Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - પૃથ્વીની પ્રદક્ષિણા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - પૃથ્વીની પ્રદક્ષિણા

શીર્ષક : પૃથ્વીની પ્રદક્ષિણા
©લેખક : કમલેશ જોષી
એક દિવસ સાંજના સમયે હું, બહેન, બનેવી, મમ્મી, પપ્પા સૌ ડાયનીંગ ટેબલ પર બેસી ચા પી રહ્યા હતા, ત્યાં મારો ભાણિયો ગૅઇટ ખોલી ઘરમાં દાખલ થયો. દફતર સોફા પર ફગાવી, જાણે સ્કૂટરનું સ્ટીયરીંગ પકડતો હોય એમ બે હાથ હવામાં આગળની તરફ લંબાવ્યા અને જાણે સ્કૂટરની કિક મારતો હોય એમ એક પગ હવામાં ઊંચકી જમીન પર પછાડ્યો અને મોઢેથી ‘હનનન...’ એવો અવાજ કરી લીવર દેતો હોય એવી મુદ્રામાં હાથ ઘુમાવતો અમારી ફરતે દોડવા લાગ્યો. "અલ્યા, આ શું કરી રહ્યો છે...?" અમે પૂછતાં રહ્યા પણ ટ્રાફિક પોલીસની સિટીને ગણકાર્યા વિના જેમ લાયસન્સ વગરનો ડ્રાઈવર ગાડી ભગાવી મૂકે એમ એ તો અમારી ફરતે રાઉન્ડ મારવા લાગ્યો. અમારા ડોકાં એના રાઉન્ડ મુજબ ચારેય દિશામાં ગોળ ગોળ ફરતા રહ્યા. આખરે થાકીને એ ફરી સોફા પાસે ગયો અને જાણે સ્કૂટર પાર્ક કરતો હોય એમ હેન્ડલ લોક મારી સોફા પર ફસડાઈને બેસી ગયો. અમે ચાના આખરી ઘૂંટ પૂરા કર્યા અને એની મમ્મીએ એને ચા નાસ્તો પીરસ્યા. હું એની બાજુમાં ગોઠવાયો અને હસતા હસતા પૂછ્યું, "સ્કૂટર ચલાવતા શીખતો હતો?"
એ બોલ્યો, "ના વર્લ્ડ ટૂર કરતો હતો." અન એક્સ્પેકટેડ જવાબ સાંભળી હું સાવચેત થઈ ગયો. હમણાં ગુગલી આવશે. એણે મારી સામે જોતા પૂછ્યું,
"મામા, એક પ્રશ્ન પૂછું?" હું સાવધાન થયો. મારો જવાબ લીધા વિના એણે પૂછ્યું,
"સૌથી પહેલી વર્લ્ડ ટૂર કોણે કરી હતી?" હું વિચારમાં પડી ગયો. કોલંબસે કરી હશે કે વાસ્કો ડી ગામા એ? મેં મોબાઈલ હાથમાં લીધો ત્યાં એ બોલ્યો,
"સોરી.. મોબાઈલ નોટ એલાઉડ.."
મેં કહ્યું, "ધેન.. આઈ ક્વિટ... જવાબ નથી આવડતો.." એની આંખોમાં વિજયી સ્મિત આવી ગયું અને એ બોલ્યો,
"કાર્તિકેય સ્વામીએ.. અને ગણપતિ દાદાએ..." હું એની સામે જોતો જ રહી ગયો.

બાળપણમાં દાદીમા પાસે કથા સાંભળેલી કે એક વખત ગણેશજી અને કાર્તિકેય વચ્ચે કોણ ચઢિયાતું એ બાબતે વિવાદ થયો ત્યારે માતા-પિતા શિવ-પાર્વતીએ ઉકેલ કહેલો કે જે આખી પૃથ્વીની ફરતે ચક્કર મારી પહેલો પરત આવે એ ચઢિયાતો. કાર્તિકેય સ્વામી તો પોતાના વાહન મોર પર સવાર થઈ નીકળી પડ્યા, પણ ગણપતિ દાદાની એક તો મોટી કાયા અને બીજું એમનું વાહન મૂષક એટલે કે ઉંદર એટલે એમની હાર તો નિશ્ચિત હતી. પણ બુદ્ધિના દેવ ગણપતિ દાદાએ પોતાની ઈન્ટેલીજન્સ વાપરી અને માતા-પિતાની પ્રદક્ષિણા કરી અને શિવ-પાર્વતીએ પણ એ પ્રદક્ષિણાને પૃથ્વી ફરતેની પ્રદક્ષિણાની ઇકવીવેલન્ટ હોવાનું સર્ટીફીકેટ આપ્યું. હું મારા ભાણિયા સામે બે હાથ જોડી ગયો. આજની પેઢી ખરેખર બહુ તેજ છે.

ટીવી પર તલવારું લઇને છડે ચોક ઢીકા-પાટું કરતા કે બાઇક પર જીવ સટોસટના સ્ટંટ કરતા કે પથ્થર બાજી કરતા જુવાનીયાને જોઈ-જોઈને જો આજની આખી યુવા પેઢી ગુમરાહ થઈ ગઈ છે એવું આકલન કરશો તો તમે ખુદ ગુમરાહ થઈ જશો. હજુ હમણાં બે દિવસ પહેલા જ ગુજરાત ભરમાં પ્રદેશ કક્ષાનો યુથ ફેસ્ટીવલ ઉજવાયો. સ્ટેજ ઉપર વાંસળી, હાર્મોનિયમ, તબલા, ઢોલ, મંજીરા જેવા વાદ્યો પર જે પકડ આપણા પંદર-વીસ-પચ્ચીસ વર્ષના યુથે જમાવી છે એ જોઈ, સાંભળી તમે મંત્રમુગ્ધ થઈ જાત એની મારી ગેરંટી. એમના મુખે લોકગીત, લોકવાર્તા, ભજન, શીઘ્ર વકતૃત્વ જેણે સાંભળ્યું એ તમામને થયું કે ટીવી ચેનલ વાળાઓ તલવારું અને પથરાવાળાઓની જન્મકુંડળી પાછળ ટાઈમ વેસ્ટ કરવાની બદલે આ સૂર-સંગીતના ઉપાસકોએ મેળવેલી સિધ્ધિઓને ઉજાગર કરવામાં ટાઈમ ઇન્વેસ્ટ કરે તો સમાજ આખાનું ચિત્ર બદલી જાય. છ-સાત કલાકની મુસાફરી કરી, સ્ટેજ પર છ-સાત મિનિટમાં જ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દેતા આ જુવાનીયાઓને જોઈ, મને એમની ઉપર માન થઈ ગયું. દસ-પંદર મિનિટના આ મહેમાનોએ આપેલા પરફોર્મન્સે શ્રોતાઓને છેક ભીતર સુધી પોઝીટીવ વાઈબ્સથી ભરી મૂક્યા.
હમણાં થોડા દિવસ માટે ગણપતિ દાદા આપણા મહેમાન બન્યા હતા. તમે કોર્પોરેટર કે સરપંચ હો અને તમારા ઘરે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બે'ક દિવસ રોકવા આવે તો તમે એની સાથે કેવો વ્યવહાર કરો? તમે નાટ્ય કલાકાર હો અને અમિતાભ બચ્ચન તમારા ઘરે બે-પાંચ દિવસ રોકાવા આવે તો એ દિવસો દરમિયાન તમારા વાણી-વર્તન અને વિચારો કેવા હોય? તમે બે'ક દુકાનના માલિક હો અને અંબાણી ફેમિલી તમારા ઘરે એક અઠવાડિયું રોકાવા આવે તો તમે એની પાસે કેટલા ફાંકા મારો? તમે એકાદ સોફ્ટવેર બનાવ્યો હોય અને બિલગેટ્સ તમારા ઘરે બે'ક દિવસ રોકાવા આવે તો તમે શું અનુભવો. મુખ્યમંત્રીઓ કહો કે ફિલ્મસ્ટારો, બિઝનેસ ટાયકુન્સ કહો કે વર્લ્ડ ચેમ્પિયન્સ કહો, એમની સાથેની એકાદ મુલાકાત કે એકાદ ફોટો પણ આપણને આખી જિંદગી માથું ઊંચું કરી ફરવાની પ્રેરણા જો આપતો હોય તો, આ સૌ જેની સામે હાથ જોડીને ઉભા રહે, એવા રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદા આપણા ઘર, શેરી, સોસાયટીમાં દસ દિવસ રોકાઈ ગયા. શું લાગે છે આપણામાં કોઈ જ ફર્ક નહિ પડે? અગિયાર દિવસ પહેલા આપણે જેવા હતા એવા જ થઈ જઈશું? એમના વિસર્જનની સાથે આપણી ભીતરે દસ-બાર દિવસ જે ઉર્જા સંચાર થયો હતો એનું પણ આપણે વિસર્જન કરી નાખીશું?

એક વડીલે મસ્ત કહ્યું. વર્લ્ડ ટૂર એટલે આખી દુનિયામાં પથરાયેલા નોલેજની, અનુભવોની ટૂર. આપણા માતા-પિતાએ, દાદા-દાદીએ આપણા કરતા દુનિયા વધુ જોઈ છે. ભલે એમણે હોંગકોંગ કે દુબઈ કે લંડન કદાચ નહિ જોયું હોય પણ શું કરવાથી ભીતરે શાંતિ-સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે અને કઈ બાબતો સુખ-ચેન છીનવી લેનારી છે એનો તો એમને આપણા કરતા વધુ અને પાક્કો અનુભવ છે. એમની પાસે બેસી એમની વાતોને એમના વિચારોને સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળવા, એને અનુસરવા પ્રયત્ન કરવો એ વર્લ્ડ ટૂરથી પણ મોટી વાત છે.

મિત્રો, આજનો રવિવાર તમારા ઘરની દીવાલ પર જે પિતૃઓની છબીઓ ટીંગાડેલી છે એમની સામે બે હાથ જોડી શ્રદ્ધા પૂર્વક બેસી એમના જીવનની ગૌરવશાળી ઘટનાઓ વાગોળી, એમણે લાઈફમાં જે પોઝીટીવ કાર્યો કર્યા એ સમજવાનો અને એમની એ લાઈફ સ્ટાઈલને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો તેઓનું સાચું શ્રાદ્ધ થઈ જશે અને તેઓ જ્યાં હશે ત્યાંથી હરખાઈને તમને આશીર્વાદ આપશે, એવું મારું તો માનવું છે, તમે શું માનો છો? ગણપતિ દાદા પણ માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા આપણને એવું જ કૈંક સમજાવવા માંગતા હતા એવું તમને નથી લાગતું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)