હે સર્જનહાર પ્રભુજી,
વિધવિધતાથી રચેલી છે.
હે સર્જનહાર ! તારી આ દુનિયા.
તોય ખૂંચે છે આજ,
જોઈ માનવને ફાની આ દુનિયા.
              હે સર્જનહાર પ્રભુજી! મારા એકમાત્ર આસ્થાના કેન્દ્ર. આ ટેક્નોલોજીના યુગમાં પણ, આજે તમને પત્ર લખવાની કોશિશ કરું છું. માનવ પાસેથી તો કદાચિત્ જવાબની આશા હોય છે કે,કોઈ પ્રત્યુત્તર આવશે. પણ, જો બની શકે તો આપ પણ મારો આ પત્ર વાંચી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યુત્તર જરૂર વાળશો. એવી અભિલાષા સાથે મારા મનની વાત કરવા જઈ રહી છું. 
કોઈ ફરિયાદ નથી કરવી,
સઘળું તમારાથી પરિચિત છે.
માનવીને મન બધું અશક્ય તે, 
તમારા થકી તો કદાચિત્ છે.
               શું લખવું? અને કેવી રીતે અભિવ્યક્ત કરવું! એના માટે કોઈ શબ્દ નથી મળતા. માટીના કણકણને જોડી જેમ સૃષ્ટિ રચાય.તેમ અણુંએ અણુંને કંડારીને તમે આ સૃષ્ટિમાં જીવની રચના કરી છે.
           દરેક જીવમાં સંવેદના, રૂપ, કદ, આકાર આપી તેમાં પ્રાણ પૂરી તેને નાચતાં-કૂદતા કર્યા છે. વળી,તેને પણ સુખ-સુવિધા મળી રહે તે માટે આપે પ્રકૃતિની સુંદર ભેટ આપી છે. જીવનની સરળતા માટે ઋણાનુબંધ દ્વારા પરસ્પરના સંગાથ અને હુંફ માટે સુંવાળા સંબંધો પણ આપ્યા છે. આજે માનવી પાસે તમારું આપેલ સઘળું છે. કેમકે, તમે માગ્યું-વણમાંગ્યુ ઘણું આપ્યું છે. 
           છતાંય, આજે એક પ્રશ્ન મારી ભીતરથી સતત મને સાદ કરે છે. એટલે એ તમને  પૂછવો જ  છે. સમયના ચક્ર સાથે સતત કાળનું ચક્ર ચાલે છે, અને યુગો બદલાયા કરે છે. તેના થકી તમારા સંચાલન હેઠળ આ માનવીની પ્રકૃતિ (સ્વભાવ) પણ બદલાય છે. ચાર યુગની કથાઓમાં માનવતાને તમારા થકી પરિવર્તિત થતી સાંભળી છે. તમને મેળવવાની ઝંખનામાં સત્યયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ કે કળિયુગમાં દરેક વખતે આપે સૃષ્ટિને અવિરત ચલાવી જ છે. પણ, છતાંયે માણસની ભીતરની માનવતામાં આજે ઘણાં ઘણાં પરિવર્તનો જોઈ મન વિચલિત થયા કરે છે.
           કહેવાય છે કે, સત્યયુગમાં માનવીની માનવતાને જ સર્વોપરી મનાય છે. જે કળયુગમાં લગભગ ધરાશાયી થવાને આરે આવી જાય છે. હે ઈશ્વર, હે સર્જનહાર ! મારો તમને એ જ પ્રશ્ન છે કે આવું શા માટે ?  શું દરેક મનુષ્યની ભીતરની માનવતાને સદૈવ જીવંત ન રાખી શકાય? 
        કોઈ ફરિયાદ નથી કરતી. પરંતુ ,આજના યુગમાં માનવી દ્વારા થતા માનવીના અહિતને સાખી નથી શકાતા એટલે આ પ્રશ્ન થઈ આવ્યો. શા માટે આજે માનવ માનવનો દુશ્મન બન્યો છે? શા માટે આજે સબંધો પાંગળા બન્યા છે? શા માટે માનવના ભીતરમાંથી અયોગ્ય કર્મ માટે થઈ આવતો તમારા પ્રત્યેનો ભય અલિપ્ત થયો છે?  શા માટે તે કોઈની લાગણીઓ દુભાવતા કે  કોઈ હાની પહોંચાડવાના વિચાર સુધ્ધાથી પાછો નથી વળતો ? 
        હા, હું એ જાણું છું કે ,ઋણાનુબંધ કે કર્મ ફળ એવું કરાવવા મજબૂર કરે. પણ જો, આપ ધારો તો આ ચક્રને જ એવું વ્યવસ્થિત કરી શકો કે, ઋણાનુબંધ પણ વિધાયકતાના રંગે રંગાઈને ચોમેર ખુશીઓની ઉજાણી કરતું થઈ જાય.જેમ કોઈ માતા-પિતા ધારે તો પોતાના બાળકને ગમે તેવા કપરા માર્ગેથી કે  વિચલિત દશામાંથી પણ ઉગારી શકે. તો શું તમારા માટે પણ દરેક મનુષ્યને એકતા અને વિધાયકતાના રંગે ન રંગી શકાય ?  શું આપની રચેલી આ સૃષ્ટિને એક સ્વર્ગ જેવી પવિત્રતા અને સમૃદ્ધિ ન  આપી શકાય ?
            આવા તો ઘણા ઘણા પ્રશ્નો મનમાં થયા કરે છે. પણ ,ઉત્તર મળતા નથી. કારણકે ઘણીવાર મન પર કાબુ કરી જોયો. પણ, એય વેરી તમારા વશમાં છે. એટલે કોઈ વિચાર  સુજતો નથી. મારી ભીતરનાં દરેક પ્રશ્નનો ઉકેલ ચોક્કસ આપની પાસે હશે જ. જો બની શકે તો ઝડપથી મારા આ પત્રનો પ્રત્યુત્તર વાળજો. જેથી કરીને મારા વ્યાકુળ મનને હું શાંત કરી શકુ. વધુમાં કંઈ કહેવું નથી.
હે સર્જનહાર! કણમાંથી રચ્યો ,
જે માણસની દોરી તુજ હાથમાં. 
નાચ નચાવે,બોલ બોલાવે, 
સબંધની સોગાતમાં. 
એક જ મનની આશા, 
વાળજો ઉત્તર મીઠી વાતમાં.
જો બની શકે તો, દોરી અમારી.
રાખજો તમારા હાથમાં.
ભક્તિનું ભાથું જો આપો તો, 
રહેવું તમારી સાથમાં.
          આપના ઉત્તરની પ્રતીક્ષામાં વ્યાકુળ. આપ દ્વારા સર્જાયેલી આપની જ એક જીવંત કઠપૂતળીની ચરણવંદના સહ વિનંતી સ્વીકારશો.
                                              લી.
                                   આપનું જ એક જીવંત સજૅન.