Runanubandh - 45 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ.. - 45

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ઋણાનુબંધ.. - 45

પ્રીતિને કુંદનબેન સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું હતું. પ્રીતિને પણ થયું કે, મમ્મીની વાત સાચી જ છે, મારો કોઈ વાંક નથી તો મારે આ બાબતે વિચારવું ન જ જોઈએ. પ્રીતિ પોતાનું બધું ધ્યાન થીસીસ લખવામાં જ આપતી હતી.

રજાનાં દિવસોમાં સીમાબહેન આવ્યા હતા. અજયે એમની સામે પણ પ્રીતિને એજ સંવાદો કહ્યા, કે "તું મને છોડી દે.. તું તારા પિયર જતી રે. હું તને ક્યારેય ન્યાય નહીં આપી શકું."

પ્રીતિ થોડી વાર ચૂપ રહી, એને થયું કે, મમ્મી કે પપ્પા હમણાં બંને માંથી કોઈક એને ઠપકો આપશે કે, પ્રીતિ ગર્ભવતી છે ને તું એને આવું કહે છે? પણ એ બંને ચૂપ જ રહ્યા હતા. પ્રીતિ એમના મૌનથી ખુબ સમસમી ઉઠી હતી. પ્રીતિ ભાર પૂર્વક એક જ વાત બોલી કે, "હું તમને ક્યારેય છોડીશ નહીં આથી આવું વિચારવાનું બંધ કરો."

પ્રીતિ પોતાના રૂમમાં જ જતી રહી હતી. એને એ તકલીફ થઈ કે આ કેવા માતાપિતા છે કે જે પોતાના દીકરાની ખોટી વાતને પણ છાવરે છે. ઘડીક તો પ્રીતિને થયું કે, આ મારા સાસુનો જ પ્લાન હશે કે તું એવું કહેજે, જેથી તારા સાસરાંવાળા પ્રીતિ સાથે તને પણ ઘરજમાઈ તરીકે અપનાવી લે! પ્રીતિએ તરત પોતાના વિચારને અટકાવ્યો કે, અજય એવું થોડી પસંદ કરે.. ના ના કારણ શું હોય એ ખબર નથી પણ આવું તો ન જ હોય.. મારો અજય સાવ એવો તો નથી જ કે ઘરજમાઈ બનવાની આશા રાખે. પ્રીતિનું મન નેગેટિવ વિચારમાં ઘેરાવા લાગ્યું હતું. એને તરત પહેલી એપ ખોલી અને એમાં વાંચવા લાગી હતી. વિચારો ખુબ પરેશાન કરતા ત્યારે પ્રીતિ આમ જ કરતી, વાંચનમાં પોતાનું મન પરોવતી અને ખુશ રહેવાની કોશિષ કરતી હતી.

અજયનું તો હવે એવું જ થઈ ગયું હતું રોજ રોજ એજ વાત કરતો હતો. પ્રીતિ સમજાવવાના પ્રયાસ કરતી અને અંતે બંને વચ્ચે મૌન છવાઈ જતું હતું. હવે પ્રીતિ સામેથી વાત કરતી હતી. અજયે બોલવાનું સાવ બંધ જ કરી દીધું હતું. પ્રીતિના કામ માટેના પ્રશ્નો નો જ જવાબ મળતો હતો. અજય પ્રીતિની હાજરી અવગણતો હતો.

અહીં પ્રીતિ અને અજયના જીવનમાં ઉદભવેલી ખોટી સમસ્યા આરામથી નિવારી શકાય એમ હતી જો અજયના માતાપિતાએ પોતાની ફરજ બજાવી હોત તો, સંતાનો ગમે તેટલા મોટા કેમ ન હોય પણ પોતાના બાળક માટે એ એમના વડીલ છે અને રહેવાના જ.. બસ આજ હક થી જો દીકરો પુત્રવધૂને હેરાન કરતો હોય તો અચૂક એમની સમસ્યા દૂર કરવાની ફરજ વડીલો ની આવે જ છે. જ્યાં ભૂલ હોય એ ભૂલને સુધારવાનું કહેવું જ જોઈએ. ચૂપ રહેવાથી વડીલો પોતે જ પોતાના જ પરિવારના દુઃખનું કારણ બને છે. જે ઘણાનું જીવન છિન્નભિન્ન કરી નાખે છે.

પ્રીતિના સીમંતની તારીખ નક્કી થઈ ગઈ હતી. પ્રીતિને એ તૈયારીની સાથોસાથ પોતાની થીસીસ પણ પુરી કરવાની હતી. સીમંત પછી પ્રીતિ એના પિયર જ ડીલેવરી કરવાની હતી. આથી સીમંત પહેલા એણે થીસીસ પુરી કરવી ખુબ જરૂરી હતું. જો થીસીસ અધૂરી રહે તો ડીલેવરી પહેલા તો એ આવી ન શકે અને બાળકના જન્મ પછી એણે બાળકને જ પહેલી પ્રાથમિકતા આપવી પડે ને! આથી થીસીસ સીમંત પહેલા જ પુરી કરવી ફરજીયાત હતી. પ્રીતિ ખુબ માનસિક ત્રાસ સહીને થીસીસ પર ધ્યાન આપી રહી હતી. આસ્થા નો એને ખુબ જ સાથ હતો. બસ, પ્રીતિને અત્યારે મજબૂત ટકાવી રાખે એવી એની આ મિત્ર જ હતી કે જે એને ખુબ હિમ્મત આપતી અને એનું દુઃખ સાંભળીને એનું મન હળવું કરવા સાથ આપતી હતી. ક્યારેક પ્રીતિના માટે પોતાના હાથથી બનાવેલ ભોજન પણ લાવતી. પ્રીતિનું આ સમયમાં ધ્યાન રાખીને એ પ્રીતિની ઋણી બની ગઈ હતી.

પ્રીતિ ક્યારેક હોર્મોનલ ફેરફારના લીધે એ ખુબ પડી ભાંગતી હતી. ત્યારે એના મમ્મી એને ફોન પર પોઝિટિવ વાતો કરી ને હિમ્મત આપતા હતા. થીસીસ ભલે પ્રીતિ જ લખતી હતી પણ એને લખવાનો જોમ કુંદનબેન જગાડતા હતા. આ બધી ચિંતાઓમાં પણ પ્રીતિ પ્રયાસ તો એવા જ કરતી કે અજય એની સાથે નોર્મલ રહીને વર્તે પણ અજયને એના જીવનમાં પ્રીતિને રાખવી હતી કે નહીં એજ એક પ્રશ્ન હતો.

પ્રીતિનું સીમંત ત્રીજી માર્ચે હતું. અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ એણે પોતાની થીસીસ પુરી કરી લીધી હતી. એક મોટી ચિંતા પ્રીતિની ટળી હતી. પ્રીતિ ખુબ જ ખુશ હતી. પિયર હવે એ જતી રહેવાની હતી, ફરી પાછી આવશે કે નહીં એની અજયના વર્તનના લીધે પ્રીતિને આશા જણાતી નહોતી આથી એ ચિંતા
પ્રીતિને હતી કે થીસીસ સમયસર પુરી ન થઈ તો, પણ એ ચિંતા દૂર થઈ કેમકે થીસીસ સમયસર કોલેજમાં રજુ કરી દીધી હતી.

સીમંત બે દિવસ પછી જ હતું આથી એની તૈયારી પ્રીતિ કરવા લાગી હતી. પ્રીતિને એ સમજાઈ રહ્યું નહોતું કે એના માટે લાગણી ખરેખર પરિવારમાં કોઈને નહોતી તો આટલા હરખથી સીમંત નો પ્રસંગ કેમ કરી રહ્યા હતા. પ્રીતિ પોતે પોતાનાં આવનાર બાળક માટે ખુશ હતી કે, એ બાળક આવશે એટલે અજય સાથે એના સબંધ આપમેળે સારા થઈ જ જશે ને! બીજાનું બાળક પણ આપણને કેટલું વહાલું લાગે છે તો આ તો એનું જ બાળક હોય તો શું એને વહાલું નહીં લાગે? પ્રીતિ પોતાના જ પ્રસંગની તૈયારી હરખથી કરી રહી હતી.

પ્રીતિના પિયરથી એના પપ્પા તથા પરીવારની સ્ત્રીઓ આવી રહ્યા હતા. પ્રીતિના દૂરના મામાની દીકરી પણ આવવાની હતી. એનુ નામ સ્નેહા હતું. પ્રીતિ અને એને ખુબ બનતું હતું.

સીમંતના સવારે પ્રીતિના પિયરથી બધા આવી ગયા હતા. પ્રીતિ બધાને જોઈને ખુશ થઈ ગઈ હતી. એક પછી એક વિધિ થવા લાગી હતી. થોડી જ કલાકોમાં પ્રીતિ પોતાને પિયર જવાની હતી. પણ અજયના વલણમાં કોઈ જ ફેર પડયો નહીં. સીમાબહેન પણ દેખાવની આગતાસ્વાગતા કરતા હતા. એમને હજુ ખ્યાલ નહોતો જ કે કુંદનબેન અમુક વાત જાણે છે. કુંદનબેનને એમ હતું કે ડીલેવરી શાંતિથી પતાવીને આ વાત ઉચ્ચારવી કારણકે બાળકને ધ્યાનમાં લઈને ચાલવું પ્રીતિ અને બાળક બંનેના હિતમાં હતું. કુંદનબેન ખરેખર ખુબ ધીરજ રાખીને દીકરીનો પ્રસંગ ઉકેલી રહ્યા હતા. કુંદનબેનનો આ સ્વભાવ ખરેખર વખાણવા લાયક જ હતો કારણકે કોઈ પણ માતા પોતાની ગર્ભવતી દીકરીને એના જ સાસરીના લોકો ખોટી રીતે હેરાન કરે એ જાણી ચૂપ રહેવું અશક્ય જ વાત છે છતાં કુંદનબેન હસતા મોઢે ચૂપ રહેતા હતા.

પ્રીતિનો પ્રસંગ શાંતિથી પતી ગયો હતો. બધાનો જમણવાર પણ પતી ગયો હતો. કુંદનબેન બધાની રજા લઈ રહ્યા હતા. પ્રીતિને એમ હતું કે અજય જતી વખતે તો કંઈક બોલશે જ.. પણ પ્રીતિની આશા ખોટી હતી. અજય એ જતી હતી એ તરફ નજર જ કરતો નહોતો. કદાચ અજય એ ક્ષણ જોવા ઈચ્છતો ન હોય એમ વિચારીને ફરી પ્રીતિએ અજયને બોલાવીને બાય કહ્યું હતું. અજયને બીજી કોઈ વાત કરવી જ નહોતી આથી એ અન્ય મહેમાનોને સાચવવામાં વ્યસ્ત થઈ ગયો હતો. પ્રીતિએ બસમાં બેસતી વખતે પણ જ્યાં સુધી અજય દેખાતો હતો ત્યાં સુધી એને જ જોતી હતી. પ્રીતિની બસ ઉપડવાની જ હતી પણ અજયની નજર પ્રીતિ તરફ ન ફળી તે ન જ ફળી! બસ ચાલુ થઈ ગઈ અને બધા પ્રીતિને લઈને જઈ રહ્યા હતા.


**************************


અજયથી આજ બૂમ પડાય જ ગઈ, પ્રીતિ..... અને અજયની આંખ ખુલી ગઈ હતી. સામે ભગવાનનું સ્મિત વેરતું દ્રશ્ય જોઈને અજયને થયું કે, કુદરત પણ હસે છે કે જયારે રોકવાની હતી ત્યારે તે એને ન રોકી! પૂજારી આરતીની થાળી લઈને અજય પાસે આવ્યા અને અજયને આરતી લેવા કહ્યું હતું. અજયને પૂજારી ચહેરેથી ઓળખતા જ હતા. એમણે અજયને પૂછ્યું,
"બેટા કોઈ ચિંતામાં છે? ક્યારનો તું અહીં આંખ બંધ કરી બેઠો છે."

"હા કાકા, જીવનમાં ઘણી ભૂલો કરી છે એની સજા ભોગવું છું. આજ પ્રભુ પાસે આશીર્વાદ લેવા આવ્યો છું કે, હું મારી ભૂલને સ્વીકારી શકું અને ફરી બધું ઠીક કરી શકું."

"તથાસ્તુઃ બેટા તારી મુશ્કેલી દૂર થશે. તું નિસફીકર જા."

"આપના આશીર્વાદ" આટલું બોલતા અજય પુજારીને પગે લાગ્યો હતો. અને ત્યાંથી સ્તુતિને મળવા નીકળ્યો હતો. રસ્તો ઘણો લાંબો હતો, વળી અજયનું મન ખુબ વ્યાકુળ હતું આથી એને ગાડી સ્ટેશને મૂકી અને બસમાં બેસી જવાનું નક્કી કરી બસમાં બેઠો હતો.

શું અજય અને સ્તુતિની મુલાકાત થશે?
શું સ્તુતિ સહજરીતે પોતાના પિતા સાથે વાત કરશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻