ડો. રોહિણી ગુપ્તા સવારમાં રોજિંદુ કામ આટોપીને ઝડપથી હોસ્પિટલ જવા ઘરની બહાર નીકળી. બહાદુરને દરવાજો ખોલવાનો ઈસરો કરી સંજુને ગાડી બહાર કાઢવા બુમ પાડી. આજે ડો. રોહિણી થોડી ચિંતામાં ઘેરાયેલી હતી. સવા બે કરોડના બંગલામાં નોકર-ચાકર સાથે સાહીબીવાળી જિંદગી વીતી રહી હતી છતાં ડો.ના ચહેરા પર ચિંતાની રેખાઓ ? હા, રોહિણીને તેના પતિ પ્રોફેસર આસુતોષ આચાર્ય સાથે છુટાછેડાને 13 વર્ષ થઇ ગયા હતા. આમ તો પોતાના પગ પર ઉભી રહેવા સક્ષમ રોહિણીને આસુતોષની ખોટ કોઈ વાતે નહોતી સાલતી પરંતુ ડોકટરી દુનિયામાં રોહિણીથી એક એવું ખોટું પગલું ભરાઈ ગયું હતું કે તે દળદળમાંથી બહાર નીકળવા મોટી રકમ ચૂકવવી પડે એમ હતી. અને એ રકમ ચુકવવા માટે તેની પાસે સમય ફક્ત 6 દિવસનો જ હતો. જો આ 6 દિવસમાં ઓપરેશન કે કંઈ કાળાધોળા કરીને પણ રકમ ભેગી કરી શકે તો તેનો ભાંડો ફૂટતા બચી જાય અને છાપે નામ ના ચડે અને જિંદગી જીતી જાય. ડો. રોહિણી માટે એક-એક દિવસ, એક-એક કલાક પૈસા ક્યાંથી આવશે તેના જ વિચારમાં જતા.
અચાનક ડો. રોહિણીના મોબાઈલમાં કોઈ નોટીફીકેશન આવ્યું. વિચારોના વેગવંતા ઘોડાઓ થંભી ગયા, ફિંગરપ્રિન્ટથી મોબાઈલ અનલોક કરી રોહિણીએ વોટ્સએપનો મેસેજ ખોલ્યો. જોયું તો થોડા દિવસ પછી આવતા રક્ષાબંધન પર્વ માટે સોસીયલ મીડિયાની પોસ્ટ જેવો કોઈ મેસેજ હતો. જેમાં લખ્યું હતું કે “ચાલો આ રક્ષાબંધનના દિવસે પ્રણ લઈએ કે બંધ-ધનની રક્ષા કરીએ” સાથેનું ગ્રાફિક્સ એવું દર્શાવી રહ્યું હતું કે બંધ-ધન એટલે કે દીકરી રૂપે જન્મ લેતો બંધ જીવરૂપી ધનની રક્ષા કરીએ, એટલે કે ભ્રુણ હત્યા બચાવીએ. ડો. રોહિણીએ આ પોસ્ટ વાંચી અને કટાક્ષમાં થોડું હસીને સ્ક્રીન પાછી લોક કરી દીધી.
આજે આખા દિવસમાં ડો. રોહિણીનું આ આઠમું ઓપરેશન હતું. સવારથી ડીલીવરી અને અબોર્શનના ઓપરેશન કરી કરીને રોહિણી સાવ થાકી ગઈ હતી છતાં તેને ફક્ત 6 દિવસના સમયની ચાલી રહેલી સ્ટોપવોચ દેખાઈ રહી હતી એટલે એ બને તેટલા વધારે ઓપરેશન કરી વધારે પૈસા ભેગા કરવા મરણીયો પ્રયાસ કરી રહી હતી. છેલ્લું ઓપરેશન પૂરું કરીને જ્યાં તેનું એપ્રન કાઢવા જ જતી હતી ત્યાં જ પાછળથી એક સિસ્ટર આવી અને આ એક ચેક-અપ છે તે લઇ લેવાય તો સારું, એવું કહ્યું. ડો. રોહિણીએ દરવાજાના ઉપરના કાંચમાંથી બહાર જોયું તો ત્યાં એક પ્રેગ્નેન્ટ લેડી તેના પતિ સાથે બેઠી હતી. રોહિણીએ તે બંનેને અંદર મોકલવા માટે સિસ્ટરને જણાવ્યું.
પતિ અને તેની પત્ની અંદર આવવા ગયા ત્યાં જ રોહિણીએ તેના પતિને બહાર બેસવાનું ઇસારાથી જણાવ્યું અને તેની પત્નીને ચેકિંગ રૂમમાં લઇ ગઈ. સિસ્ટર તેના પતિ પાસેથી અંડર ટેબલ રૂપિયાનું કવર લઈને એપ્રનના અંદરના ખિસ્સામાં મૂકી ઝડપથી ચેકિંગ રૂમમાં ડો. રોહિણીને મદદ કરવા માટે આવી પહોંચી. ચેકિંગના અંતે ડો. રોહિણી અને સિસ્ટરની બંનેની આંખોએ સાનમાં જ કૈંક વાત કરી. પેશન્ટના બેડ પર સુતેલી પેલી બાઈના કપાળે પરસેવાના ટીપા ઉપસી આવ્યા. તેના પતિને બહારથી બોલાવ્યો અને ગર્ભમાં ‘દીકરી’ છે એવું જણાવ્યું. ત્રણ-ત્રણ દીકરી પછી ચોથી પણ દીકરી ? એ સંભાળતા જ બાઈ ફસડાઈ પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. તેનો પતિ પણ સાવ ઢીલો થઇ ગયો. અંદર ચેકિંગ રૂમમાં સુતેલી તેની પત્ની સાથે વાત કરીને તે તરત બહાર આવ્યો અને ડો. રોહિણી સાથે નેગોસીયેટ કરી બીજું એક પૈસાનું કવર સેરવ્યું અને અત્યારે જ અબોર્શન કરી નાખવા વિનંતી કરી. આખા દિવસની થાકી હોવા છતાં ડો. રોહિણી બમણા ઉત્સાહથી આ એબોર્શન કરવા લાગી પડી.
બીજા દિવશે હોસ્પિટલમાં જ પત્નીનો હાથ પકડી તેનો પતિ ધૈર્ય બેડની બાજુમાં બેઠો હતો. ડીસ્ચાર્જની પ્રોસીજર કરવા માટે તે રીસેપ્સન પર ગયો પણ બીજા પેશન્ટની દેખરેખ અને અલગ-અલગ ડોકટરોના રાઉન્ડમાં બધા જ સિસ્ટર બીઝી હતા. એક જ સિસ્ટર રીસેપ્શન પર હાજર હતી અને તે પણ ફોનમાં કોઈ સાથે લાંબી-લાંબી વાત કરી રહી હતી. ધૈર્યની નજર ત્યાં ફાઈલિંગ કરવા માટે મુકેલા કાગળ પર ગઈ. તેના પર તેની પત્નીનું નામ લખ્યું હતું સાથે તેના ગઈકાલના રીપોર્ટ પણ હતા. કુતુહલ વશ તેને પાનું ફેરવ્યું અને જાણે તેના પર આભ તૂટી પડ્યું !!
રીપોર્ટમાં તેની પત્ની સુનંદાને ગર્ભમાં Male એટલે કે છોકરો છે તેવું સ્પષ્ટ લખ્યું હતું. ગુસ્સા અને ગભરાટ સાથે તેને ફોન પર વાત કરી રહેલી સિસ્ટરને કહ્યું કે આ કોનો રીપોર્ટ છે ? સિસ્ટરે જે રૂમ નંબર કહ્યો તે તેની પત્નીનો જ હતો. રીપોર્ટ લઈને ધૈર્ય સીધો જ ડો. રોહિણીની કેબીનમાં ઘુસ્યો ! રીપોર્ટ ટેબલ પર પાછળતા જ ધૈર્ય તાડૂકી ઉઠ્યો, ડો. આ શું છે ? રીપોર્ટમાં તો મારી પત્નીને ગર્ભમાં છોકરો હતો તેવું સ્પષ્ટ લખ્યું છે !! ડો. રોહિણીએ બેફીકરાઇ પૂર્વક રીપોર્ટ પર નજર ફેરવી અને કપાળની રેખાઓ તંગ કરીને સવાલ પૂછ્યો “આ રીપોર્ટ તમને ક્યાંથી મળ્યો ?” “ક્યાંથી એટલે ? રીપોર્ટ જોવાનો પણ હક્ક નથી મને ? પૈસા આપ્યા છે મેં અને તે પણ તમે માંગ્યા એટલા” ધૈર્યનો અવાજ મોટો થવા લાગ્યો. “રીસીપ્ટ છે તમારી પાસે તેની ?” “રીસીપ્ટ..... એ તો.... તમે....” “સોરી મિસ્ટર ધૈર્ય, ઉતાવળમાં ભૂલ થઇ ગઈ છે અમારાથી, દિલગીર છીએ તે માટે. સિસ્ટર, આ પેશન્ટના ડીસ્ચાર્જની પોસીજર કરજો ઝડપથી”
ધૈર્ય ખરેખર જ ધૈર્ય ગુમાવી બેઠો હતો. તેના મસ્તિસ્કમાં વિચારોનું ઘમસાણ ચાલવા લાગ્યું પણ ગેર-કાનૂની રીતે કરાવેલું ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાત હોવાથી ધૈર્ય કંઈ કરી શકે એમ ન હતો. ધૈર્ય અને સુનંદા ઘેરે આવ્યા અને બધાને જયારે વાતની ખબર પડી ત્યારે આખુ કુટુંબ ન કહી શકાય કે ન સહી શકાય એવા શોકમાં ગરકાવ થઇ ગયું.
બપોરે લંચબોક્ષ ખોલતી વખતે ડો. રોહિણીના મોબાઈલમાં નોટીફીકેશન આવ્યું. ટીસ્યુથી હાથ સાફ કરી તેણે ફિંગરપ્રિન્ટથી મોબાઈલ અનલોક કર્યો. ગઈકાલવાળી જ પોસ્ટ હતી... “ચાલો આ રક્ષાબંધનના દિવસે પ્રણ લઈએ કે બંધ-ધનની રક્ષા કરીએ” સાથેનું ગ્રાફિક્સ જોતા જ રોહિણીના હાથ ધ્રુજવા લાગ્યા. અજાણતા કે પછી જાણી જોઇને જ કોઈના ઘરનો કુળદીપક તેના જ હાથે કાયમ માટે બુઝી ગયો હતો.
કાળની કેવી વિચિત્રતા કે એક ડોક્ટર સ્ત્રી જ ફક્ત પૈસાની લાલચે ગર્ભમાં ઉછરી રહેલી સ્ત્રીની હત્યા કરે છે ! ડોકટરોને મળતી તગડી કમાણીની આડમાં શું લાખોની સંખ્યામાં થતા ગેર-કાનૂની અબોર્શનમાં કોઈ કુળદીપક પણ નહિ બુઝાઈ જતો હોય ? આવો, આપણે જાગૃત સમાજના જાગૃત નાગરિક બનીએ અને આ બંધ-ધનની રક્ષા કરવાના રક્ષાબંધનના પવિત્ર દિવસ પર પ્રણ લઈએ.