Sapnana Vavetar - 12 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

સપનાનાં વાવેતર - 12

સપનાનાં વાવેતર પ્રકરણ 12

રિસેપ્શનનો પ્રોગ્રામ રાત્રે પોણા બાર વાગ્યા સુધી ચાલ્યો. ધીરુભાઈએ આ પ્રસંગે ખૂબ જ દિલથી પૈસા ખર્ચ્યા હતા. ખૂબ જ ધામધૂમથી પ્રસંગ પતી ગયો. તમામ મહેમાનો વાહ વાહ કરી ગયા.

બીજા દિવસે બહારગામથી આવેલા તમામ મહેમાનો સવારે જ વિદાય થઈ ગયા. હરસુખભાઈનો પરિવાર સવારે ધીરુભાઈના આગ્રહથી હોટલ છોડીને ધીરુભાઈના બંગલે આવી ગયો અને આખો દિવસ રોકાઇને રાત્રે સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ ક્લાસમાં રાજકોટ જવા માટે નીકળી ગયો.

" તમારું ઘર અને પરિવાર જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે ધીરુભાઈ. બસ મારી આ લાડકી દીકરીને જરા સંભાળી લેજો. એ થોડી સ્વતંત્ર મિજાજની છે પણ એટલી જ હોશિયાર છે. પરિવારપ્રેમી પણ છે. એનો ક્યારેય કોઈ વાંક ગુનો હોય તો એને માફ કરી દેજો. " વિદાય લેતી વખતે હરસુખભાઈ ભીની આંખે બોલ્યા.

"અરે તમે કૃતિની જરા પણ ચિંતા ના કરશો હરસુખભાઈ. તમારી કૃતિમાં કાંઈ જ કહેવાપણું નથી. એને લાવીને અમે બધા જ ખુશ છીએ. મારે આવી જ સંસ્કારી પુત્રવધુ જોઈતી હતી. " ધીરુભાઈ બોલ્યા.

એમણે હરસુખભાઈના પરિવારને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને છોડવા માટે બંને ગાડીઓ મોકલી આપી.

એ પછી રાત્રે કૃતિ અને અનિકેતને જે પણ ભેટ સોગાદો મળી હતી એ તમામ પેકેટ ખોલી ખોલીને ગિફ્ટ આપનાર મહેમાનોનાં નામ ડાયરીમાં લખી દીધાં. વર કન્યાને ચડાવેલી તમામ જ્વેલરી તિજોરીમાં મૂકી દીધી. તમામ ભેટ સોગાદો લગભગ દોઢ કરોડ આસપાસની હતી. ધીરુભાઈ પોતે પણ ૮૦ કરોડની મોટી પાર્ટી હતા એટલે એમનો મિત્રવર્ગ પણ એવો જ ધનાઢ્ય હતો !!

બે દિવસમાં જ કૃતિએ પોતાના વ્યવહાર અને વર્તનથી પરિવારના તમામ સભ્યોનું દિલ જીતી લીધું. એના અનિકેત સાથે કોઈ જ શારીરિક સંબંધો નથી એની એણે કોઈને પણ ગંધ આવવા દીધી નહીં. રોજ સવારે છ વાગે ઊઠવાની એની ટેવ હતી છતાં હવે એ જાણી જોઈને સવારે સાડા સાત વાગ્યા પછી જ નીચે આવતી.

" હવે તેં હનીમૂન માટે શું વિચાર્યું છે અનિકેત ? સ્વિત્ઝર્લેન્ડ જવાની ઈચ્છા હોય તો ત્યાંનો પ્રોગ્રામ બનાવ. જો કે ત્યાં ઠંડી બહુ જ હશે. અભિષેકની સાથે કેનેડા ફરી આવવું હોય તો પણ વાંધો નથી. આ સિવાય દુબઈ મલેશિયા સિંગાપુર પણ તમે લોકો જઈ શકો છો." સવારે ચા પીતાં પીતાં પ્રશાંતભાઈ બોલ્યા.

ઘરના બીજા મેમ્બરો પણ એ વખતે ડાઇનિંગ ટેબલ ઉપર જ બેઠા હતા.

" પપ્પા અત્યારે વિદેશ જવાની તો કોઈ જ ઈચ્છા નથી. બહુ બહુ તો શિમલા કે ઉટી સુધી જઈ આવીએ. " અનિકેત બોલ્યો.

પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ હતો જ નહીં એટલે પછી હનીમૂન માટે વિદેશ સુધી લાંબા થવાનો કોઈ જ મતલબ ન હતો.

"તો પછી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાંનું હોટેલનું રિઝર્વેશન વગેરે કરાવી લો. લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ત્યાંની હોટલો પણ ફૂલ જ હશે. શિમલામાં પણ અત્યારે ઘણી ઠંડી પડતી હશે. અભિષેક અને કાવ્યા પણ હવે પરમ દિવસે કેનેડા જતાં રહેશે. " ધીરુભાઈ બોલ્યા.

અને છેવટે અનિકેતે શિમલા જવાનું ફાઇનલ કરી દીધું.

"તમે હનીમૂન જઈ આવ્યા પછી એક વાર કેનેડાનો પ્રોગ્રામ પણ બનાવો ભાભી. જોકે અત્યારે તો ત્યાં ઠંડી બહુ હશે પરંતુ સમર શરૂ થાય એટલે ચોક્કસ આવો." બીજા દિવસે રાત્રે જમતી વખતે કાવ્યાએ કૃતિને કહ્યું.

" હા હા ચોક્કસ. કેમ નહીં ! એ પણ અમારું ઘર જ છે ને !!" કૃતિ હસતાં હસતાં બોલી.

ત્રીજા દિવસે વહેલી પરોઢે ત્રણ વાગે અભિષેક કેનેડા જવા માટે ઘરેથી નીકળી ગયો તો એ જ દિવસે સવારે પાછળને પાછળ અનિકેત અને કૃતિ પણ ચાર વાગે શિમલા જવા માટે અમૃતસર જતી ફ્લાઈટ પકડવા નીકળી ગયાં. ૫:૩૦ વાગ્યાની ફ્લાઇટ હતી. મુંબઈથી શિમલા વચ્ચે કોઈ જ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. દિલ્હીથી અથવા તો અમૃતસરથી કેબ કરવી પડે છે.

અનિકેત લોકો સવારે ૮:૩૦ વાગે અમૃતસર પહોંચી ગયાં અને ત્યાં સવારના ચા પાણી નાસ્તો કરીને કેબ પકડી લીધી. બપોરે ત્રણ વાગે એ લોકો શિમલા પહોંચી ગયાં. શિમલામાં ફાઇસટાર હોટલ ઓબેરોય બુક કરાવી લીધી હતી એટલે એમને તરત જ સ્યુટ રૂમ પણ મળી ગયો. રૂમમાં હીટિંગની વ્યવસ્થા પણ સરસ હતી.

ઓબેરોય સેસિલ હોટલ શિમલામાં ચૌડા મેદાનમાં આવેલી હતી અને આ વિસ્તાર પણ ઘણો રળિયામણો હતો. બંને સવારે નાહી ધોઈને નીકળ્યાં હતાં એટલે બીજું કંઈ કરવાનું હતું જ નહીં. એમણે સૌથી પહેલાં તો રૂમમાં જમવાનું મંગાવી લીધું.

શિમલામાં ફરવા સિવાય બીજું કંઈ જ કરવાનું હતું નહીં એટલે એમણે સાંજે પાંચ વાગે ફરવાનો જ પ્રોગ્રામ બનાવ્યો. અહીં વાતાવરણ ખૂબ જ સુંદર હતું. આકાશ વાદળોથી છવાયેલું હતું. આકાશમાંથી બરફનો ઝીણો ઝીણો સફેદ પાવડર વરસી રહ્યો હતો. શરીર ભીંજાય નહીં અને ઉપરથી સારું લાગે. અહીંની મૌસમ ભીની ભીની લાગતી હતી. ઠંડી હતી પણ એટલી બધી લાગતી ન હતી.

વૃક્ષોમાંથી એક પ્રકારની સુંદર સુગંધ આવી રહી હતી અને અહીંની માટીની પણ એક અલગ સુગંધ હતી ! કૃતિને અહીંનું વાતાવરણ ખૂબ જ પ્રસન્ન કરી ગયું.

"અહીંનું વાતાવરણ કેટલું બધું સરસ છે અનિકેત ? એમ થાય છે કે કાયમ માટે આપણે અહીંયાં જ રહી જઈએ. આ હિમાલયની સફેદ ગિરિમાળા કેટલી નજીકથી દેખાય છે ! " કૃતિ બોલી.

"બિલકુલ સાચી વાત છે પરંતુ અમુક સિઝન પૂરતું જ અહીંયાં રહી શકાય કૃતિ. મેં શિમલા વિશે ઘણું વાંચેલું છે. અહીંનું ચોમાસુ ખૂબ જ ખરાબ હોય છે અને ઘણી ખાનાખરાબી પણ થતી હોય છે. અને તમે અહીં કાયમ રહીને પણ શું કરો ? આપણો બધો બિઝનેસ તો મુંબઈમાં છે ! " અનિકેત હસીને બોલ્યો.

અનિકેત અને કૃતિ જેવાં ઘણાં યુગલો અહીં ફરી રહ્યાં હતાં. અહીં ચાલવાની એક અલગ જ મજા હતી કારણ કે આજુબાજુ બરફની ચાદર છવાયેલી હતી. બે અઢી કલાકનો રાઉન્ડ મારીને એ લોકો હોટલ ઉપર પાછાં આવી ગયાં.

આજે રાત્રિનું ડીનર પણ એમણે આ ફાઇવ સ્ટાર હોટલના રેસ્ટોરન્ટમાં જ લઈ લીધું.

હનીમૂન માટે આવેલા આ યુગલની
શિમલાની હનીમૂન રાત્રી શરૂ પણ થઈ ગઈ. રાત્રિના લગભગ ૧૧ વાગ્યા હતા પરંતુ બન્નેની વાતોમાં કોઈ જગ્યાએ રોમાન્સ ન હતો. બંને વચ્ચે આકર્ષણ તો ઘણું હતું પરંતુ લક્ષ્મણરેખાની ખાડી બંનેને એકબીજાથી દૂર રાખી રહી હતી.

"અનિકેત મને માફ નહીં કરો ? શું આખી જિંદગી મારે આ રીતે જ પડખાં ઘસીને પસાર કરવાની છે ? શું તમારા મનમાં મારા માટે કોઈ જ લાગણી નથી ? કોઈ જ આકર્ષણ નથી ? લગ્ન કરીને અહીં આટલે દૂર આપણે હનીમૂન કરવા માટે આવ્યાં છીએ. તમારાં મા-બાપની અને દાદા દાદીની આપણા વંશ વિસ્તારની અપેક્ષા પણ હશે ! " કૃતિ અનિકેતને વળગીને સૂઈ રહી હતી.

" જો કૃતિ હું તને બેહદ પ્રેમ કરું છું. તને દુઃખી કરવાનો મારો કોઈ જ ઇરાદો નથી. કોઈ બીજાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન પહેલાં તેં મને બિલકુલ અંધારામાં રાખ્યો એ તારી સૌથી મોટી ભૂલ હતી. અને બની શકે કે તારા માટે આ બધી બાબતો સાવ સ્વાભાવિક હોય પરંતુ મારા માટે નથી. આજના જમાનાની આધુનિક વિચારસરણી ધરાવતી વ્યક્તિ તને માફ કરી શકે પરંતુ હું એ ભૂલી શકતો નથી. " અનિકેતે સ્પષ્ટ જવાબ આપ્યો.

"મારી ભૂલ હું સ્વીકારું છું અનિકેત. મેં તમારી માફી પણ માગી લીધી છે. જીવનમાં ક્યારેક ભૂલો થઈ જતી હોય છે. અને એ વખતે હું એને પ્રેમ કરતી હતી એટલે પ્રેમના આવેગમાં જ આ થઈ ગયેલું. બાકી હું એ ટાઇપની છોકરી નથી. કોલેજકાળમાં થોડી સ્વચ્છંદી જરૂર હતી પણ એ મારી નાદાની હતી. તમને પરણ્યા પછી હું સંપૂર્ણપણે તમને જ સમર્પિત છું અનિકેત !" કૃતિ બોલી.

" હું જાણું છું કૃતિ. આવતીકાલ વિશે હું અત્યારે કંઈ જ કહી શકતો નથી. ભવિષ્યમાં હું કદાચ તને માફ કરી પણ દઉં પરંતુ હમણાં તું આવો કોઈ જ આગ્રહ ના રાખતી. આવનારો સમય તને કદાચ માફ કરી પણ દે." અનિકેતે કૃતિને આશ્વાસન આપ્યું.

અનિકેતને કૃતિ તરફ આકર્ષણ ન હતું એવું ન હતું. એ પોતે પણ ખેંચાયેલો જ રહેતો હતો. એ પણ પુરુષ હતો. આટલી નખશિખ સૌંદર્યવાળી પત્ની તરફ એના મનમાં કોઈ વાસના પેદા ન થાય એવું તો બને જ નહીં. ઠંડીની મૌસમ હતી શિમલાનું અદભુત વાતાવરણ હતું. બે યુવાન હૈયાં એકલાં હતાં છતાં....

છતાં કોઈક અકળ પરિબળ અનિકેતને કૃતિથી દૂર રાખી રહ્યું હતું. અને એ પરિબળ લગ્નની પ્રથમ રાત્રિએ રાજકોટના ગુરુજીએ મોકલ્યું હતું. જો બંને વચ્ચે શારીરિક સંબંધ થઈ જાય તો કૃતિને ધીમે ધીમે પોતાનો પૂર્વ જન્મ યાદ આવી જાય અને તો એના મનમાં બદલાની ભાવના જાગૃત થઈ જાય ! જો કૃતિને પ્રેગ્નન્સી રહી જાય અને એ મા બની જાય તો મંગળ પોતાની ભૂમિકા ભજવી દે. ગુરુજી આ બધું જ જાણતા હતા !!

છેવટે બન્ને એકબીજાને વળગીને ક્યારે નિદ્રાને આધીન થઈ ગયાં એ ખબર પણ ના પડી. હોટલના રૂમમાં ખૂબ જ હુંફાળું વાતાવરણ હતું.

સવારે ઉઠ્યાં ત્યારે સાડા આઠ વાગી ગયા હતા. બ્રશ કરી ચા પાણી પી અનિકેતે નાહી ધોઈને પોતાના નિયમ મુજબ હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કર્યા તો કૃતિએ પણ એક પાઠ કર્યો.

સવારે દસ વાગ્યા પછી એમણે અહીંના જાણીતા રીજ રોડનો પ્રોગ્રામ બનાવ્યો. હકીકતમાં આ રોડ ઊંચાઈ ઉપર હતો અને પર્યટકો માટે ચારે બાજુ સૌંદર્યથી ભરેલો હતો. નાની મોટી છૂટક છૂટક દુકાનો રેસ્ટોરન્ટ વગેરે પણ હતાં. બપોરે જમવાનો પ્રોગ્રામ એમણે 'હિમાચલી રસોઈ' રેસ્ટોરન્ટમાં જ બનાવ્યો. અહીંની સ્થાનિક વાનગીઓ માટે આ રેસ્ટોરન્ટ પ્રખ્યાત હતું.

સાંજનો પ્રોગ્રામ એમણે મોલ રોડ ઉપર બનાવ્યો જે શિમલાનો સૌથી વ્યસ્ત અને પર્યટકોનો પ્રિય એરિયા હતો. આ રોડ ઉપર પર્યટકોની ઘણી ભીડ રહેતી હતી. આ રોડ ઉપર આખું માર્કેટ હતું. રેસ્ટોરન્ટ હતાં. કૃતિએ પોતાના માટે અને પોતાની નણંદ શ્વેતા માટે ઘણું શોપિંગ કર્યું.

બીજા દિવસનો વહેલી સવારનો પ્રોગ્રામ એમણે ટોય ટ્રેનનો બનાવ્યો અને સમર હિલ સુધી ફરી આવ્યાં.

શિમલામાં જે પણ જોવાનું હતું એ બધું જ જોવાઈ ગયું હતું એટલે બપોરે જમીને એમણે શિમલાની વિદાય લીધી અને કેબ કરીને રાત્રે ૮ વાગ્યા પહેલાં દિલ્હી પહોંચી ગયાં. અહીંની એક જાણીતી હોટલમાં એમણે રાત્રી રોકાણ કર્યું અને સવારની આઠ વાગ્યાની ફ્લાઈટ પકડીને એ લોકો ૧૧:૩૦ વાગે તો થાણા પોતાના બંગલે પણ પહોંચી ગયાં.

કૃતિએ શ્વેતા માટે જે પણ શોપિંગ કરેલું એ બધું જોઈને શ્વેતા ખૂબ જ ખુશ થઈ ગઈ. એને કૃતિની ચોઈસ ઉપર ખૂબ જ માન ઉપજ્યું.

" ભાભી એ તો કહો કે શિમલામાં તમારું હનીમૂન કેવું રહ્યું ? " શ્વેતા બોલી.

" શિમલાની તો વાત જ જવા દો શ્વેતાબેન ! ત્યાંથી પાછા આવવાનું મન જ ન થાય એટલું સુંદર છે. અને બરફનો જે વરસાદ વરસતો હોય છે એની તો વાત જ કરવા જેવી નથી ! જાણે કે આપણા શરીર ઉપર આકાશમાંથી કોઈ ઠંડો ઠંડો પાવડર છાંટતું હોય !" કૃતિ બોલી.

બીજા દિવસે સવારે ચા પીતાં પીતાં પણ પરિવારના સભ્યો સાથે અનિકેતે શિમલાની ચર્ચા કરી.

" કૃતિ બેટા લગનને ૧૦ દિવસ થઈ ગયા છે એટલે પગફેરો કરવા હવે તારી જો રાજકોટ જવાની ઈચ્છા હોય તો જણાવી દેજે. ત્યાંથી કોઈએ તેડવા આવવાની જરૂર નથી. અનિકેત તને મૂકી જશે. રિવાજ છે એટલે એકવાર જવું પડે." ધીરુભાઈ બોલ્યા.

"હું સામેથી અનિકેતને કહી દઈશ દાદાજી. રાજકોટ જવાની મારે કોઈ ઉતાવળ નથી. એકાદ અઠવાડિયા પછી જવાનું વિચારું છું." કૃતિ બોલી.

એ લોકોની વાત તો ત્યાં પૂરી થઈ ગઈ પરંતુ કેનેડામાં અભિષેક વાનકુંવર પહોંચીને બીજા દિવસે રવિવારે રંગનાથન સાહેબના ઘરે ખાસ મળવા ગયો અને અનિકેતનાં લગ્ન થઈ ગયાં એની અત્યારે ચર્ચા કરી રહ્યો હતો.

" રંગનાથનજી મને જે ડર હતો એવું કંઈ ત્યાં થયું નથી. લગ્ન સરસ રીતે પતી ગયાં. અનિકેતને પત્ની ખરેખર ખૂબ જ સારી મળી છે. લાગણીશીલ અને સંસ્કારી છે. એ લોકો હનીમૂન માટે શિમલા ગયાં હતાં. આજકાલમાં આવી ગયાં હશે." અભિષેકે ઉત્સાહથી વાત કરી.

" મૈં ભી યહી ચાહતા હું કી સબ ઠીક હો લેકિન મેરા વિઝન કભી ગલત નહીં હો સકતા અભિષેકજી. શાદી કે તુરંત બાદ તો ઐસા કુછ નજર નહીં આયેગા લેકિન મૈંને જો દેખા વો કભી ભી સચ હો સકતા હૈ. " રંગનાથન બોલ્યા.

" મતલબ ? હું સમજ્યો નહીં !" અભિષેક બોલ્યો.

" કુછ નહીં. આપ અભી કોઈ ટેન્શન મત કરો. કુછ બાતેં હમારે હાથ મેં નહીં હોતી. મૈં કલ સુબહ ધ્યાન મેં બૈઠકર ફિરસે દેખ લુંગા ઔર આપકો ફોન પે બતા દુંગા." રંગનાથન બોલ્યા.

અને બે દિવસ પછી રંગનાથનનો ફોન અભિષેક ઉપર આવી ગયો.

"અભિષેકજી શાદી તો હો ગઈ હૈ લેકિન દોનોં કે બીચ અભી તક કોઈ ફિઝિકલ રિલેશન નહીં હુએ. હનીમૂન એન્જોય કરકે વો લોગ શિમલાસે વાપસ આ ગયે હૈ લેકિન વહાં ભી કોઈ રિશ્તા નહી હુઆ. મુઝે લગ રહા હૈ કી કોઈ શક્તિ દોનોં કો એક દૂસરેસે કરીબ જાને સે રોક રહી હૈ. કોઈ તો હૈ જિસને કુછ કિયા હૈ. વરના ઐસા કભી નહીં હો સકતા. " રંગનાથન બોલ્યા.

" હું તમારી વાત સમજ્યો નહીં રંગનાથનજી. કોઈ શક્તિ એ બંનેને નજીક આવતાં રોકી રહી છે એટલે ?" અભિષેકે પૂછ્યું.

" મતલબ વહાં કોઈ ઔર ભી હૈ જો યે રાઝ જાનતા હૈ. આપકે પરિવારકે કલ્યાણ કે લિયે ઉસને કોઈ શક્તિ ભેજી હૈ. આપકે ભાઈકો હનુમાનજી કી સુરક્ષા મિલ રહી હે. મુઝે લગતા હૈ આપકે ઘર મેં સે હી કિસીને યે કામ કરવાયા હૈ. આપકો પતા હો યા ના હો લેકિન યે બાત સચ હૈ." રંગનાથન બોલ્યા.

રંગનાથની વાત સાંભળીને અભિષેક વિચારમાં પડી ગયો. ઘરની જ કોઈ વ્યક્તિ જાણતી હોય તો દાદાજી સિવાય બીજું કોઈ જ ના હોઈ શકે. કારણ કે સગાઈ પછી જ્યારે ઇન્ડિયા જઈને પોતે દાદા સાથે વાત કરી હતી ત્યારે દાદા પણ આવું કંઈક જાણતા હતા એવી વાત થયેલી. પણ પછી એમણે એમ પણ કહેલું કે કૃતિ ઘણી સંસ્કારી છોકરી છે એટલે આપણે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી.

પરંતુ રંગનાથનજી જે કહે છે એ સો ટકા સાચું જ હોય !! એમની પાસે પણ ઘણી સિદ્ધિ છે. એનો મતલબ એ જ થયો કે દાદાજીએ પરિવારની સુરક્ષા માટે થઈને બંનેને અલગ રાખવા માટે કોઈને કામ સોંપ્યું હોય ! પણ આવું દાદાજી શું કામ કરે ? પોતાના પૌત્રના સાંસારિક સુખની આડે એ કેવી રીતે આવે ?

અને તરત જ અભિષેકને ટ્યુબલાઈટ થઈ કે રાજકોટના ગુરુજી સિવાય આ કામ બીજું કોઈ જ ના કરી શકે. દાદાને ગુરુજી ઉપર પુષ્કળ વિશ્વાસ છે અને ગુરુજી પણ સિદ્ધ મહાત્મા છે. એટલે ગુરુજીએ અનિકેત અને કૃતિને એકબીજાથી દૂર રાખ્યાં હોય !

પરંતુ લગ્ન કર્યા પછી બંને વચ્ચે જો શારીરિક સંબંધો જ ના થાય તો પછી લગ્નજીવન કેટલું ટકે ? અનિકેત સાથે લગ્ન કરીને આવ્યા પછી કૃતિનાં પોતાનાં પણ અરમાન હોય ! એક તો લગ્ન પણ બંનેએ એકલાં જ કરવાં પડ્યાં એટલે લગ્નનો પણ કોઈ આનંદ નહીં !

બંને એકદમ યુવાન છે. ક્યાં સુધી એમને અલગ રાખવાં ? - મનમાં સવાલો ઘણા ઊભા થતા હતા. પણ આ બાબતે ચર્ચા કરવી પણ કોની સાથે ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)