If you play with the child, the child's mobile obsession will be released. in Gujarati Children Stories by Jagruti Pandya books and stories PDF | બાળક સાથે રમશો તો બાળકનું મોબાઈલ વળગણ છૂટશે જ.

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બાળક સાથે રમશો તો બાળકનું મોબાઈલ વળગણ છૂટશે જ.

બાળક સાથે રમશો તો બાળકનું મોબાઈલ વળગણ છૂટશે જ.


નમસ્તે વાચક મિત્રો. વર્તમાન સમયમાં આપણાં બાળકો માટે સૌથી મોટું દુષણ જો કોઈ હોય તો તે છે મોબાઈલ. મારા અત્યાર સુધીમાં કરેલાં નિરીક્ષણો અને માનસિક સ્તરે કરેલાં સંશોધનનો એક સાર છે કે, જો તમે બાળક સાથે રમશો તો બાળક મોબાઇલને અડકશે પણ નહી. શું તમને લાગે છે કે, બાળકને મોબાઈલનું વળગણ આપણે જ જાતે લગાડ્યું છે ! જી હા, આપણે પોતે જ જવાબદાર છીએ. આજકાલના બાળકોને જીભ અને પગ પછી આવે છે, પરંતુ મોબાઇલ ચલાવતા તો જાણે જન્મથી જ શીખીને આવે છે. ફોનમાં ગીતો કેવી રીતે વગાડવા, વિડીયો કેવી રીતે મૂકવા કે નાચતા-ગાતા લોકોની રીલ્સ ક્યાં જોવી તે પણ બાળકો શીખી લે છે. પહેલી નજરમાં તો એવું લાગે છે કે વાહ, આપણા બાળકે આ નાની ઉંમરે જ ટેક્નોલોજીમાં મજબૂત પકડ બનાવી લીધી છે, પરંતુ માતાપિતાની મુશ્કેલીઓ ત્યારે શરૂ થાય છે, જ્યારે બાળક આખો દિવસ મોબાઇલ સાથે વળગી રહે છે અને જ્યારે તેને મોબાઇલ બંધ કરવાનું કહેવામાં આવે છે અથવા તેની પાસેથી છીનવી લેવામાં આવે છે, ત્યારે તે રડવાનું શરૂ કરી દે છે. શું તમારા ઘરની પણ આવી જ સ્થિતિ છે અને તમારા બાળકને પણ મોબાઇલની લત લાગી ગઇ છે? જોઈએ થોડાઘણાં ઉદાહરણો.


બાળકને મોબાઈલની લત કેવાં સંજોગોમાં લાગી ?

સૌપ્રથમ તો, ગર્ભવતી સ્ત્રીઓએ જ્યારે પોતાનાં ગર્ભમાં બાળક હોય છે ત્યારથી જ મોબાઇલનો ઉપયોગ બંધ કે ઓછો કરવો. માતા પિતા પાસે જ્યારે બાળક સાથે રમવાનો સમય નથી હોતો ત્યારે તેઓ બાળકને મોબાઈલ આપીને કામ પૂરું કરે છે. મારા ઘરે કામ કરવા આવતાં બહેનની દિકરી ત્રણ જ મહિનાની છે. આ કુમળું બાળક, કેટલી નાજુક આંખો હોય છે, પણ તેનાં મમ્મી બાળક જ્યારે એકીટશે મોબાઈલ જુવે છે ત્યારે તેને જોઈને ખુશ થાય છે. આ ત્રણ મહિનાની બાળકી જ્યારે મોબાઈલ જોતી હોય ત્યારે આપણે તેને બોલાવવા તાળીઓ પાડીએ, ચપતીઓ વગાડીએ, કોઈ સંગીતનું સાધન વગાડીએ કે તેનાં ગાલ પર હાથ મૂકીને આખુ એનુ મોં આપણી તરફ ફેરવીએ છતાં પણ તેની નજર મોબાઈલ પરથી હટતી નથી. એક બાળક મોબાઈલ વિના જમે નહીં. જમતી વખતે તેને મોબાઈલ જોઈએ જ. અમારા એક મિત્રનું બાળક જ્યારે તેને ટોઇલેટ લાગે ત્યારે આકાશ પાતાળ એક કરીને તેને મોબાઈલ આપવો જ પડે તો જ તે ટોઇલેટ જાય! મને તો ત્યારે ખૂબ નવાઈ લાગી, આ કેવું ? મોબાઈલ વિના ટોઇલેટ નહી! આ બધું ઊંડાણ પૂર્વક વિચારીએ ત્યારે ખબર પડે કે, આવી અને આના જેવી ઘણી બધી કુટેવો બાળકોને કોણે પાડી ? બાળક તો કુમળાં છોડ જેવો છે, જેમ વાળીએ તેમ વળે.


શું કરી શકાય ?

બાળકની પસંદગીની રમત રમો અથવા તેને નવી નવી રમતો શીખવો.

અમારો જયક્રિષ તેને મોબાઈલ પણ ગમે ; ટી. વી. માં તારક મહેતા ખૂબ ગમે પરંતું જ્યારે અમે તેની સાથે ઉનો રમીએ તો તેને બહુ જ ગમે. કલાકો સુધી તેનાં મમ્મી - પપ્પા ( ભૂમિ - દિપેન ) ઉનો રમે. જયક્રિષના પપ્પા નાયબ મામલતદાર અને મમ્મી ટીચર છે. બંન્નેને સાથે જ્યારે રજા હોય ત્યારે અવશ્ય તેમનાં બાળક સાથે તેની પસંદની રમતો રમે છે અને એટલો સમય જયક્રિષ મોબાઈલ અને ટી. વી. થી દૂર રહી મમ્મી પપ્પાનું સાનિધ્ય મેળવીને રમત દરમ્યાન ખેલદિલી અને સચ્ચાઈનાં ગુણો કેળવે છે. અત્યારનાં સમયમાં જ્યારે માબાપને પોતાનાં બાળક માટે સમય નથી ત્યારે
જયક્રિષ તેનાં પરિવાર સાથે રમી એક આદર્શ બાળકનું ઘડતર મેળવી રહ્યો છે. આ જોઈને એક વાત યાદ આવે છે કે, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દર રવિવારે તેમની દિકરી સાથે એક કલાક અચૂક રમતાં હતાં.

વાર્તાઓ અને પુસ્તકો :

બાળકોને વાર્તાઓ સંભળાવી બહુ ગમે છે. રમત જેટલી જ પ્રિય વાર્તા હોય. જો શરૂઆતમાં બાળક આનાકાની કરે તો પણ તમે એકલાં એકલાં વાર્તા સંભાળો કે વાર્તાના પુસ્તકો વાંચો. ડ્રોઈંગ રૂમની શોભા માટે અન્ય મોંઘીદાટ વસ્તુઓ નહી હોય તો ચાલશે પરંતુ બાળકોને ગમે તેવાં પુસ્તકોથી અવશ્ય સજાવો. બાળકો આપણે જે બોલીએ તે કરતાં જે કંઈપણ કરીએ છીએ તેનું અનુકરણ કરે છે માટે આપણે પણ વાંચીએ. બાળકોના પસંદગીના પાત્રોનાં જીવન ચરિત્રોનાં પુસ્તકો રાખો. બાળકના સારા રોલ મોડલ બનો. આ ભલે ખૂબ સાંભળેલી વાત લાગે, પરંતુ સત્ય એ છે કે બાળકો પણ માતાપિતાને જે કરતા જુએ છે તે શીખે છે. જો તમે પોતે દરેક સમયે મોબાઇલમાં વ્યસ્ત રહો છો, તો દરેક વાત પર મોબાઇલ (ફોન) તપાસતા રહો, દરેક બીજી ક્ષણે પર ફોટા અને વિડીયો લેતા રહો, તો બાળકો આ વસ્તુઓ શીખી જશે. એટલા માટે જરૂરી છે કે તમને પણ મોબાઇલથી દૂર રહેવાની આદત હોવી જોઇએ.


નારાજ થાય તો ન આપશો ફોન

જો તમે બાળકને એક વખત જીદ્દ કરવા પર તેના હાથમાં ફોન પકડાવી દેશો તો તેને મનમાં થશે કે જીદ્દ કરવાથી કે રિસાવાથી તેને ફોન મળી જશે. તેના તેનું ફોન એડિક્શન વધવાની સાથે તેને ગુસ્સો કરવાની આદત અને જીદ્દી સ્વભાવ થશે. તેથી બાળક ખોટી રીતે ગમે તેટલી જીદ્દ કરે તેને ફોન પકડાવવાનું ટાળશો. ડાઇનિંગ ટેબલ, સ્ટડી ટેબલ અથવા બેડ પર મોબાઇલનો ઉપયોગ કરવા દેશો નહીં. આનાથી તેમને દરેક સમયે મોબાઇલ પર રહેવાની ખરાબ ટેવ લાગે છે.



મોબાઇલમાંથી લાંબો બ્રેક - ટીનેજ વિપાસના કોર્સ:

અઢાર વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે વિપશ્યના સાત દિવસનો કોર્સ હોય છે જેમાં બાળકને આઠમા દિવસે મોબાઈલ આપવામા આવે છે. બાળક પ્રકૃતિ સાથે અને પોતાની જાત સાથે રહેવાની ઉત્તમ તક મળે છે. રોજ મોબાઈલમાં હોવું જરૂરી નથી. એક-બે દિવસ માટે મોબાઇલમાંથી બ્રેક પણ લઇ શકાય છે. તેનાથી બાળકોમાં પણ ધીરજ આવશે. તમે તેમને આ સમયે રમવા અથવા કોઈ અન્ય પ્રવૃત્તિમાં જોડાવા માટે બહાર જવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.


બાળકોને ફોસલાવવા માટે તમે તેમને થોડા સમય માટે ફોન આપી શકો છો. સાથે જ બાળકોએ આજકાલ સ્કૂલના કામમાં પણ ફોનનો ઉપયોગ કરવો જરૂરી બની ગયો છે. આવી સ્થિતિમાં, તેમને ફોનથી સંપૂર્ણપણે દૂર રાખી શકાતા નથી. તેથી જ તે મહત્વનું છે કે તમે બાળકો માટે સ્ક્રીનનો સમય મર્યાદિત કરો. બાળકોને થોડા સમય માટે ફોન આપો અને તે પછી તેમને ફોનનો ઉપયોગ ન કરવા દો. આ તેમને દરેક સમયે ફોનમાં વ્યસ્ત રહેવાની આદતથી દૂર કરી રાખશે.