Sapnana Vavetar - 16 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 16

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

સપનાનાં વાવેતર - 16

સપનાનાં વાવેતર પ્રકરણ 16

અનિકેત અને શ્રુતિ વાતો કરતાં હતાં ત્યારે એ બંનેથી સહેજ દૂર ઊભેલી કૃતિની નજર અચાનક ધવલ જાડેજા ઉપર પડી. એ પણ એરપોર્ટની અંદર જઈ રહ્યો હતો. એણે પણ કૃતિને જોઈ. અનિકેતને પણ એણે જોઈ લીધો. ધવલ જાડેજા ! એક વખતનો એનો પ્રેમી !!

ધવલને એરપોર્ટ ઉપર જોતાં જ કૃતિના હોશ ઉડી ગયા. એ એકદમ ટેન્શનમાં આવી ગઈ. તે દિવસે સુહાગરાતની મધરાતે એણે જ અનિકેતને ફોન કરીને મારી સાથેના શારીરિક સંબંધો વિશે જાણ કરી હતી. એ અનિકેતને મારી સાથે જોઈ ગયો છે એટલે સમજી જ ગયો હશે કે એ મારા પતિ છે !

હવે એ એરપોર્ટની અંદર અનિકેત સાથે વધારે કંઈ વાતો ના કરે તો સારું. નહીં તો પછી અનિકેતનું મન ચકરાવે ચડી જશે અને અમારા સંબંધો વધારે બગડી જશે. જે માણસ સુહાગરાતે ફોન કરી શકે એ મારી સાથે બદલો લેવા માટે ગમે તેવી મનઘડત વાતો કરી શકે ! એને હવે કઈ રીતે રોકવો ? એ તો સીધો અંદર જતો રહ્યો.

થોડીવારમાં અનિકેત પણ સમય થઈ ગયો હોવાથી બંને બહેનોની વિદાય લઈને ટ્રોલી સાથે એરપોર્ટની અંદર ગયો.

"શ્રુતિ પેલો ધવલ જાડેજા પણ આ જ ફ્લાઈટમાં મુંબઈ જતો લાગે છે. મેં એને અંદર જતાં જોયો. એ મને અને આપણી સાથે ઉભેલા અનિકેતને જોઈ ગયો છે એટલે અંદર જઈને અનિકેતને કંઈ આડુ અવળું ભરાવે નહીં તો સારું. માંડ માંડ અનિકેતનું મન શાંત થયું છે. " અનિકેત અંદર ગયા પછી ગાડીમાં બેસીને કૃતિ બોલી.

" દીદી તું ખોટી ખોટી ચિંતા કરીશ નહીં. અને અનિકેત એવા કાચા કાનના નથી. હું નથી માનતી કે ધવલ અનિકેત સાથે આજે એવી કોઈ વાતો કરે. તારા મનને ખાલી ખાલી કલ્પનાઓ કરીને ડિસ્ટર્બ કરીશ નહીં." શ્રુતિએ કૃતિને આશ્વાસન આપ્યું.

એરપોર્ટની અંદર ધવલે અનિકેતને જોયો પણ એની સાથે કોઈ જ વાત કરી નહીં. યોગાનુયોગ અનિકેત અને ધવલ જાડેજાની સીટ પણ બાજુ બાજુમાં જ આવી. ધવલ જાડેજાને ખ્યાલ આવી ગયો હતો કે કૃતિનાં લગ્ન આની સાથે થયાં લાગે છે પરંતુ છેક મુંબઈ સુધી એણે અનિકેત સાથે કોઈ જ ચર્ચા કરી નહીં. અનિકેત તો બાજુમાં બેઠેલા ધવલ જાડેજાને ઓળખતો જ ન હતો !

હકીકતમાં કૃતિ એ બાબતથી સાવ અજાણ હતી કે બિચારા ધવલ જાડેજાએ તે રાત્રે અનિકેતને કોઈ જ ફોન કર્યો ન હતો. જે પણ ફોન આવ્યો હતો તે દિવાકર ગુરુજીએ રચેલી માયાજાળ હતી. કૃતિના ભૂતકાળને પોતાની સિદ્ધિઓથી જાણી ગયેલા ગુરુજીએ એક વર્ષ સુધી અનિકેત અને કૃતિને શારીરિક સંબંધોથી દૂર રાખવા માટે ધવલના ફોનની એક ભ્રમજાળ પેદા કરી હતી !

ફોન ઉપર વાતચીત થયેલી હતી એટલે એરપોર્ટ ઉપર પ્રશાંતભાઈએ ગાડી મોકલી આપી હતી. દોઢેક કલાકમાં અનિકેત ઘરે પહોંચી ગયો. એના પપ્પા અને મનીષકાકા ઓફિસ ગયેલા હતા. ઘરે માત્ર દાદા દાદી મમ્મી અને કાકી હતાં.

" આવી ગયો બેટા ? હવે સવારે જમ્યો ના હોય તો હાથ પગ ધોઈને જમવા બેસી જા. સાડા ત્રણ વાગી ગયા છે. " ધીરુભાઈએ કહ્યું.

"દાદા જમીને જ આવ્યો છું. સવારે ૧૦:૩૦ વાગે જ રસોઈ તૈયાર થઈ ગઈ હતી." અનિકેત બોલ્યો.

" હમ્... એ બાબતમાં તો કૃતિને કંઈ કહેવું ના પડે. " દાદા હસીને બોલ્યા.

અનિકેતે એ પછી પોતાના બેડરૂમમાં જઈને કૃતિને ફોન કર્યો અને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું એના સમાચાર આપ્યા.

"ચાલો બહુ સરસ. રસ્તામાં તમારી સાથે કોઈએ કંઈ વાતચીત કરી હતી ?" કૃતિથી પૂછાઈ ગયું. એના મનને ચેન ન હતું.

"મારી સાથે વળી કોણ વાતચીત કરે ? ફ્લાઈટમાં થોડા બધા મારા ઓળખીતા હોય કૃતિ ?" અનિકેત બોલ્યો.

" અરે એમ નથી કહેતી. આ તો અમારા બે પડોશીને પણ મેં અંદર એરપોર્ટમાં જતા જોયા હતા. એ તમને જમાઈ તરીકે ઓળખે છે એટલે કદાચ થોડી ઘણી વાતચીત શરૂ કરી હોય ! " કૃતિએ જે જવાબ મગજમાં આવ્યો તે આપ્યો.

"ના રે ના.. આજના જમાનામાં કોઈને કોઈનામાં રસ નથી હોતો કૃતિ. " અનિકેત બોલ્યો અને કૃતિને હાશકારો થયો.

બે દિવસ પછી ૨૫ ડિસેમ્બરના દિવસે અનિકેતનો જન્મદિવસ આવ્યો. આજે એને ૨૭ પૂરાં થઈને ૨૮મું બેઠું. વહેલી સવારે ૬ વાગે જ કેનેડાથી અભિષેક અને કાવ્યાનો ફોન આવી ગયો. એ પછી પાછળને પાછળ કૃતિ અને શ્રુતિનો ફોન પણ આવી ગયો. કૃતિએ એને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ પાઠવી.

એ પછી એ ફ્રેશ થઈ નાહી ધોઈને નીચે ગયો તો એના દાદા દાદી પપ્પા મમ્મી કાકા કાકી વગેરેએ ચાના ટેબલ ઉપર એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. એ પછી અનિકેતના મિત્રોના ફોન પણ ચાલુ થઈ ગયા.

તમામ મિત્રોએ આજે ભેગા થઈને સાંજે ડીનર પાર્ટી રાખી હતી અને એમાં કેક કાપવાનો પ્રોગ્રામ પણ બનાવ્યો હતો. અનિકેતના પપ્પાએ પણ બપોરે જમતા પહેલાં કેક મંગાવી દીધી હતી એટલે સૌથી પહેલી ઉજવણી એણે પરિવાર સાથે કરી.

રાત્રે ૮:૩૦ વાગે તૈયાર થઈને એ થાણાના પાંચ પખાડી એરિયામાં આવેલી જાણીતી રેસ્ટોરેન્ટ ફેમિલી ટ્રી માં પહોંચી ગયો. રેસ્ટોરન્ટ ખૂબ જ લોકપ્રિય હતી અને ઘણી બધી આઈટમો અહીં મળતી હતી. તેના ચારેય મિત્રો આવી ગયા હતા અને એમણે ચોકો લાવા કેકનો ઓર્ડર આપી પણ દીધો હતો.

અનિકેતે પ્રવેશ કર્યો કે તરત જ ચારે ય મિત્રોએ ઊભા થઈને એને અભિનંદન આપ્યાં અને બધા મિત્રોએ ભેગા થઈને ગુલાબનાં ફૂલોનો જે બુકે ખરીદ્યો હતો તે પણ અનિકેતના હાથમાં આપ્યો.

" કેમ એકલો જ આવ્યો અની ? ભાભી ક્યાં ? " ભાર્ગવ ભટ્ટ બોલ્યો.

" અરે એ તો રાજકોટ ગઈ છે. બે દિવસ પહેલાં જ હું મૂકી આવ્યો. લગ્ન પછી ૮ ૧૦ દિવસમાં પિયર જવાનો કંઈક રિવાજ હોય છે. પગફેરા કે એવું કંઈક કહે છે." અનિકેત બોલ્યો.

" હા પગફેરાનો રિવાજ બધે જ હોય છે. " અનાર દિવેટિયા બોલી.

" અરે યાર તારો જન્મ દિવસ આવતો હતો તો બે દિવસ પછી મૂકી આવ્યો હોત તો શું ફરક પડવાનો હતો ? " જૈમિન છેડા બોલ્યો.

" તારી વાત સાચી છે. એ સાલું મને યાદ ના રહ્યું. હું તમને બધાંને વિડિયો કૉલ ઉપર વાત કરાવું છું. જેથી લાઈવ જોઈ શકો. " કહીને અનિકેતે કૃતિને વિડિયો કૉલ લગાવ્યો.

"અરે કૃતિ મારા મિત્રોએ આજે અહીં હોટેલમાં મારા માટે બર્થ ડે પાર્ટી રાખી છે અને જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. એ લોકો તારી સાથે વાત કરવા માગે છે તો જરા વાત કર. " કહીને અનિકેતે મોબાઈલ ત્રણે મિત્રોની સામે ધર્યો.

" હેલો ભાભી... આજે અનિકેતનો જન્મદિવસ હતો તો તમે બે દિવસ પછી રાજકોટ ગયાં હોત તો ? આજે તમારી પણ આ પાર્ટીમાં હાજરી હોત ને ? અમે બધાં તમને મીસ કરીએ છીએ. અમે તો તમને જોયાં પણ નથી" ભાર્ગવ બોલ્યો.

" હા પણ એ વાંક તમારા મિત્રનો છે ને ? મને કંઈ રાજકોટ આવવાની એવી ઉતાવળ ન હતી. મેં પણ પાર્ટી જોઈન કરવાનો આનંદ મીસ કર્યો." કૃતિ બોલી.

" હા ભાભી એ વાત પણ સાચી છે. કંઈ નહીં તમે મુંબઈ આવો એટલે ફરી પ્રોગ્રામ બનાવીએ. બસ તમને એક વાર જોવાની ઈચ્છા હતી એટલે કૉલ કર્યો." કિરણ વાડેકર બોલ્યો.

" બસ હવે જોઈ લો. મને તો તમારા બધાંનાં નામ પણ ખબર નથી એટલે વધારે તો શું વાત કરું ? હું આવું પછી તમે લોકો અમારા ઘરે આવો એટલે ઓળખાણ થાય. " કૃતિ બોલી.

" ચોક્કસ ભાભી. અમે બધાં જ આવશું. બાય." કહીને જૈમિને ફોન અનિકેતને પાછો આપ્યો. અનિકેતે પણ બાય કહીને ફોન કટ કર્યો.

" કૃતિ વાતચીત તો બહુ સરસ કરે છે. દેખાવે પણ ખરેખર સુંદર છે. " અનાર દિવેટિયા બોલી.

"હા એ બાબતમાં અનિકેત લકી છે" ભાર્ગવ બોલ્યો.

એ પછી મિત્રોએ ઉભા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ બનાવ્યો અને અનિકેતને બધાં એ વિશ કર્યું. ચોકો લાવા કેક પણ સરસ હતી !

જમવામાં આ હોટલમાં જાતજાતની વેરાઈટીઝ હતી. કિરણે મેક્સિકન પ્લેટ મંગાવી તો જૈમિને ટાકોઝ અને કોફી રસગુલ્લાનો ઓર્ડર આપ્યો. ભાર્ગવે અહીંની ફેમસ પાઉં ભાજી મંગાવી તો અનારે રોયલ ઇન્ડિયન થાળી મંગાવી. અનિકેતને આજે પંજાબી ડીશ ખાવાની ઈચ્છા હતી તો કુલચા સાથે એનું મનપસંદ શાક મંગાવ્યું.

" અનિકેત તને જો બિલ્ડર બનવામાં રસ હોય તો અત્યારે મારી પાસે એક પ્લોટ આવ્યો છે. તને ખબર છે કે હું મારા બિઝનેસની સાથે સાથે રીયલ એસ્ટેટનું પણ કરું છું." જૈમિન બોલ્યો.

" હું બિલ્ડર ના બનું તો પણ મારું આખું ફેમિલી કન્સ્ટ્રક્શનના ધંધામાં જ છે. એટલે સારો પ્લોટ હોય તો લેવામાં મને કોઈ જ વાંધો નથી." અનિકેત બોલ્યો.

" ફેમિલી તો છે જ અનિકેત. પણ હવે તારે પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી પડે. ફેમિલીની આંગળી પકડીને કયાં સુધી ચાલીશ ? તું અમેરિકા જઈને આર્કિટેક્ચરની ડીગ્રી લઈ આવ્યો. તારી પાસે પૈસા છે, સ્કિલ છે તો તારી પોતાની પણ એક સ્કીમ મૂક ને ? ભલે તારી સ્કીમ વિરાણી કન્સ્ટ્રક્શનના બેનર હેઠળ બનતી." જૈમિન બોલ્યો.

" જૈમિનની વાત તો એકદમ સાચી છે અનિકેત. હવે તારે પોતે પણ કન્સ્ટ્રક્શનના ધંધામાં ઝંપલાવવું જોઈએ. અને તારે પોતે ક્યાં ચણતર કરવાનું છે ? ડિઝાઇન બનાવીને તારે તારા કોન્ટ્રાક્ટર્સને કામ સોંપી દેવાનું છે. તારાં હવે મેરેજ પણ થઈ ગયાં છે. તું પપ્પાની પેઢીમાં બેસે એવું કૃતિ પણ પસંદ ના કરે. " કિરણ બોલ્યો.

"હમ્ ... કેટલા વારનો પ્લોટ છે ?" અનિકેતે પૂછ્યું.

" ૨૨૦૦ ચોરસ વારનો રોડ ટચ પ્લોટ છે. જેણે પૈસા રોકેલા એ હવે કાયમ માટે અમેરિકા જાય છે એટલે પ્લોટ વેચી નાખવો છે. એકદમ ટાઇટલ ક્લીઅર છે. ૪૦ કરોડ કહે છે પણ છેવટે ૩૫ સુધીમાં મળી જશે. બે ટાવર બની જશે. ત્યાંના ભાવ પ્રમાણે મેં ગણતરી કરી તો ખર્ચો કાઢતાં ૮૦ થી ૯૦ કરોડ જેવો પ્રોફિટ થશે." જૈમિન બોલ્યો.

" ઠીક છે. હું આજે ઘરે દાદા અને પપ્પાને વાત કરું છું. એ ના નહીં પાડે." અનિકેત બોલ્યો.

એ પછી બધાંનું જમવાનું આવી જતાં સૌએ જમવામાં મન પરોવ્યું.

બધા મિત્રોએ પોતપોતાનું મનપસંદ જમવાનું જમી લીધું. છેલ્લે બિલ જૈમિને ચૂકવી દીધું અને બધા છૂટા પડ્યા. તમામ મિત્રોમાં જૈમિન સારું કમાતો હતો.

એ રાત્રે ધીરુભાઈ અને એમના બે દીકરા પ્રશાંત અને મનીષ માર્ચમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોવાથી એમની તમામ સ્કીમોનો હિસાબ જોઈ રહ્યા હતા. અનિકેત પણ એમની સાથે જ બેઠો હતો.

"પપ્પા ઈશ્વર કૃપાથી આપણું આ વર્ષ ઘણું સારું ગયું છે. મનીષની ત્રણે ત્રણ સ્કીમોનો ચોખ્ખો પ્રોફિટ ૩૨ કરોડનો થયો છે અને મારી સ્કીમોમાં ૨૯ કરોડ એટલે આ વર્ષે વિરાણી કન્સ્ટ્રક્શનનો ચોખ્ખો નફો ૬૧ કરોડ નો થયો છે. મતલબ આપણી કંપની ૨૦૦ કરોડની થઈ ચૂકી છે. " પ્રશાંત બોલ્યો.

" ચાલો ખૂબ સારી વાત છે. તમે બંને ભાઈઓએ મહેનત પણ ઘણી કરી છે. આજે વિરાણી કન્સ્ટ્રક્શનનું એક નામ થઈ ગયું છે. " ધીરુભાઈ બોલ્યા.

" દાદા મારે પણ હવે એક સ્કીમ મૂકવી છે. બિલ્ડર તરીકેનો અનુભવ મારે પણ લેવો છે. " અનિકેત બોલ્યો.

" હા તો તને કોણ ના પાડે છે ? પપ્પા સાથે કે મનીષકાકા સાથે તું જોઈન થઇ શકે છે. હવે પછી એ નવી સ્કીમ મૂકે એ તું સંભાળજે. " ધીરુભાઈ બોલ્યા.

" દાદા મુલુંડમાં એક રોડ ટચ પ્લોટ વેચવાનો છે. ૨૨૦૦ વાર જગ્યા છે. જેણે પ્લોટ રાખેલો છે એ અમેરિકા જાય છે એટલે કાઢી નાખવો છે. મારી ઈચ્છા એ પ્લોટ લઈને ત્યાં મારી રીતે સ્કીમ મૂકવાની છે. આપણી વિરાણી કન્સ્ટ્રક્શન કંપનીના બેનર હેઠળ બે ટાવરની મારી સ્કીમ બનશે. ૪૦ કરોડ કહે છે પણ ૩૫ સુધી સોદો પતી જશે." અનિકેત બોલ્યો.

" અરે તું તો રાતોરાત મોટો થઈ ગયો અનિકેત. બધી એક્સરસાઇઝ કરીને જ આવ્યો લાગે છે. કંઈ વાંધો નહીં. હું મિટિંગ કરી દઈશ. જોઈએ કેટલામાં સોદો પતે છે. પ્લોટનું લોકેશન અને કોને મારે મળવાનું છે એ બધી માહિતી લઈ આવ. તારા જન્મદિવસે આ સ્કીમ તને ભેટ ! " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા.

" હા પપ્પા... બે દિવસમાં બધી જ માહિતી લાવી આપું છું અને તમારી મીટીંગ પણ ગોઠવી આપું છું. મારે આ સ્કીમ કરવી જ છે. બસ કોન્ટ્રાક્ટર્સ અને મજૂરો તમારે સેટ કરી આપવા પડશે. બાંધકામની પરમિશન પણ તમારે જ લાવવી પડશે. તમારી પાસેથી શરૂઆતમાં થોડું શીખવું પણ પડશે. " અનિકેત બોલ્યો.

" તું જરા પણ ચિંતા કરીશ નહીં. આ પણ એક જાતની ટ્રેઈનિંગ જ છે. આપણો એન્જિનિયર આશુતોષ દરેક પ્રકારની પરમિશન લાવવામાં હોશિયાર છે. એ તારી સાથે રહેશે એટલે તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તેં આપણા બિઝનેસમાં આટલો રસ લીધો એ મને બહુ ગમ્યું." પ્રશાંતભાઈ બોલ્યા.

" હા અનિકેત.. અભિષેક તો કેનેડા જતો રહ્યો છે એટલે આપણી પેઢીમાં આ કન્સ્ટ્રક્શનનો ધંધો ચાલુ રાખવા માટે તારે આગળ આવવાનું જ છે. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો મને કહેજે. સોદો ગમે તે રીતે આપણે પાર પાડીશું." મનીષકાકા બોલ્યા.

એ રાત્રે અનિકેતે કૃતિને પણ આ ખુશ ખબર આપ્યા કે હવે પોતે એક સ્વતંત્ર પ્લોટ લઈને બિલ્ડર તરીકે સ્કીમ મૂકી રહ્યો છે.

" વાઉ જાન. આજે જન્મદિવસે તમે બહુ જ સારી શરૂઆત કરી. મને પણ તમારી લાઈનમાં રસ છે. ઘરે કોઈપણ જાતની પ્રવૃત્તિ વગર બેસવામાં કંટાળો આવે છે. તમારી પોતાની સ્કીમ હોય તો હું પણ ધ્યાન આપી શકું." કૃતિ બોલી. એની મહત્વકાંક્ષા ફરી જાગી ઉઠી.

અને એ જ રાત્રે રાજકોટમાં દીવાકર ગુરુજીએ કૃતિના આત્માનું અનુસંધાન કરવાનો નિર્ણય લીધો. કૃતિ અત્યારે રાજકોટ હતી એટલે એમના માટે કામ થોડું સરળ હતું.

રાત્રે લગભગ પોણા બાર વાગે ગુરુજી ઊંડા ધ્યાનમાં બેસી ગયા અને પોતાની સિદ્ધિથી એમનું સૂક્ષ્મ શરીર કૃતિના બેડરૂમ સુધી પહોંચી ગયું. બેડરૂમમાં પ્રવેશ કરીને કૃતિની નજીક જઈને ઊભા રહ્યા. કૃતિ એકલી જ સૂતી હતી અને ગાઢ નિદ્રામાં હતી. એની બંધ આંખો સામે જોઈને એમણે કૃતિના સૂક્ષ્મ શરીરનું આવાહન કર્યું.

" કૃતિ તું તારા શરીરમાંથી બહાર આવી જા. મારે તારી સાથે થોડી વાતો કરવી છે. કૃતિ તું શરીરમાંથી બહાર આવી જા." ગુરુજી કૃતિની આંખો ઉપર ત્રાટક કરીને સતત આદેશ આપવા લાગ્યા. એ પોતે પણ સૂક્ષ્મ શરીરમાં જ હતા.

થોડીવારમાં જ કૃતિનો સૂક્ષ્મ દેહ શરીરથી છૂટો પડીને બહાર આવી ગયો અને ગુરુજીના પ્રભાવશાળી સૂક્ષ્મ શરીર સામે ઉભો રહ્યો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)