Kaalchakra - 5 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કાલચક્ર - 5

( પ્રકરણ : પાંચ )

બસના બધાં વિદ્યાર્થીઓ, દસ યુવાન અને પાંચ યુવતીઓ બસના વિન્ડ શીલ્ડ આગળના કાચ તરફ ફાટેલી આંખે જોઈ રહ્યાં હતાં.

કાચની બહાર, બે મોટી-મોટી-રાક્ષસી આંખો દેખાઈ રહી હતી. એ આંખો લીલા રંગની હતી અને એમાંની કીકીઓ લાલઘૂમ-જાણે એમાં લાવા ભભૂકતો હોય એમ તગતગતી હતી. ‘કોઈ માણસની આંખો કરતાં બે-ત્રણ ગણી મોટી એ ભયાનક આંખો કોની હતી ?’ એ વિશે બધાં કંઈ સમજે-કરે ત્યાં જ એ આંખો ગૂમ થઈ ગઈ.

ધબ્‌ ! બીજી જ પળે બસની પાછળની બાજુથી અવાજ સંભળાયો, એટલે બધાંએ ચીસ સાથે આગળની તરફ ભેગા થઈ જતાં પાછળના કાચ તરફ જોયું.

હવે પાછળના એ કાચની બહાર એ બે ભયાનક આંખો દેખાઈ રહી હતી.

ઈરફાને પોતાના હાથમાંની ટોર્ચ ચાલુ કરીને એનું અજવાળું એ આંખો તરફ રેલાવ્યું. હવે એ તરફનું દૃશ્ય ચોખ્ખું દેખાતાં જ બધાંના શરીરમાંથી અરેરાટી નીકળી જવાની સાથે જ નેહા અને સ્મિતાના મોઢેથી ચીસ પણ નીકળી ગઈ. નતાશા, શિલ્પા ને લવલીની હાલત પણ સારી નહોતી.

સામે-બસની પાછળના એ કાચની બહાર એક ભયાનક ચહેરાવાળો માણસ, ચામા-ચીડિયાની જેમ ઊંધા માથે લટકી રહ્યો હતો. એ ભયાનક માણસે કાળી કૅપ પહેરેલી હતી ! એનો ચહેરો સામાન્ય માણસ કરતાં બે-ત્રણ ગણો મોટો હતો ! એના રાક્ષસી ચહેરાની ચામડી ચીરાયેલી ને લટકી પડેલી હતી ! એના જાડા ભદ્દા હોઠ લબડી રહ્યા હતા. એની પર લોહી ચોંટેલું હતું ! એની લાવા ઓકતી આંખો મિલિન્દના ચહેરા પર તકાયેલી હતી.

‘અરે, બાપ રે...!’ પોતાની તરફ તાકી રહેલા એ ભયાનક માણસ તરફ જોઈ રહેતાં મિલિન્દ ફફડતાં અવાજે બોલ્યો : ‘આ... આ મને કેમ જોઈ રહ્યો છે ?’ અને મિલિન્દ સીટ પર બેસી ગયો, એટલે તેની પાછળ ઊભેલો કરણ એ ભયાનક માણસની બરાબર સામે આવી ગયો.

એ ભયાનક માણસ જાણે કંઈક સૂંઘતો હોય એમ એેણે નાક ઊંચું-નીચું કરતાં ઊંડો શ્વાસ લીધો.

‘આ જે કોઈ પણ છે..,’ કરણ બોલ્યો : ‘...પણ એ કંઈક સૂંઘતો રહે છે.’ અને તે બાજુની સીટ પર બેસી પડયો, એટલે તેની પાછળ ઊભેલી લવલી એ ભયાનક માણસની સામે ગઈ. તે થરથર કાંપતાં બેસી ગઈ, એટલે તેની પાછળ ઊભેલો અનૂજ એ ભયાનક માણસની બરાબર સામે આવી ગયો.

અનૂજ પરાણે હિંમત જાળવી રાખતાં ઊભો રહ્યો. તે એ ભયાનક માણસ તરફ જોઈ રહ્યો. એ ભયાનક માણસે પોતાનું મોઢું ખોલ્યું. એેના દાંત દેખાયા. એના દાંત કોઈ જંગલી પ્રાણી જેવા લાંબા અને તીણાં હતાં ! એ દાંત પર લોહી ચોંટેલું હતું.

એ ભયાનક માણસે પોતાનો હાથ આગળ કર્યો. એેના હાથની આંગળીઓ લાંબી-લાંબી અને એમાંના નખ કોઈ ચપ્પુ જેવા લાંબા અને અણીદાર હતા.

એ ભયાનક માણસે અનૂજ તરફ પોતાની પહેલી આંગળી ચિંધી અને અનૂજને પોતાની તરફ બોલવાતો હોય એમ બે-ત્રણ વાર આંગળી વાળી ને હલાવી. ‘ઈરફાન !’ સીટ વચ્ચે ઊભેલા ઈરફાનની બાજુમાં અને અનૂજની પાછળ ઊભેલા જેકબે ધીરેથી કહ્યું : ‘ટોર્ચ બુઝાવી દે, ઈરફાન.’

ઈરફાને ટોર્ચ બુઝાવી દીધી. પણ અનૂજ હવે એ ભયાનક માણસની કાતિલ નજર સામે ટકી શકયો નહિ, તે બાજુની સીટ પર બેસી પડયો. હવે જેકબ એ ભયાનક માણસ સામે આવી ગયો.

એ ભયાનક માણસ, બસના પાછળના કાચની બહાર ઊંધા માથે લટકી રહ્યો હતો. ઈરફાને ટોર્ચ બુઝાવી નાંખી હતી, એટલે હવે એ ભયાનક માણસનો ચહેરો ચોખ્ખો દેખાતો નહોતો. જોકે, ચંદ્રના ઝાંખા અજવાળામાં એ ભયાનક માણસનો જેટલો ચહેરો દેખાતો હતો, એ પહેલાં કરતાં કંઈક વધુ ભયાનક ભાસતો હતો.

એ ભયાનક માણસની લાલ અંગારા ઓકતી કીકીઓવાળી લીલી આંખો જેકબના ચહેરા તરફ જ તકાયેલી હતી. એ ભયાનક માણસે પોતાનું મોઢું ખોલ્યું અને જીભ બહાર કાઢી.

એની જીભ જોતાં જ જેકબના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. એ ભયાનક માણસની જીભ માણસ જેવી નહિ, પણ કોઈ ઝેરીલા સાપ જેવી, બે મોઢાંવાળી અને ખાસ્સી લાંબી હતી ! એણે પોતાની જીભને હોઠ પર ફેરવી.

જેકબે હિંમતનો એક ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો. ‘તેણે આ ભયાનક માણસને ભગાવવા માટે રિવૉલ્વરની ગોળી ચલાવવી જોઈએ.’ નિર્ણય લેતાં તે પોતાના હાથમાં રહેલી આલ્બર્ટ સરની રિવૉલ્વર એ ભયાનક માણસ તરફ તાકવા ગયો, ત્યાં જ એ ભયાનક માણસે પોતાના બન્ને હાથથી આખી બસને, જાણે બસ કોઈ રમકડું હોય એમ જોર-જોરથી હલાવવી માંડી. જેકબ પોતાનું બેલેન્સ ગુમાવતાં બાજુની સીટ પર પડયો અને તેના હાથમાંથી રિવૉલ્વર છટકીને નીચે પડી, તો બસમાં ચીસાચીસ મચી ગઈ.

‘યશ !’ રોમિતે ઉતાવળા અવાજે કહ્યું : ‘જલદી દરવાજો ખોલી નાંખ !’ ‘શું આપણે બહાર નીકળી જવું છે ?’ યશે હલબલી રહેલી બસમાં બેલેન્સ જાળવતાં-દરવાજા તરફ આગળ વધતાં પૂછયું.

‘હા !’ રોમિતે કહ્યું : ‘...લાગે છે કે, એ અંદર આવી જશે !’

યશ દરવાજો ખોલવા ગયો, ત્યાં જ ધમ્‌ના અવાજ સાથે એ ભયાનક માણસ દરવાજાની બારી બહાર આવી ગયો.

ચીસ પાડતો યશ પાછો દરવાજાથી દૂર થઈ ગયો.

બાકીના બધાં પણ ચીસાચીસ સાથે દરવાજાથી દૂર હટી જતાં, એ તરફ જોઈ રહ્યાં, ત્યાં જ એ ભયાનક માણસ દરવાજા બહારથી દેખાતો બંધ થઈ ગયો અને જાણે એ ભયાનક માણસ બસની છત પર દોડવા માંડયો હોય એમ ધબ્‌-ધબ્‌-ધબ્‌ અવાજ આવવા લાગ્યો.

બસમાં ચીસાચીસ મચી ગઈ.

-ધબ્‌-ધબ્‌-ધબ્‌ !

‘આ ભયાનક માણસ શું કરી રહ્યો હતો ?’

-ધબ્‌-ધબ્‌-ધબ્‌ !

‘આખરે તેમણે આ ભયાનક માણસથી બચવા માટે શું કરવું જોઈએ ? !’

-ધબ્‌-ધબ્‌-ધબ્‌ ! નો અવાજ આવ્યો અને પછી એકદમથી જ અવાજ બંધ થઈ ગયો.

બધાં છત તરફ જોઈ રહ્યા.

‘હવે...હવે એ ભયાનક માણસ શું કરશે ? !’

ત્યાં જ લવલીની બાજુમાં ઊભેલી નેહાની નજર લવલીના ચહેરા તરફ ગઈ.

લવલીના ચહેરા પર જાણે તેને ચકકર ચઢયા હોય એવા ભાવ હતા.

‘લવલી !’ નેહાના મોઢામાંથી નીકળ્યું, ત્યાં જ લવલી ચકકર ખાઈને પડવા ગઈ, પણ બાજુમાં ઊભેલા રોમિતે એને પકડી લીધી.

લવલીને પકડીને સીટ પર બેસી જતાં રોમિતે જોયું તો એની આંખો બંધ હતી. ‘લવલી ! શું થયું, લવલી !’ રોમિતે લવલીને હલબલાવી, પણ લવલીએ કોઈ જવાબ આપ્યો નહિ.

‘લવલી...!’ શિલ્પા બોલી, ત્યાં જ લવલીએ પોતાની પાંપણો ખોલી નાંખી.

લવલીની નજીક રહેલા રોમિત, જેકબ, અનૂજ, ઈરફાન અને નેહાએ તેમ જ શિલ્પાએ જોયું તો લવલીની કીકીઓ ઉપર ચઢી ગઈ હતી ! તેની આંખોનો સફેદ ભાગ જ દેખાતો હતો !

‘લવલી !’ શિલ્પા આગળ બોલવા ગઈ, ત્યાં જ લવલીનું શરીર ખેંચાયું. ‘લવલી ! શું થાય છે, તને ?’ નેહાએ ચિંતાભેર પૂછયું. પણ લવલીને કોઈનો અવાજ સંભળાતો નહોતો. તે તો અત્યારે જાણે કોઈક બીજી જ દુનિયામાં હતી ! અત્યારે તે એક ખેતરમાં ઊભી હતી ! ઓમકારના ખેતરમાં !

થોડાંક કલાક પહેલાં, પેલો ચાડિયો-ભયાનક માણસ જેના દીકરા નંદુને આ- કાશમાં ઉડાવી ગયો હતો, એ ઓમકારના ખેતરમાં લવલી ઊભી હતી !!

લવલીથી થોડેક જ દૂર આવેલા ઓમકારના મકાનની નજીક ઊભેલી ટાટા મોબાઈલને ઓમકારનો મોટો દીકરો ચંદર રિપૅર કરી રહ્યો હતો. પણ એનું ધ્યાન લવલી તરફ નહોતું.

‘ક્રાં....ક્રાં....ક્રાં. ’નો કાગડાંનો અવાજ કાને પડયો, એટલે લવલીનું ધ્યાન માથા ઉપર ગયું. તેના માથા ઉપરથી બે મોટા કાગડાં પસાર થઈને થોડેક દૂર, ક્રોસ જેવા ઊભા અને આડા લાકડાં પર લગાવેલાં ત્રણ ચાડિયા તરફ આગળ વધ્યા. એ બન્ને કાગડાં ડાબી બાજુના પહેલા ચાડિયાના બન્ને હાથ પર બેઠાં.

લવલી એ તરફ આગળ વધી.

તે એ ચાડિયાથી થોડેક દૂર પહોંચીને ઊભી રહી. તે માણસનું મહોરું અને લાંબો-કાળો ઝભ્ભો-ડગલો તેમજ માથે કાળી કૅપ પહેરેલા એ ચાડિયાને જોઈ રહી, ત્યાં જ તેના કાને તેની પીઠ પાછળથી કંઈક બબડાટ સંભળાયો.

તેણે પાછળ ફરીને જોયું, તો થોડેક જ દૂર, પીળા ટી-શર્ટવાળો, કપાળમાં ઘા થયેલો અને ડાબો હાથ કપાયેલો યુવાન ઊભો હતો. એ યુવાન તેની તરફ જોઈ રહેતાં ઝડપભેર કંઈક બોલી રહ્યો હતો. પણ એ શું બોલી રહ્યો હતો, એ લવલી સમજી શકી નહિ.

‘ક્રાં...ક્રાં...ક્રાં...!’ લવલીના કાને ફરી કાગડાંનો અવાજ પડયો, એટલે તેણે એ યુવાનના ચહેરા પરથી નજર હટાવીને ચાડિયા તરફ જોયું. ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા એ બન્ને કાગડાંની નજર તેની પર જ ચોંટેલી હતી !