે મારા સી.એ ને આ રકમ હું આપતો જાઉં અને એ ધીમે ધીમે બ્લેક ના વ્હાઇટ કરીને મારા ખાતામાં ભરતો જાય. પરંતુ એણે મને કહ્યું કે આ કામ એટલું ઇઝી નથી. એણે ઘણી બધી એન્ટ્રીઓ લેવી પડે. અને અમુક એન્ટ્રીઓ મારી હાજરી વગર શક્ય નથી કારણ કે મારી સાઈનની જરૂર પડે. અને છતાં ગમે તેમ કરીને એ કરે તો પણ બે વર્ષનો ટાઈમ ઓછામાં ઓછો લાગે. " સુરેશભાઈ બોલ્યા.

" હું પણ તમને એ જ કહી રહ્યો છું સુરેશભાઈ. બે વર્ષનો સમય લાગે કે ત્રણ વર્ષ પણ થાય. અત્યારના કાયદા પ્રમાણે આવાં બધાં કામ પહેલાંની જેમ હવે સરળ નથી. પહેલાં બ્લેકના વ્હાઈટ કરનારા અને એન્ટ્રીઓ આપનારા જોઈએ એટલા મળી રહેતા હતા. અને આ જમાનામાં કોઈના ઉપર પણ આટલો ભરોસો રાખી શકાય નહીં. " પ્રશાંતભાઈ બોલ્યા.

"તો પછી તમારી શું સલાહ છે ? તમે આટલું બધું સમજો છો એટલા માટે પૂછું છું. " સુરેશભાઈ બોલ્યા.

" જુઓ તમને ૧૨ કરોડ રૂપિયા બે કે ત્રણ વર્ષમાં મળી જશે એની કોઈ જ ગેરંટી નથી. ૧૦૦ ના ૬૦ પણ થઈ શકે છે. આજે જે મળ્યું એ તમારું. બાકી બધી કિસ્મતની વાત છે. તમે ૩૫ કરોડ સુધી તૈયાર થતા હો તો ઉપરના ૧૦ કરોડ હું તમને અમેરિકામાં તમે જે કહો તે ખાતામાં ડોલરમાં નખાવી દઉં. એક સાથે પ્રોબ્લેમ હોય તો ટૂકડે ટૂકડે નખાવું. મારો ભત્રીજો કેનેડામાં છે. એના ખાતામાં ડોલરમાં જે રકમ છે એ ૧૦ કરોડ જેટલી તો છે જ. એ તમને ટ્રાન્સફર આપી દેશે. અમે એના ખાતામાં જમા કરાવી દઈશું. બોલો મંજૂર હો તો કહો. બાકી તમારી ઈચ્છા." પ્રશાંતભાઈ બોલ્યા.

" તમે ખરેખર ગજબના સોદાગર છો પ્રશાંતભાઈ. તમારું નોલેજ પણ ઘણું સારું છે. તમે જે રીતે મને વાત કરી એ મારા મગજમાં બેસી ગઈ. ઠીક છે ૩૫ માં મને મંજૂર છે. કારણ કે બધા જ પૈસા મને લગભગ એડવાન્સમાં મળે છે. ઉપરના ૧૦ કરોડ માટે હું અમેરિકા મારા ભાઈને મળીને પછી તમારી સાથે વાત કરીશ કે ૧૦ કરોડ કઈ રીતે લઈ શકાય. " સુરેશભાઈ ગોટેચા બોલ્યા.

" તો પછી કાલે રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચી જજો. હવે જરા આપણે પ્લોટ જોઈ લઈએ. પ્લોટ જોયા વગર જ આ સોદો આપણે કર્યો છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" ચોક્કસ તમે જોઈ લો. લગડી પ્લોટ છે પ્રશાંતભાઈ. તમારી સ્કીમ ખૂબ જ ઉપડશે. " કહીને સુરેશભાઈ ઉભા થયા.

વીણાનગરથી પ્લોટનું લોકેશન બહુ દૂર ન હતું. ૧૫ ૨૦ મિનિટમાં જ એ લોકો પ્લોટ ઉપર પહોંચી ગયા.

પ્લોટ જોઈને જ પ્રશાંતભાઈ ખુશ થઈ ગયા. એકદમ પ્રાઈમ લોકેશન હતું. ૩૫ કરોડમાં સોદો જરા પણ ખોટો ન હતો.

" બોલો પ્રશાંતભાઈ. આ મારો પ્લોટ છે અને તમામ ટાઈટલ ક્લિયર છે. તમારી સ્કીમ ખૂબ જ ઉપડશે." સુરેશભાઈ બોલ્યા.

"બસ આપણો સોદો ફાઇનલ છે. હવે મારે કંઈ જ કહેવાનું નથી. કાલે તમે રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચી જજો. અને તમારી અમેરિકાની યાત્રા માટે મારી શુભેચ્છાઓ. ત્યાં પહોંચીને તમારી તમામ બેંક ડીટેલ્સ મને આપી દેજો. આ મારું કાર્ડ તમે રાખો." કહીને પ્રશાંતભાઈએ પોતાનું કાર્ડ સુરેશભાઈને આપ્યું.

" આવા એરિયામાં આટલો મોટો પ્લોટ મળવો એ નસીબની વાત છે. કૃતિનાં પગલાં ઘણાં સારાં છે. આ ઘરમાં એના આવ્યા પછી તને આટલો મોટો પ્લોટ મળી રહ્યો છે અને તું બિલ્ડર બની રહ્યો છે. " પાછા વળતી વખતે પ્રશાંતભાઈએ અનિકેતને કહ્યું.

" હા પપ્પા. કૃતિ સાથે લગ્ન પછી ૧૫ દિવસમાં જ આ પ્લોટ આપણને મળી ગયો. મારે હવે દિલથી આ સ્કીમ બનાવવી છે. " અનિકેત બોલ્યો.

" તારા મિત્ર જૈનિકને સાંજે ૭ વાગ્યા પછી ઘરે બોલાવી લેજે. એને ૩૫ લાખનો ચેક આપી દઈએ. એના થકી જ આ પ્લોટ આપણને મળ્યો છે. એ માગે કે ના માગે પરંતુ એક ટકાનો એનો હક્ક બને જ છે. આપણે કોઈને ઓછું નથી આપવું. " પ્રશાંતભાઈ બોલ્યા.

અનિકેત પપ્પાની સામે જ જોઈ રહ્યો. એને પપ્પાની દિલેરી ગમી ગઈ. આજે પપ્પાએ સુરેશભાઈ ગોટેચા સાથે જે રીતે વાતચીત કરી હતી એનાથી પણ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)