Mrugjadi Dankh - 9 in Gujarati Short Stories by Kuntal Sanjay Bhatt books and stories PDF | મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 9

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 9

પ્રકરણ ૯


સાંજે કવિતાને જોવા હેમા અને મિતેષ આવ્યા. કવિતાને આમ જોતાં જ હેમાની આંખો લાગણીથી ભરાઈ ગઈ અને મિતેષની તિરસ્કારથી લાલ થઈ ગઈ. હેમાને જોઈ કવિતાથી રડવાનું ખાળી ન શકાયું અને એનાથી ધ્રુસકું મુકાઈ ગયું પણ સાથે ટાંકાની અસહ્ય પીડાને કારણે ઉંહકારો નીકળી ગયો અને હાથ ટાંકા ઉપર મુકાઈ ગયો. ગળે હાથ મૂક્યો કે તરત પરમ દોડી આવ્યો. હેમા રૂમની બહાર જતી રહી પાછળ મિતેષ પણ દોડી ગયો. પરમે માથે હાથ ફેરવી એને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો. " તું જેટલું રડશે, જેટલો બળાપો કરશે એટલી તકલીફો વધતી જશે થયું એ ન થવાનું તો થશે નહિ. હવે તું સારી થઈ જાય એટલે બસ." હેમા તો દોડીને સીધી એની કાર પાસે જ જતી રહી. મિતેષ પણ આવી પહોંચ્યો એણે ચૂપચાપ કારનો દરવાજો ખોલ્યો. બેસતાં જ હેમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. " કેવો સુખી સંસાર કેવો વિખેરાઈ ગયો? આ બધું ભૂલવું બહુ અઘરું છે મિતેષ. હજી એ પાછી નહિ ફરત પણ પેલો છોકરો એની મમ્મીને મળવા લઈ જવા માંગતો હતો એટલે આ ગભરાઈ. પણ બહુ મોડું થઈ ગયું." મિતેષે એને રડી લેવા દીધી અને બોલી લેવા દીધી. પછી બોલ્યો, " છોડ હવે એનાં નસીબમાં એવું હશે બીજું શું? બોલ, આજે મારી સ્વીટહાર્ટને ક્યાં ફરવા લઈ જાઉં? ફરશે તો મૂડ સુધરશે." અને એ કોઈ જવાબ આપે એ પહેલાં જ મિતેષે કાર હેમાના મનગમતાં લોકેશન તરફ વળી લીધી.


બેડ નજીક પડેલી ખુરશી ખેંચી પરમ કવિતાને માથે હાથ ફેરવતો ફેરવતો મૃત્યુંજય મંત્ર બોલી રહ્યો હતો. કવિતા ધીમે ધીમે શાંત થઈ રહી હતી. ઘેન ચડી રહ્યું હતું, આટલાં ઇન્જેક્શન અને ટ્રીટમેન્ટની અસર જ હતી બાકી એનાં વિચારો એને સૂવા દે એમ નહોતાં. એ સૂઈ ગઈ એટલે પરમે મિતેષને ફોન કર્યો, " ભાભી ઠીક છે ને? આટલાં ઢીલા મેં પહેલીવાર જોયા." "હા, ઠીક છે અમે હમણાં બહાર ફરવા નીકળ્યા છીએ." જવાબ મળ્યો એટલે પરમ સમજી ગયો કે ભાભીનો મૂડ ઠીક કરવા મિતેષ એમને લઈ ગયો છે. એ પણ ક્યારેક કવિતાનો મૂડ ખરાબ થતો ત્યારે કેવા કેવા ગતકડાં કરતો! ક્યારેક અચાનક કોઈ જગ્યાએ મ્યુઝિકલ ઈવનિંગનાં બે ગણી કિંમત ચૂકવી પાસ લઈ આવતો તો ક્યારેક પોતે લખેલી રોમેન્ટિક પદ્ય રચનાઓ બેડરૂમમાં મોટે મોટેથી વાંચતો અને એ હસીને વળગી પડતી. કહેતી, "પરમ હું બહુ નસીબદાર છું. અને હવે દરેક જન્મે નસીબદાર રહેવા જ માંગુ છું." એ તે દિવસે શૃંગારરસિક રચનાઓ લખતી એની પ્રિય કવિયત્રી કાવ્યાની રચના કેવા માદક અવાજમાં બોલ્યો હતો એ શબ્દશઃ યાદ આવી,


"આજે કોણ જાણે કેમ એ વહેલો ઉઠયો,

હું રાતના મીઠા ઉજાગરા ઓઢી સૂતી રહી,

ચહેરા પર વિખેરાયેલી લટ,

મારા પ્રિયતમે સ્પર્શેલું બદન,

નાઈટસૂટમાં વિંટાયેલું હતું.

એ આવ્યો ન્હાઈને અને,

ભીના વાળ છંટકાવ્યા મારા પર,

આંખ ખૂલી એને જોયો,

જાણે પહેલીવારનો મોહ!

સુદ્રઢ બાંધો, પહોળી છાતી,

ઉપર છવાયેલી સૂંવાળી રૂંવાટી,

કેળસ્તંભ સમી મજબૂત ભૂજાઓ,

મારી મદહોશ આંખોનું,

આમંત્રણ એ સમજી ગયો,

આગોશી, મદહોશી ,

બેસબ્રી માં ફરી ખોવાઈ ગયાં."

આ સાંભળીને એનો મૂડ સુધરી જતો અને એ કાવ્યાની લખેલી રચનાને સાકાર કરવા મંડી પડતી અને સામેથી વરસતા પ્રેમ ઝીલતાં કહેતી," હું ક્યારેય પણ તમારા વખાણ માટે કંઈક બોલી હોઉં અને એને પહોંચી જતું હોય એવું લાગે છે ! આ તો જાણે મારાં મનનું જ બધુ!" અને એને ભેટીને એ પણ એક ડાયલોગ બોલી ગયો હતો, "શાયદ, દિલ સે દિલ તક કા રિશ્તા હોગા ઉનસે હમારા." અને એ આ જ નશીલી આંખો આશ્ચર્ય પૂર્વક પહોળી કરતાં બોલી હતી, " મારી જેમ આવા ડાયલોગ પણ શીખી ગયા! પણ ઑયે સાંભળી લેજો આ દિલ સાથે ફક્ત મારો જ નાતો રહેશે. બીજી કોઈની એન્ટ્રી જોઈએ જ નહિ." અને એ વધુ જોશથી એને ભેટીને બોલી પડ્યો હતો, "હા, મારી સોનુની મા હા.." કાશ! એ મારાં જેવું કંઈક શીખી હોત. વિચારીને ફરી એક નિઃશ્વાસ સરી પડ્યો.


આલાપ એના એક દોસ્ત સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો, " ન કોઈ તપાસ, ન કોઈ ફરિયાદ વાત દબાઈ ગઈ લાગે છે. બાકી મારી તો ઈશ્કમાં ફના થવાની પૂરી તૈયારી જ હતી. ઓકે, તારે પૂરી વાત સાંભળવી છે ને? વેઇટ કહું છું પણ તું ઘરે જ આવી જા મમ્મી નથી. એકલો જ છું, એટલે બધું કહી શકીશ." જૈનિશ આલાપનો ખાસ મિત્ર, નર્સરી થી કોલેજ સુધીની અતૂટ મૈત્રી. જૈનિશ શરૂઆતમાં એને, "આ ઓનલાઈન "બલા" થી સંભાળજે." એમ કહેતો, પરંતું જ્યારે એને રૂબરૂ મળ્યો ત્યાર પછી એને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે માયા સાચે જ આલાપ માટે લાગણી ધરાવે છે. ભલે ચાર-પાંચ વર્ષ મોટી હોય તો શું થયું આજકાલ ઘણાં એવા કપલ સક્સેસ લાઈફ જીવતાં જોયાં છે. જૈનિશ અને આલાપ બહુ હોશિયાર લેખી શકાય એટલી હદે બુદ્ધિશાળી. એમની વાતોમાં દેશ-દુનિયાની ખબરો, સમાજમાં પ્રવર્તતી બદીઓ, ફિલ્મી ફન્ડાઓથી લઈને રાજકારણ અને લેટેસ્ટ ટેકનોલોજી વિશે ચર્ચાઓ થતી હોય. કોલેજની છોકરીઓની કે સાથી મિત્રોનાં અફેરની વાતો એ લોકોને ક્યારેય અડતી નહિ. જ્યારે સુરતનો અને રાજકોટનો એકતરફી પ્રેમ અને હત્યાના કિસ્સા વાંચ્યા ત્યારે પણ બન્ને દોસ્તોએ ઘણી વિગતે ચર્ચા કરી હતી. એ એકતરફી પ્રેમ કરનારની માનસિકતા વિશે, એ લોકોનાં કુટુંબીજનો વિશે અરે આલાપ તો કહેતો, "એકતરફી પ્રેમને પામવા માટેની જીદ, અને સામેવાળી વ્યક્તિને કરાતી કાકલૂદી તો મને ભીખ માંગવા જેવું લાગે. આજનાં આ ડિજીટલ યુગમાં એ બધાં વેવલાવેડા કરીને દુઃખી થાય એનાં જેવા કોઈ મૂરખ નહિ." જૈનિશ પણ સૂર પુરાવતો, " યુ આર રાઈટ, આઈ એગ્રી વિથ યુ. હવે સામેવાળું પાત્ર તો જીવથી ગયું ના એને મળ્યું કે ના એના ઘરનાનું રહ્યું. વળી, એવા લોકો પોતે પણ ક્યાંયના નથી રહેતાં. સરકારી સજા મોત અથવા મોતથી બદતર જીંદગી જીવવી પડતી હોય છે, ટૂંકમાં પોતાને હાથે જ પોતાની મૃત્યુની ખાઈ ખોદવી! એટલી હદે એવા લોકોની મહાનતા કહેવી કે જે હોય એ પણ આ યુગમાં જરાય વ્યાજબી નથી લાગતું કે "તું ગઈ અબ તેરે પીછે મૈં ભી..અબ જી કે કયા કરેંગે.." ધીસ ઓલ આર રબિશ, આઈ હેટ ધીસ કાઇન્ડ ઓફ થોટ પ્રોસેસ" આલાપ પણ સહમતી દર્શાવતો, "એબ્સયોલુટલી રાઈટ માય બ્રો, પાછળ રહેલા પરિવારજનોનો પણ વિચાર કરવાનો હોય ને યાર.જે લોકો આપણને વીસ-બાવીસ વર્ષ સુધીનો સાથ આપે સતત વ્હાલ અને પ્રેમ આપે, એ લોકોની એ લાગણીઓને ફક્ત એક છોકરી પાછળ કઈ રીતે દાવ પર લગાડી શકાય? મને તો આવા લોકો પર સખત તિરસ્કાર છૂટે છે અને અમુક વૅ થી દયા પણ આવે છે. એમ થાય કે આફટર સિક્સટીન આવી માનસિકતા ન બને એને માટે સ્કૂલોમાં, સેમિનાર્સ અને જરૂરી હોય એનું કાઉન્સેલીંગ કરાવવું જોઈએ." આવા તેજસ્વી છોકરાઓ આજે મળવાનું નક્કી કરી રહ્યા હતા.


બેલ વાગતાં જ આલાપે લથડાતાં પગે જઈ દરવાજો ખોલ્યો, જૈનિશને જોતા જ ભેટી પડ્યો અને બન્નેની આંખો ભીની થઈ ગઈ. જૈનિશ આલાપને ખભાનો ટેકો આપી એનાં રૂમ સુધી દોરી ગયો. ત્યાં બેસતાં જ ફરી આલાપ જૈનિશને ભેટીને મોટેથી રડી પડ્યો. જૈનિશ એની પીઠ પસવારતો રહ્યો. એ રડતો અટક્યો એટલે બાજુનાં ટેબલ પર પડેલાં જગમાંથી પાણી આપ્યું. બોલ્યો, "હવે મન હળવું થયું હોય તો આખી વાત વિગતે કર. શાંતિથી…રિલેક્સ."


આ હંમેશાં સાથે રહેતાં દોસ્તો બે મહિનાથી કૉલેજ સિવાય ક્યાંય મળી શકતાં નહોતાં કેમકે જૈનિશનાં મમ્મી પપ્પા ત્રણ મહિના માટે ભાઈને ત્યાં કેનેડા ગયાં હતાં. એ એકલો રહી શકે એમ હતો પરંતું મામા-મામીનાં આગ્રહને વશ થઈ એ એમના ઘરે રહેવા ગયો હતો, જે કૉલેજથી સાવ બીજે છેડે હતું. બીજાના ઘરે રહેવાનું હોય તો સમયસર ઘરે પહોંચવું એવું મમ્મીનું સૂચન અનુસરતો હતો. એ કારણે એ મિત્રો ક્યાંય એકલા મળી શકતા નહોતા. કૉલેજમાં એ વાત કહેવી રિસ્કી લાગતી. વળી, છેલ્લા એક મહિનાથી આલાપ ડિપ્રેશનની દવા લઈ સૂઈ રહતો હતો. કૉલેજ નહોતો જતો એટલે જૈનિશ ઘરે મળવા આવતો હતો ખરો, પરંતું આલાપની માનસિક સ્થિતિ જોતાં અને ખાસ તો આંટીની હાજરીમાં બીજું કંઈ પૂછી શકતો નહિ.


ક્રમશ: