Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - રાવણદહન

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - રાવણદહન

શીર્ષક : રાવણદહન
©લેખક : કમલેશ જોષી

“ચુપ, એકદમ ચુપ” સાવ અચાનક જ અમારો એક પ્રેક્ટીકલ મિત્ર સહેજ ગુસ્સા સાથે, નાક પર આંગળી મૂકી આમારા સમજુ મિત્ર સામે ઘૂરક્યો એટલે અમે સૌ સહેજ નવાઈ સાથે એની સામે જોઈ રહ્યા.
એ બોલ્યો, “ખબરદાર જો કોઈએ એક પણ શબ્દ રાવણદહન, દશેરાનું મહત્વ કે છાપામાં આવેલા એ વિશેના એક પણ આર્ટીકલનો ઉલ્લેખ કર્યો છે તો..!” અમે હજુ સમજી નહોતા શકતા કે પ્રેક્ટીકલ મિત્ર આટલો બધો શા માટે ભડકી ગયો હતો!

વાત જાણે એમ બનેલી કે દશેરા પછીનો ત્રીજો દિવસ હતો અને અમારા સમજુ મિત્રે દશેરા વિશે છાપામાં આવેલા કોઈ આર્ટીકલનું એકાદ ક્વોટેશન ટાંકતા અમને સૌને પૂછ્યું હતું કે "તમે એ આર્ટીકલ વાંચ્યો..?" એ હજુ એનું વાક્ય પૂરું કરે ત્યાં તો પ્રેક્ટીકલ મિત્ર એકદમ ગુસ્સે ભરાયો હતો. કેટલીક ક્ષણો શાંત પસાર થઈ ગઈ. પ્રેક્ટીકલ મિત્રે પાણી પીધું અને પછી સહેજ ઊંડો શ્વાસ લેતા બોલ્યો, "સોરી...યાર...!" એની આંખોમાં સહેજ ગુસ્સો અને સહેજ પસ્તાવો હતો, એ આગળ બોલ્યો,
"પણ શું કરું? દશેરાની સવારથી આજ સુધીમાં મેં દસ-બાર પોસ્ટ વાંચી ને મારું મગજ ફાટી ગયું. જાણે સૌ કોઈ ચિલ્લાઈ ચિલ્લાઈ ને એક જ વાત કહી રહ્યું હતું, આપણી અંદર રાવણ છે, આપણી અંદર રાક્ષસ છે, પહેલા એને મારો, પહેલા એનું દહન કરો. હદ છે યાર...." એણે ટેબલ પર સહેજ મુક્કો માર્યો.
“એમાં ખોટું શું લખ્યું છે...?” અવાજ ટીખળી મિત્રનો હતો.
“તને નથી લાગતું કે આપણે પણ રાવણની જેમ ઇગોઇસ્ટીક છીએ, દસ માથાળા નહિ તો બે-ત્રણ માથાળા તો છીએ જ. ઇન શોર્ટ, જો હૃદય પર હાથ મૂકી કબૂલીએ તો, આપણે પોતે જ જીવતા જાગતા રાવણ કે રાક્ષસ છીએ. એવું તને નથી લાગતું?” એ હજુ પૂરું કરે એ પહેલા ફરી પેલા પ્રેક્ટીકલ મિત્રની કમાન છટકી. એ બરાડ્યો,
"ના, બિલકુલ નથી લાગતું. મને નથી લાગતું કે હું રાક્ષસ છું, મને નથી લાગતું કે મારી સોસાયટીમાં કોઈ રાવણ છે, મને નથી લાગતું કે બધા સરકારી કર્મચારીઓ લાંચિયા છે, મને નથી લાગતું કે બધા નેતાઓ કરપ્ટ છે, મને નથી લાગતું કે બધા શેઠિયાઓ બ્લેક મની ભેગા કરી બેઠા છે. બોલ હવે કાંઈ..?" એણે સહેજ અટકી અમારી સૌની સામે જોયું. પછી પેલા ટીખળી સામે ધારદાર નજરે જોતા પૂછ્યું,
“મને રાવણ કે રાક્ષસ ચીતરવાની તને આટલી બધી ઉતાવળ કેમ છે? ના, ના.. તું મને એ સમજાવ કે દશેરા શું એકલા રાવણને યાદ કરવાનો દિવસ છે? રાવણ, ઈગો, રાવણ, ઈગો કરી કરીને માથું પકવી નાખ્યું છે. એના બદલે એકવાર રાવણ દૃષ્ટિ મૂકીને રામ દૃષ્ટિએ, પોઝીટીવ વ્યૂ રાખીને, માત્ર એકવાર શેરી, સોસાયટી, સમાજ પર નજર ફેરવી તો જો.. ઘરે ઘરમાંથી તને ‘રામ રામ’નો જ નાદ ન સંભળાય તો કહેજે.” અમે સૌ સ્તબ્ધ થઈ ગયા.

તમે પણ તમારી શેરીના બાવીસ ઘરનો વિચાર કરો, તો કદાચ બે જ ઘર એવા મળશે જેમાં ‘ઈગો’ રહેતો હોય, બાકીના વીસેય ઘર તમારી સામે સ્માઈલ, ‘રામ-રામ’, ગુડ-મોર્નિંગ, કેમ છો અને ‘આવો ચા પાણી પીવા’નું મીઠું આમંત્રણ દેતા તમારી સામે ‘નમ્રતા’થી પસાર થતા જોવા મળશે.


એક વડીલે કહ્યું, "આજનો યુગ બ્લેક એન્ડ વ્હાઇટનો નથી. કોઈ વ્યક્તિ પૂરે પૂરો વિલન નથી કે કોઈ વ્યક્તિ પૂરે પૂરો હીરો નથી, કોઈ સંપૂર્ણ પ્રેમ ચોપરા નથી કે કોઈ સંપૂર્ણ અમિતાભ બચ્ચન નથી, કોઈ સંપૂર્ણ સીતા નથી કે કોઈ સંપૂર્ણ સૂર્પણખા નથી, કોઈ સંપૂર્ણ કંસ નથી કે કોઈ સંપૂર્ણ કૃષ્ણ કાનુડો નથી, કોઈ હન્ડ્રેડ પરસેન્ટ કરપ્ટ નથી કે કોઈ હન્ડ્રેડ પરસેન્ટ પાક સાફ નથી." આટલું કહી સહેજ અટકી એમણે ઉમેર્યું, "હા, એટલું ચોક્કસ કે દરેક વ્યક્તિની ઊંડે ઊંડે ભીતરી વિલનને ખતમ કરી સંપૂર્ણ હીરો બનવાની, રામ કે કૃષ્ણ તરફ જવાની ઝંખના જરૂર છે, પ્રયત્ન જરૂર કરે છે, પ્રાર્થના જરૂર કરે છે કે અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુ માંહેથી અમૃત સમીપે નાથ લઇ જા."

તમે જ કહો છેલ્લા દસ-વીસ કે ત્રીસ વરસમાં તમે ટ્રાફિક પોલીસને કેટલી લાંચ આપી? એકાદ-બે વાર? હવે એને રાક્ષસ કહેતા પહેલા ચાર રસ્તા ઉપર, ધોમ ધખતા તડકામાં ચારે બાજુ ટ્રાફિકના ધુમાડા વચ્ચે, તહેવારોમાં પણ હાથ ઊંચા-નીચા કરી, ટ્રાફિક અંગે સેલ્ફ ડિસીપ્લીનમાં બિલકુલ ન માનતા આપણા જેવા લોકોને એક-બીજા સાથે અથડાતા અટકાવે છે, એ પોલીસનો ચહેરો યાદ કરો. એના ચહેરા પર ક્યાંય સહેજ અમથી પણ ‘રામ’ની ઝલક તમને નથી દેખાતી? સાવ સાચું કહેજો, તમે આજ સુધીમાં ખરેખર કેટલો ટેક્સ ડાયરેક્ટ ભર્યો? ચૂંટણીના દિવસે મતદાન કરવા માટે માત્ર દસ મિનિટ ફાળવવામાં પણ ‘જાણે મોતિયા મરી જતા હોય’ એવો ભાર અનુભવતા આપણને શેરીમાં કચરો લેવા આવતા કર્મચારીઓ કે લાંબી હાઈવે સડક બાંધતા મજૂરો કે કુદરતી આફત વખતે ખડે પગે આપણી મદદે દોડી આવતા સોલ્જર્સ કે ઈમરજન્સી વખતે એકસો આઠ લઈને દોડી આવતી ટીમના મેમ્બર્સમાં ક્યાંય ‘કૃષ્ણ’ની ઝલક નથી મળતી? શું દસમુ-બારમું ધોરણ ભણતા ત્યારે જેમણે અઘરામાં અઘરા દાખલા કે પ્રશ્નોના ઉકેલ આપણા નાનકડા મગજમાં ફીટ બેસાડ્યા એ શિક્ષકમાં કે આપણે નોકરી કરી શકીએ એવી સંસ્થા બનાવનાર આપણા બોસમાં-માલિકોમાં કે આપણને પા-પા પગલી શીખવનાર મમ્મી-પપ્પામાં ક્યાંય સહેજ અમથી પણ ‘ઈશ્વરત્વ’ની ઝલક નથી દેખાતી? શું ટીવી પર કોમેડી શો કરીને આપણને પેટ પકડીને હસાવનાર કલાકારોમાં કે મેળો, ફટાકડા સ્ટોલ, રંગોળીના કલર, મેવા-મીઠાઈ કે ફેન્સી ક્લોથ્સ દ્વારા આપણા તહેવારોને મીઠા અને રંગીન બનાવનાર દુકાનદારોમાં કે વાયરલ ફીવરથી શરુ કરી અસાધારણ બીમારીઓમાંથી આપણને બેઠા કરનાર ડોક્ટર્સમાં આપણને જરાક અમથી પણ ‘દેવત્વ’ની ઝલક નથી દેખાતી? જો દેખાતી હોય તો તમારામાં ‘રામદૃષ્ટિ’ છે, એવું અમારા પેલા વડીલનું માનવું છે.

મિત્રો, સંતો કહે છે કે ‘આપણા હૈયામાં રામ વસે છે’, બસ સહેજ જાગવાની, જાગીને જોવાની જરૂર છે. રામમાં પણ દુર્ગુણો શોધે એ રાવણ દૃષ્ટિ અને રાવણમાં પણ સદગુણો શોધે એ 'રામ દૃષ્ટિ'. એકવાર જો આ ‘રામ દૃષ્ટિ’ ખીલી ઉઠી, ફાવી ગઈ, આત્મસાત થઈ ગઈ ને, તો (તમે જેને રાવણ માનો છો એ) ‘રાવણ’માં પણ બેઠેલો ‘રામ’ જોઈ તમે ચોંકી જ ઉઠશો અને ખુશ થઈ જશો એવું અમારા પેલા વડીલનું કહેવું છે. તમે શું માનો છો? મિત્રો, તમારા જીવનમાં પણ એકાદ-બે વિલન (કહો ને કે રાવણ) ચોક્કસ હશે. આજના રવિવારે એ વિલન વ્યક્તિમાં કોઈ સાચેસાચો સદગુણ શોધી કાઢવા અને શક્ય હોય તો એને બિરદાવવા પ્રયત્ન કરીએ તો કેવું? એને કંઈ ફેર પડે કે ના પડે તમારી ભીતરે એના માટેનું ઝેર કે નેગેટિવ ફિલિંગ ચોક્કસ ઓછી થશે. રાવણ દહનનો આ જ એક રામબાણ ઈલાજ છે એવું તમને નથી લાગતું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)